Monday, May 13, 2024
Homeઓપન સ્પેસભારતમાં તહેવારોઃ મુસ્લિમો સામે પડદા પાછળ હિંસાના પ્રસંગો

ભારતમાં તહેવારોઃ મુસ્લિમો સામે પડદા પાછળ હિંસાના પ્રસંગો

  • લે. એમ. હુઝૈફા

તાજેતરના સમયમાં, હિંદુ તહેવારોની પવિત્રતા અરાજક વલણ દ્વારા ખરડાઈ છેઃ મુસ્લિમો અને તેમની મિલકતોને ઇરાદાપૂર્વક લક્ષ્ય બનાવવું. જે તહેવારો આનંદ અને સાંપ્રદાયિક સૌહાર્દના પ્રસંગો હોવા જોઈએ, તેને સાંપ્રદાયિક વિખવાદના બીજ વાવવા માટેના મંચ તરીકે ફેરવવામાં આવી રહ્યા છે. ઉજવણીની આડમાં, ચોક્કસ સમુદાયના ટોળાં હથિયારો લહેરાવે છે, ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર કરે છે, અને મુસ્લિમ પડોશમાં અરાજકતા પેદા કરે છે, હિંદુ સર્વોચ્ચતાની ભાવનાને પ્રદર્શિત કરવાનો પ્રયાસ કરે છે. પોલીસની હાજરી હોવા છતાં, આ ટોળા વારંવાર વિનાશનું પગેરું છોડીને નિરંકુશ બની કામ કરે છે – ધાર્મિક પ્રતીકોની અપવિત્રતા, ઘરો અને ખેતરોની તોડફોડ અને, સૌથી દુઃખદ, માનવ જાનહાનિ.

આ કોઈ નવી ઘટના નથી. ૧૮૦૦ના દાયકાના અંતમાં પણ, તહેવારો સાંપ્રદાયિક હિંસા અને રમખાણો સાથે સંકળાયેલા હતા. માત્ર ઉજવણી ઉપરાંત, તહેવારો રાજકીય એજન્ડા આગળ વધારવા માટે સમુદાયોને એકત્ર કરવા માટેના સાધનો તરીકે વપરાયા છે. આ હિંસાનાં મૂળિયાં પૂર્વ-વસાહતી, સંસ્થાનવાદી, વિભાજન અને સ્વતંત્રતા પછીના યુગમાં ફેલાયેલા હિંદુઓ અને મુસ્લિમો વચ્ચેના સત્તા સંઘર્ષના જટિલ ઇતિહાસમાં ઊંડા ઊતરેલા છે.

આ હિંસાનું કેન્દ્ર એ એક વિચારધારા છે જે મુસ્લિમોને ઘૂસણખોરો અને અસંસ્કારી, ભારતીય ઉપખંડ માટે પરાયા તરીકે ચિત્રિત કરે છે, તેમજ સદીઓથી મુસ્લિમ શાસન હેઠળ હિંદુ દમનની દંતકથાને પ્રસારિત કરે છે. આ વર્ણન મુસ્લિમ વિરોધી ભાવનાઓને ઉત્તેજન આપે છે, જે આજે મુસ્લિમ સમુદાય સામે વિવિધ પ્રકારની હિંસાને વેગ આપે છે. દ્વેષપૂર્ણ ભાષણ, પ્રચાર ફિલ્મો, ભડકાઉ ગીતો, પક્ષપાતી મીડિયા કવરેજ, કટ્ટરપંથી હિંદુ જૂથો દ્વારા હથિયારોની તાલીમ અને ઓનલાઇન ભડકાઉ સામગ્રી આ બધું મુસ્લિમો વિરુદ્ધ મનમાં ઝેર ઓકવામાં ફાળો આપે છે, તેમને દાવો કરાયેલા હિંદુ રાષ્ટ્રના દુશ્મનો તરીકે દર્શાવવામાં આવે છે.

હિંદુ ધાર્મિક સરઘસો દરમિયાન ટોળાની હિંસાની તાજેતરની ઘટનાઓ કદાચ નિમ્ન-ગ્રેડની લાગે, પરંતુ વાસ્તવિક દુષ્ટતા એ પછીના ઘટનાક્રમમાં રાજ્ય દ્વારા મુસ્લિમોની પ્રણાલિગત કનડગતમાં રહેલી છે. પોલીસ અને સત્તાવાળાઓ વારંવાર પૂર્વગ્રહયુક્ત વર્તન દર્શાવે છે, FIR, ધરપકડ, શિક્ષાત્મક વિધ્વંસ અને બળજબરીથી વિસ્થાપનમાં મુસ્લિમોને અપ્રમાણસર રીતે નિશાન બનાવે છે. આનાથી મુસ્લિમોની પીડિતતા ભૂંસાઈ જાય છે, અને તેમને અપરાધીકરણ અને હાંસિયામાં ધકેલી દેવાની બમણી સજા કરવામાં આવે છે.

“Routes of Wrath- Weaponising Religious Processions : Communal Violence During Ram Navami and Hanuman Jayanti” શીર્ષક હેઠળ પ્રસિદ્ધ અહેવાલ પ્રકાશ પાડે છે કે કેવી રીતે ધાર્મિક સરઘસોનો ઉપયોગ મુસ્લિમ વિસ્તારોને પસંદગીયુક્ત રીતે નિશાન બનાવવા, તેમની વિરુદ્ધ હિંસા આચરવા અને મુસ્લિમોને ઉત્પીડનનો અને ત્યારબાદ રાજ્યસત્તાનો ભોગ બનાવવાના બહાના તરીકે કરવામાં આવે છે.

અહીં એક નવી ચિંતાજનક પુનરાવર્તિત પેટર્ન છે, જેમાં સમાન કલાકારો હિંસાના આ એપિસોડ ચલાવે છે, જેમને રાજ્યનું સંરક્ષણ હાંસલ છે અને એક વિશાળ ઑનલાઇન પ્રચાર મશીન દ્વારા પ્રોત્સાહન આપવામાં આવે છે. હિંસાના આ નવા સ્વરૂપો મુખ્યત્વે આર્થિક, રાજકીય, સામાજિક અને માનસિક રીતે નબળા મુસ્લિમ પાડોશીઓને લક્ષ્ય બનાવે છે, તેમને વધુ અસ્થિર બનાવે છે.

મીડિયા ટ્રાયલ અને સામૂહિક સજાઃ એક ખતરનાક ગઠજોડ

ભય અને શંકાના આ વાતાવરણમાં મીડિયા ટ્રાયલ કાંગારૂ કોર્ટ તરીકે કામ કરે છે. ઘણીવાર, પ્રોપેગંડા અને નફરત ફેલાવવાથી ખોટા વર્ણનો પ્રસારિત થાય છે, જેમ કે મુસ્લિમોને હિંદુ ધાર્મિક રેલીઓ પર પથ્થરમારો કરવાવાળા કટ્ટરપંથીઓ અને તોફાનીઓ તરીકે દર્શાવવા. આ વર્ણનો જો કે વાસ્તવિકતાથી ઘણા દૂર હોવા છતાં, હિંદુ વસ્તીમાં ઉગ્રવાદી તત્વોને વધુ કટ્ટરપંથી બનાવવા અને એકત્ર કરવા માટે પ્રોત્સાહન આપે છે, જેઓ મુસ્લિમ વિસ્તારોમાં અરાજકતા અને હિંસા ભડકાવીને વિકૃત આનંદ મેળવે છે.

અન્યાયમાં વધારો કરવામાં કાયદા અમલીકરણ એજન્સીઓ પણ ભૂમિકા ભજવે છે, જેમનો પ્રતિભાવ ચિંતાજનક રીતે પસંદગીયુક્ત છે, અપ્રમાણસર રીતે મુસ્લિમ સમુદાયને લક્ષ્ય બનાવે છે. ન્યાયને સમર્થન આપવાને બદલે, તેઓ મુસ્લિમો પ્રત્યે ક્રૂર વર્તન કરે છે, ભય અને અવિશ્વાસનું વાતાવરણ સર્જે છે. મુસ્લિમો દ્વારા ફરિયાદો અને એફઆઈઆર દાખલ કરવાના પ્રયાસોને કસ્ટડીમાં યાતનાઓ, ગેરકાયદેસર અટકાયત અને ધમકીઓ દ્વારા દબાવી દેવામાં આવે છે, જેથી તેમની પાસે તેમની વેદનાના દસ્તાવેજીકરણ માટે અને ન્યાય મેળવવા માટે માત્ર ન્યૂનતમ અને જટિલ વિકલ્પો બાકી રહે છે.

આ વિકૃત કથામાં, ન્યાયની વિભાવના વિકૃત બની જાય છે, જેનું સ્થાન ‘મીડિયા ટ્રાયલ’ લે છે. પ્રાઇમ ટાઇમ ચર્ચાઓ, જે મોટાભાગે પક્ષપાતી અને સનસનાટીભરી હોય છે, તે અસરકારક રીતે મિનિ ટ્રાયલ તરીકે સેવા આપે છે જ્યાં મુસ્લિમ અપરાધીકરણ અને હિંદુ પીડિત દર્શાવતી કથાનું નિર્માણ કરવામાં આવે છે. સરકાર કથિત મુસ્લિમ તોફાનીઓ અથવા પથ્થરબાજો સામે સામાન્ય પ્રજાનો ગુસ્સો અને નફરત ફેલાવવા માટે આ કથાનકોનો લાભ ઉઠાવે છે, કેટલીકવાર બુલડોઝર ડીમોલીશન જેવી ઝડપી, શિક્ષાત્મક કાર્યવાહી માટે સોશિયલ મીડિયાના દબાણને પણ વશ થઈ જાય છે.

આ સામૂહિક સજા, જે એક્સ્ટ્રા જ્યુડિશ્યલ કાર્યવાહીઓ છે, તોફાનીઓ સામે શૂન્ય સહિષ્ણુતાની રાજ્યની નીતિની આડમાં મુસ્લિમ ઘરો અને દુકાનોને શિક્ષાત્મક રીતે તોડી પાડવાનો સમાવેશ કરે છે. આ કૃત્યોમાં કાનૂની આધારનો અભાવ છે અને તે બંધારણીય અધિકારોનું સ્પષ્ટપણે ઉલ્લંઘન કરે છે. તેના દ્વારા સમગ્ર પરિવારો, વિસ્તારો અને સમુદાયો અન્યાયી રીતે રાક્ષસી, આતંકિત અને દંડિત પરિણામો ભોગવે છે.

ત્વરિત ન્યાય અથવા બદલો લેવા માટેની આ ઉતાવળ કુદરતી ન્યાય અને લોકશાહીના સિદ્ધાંતોને નબળી પાડે છે. ન્યાયિક પ્રક્રિયામાં વિશ્વાસનો ઉત્તરોત્તર ઘટાડો આવી બુલડોઝર ક્રિયાઓની જાહેર સ્વીકૃતિને વધુ બળ આપે છે. જો કે, એ યાદ રાખવું અગત્યનું છે કે ત્વરિત ન્યાય એ વાસ્તવમાં ન્યાયની કબર ખોદવા સમાન છે.

‘ઇસ્લામોફોબિયા’ના પ્રતીકરૂપ બુલડોઝર રાજકારણ ભારતમાં ચિંતાજનક રીતે પ્રચલિત બન્યું છે. રાજકીય રેલીઓમાં બુલડોઝરને સત્તા અને મુસ્લિમ અંકુશના પ્રતીક તરીકે દર્શાવવામાં આવે છે, જ્યારે મુસ્લિમ વિરોધી માનસને પોષતા નેતાઓ, જેસીબીને ‘જેહાદ કંટ્રોલ બોર્ડ’ તરીકે લેબલ કરે છે. કેટલાંક રાજ્યના મુખ્યમંત્રીઓ જેઓ મજબૂત-પુરુષોની છબી કેળવે છે, તેઓ બુલડોઝર મામા અને બુલડોઝર બાબા જેવા ઉપનામો મેળવે છે અને તેમની લોકપ્રિયતાના ગ્રાફમાં નોંધપાત્ર વધારો કરે છે.

ટોળાશાહી અને ‘બુલડોઝર રાજ’ની આ સંસ્કૃતિ માત્ર બંધારણીય સિદ્ધાંતોનું ઉલ્લંઘન નથી, બલ્કે તે આપણા લોકતંત્ર માટે પણ મોટો ખતરો છે. યોગ્ય પ્રક્રિયાને બાયપાસ કરીને અને ન્યાયિક પ્રક્રિયા બહારના પગલાંનો આશરો લઈને, રાજ્ય તેની પોતાની કાયદેસરતાને નબળી પાડે છે અને અન્યાયને સ્વીકૃત બનાવે છે.

અદાલતો અને જાહેર જનતાના અંતરાત્માની નિષ્ફળતા

સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટ સહિતની બંધારણીય અદાલતો બંધારણીય સિદ્ધાંતો અને કાયદાના શાસનની રક્ષા કરવાની તેમની ફરજમાં અફસોસપૂર્વક નિષ્ફળ ગઈ છે. મૂળભૂત અધિકારોના સ્પષ્ટ ઉલ્લંઘનને સંબોધવાને બદલે, અદાલતો ઘણીવાર તેમની સાથે છૂટી-છવાઈ ઘટનાઓ તરીકે વર્તે છે, અને ચોક્કસ સમુદાય પર લાદવામાં આવતા વ્યાપક માળખાકીય અને પદ્ધતિસરના અન્યાયને ઓળખવામાં નિષ્ફળ જાય છે.

ચોક્કસ સમુદાયને લક્ષિત કરતી રાજ્ય-મંજૂર નીતિઓની હાજરીને સ્વીકારવાની આ અનિચ્છા આ ઉલ્લંઘનોના મૂળ કારણો અને પેટર્ન અંગે ન્યાયિક મૌન અને અજ્ઞાનતાના ઊંડા મુદ્દાને પ્રતિબિંબિત કરે છે. રાજ્યને તેની ક્રિયાઓ માટે જવાબદાર ઠેરવવામાં ન્યાયતંત્રની ભૂમિકા અનિવાર્ય છે, તેમ છતાં તે આ મહત્ત્વના ચિંતાજનક મુદ્દાઓને સંબોધવામાં નિષ્ફળ જાય છે તેવું લાગે છે.

જો કે, એ નોંધવું અગત્યનું છે કે બુલડોઝરની રાજનીતિના ભોગ મુસ્લિમ સમુદાયની બહારના લોકો પણ ક્યારેક બને છે. જો કે મુસ્લિમોએ પ્રતિકૂળતાનો સામનો કરીને દૃઢતા દર્શાવી છે, પરંતુ આ ઘટનાઓ આપણી કાનૂની વ્યવસ્થા, લોકશાહી અને બંધારણીય મૂલ્યોના પાયાને ક્ષીણ કરી રહ્યા છે. કાયદાનું શાસન, યોગ્ય પ્રક્રિયા અને કુદરતી ન્યાયના સિદ્ધાંતોને બુલડોઝ કરવામાં આવી રહ્યા છે, જે ન્યાયી અને સમાન સમાજના પુનઃનિર્માણ માટે એક મહત્ત્વપૂર્ણ પડકાર છે.

મુસ્લિમો, તેમની આસ્થા અને માન્યતા દ્વારા સંચાલિત, દૃઢતા અને નિશ્ચય દ્વારા આ પડકારોનો સામનો કરી લેશે. પરંતુ કાયદાના શાસન અને લોકતાંત્રિક સંસ્થાઓને જે નુકસાન પહોંચે છે તેને ઠીક કરવું વધુ મુશ્કેલ સાબિત થઈ શકે છે. આ ઘટનાઓ નફરત, હિંસા અને અસ્થિરતાના દુષ્ટ ચક્રને કાયમી બનાવે છે, જે માત્ર પ્રદેશના હિતોને જ નહીં પરંતુ વૈશ્વિક શાંતિ અને વ્યવસ્થા માટે પણ હાનિકારક છે.

ન્યાયના રક્ષક તરીકે, ન્યાયતંત્ર માટે આપણા બંધારણીય મૂલ્યોને જાળવી રાખવા અને જવાબદારી સુનિશ્ચિત કરવામાં તેની ફરજને ઓળખવી મહત્ત્વપૂર્ણ છે. આવી જવાબદારી વિના, આપણી લોકશાહી અને સમાજ પતનની અણી પર છે, જેના ભયાનક પરિણામો ભાવિ પેઢીઓ ભોગવશે. આ સમય છે કે અદાલતો આગળ આવે અને કોઇ પણ જાતના પક્ષપાત વિના દરેક માટે ન્યાય સુનિશ્ચિત કરે. આપણા સમાજે મુસ્લિમ વેરની આ અન્યાયી પ્રથાઓને નકારી કાઢવી જોઈએ અને કાયદાના શાસનને સમર્થન આપવું જોઈએ. તમામ હિસ્સેદારોએ આ પ્રણાલીગત મુદ્દાઓને ભેગા મળીને સંબોધવા માટે નિષ્ઠાપૂર્વક અને પ્રમાણિકપણે પ્રતિબદ્ધ થવું જોઈએ, જેમાં સંશોધન આર્કાઇવિંગ, જાહેર હિમાયત, વ્યૂહાત્મક મુકદ્દમા અને સામાજિક ચળવળોનું નિર્માણ સહિતના લાંબા ગાળાના પ્રયત્નો દ્વારા ખોટા વર્ણનોને દૂર કરવા અને અન્યાયને વ્યાપકપણે સંબોધવું જરૂરી છે.

ખોટા ને સ્વીકારીને, તેનું દસ્તાવેજીકરણ કરીને, કાનૂની પગલાં લેવાથી, જાગરૂકતા લાવીને, પીડિતોનું સશક્તિકરણ કરીને, ચળવળોને ઉત્તેજન આપીને અને ફેરફારો અને પડકારો સાથે સતત અપડેટ અને અનુકૂલન સાધવું એ નવા ભારતની મુખ્ય સર્વાઇવલ કીટમાંની એક છે. ન્યાયી સમાજ તરફ ખરેખર પ્રગતિ કરવા માટે, આપણે હિંસા અને જુલમના સત્તા માળખાને તોડી પાડવું જોઈએ, સત્ય અને ન્યાયના સિદ્ધાંતો અને લોકો પર આધારિત આપણી સંસ્થાઓનું પુનર્ગઠન કરવું જોઈએ.


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments