ચૂંટણી, ચૂંટણી, ચૂંટણી !!! ચારે કોર એક જ ચર્ચા છે, અને ચર્ચા કેમ ન હોય? ચૂંટણી લોકશાહી વ્યવસ્થાનો ઉત્સવ છે. આપણે એવા સમયે ચૂંટણીની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જ્યારે કે દેશ ખૂબ જ કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. સમગ્ર લોકશાહી વ્યવસ્થા છિન્ન ભિન્ન છે. નામની આચાર સંહિતા લાગુ છે, પરંતુ તે કોમવાદી કે પક્ષપાતી છે. શાસક પક્ષ વિપક્ષને દરેક રીતે ર્નિબળ કરવાના આરે છે. તેમના મંત્રીઓને જેલ ભેગા કરવા હોય કે વિપક્ષ પાર્ટીઓના બેન્ક ખાતા સીઝ કરવા હોય, જૂઠા આરોપ ઘડવા હોય કે ભ્રામક પ્રચાર કરવો હોય, દરેક શસ્ત્રનો ઉપયોગ થઈ રહ્યો છે. સૂરતમાં જે થયું તે ઓચિંતા થયું નથી. બધું ફિકસિંગ હોય અથવા ઉમેદવારને કોઈ ભય હોય ત્યારે જ શકય બની શકે. ચૂંટણીમાં પૈસાનો જે ખેલ ચાલે છે તે સામાન્ય માણસ પણ જાણે છે પરંતુ ખબર નહીં ઇલેકશન કમિશન કઈ રીતે ‘અજાણ’ રહે છે.
મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી એક એવી પ્રક્રિયા છે જ્યાં તમામ નાગરિકોને બળજબરી, ધાકધમકી અથવા છેડછાડ વિના તેમના પ્રતિનિધિઓને મુક્તપણે પસંદ કરવાની તક મળે છે અને જ્યાં સંપૂર્ણ ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ અને પારદર્શક રીતે હાથ ધરવામાં આવે છે. પ્રથમ અને બીજા તબક્કાની ચૂંટણીમાં ઘણા બધા શહરોમાં એવા બનાવો બન્યા જે આ પ્રક્રિયા માટે કલંકરૂપ છે. બૂથ કેપ્ચરિંગ હોય કે કેટલાક બૂથ પર ૧૦૦ ટકાથી વધુ મતદાન થવું હોય, ફાયરિંગ કે EVM મશીનને બાળવાની ઘટના હોય, વળી તેમાં શાસક પક્ષ પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે સંડોવાયેલો હોય તો તે શું સૂચવે છે. એક સામાન્ય માણસ પણ તે સમજી શકે છે. ફ્રી એન્ડ ફેર ઇલેકશનનું માત્ર નામ બાકી રહી ગયું છે, આવું જ ચાલતું રહ્યું તો એવું લાગે છે કે એ પણ નાબૂદ થઈ જશે. જ્યારે લોકો ભયના કારણે પોતાના અધિકાર માટે અવાજ ન ઉઠાવે તો સમજાે લોકશાહી વ્યવસ્થા વેન્ટિલેટર પર આવી ગઈ છે.યાદ રાખો, જયાં મુક્ત અવરજવર થકી સડકો ધમધમે છે ત્યાં જ આ વ્યવસ્થા જીવંત રહે છે.
જાે આપણે સાચે જ લોકશાહી વ્યવસ્થાને બચાવવા માંગતા હોઈએ તો આપણે મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીની ખાતરી કરવી પડશે. એક નાગરિક તરીકે જાગૃત રહી આપણે નીચેના મુદ્દા ચકાસવા પડશે.
(૧) સાવર્ત્રિક મતાધિકારઃ
તમામ પુખ્ત નાગરિકોને જાતિ, લિંગ, ધર્મ અથવા સામાજિક આર્થિક સ્થિતિને ધ્યાનમાં લીધા વિના, મતદાન કરવાનો અને ચૂંટણીમાં ઊભા રહેવાનો અધિકાર મળવો જાેઈએ. આપણાં દેશમાં આવી પાર્ટીઓ પણ છે જેઓ એક આખા સમુદાયને નજર અંદાજ કરે છે અને જાહેરમાં એવું કહે છે કે તેમને તેમના મતોની જરૂર નથી. આવા નિવેદનો ધ્રુવીકરણ કરનારા અને કોમવાદ ફેલાવનારા છે. આ માનસિકતા આજે એક સમુદાયને નુકસાન પહોંચાડશે તો કાલે બીજા સમુદાયને.
(૨) સમાનતાઃ
દરેક મત સમાન મૂલ્ય ધરાવે છે, અને નાત-જાત, ધર્મ,સંપત્તિ અથવા સામાજિક દરજ્જા જેવા કોઈ પણ માપદંડોના આધારે ચૂંટણી પ્રક્રિયામાં કોઈ ભેદભાવ કરવામાં નહીં આવે.
(૩) વોટની ગુપ્તતાઃ
વ્યક્તિ તેના મનપસંદ ઉમેદવારને મત આપી શકે અને તે કોને મત આપે છે તેને ગુપ્ત રાખવું તેનો અધિકાર છે. ધાક ધમકી, ડર કે લાલચથી તેના અધિકારને છીનવી શકાય નહીં.
(૪) પારદર્શિતાઃ
ચૂંટણી પ્રક્રિયા પારદર્શક હોવી જાેઈએ, જેમાં મતદારોની નોંધણી, ઉમેદવારોનું નામાંકન અને મતોની ગણતરીનો સમાવેશ થાય છે.જાે કે આજે એવું લાગે છે કે નીચે બુથથી લઈને ઇલેકશન કમિશન સુધી મોટાભાગે તંત્ર પક્ષપાતી છે.
(૫) નિષ્પક્ષતાઃ
ચૂંટણીના સંચાલન માટે જવાબદાર ચૂંટણી સત્તાવાળાઓ અને સંસ્થાઓ કોઈ પણ ચોક્કસ ઉમેદવાર અથવા રાજકીય પક્ષ પ્રત્યે પક્ષપાત વિના સ્વતંત્ર અને નિષ્પક્ષ રીતે કાર્ય કરે .
(૬) માહિતી સુધી પહોંચઃ
મતદારોને ઉમેદવારો, તેમની નીતિઓ અને ચૂંટણી પ્રક્રિયા વિશે સચોટ અને સંબંધિત માહિતીની સીધી પહોંચ હોય, જેનાથી તેઓ યોગ્ય ર્નિણય લેવા સક્ષમ બને.
(૭) સ્વતંત્ર મતદાન અભિયાનઃ
રાજકીય પક્ષો અને ઉમેદવારોને અયોગ્ય પ્રતિબંધો અથવા સેન્સરશીપ વિના મતદારો સુધી પ્રચાર કરવાની અને તેમના સંદેશાઓ પહોંચાડવાની સ્વતંત્રતા મળવી જાેઈએ.
(૮) સ્વસ્થ હરીફાઈઃ
ચૂંટણીના કાયદાઓ અને નિયમો તમામ ઉમેદવારો અને પક્ષો માટે સમાન ક્ષેત્ર સુનિશ્ચિત કરે છે, ચૂંટણીના પરિણામોને પ્રભાવિત કરી શકે એવા તમામ અયોગ્ય અવરોધોને અટકાવવા જાેઈએ.
(૯) શાંતિપૂર્ણ રીતે સત્તા પરિવર્તનઃ
ચૂંટણીઓ સત્તાના શાંતિપૂર્ણ પરિવર્તન માટે એક તક પ્રદાન કરે છે, જે બહુમતીની ઇચ્છાને પ્રતિબિંબિત કરે છે અને તમામ હિસ્સેદારોને સ્વીકાર્ય હોય છે. પરંતુ અફસોસ કે આજકાલ ઉશ્કેરણીજનક નિવેદનો, હુલ્લડો અને રમખાણો ઇલેકશનના ટૂલ બની રહ્યા છે. લોકશાહીને જાળવી રાખવા, રાજકીય કાયદેસર પદ્ધતિને પ્રોત્સાહન આપવા અને સામાજિક એકતા જાળવવા માટે મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીઓ સુનિશ્ચિત કરવી જરૂરી છે. સરકારો, ચૂંટણી પ્રબંધન સંસ્થાઓ, નાગરિક સમાજ સંસ્થાઓ અને આંતરરાષ્ટ્રીય નિરીક્ષકોએ ચૂંટણી પ્રક્રિયાઓની અખંડિતતાને પ્રોત્સાહન આપવા અને સુરક્ષિત કરવા આવશ્યક ભૂમિકા ભજવવી જાેઈએ.
ચૂંટણી થાય છે દેશને સુરક્ષિત હાથોમાં સોંપવા માટે અને આશય એ હોય છે કે એવા કાયદા-કાનૂન બનાવવામાં આવે કે જેના થકી દેશ ખૂબ વિકાસ કરે. દેશનું આંતરિક કોમી વાતાવરણ સુમેળભર્યું બને. કાયદા વ્યવસ્થા જળવાય અને દરેક નાગરિકના મૌલિક અધિકારોનું રક્ષણ થાય. તેના માટે રાજકીય પક્ષો પોતાના ઘોષણાપત્રો ઘડે છે અને પોતે કરેલા કામો નાગરિકો સમક્ષ રજૂ કરે છે. બંધારણીય મૂલ્યોને નજર સમક્ષ રાખી એવા ઉમેદવારોને વિજયી બનાવવા જાેઈએ જેઓ શિક્ષિત,તટસ્થ, મર્યાદાશીલ, કર્મનિષ્ઠ, વાસ્તવિક મુદ્દાઓને વરેલા તથા પોતાના મેનિફેસ્ટોને સમર્પિત હોય.
વર્તમાન ચૂંટણીને જાેઈએ તો તે દેશની વાસ્તવિક સમસ્યો ઉપર આધારિત નથી. સત્તા પક્ષ હંમેશની જેમ કોમવાદી પદ્ધતિ અપનાવી રહ્યો છે અને બીજા પક્ષો માટે વાતાવરણ પ્રતિકૂળ બનાવી રહ્યો છે જેથી ફ્રી એંડ ફેર ઇલેકશનના ઘણા બધા નિયમો ભયંકર રીતે પ્રભાવિત થઈ રહ્યા છે, જે તમામ શાંતિ અને બંધારણપ્રિય નાગરિકો માટે ચિંતાનો વિષય છે. રાજકીય વિશ્લેષકો મુજબ કોંગ્રેસનો વર્તમાન ચૂંટણી ઢંઢેરો સ્વતંત્ર ભારતનો અદ્ભૂત ઘોષણાપત્ર છે, જેના ઉપર નાગરિકોએ વિચાર કરવો જાેઈએ. સત્તાપક્ષે જે વાયદાઓ કર્યા છે તેમાં તેઓ નિષ્ફળ નીવડ્યા છે. દેશ સામાજિક અને આર્થિક ક્ષેત્રે ખૂબ જ ભયાવહ સ્થિતિમાંથી ગુજરી રહ્યો છે, જાે સારા લોકોના હાથમાં સત્તા પરિવર્તન નહીં થાય તો શ્રીલંકા જેવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે.
એક બાજુ બંધારણ અને લોકશાહીની સુરક્ષા માટે લાંબા ગાળે સંઘર્ષ કરવાની જરૂર જણાઈ રહી છે તો બીજી તરફ વર્તમાન ચૂંટણીમાં ઇચ્છિત પરિણામો માટે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવવી પડશે.
આટલું જરૂર કરજાે:
વોટર લિસ્ટમાં તમારૂં નામ તપાસો,
મતોને વિભાજિત કરવા ઊભા થયેલ સ્વાર્થી અને લાલચુ ઉમેદવારોથી લોકોને ચેતવો,
કોમવાદી ઉમેદવારોને ‘ના’ કહો,
સ્થાનિક મુદ્દાઓને પણ નજર સમક્ષ રાખો,
કોઈ લોભ લાલચ ન રાખો, ન જ કોઈ ભય રાખો,
ફ્રી એંડ ફેર મતદાન માટે બૂથની નિગરાની કરી શકે તેવી ટીમ બનાવો,
જે લોકો મતદાન મથક સુધી પહોંચવા અસમર્થ હોય તેમના માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવો.
તમારા મતની ગુપ્તતા સાચવો.
શાંતિ જાળવો.
અને છેલ્લે …
મતદાન ફરજિયાત કરો.