લેખકઃ વિવેક કૌલ ✍️
ચાલો એક નાનકડી વાર્તાથી શરૂઆત કરીએ. સાલ્વાડોર ડાલી ૨૦મી સદીનો એક મહાન ચિત્રકાર હતો. Suralism અર્થાત અતિવાસ્તવવાદની કૃતિમાં અગ્રેસર હતા. તે એક અદ્ભૂત ચિત્રકાર તો હતાં જ અને સાથે એક ચાલાક વ્યવસાયી પણ. એક વાર એવું બન્યું કે ડાલીએ પોતાના મિત્રોને ન્યુયોર્કની એક મોંઘીદાટ રેસ્ટોરન્ટમાં મેજબાની આપી. જ્યારે બિલ ચૂકવવાનો સમય આવ્યો ત્યારે ડાલીએ ડોલર્સ ચૂકવવાને બદલે એક નાનકડો પ્રયોગ કર્યો. ડાલીએ બિલની ચૂકવણી માટે એક ચેક લખ્યો અને ચેકની પાછળ એક સુંદર ચિત્ર દોરીને આપ્યું. તેણે આ ચેક વેઈટરને આપ્યો અને વેઈટરે તે ચેક મેનેજરને આપ્યો.
મેનેજરે આ ચેકને એક સુંદર ફ્રેમમાં મઢાવીને દીવાલે લગાવી દીધો, જેથી કરીને રેસ્ટોરન્ટમાં મુલાકાતીઓ તેને નિહાળી શકે. આનો અર્થ એ થયો કે ડાલીનો ચેક વટાવવામાં ન આવ્યો અને તેને ડોલર્સ ચૂકવવાની જરૂર ન પડી. ડાલીનો આ પ્રયોગ સફળ થયો ને પછી તે આ યુક્તિ વડે ન્યુયોર્કની ઘણી બધી રેસ્ટોરન્ટમાં મેજબાની માણતો રહ્યો. મેનેજરો ચેકને મઢીને લોકોને સંદેશ આપી રહ્યાં હતાં કે અમારે ત્યાં વિખ્યાત ચિત્રકાર ડાલી મુલાકાત લઈ ચૂક્યા છે. આ આખી વાર્તાનો ઉલ્લેખ મૌરી ગિલેનના એક પુસ્તકમાં સમાવી લેવાયો છે.
સામાન્ય ભાષામાં કહીએ તો ડાલીએ પોતાના ચિત્રકામને ચલણ બનાવી દીધું.
આ જ્યારે વારંવાર થવા લાગ્યું ત્યારે મેનેજરે આ યુક્તિને વધું ચાલવા ન દીધી અને અંતે ડાલીનાં ચેક વટાવવામાં આવવા લાગ્યા.
તો આ વાર્તામાં બોધ શું છે? કોઈપણ વ્યક્તિ પોતાનું ચલણી નાણું શરૂ કરી શકે છે. જાે તે ચલણને બીજાં લોકો સ્વીકારવા તૈયાર હોય. ડાલી એ જે કર્યું તે સરકારો વારંવાર કરે જ છે. અને સદીઓથી કરતી આવી રહી છે. તેઓ ચલણી નોટો સતત છાપી રહી છે, ચલણોનું અવમૂલ્યન કરી રહી છે, ફુગાવાને નોતરે છે અને મર્યાદિત માલ અને સેવાઓનો સતત વધી રહેલો પીછો પૈસો કરી રહ્યો છે.
બિટકોઈન એક એવું ડિજિટલ ચલણ છે, જેમાં કોઈ બેંક અથવા ત્રીજી વ્યક્તિને માધ્યમ બનાવવામાં નથી આવતો. બિટકોઈનનું સંચાલન એવાં ક્રિપ્ટોગ્રાફીકલ કોડ્સ વડે કરવામાં આવે છે જેને ભેદવુ ખૂબ કઠિન છે.
બિટકોઈનનું મૂલ્ય પાછલાં કેટલાક મહિનાઓમાં ખૂબ વધ્યું છે. સપ્ટેમ્બર ૨૦૨૦માં ૧ બિટકોઈનનું મૂલ્ય $૧૦,૦૦૦ હતું. જે જાન્યુઆરી ૨૦૨૧માં $૪૦,૦૦૦ થઈ ગયું હતું.
બિટકોઈન ચલણ બનાવવા પાછળ મૂળભૂત દલીલ એ છે કે જેમ ચલણી નોટ્સ ફક્ત છાપવાથી પૈસા બનાવી દેવાય છે, તેવું બિટકોઇનમાં થતું નથી. બિટકોઈનની કુલ સંખ્યા મર્યાદિત છે અને તેની કોડિંગ પદ્ધતિ એવી છે કે ૨૧ મિલિયનથી વધારે ટોકનસ બનાવી ન શકાય.
બિટકોઈન બનાવવા માટે કોમ્પ્યુટર દ્વારા એક જટિલ રીતે અલ્ગોરીધમ ઉકેલવામાં આવે છે.
કોઈપણ વ્યક્તિ બિટકોઇન માઈનિંગ માટે પોતાનું નસીબ અજમાવી શકે છે. પરંતુ જેમ વધુને વધુ લોકો તેનો પીછો કરે છે, તેમ તેમ બિટકોઈન બનાવવું વધુ મુશ્કેલ થતું જાય છે.
૧૧ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ બિટકોઇનની સંખ્યા ૧૮.૬ મિલિયન એકમની હતી. બિટકોઇન બનાવવાની ઝડપ સતત ઘટી રહી છે. અને ૨૧મુ મિલિયન એકમ બનતા વર્ષ ૨૧૪૦ આવી જશે.
વાત એમ છે કે પેપર મની (ફિયાટ મની)ની જેમ બિટકોઈન પદ્ધતિમાં હેરાફેરીનો અવકાશ હોતો નથી.
જ્યારે સાટોશી નાકામોટોએ બિટકોઇનના પ્રથમ પચાસ એકમોનું નિર્માણ કર્યું, જેને હવે જેનેસિસ બ્લોક કહેવાય, તેની પાછળ પણ આ જ ગણતરી હતી કે જેવી રીતે પેપર મની હવામાંથી બની જાય છે તેવી રીતે બિટકોઇનને બનાવી નહી શકાય.
ફેબ્રુઆરી ૨૦૦૯માં નાકામોટોએ એક સંદેશ આપ્યો હતો કે, “પ્રવર્તમાન સમયમાં ચલણી નાણાંની સમસ્યા એ છે કે તે વિશ્વાસ પર ટકેલી હોય છે. વિશ્વાસ એ કે કેન્દ્રીય બેંક તેનું અવમૂલ્યન કરશે નહી, પરંતુ તેઓ સદંતર વિશ્વાસઘાત કરે છે. બેંકો પર વિશ્વાસ મુકવામાં આવે છે કે તેઓ આપણી જમા પુંજીને સાચવશે. પરંતુ તેઓ આડેધડ ધિરાણ કરે છે અને પોતાની પાસે અપૂરતી રકમ રાખે છે. આપણે તેમના પર વિશ્વાસ મુકવો પડે છે કે તેઓ આપણી ઓળખની ગોપનીયતા સાચવશે અને આપણો ડેટા કોઈ ચોરોના હાથમાં નહિ જવા દે.”
આમ બિટકોઇનને એક એવા મહાન આઈડિયાની જેમ રજૂ કરવામાં આવ્યો જેને કેન્દ્રીય બેંકો અને સરકારો પેપર મનીની જેમ મનફાવે તે રીતે તેમાં હેરાફેરી કરી ન શકે.
હવે પ્રશ્ન એ થાય છે કે શું બિટકોઇન પોતાના નિર્ધારિત કરેલ ધ્યેયમાં ક્યાં સુધી પહોંચી શક્યો છે? આવું નથી તો શું તે માત્ર અટકળો કરવાનું નવું સાધન છે. આ સમજવા માટે દસ મુદ્દાઓ પર આધારિત તેનું વિશ્લેષણ કરીએ.
૧) સ્ટોર ઓફ વેલ્યુ (મૂલ્યનો સંગ્રહ)
જાે તમે બિટકોઈનમાં લાંબા સમયથી રોકાણકાર હશો તો અત્યાર સુધી તમે ગજબનો રૂપિયો બનાવી લીધો હશે. પરંતુ પ્રશ્ન ઊભો થાય છે કે શું બિટકોઇન પૈસો અથવા પૈસાનું ભવિષ્ય છે કે પછી માત્ર અટકળો કરવાનું નવું સાધન.
પૈસાની મૂળભૂત લાક્ષણિકતા એ છે કે તે મૂલ્યનો સંગ્રહ કરે છે. બિટકોઇનના મૂલ્યમાં અધધ ઉછાળો આવ્યો છે, તેને અનુલક્ષીને બિટકોઇનમાં માનવાવાળાઓ કહેશે કે જુઓ બિટકોઇનમાં કઈ રીતે મૂલ્યનો સંગ્રહ થાય છે. પરંતુ આવું માનવું તેમની અણસમજના લીધે છે. જાે બિટકોઇનનાં ભાવમાં જે રીતે ઉતાર ચઢાવ થયો હોત તો તેની આ અસ્થિરતાએ અર્થવ્યવસ્થામાં ભૂકંપ મચાવી દીધો હોત. ક્યારેક તેનું મૂલ્ય એક દિવસમાં ૩૦% તો ક્યારેક એક સપ્તાહમાં ૪૦% વધી જાય છે. આટલી બધી અસ્થિરતાવાળા ચલણને પૈસા તરીકે સ્વીકારવામાં આવે તો અર્થવ્યવસ્થા ચકડોળે ચઢી જાય.
(૨) મીડિયમ ઓફ એક્સચેન્જ (વિનિમય માધ્યમ)
પૈસાની બીજી લાક્ષણિકતા એ છે કે તેના વડે વસ્તુઓ અને સેવાઓ ખરીદી શકાય. ફુંડેરા નામક કંપનીના અહેવાલ પ્રમાણે કુલ ૨૩૫૨ અમેરિકન કંપનીઓ અથવા વ્યવસાયો બિટકોઇનને પૈસા તરીકે સ્વીકારે છે. આ સ્થિતિ છે અમેરિકાની જ્યાં ૭૭ લાખ કંપનીઓ કાર્યરત છે અને જેને બિટકોઇનનું કેન્દ્ર ગણવામાં આવે છે. આ વાત સાચી છે કે કોઈ નવા ચલણની સ્વીકૃતિને સમય લાગે છે. પરંતુ બિટકોઇનને આવ્યા ૧૨ વર્ષ થઈ ગયાં છે અને આટલી નજીવી સ્વીકૃતિ તે સારા સમાચાર નથી. મારી જાણકારી મુજબ ભારતમાં કોઈ પણ કંપની તેને સ્વીકારતી નથી.
(૩) સોનું
બિટકોઇનને માનવાવાળાઓ તેની સરખામણી સોના સાથે કરે છે. સોનાની સ્થિરતા પાછળનું કારણ છે કે સરકારો પેપર મનીની જેમ તેનું નિર્માણ હવામાં કરી શકતી નથી. પરંતુ આ લોકો કેમ ભૂલી જાય છે કે બિટકોઇન માત્ર ડિજિટલ કોડ્સ છે. સમય જતાં તેને કોઈ પણ ભેદીને નવા પ્રકારનું ચલણ ઊભું કરી શકે છે. આવા કેટલાયે પ્રયોગ થયા છે અને ચલણના નવા એકમો શિટકોઈન્સ સાબિત થયા છે. ક્વીન અને ટર્નર લખે છે કે, “ઓગસ્ટ ૨૦૧૬માં એક બિટકોઇનની કિંમત હતી $૫૫૫, જે ૧૬ મહિનાઓમાં ૩૪૦૦% ઉછળીને $૧૯૭૮૩ થઈ ગઈ. આ સફળતાથી પ્રેરાઈને કેટલાક તકવાદી પરિબળોએ પોતાની જ ક્રિપ્ટોકરન્સીની જાહેરાત કરી દીધી અને ICO (ઇનીશીયલ કોઇન ઓફરિંગસ) વડે રોકાણ કારોને લોભામણું ભવિષ્ય દેખાડ્યું. આ પ્રકારના ડિજિટલ કોડ્સનું કોઈ મૂલ્ય ન હતું. અને છતાંય ૨૦૧૭માં તેઓને $૬.૨ બિલિયન અને ૨૦૧૯માં $૭.૯ બિલિયનનું રોકાણ મળ્યું.
રોકાણકારોને મોટાભાગની મૂડીથી હાથ ધોવા પડ્યા. આ બાબતની કોઈ ગેરંટી નથી કે ભવિષ્યમાં આવું ફરીથી નહિ થાય.
બીજી બાબત એ પણ સમજવી જાેઈએ કે પૈસાની બાબતમાં ફ્રી માર્કેટ એ પણ ખરાબ વિચાર છે. ૧૯મી સદીમાં યુએસમાં બેન્કિંગ લાયસન્સ લઈ પોતાનું ચલણ છાપવું ખૂબ જ સરળ હતું. એક સમયે ૮૩૭૦ વિવિધ પ્રકારના ચલણો બજારમાં ઉપલબ્ધ હતાં જેમાં બધાં ચોરવૃતિની બેંકો દ્વારા જારી કરવામાં આવેલા નહોતાં. પરંતુ આમાં નકલી નોટો છાપવાવાળાઓને છૂટો દોર મળી ગયો હતો. આ ઉપરાંત બજારમાં જે મૂંઝવણો ઊભી થઈ હશે તેની તો માત્ર કલ્પના જ કરી શકાય.
સરકારી નિયંત્રણથી મુક્ત નાણાંકીય પદ્ધતિની વકાલત કરવી તો સરળ છે પણ તે જે પ્રકારની આફત નોતરે છે, તેના માટે કોઈ તૈયાર હોતું નથી. જે શ્રેષ્ઠ ચલણ હશે તે બાકી રહેશે જેવી દલીલો ખૂબ જ અસંવેદનશીલ છે.
(૪) બિટકોઈન કોડ
બિટકોઈનનો એ કોડ જે તેની કુલ સંખ્યાને ૨૧મિલિયન એકમો સુધી સીમિત કરે છે, તેઝ્ર માં પ્રોગ્રામ થયેલો છે. શોન વિલિયમ્સ Fool.comમાં લખે છે કે, “જ્યારે મેં છેલ્લે ચેક કર્યું ત્યાં સુધી કોડ ક્યારે પણ લખી અને ભૂંસી શકાય છે. બિટકોઈન કોમ્યુનિટી તરફથી બિટકોઈનનો પુરવઠો વધારવા અંગે સર્વસંમતી સધાઈ તેવું મુશ્કેલ છે, પરંતુ આ અસંભવ તો નથી જ. આમ પણ આ અંગે ૨૧૪૦ પછી જ કોઈ ર્નિણય લેવાશે અને ત્યાં સુધી તમે અને હું હશું જ નહિ, એટલે આનાથી કંઈ ફરક પડતો નથી.”
(૫) નાણાંની સરકારી સ્વીકૃતિ
શા માટે બીજાં લોકો પેપર મનીને પૈસા તરીકે સ્વીકારે છે? કારણ કે તેઓ જાણે છે કે સરકાર તે નાણાંને સ્વીકૃતિ આપે છે. એટલે બીજાં નાગરિકો પણ તેને સ્વીકારશે. મુખ્ય મુદ્દો એ છે કે સરકાર પાસે ત્રણ સત્તાઓ છે. (i) કાનૂની હિંસાની સત્તા (ii) કર વસૂલવાની સત્તા (iii) હવામાંથી પૈસા નિર્માણ કરવાની સત્તા.
એલ રેન્ડલ રે લખે છે કે, કોઈ પણ નાગરિકને કરની ચૂકવણી માટે ચલણની જરૂર પડે છે. આમ આ ચલણની માંગ ઊભી થાય છે અને આ ચલણ દ્વારા પછી ખાનગી વ્યવહારો પણ થાય છે. સરકારો ખાનગી વ્યવહારોમાં તો નાગરિકોને દબાણવશ નથી કરી શકતી, પરંતુ કર ચુકવણી માટે તેણે જારી કરેલા ચલણમાં ભરપાઈ કરવા અંગે જે દબાણ કરી શકે છે તે જ બાબત ચલણને ચલણ બનાવે છે.
આનાથી જ સમજૂતી મળે છે કે તમામ ખામીઓ છતાં પેપર મની (ફિયાટ મની) વ્યવસ્થા કેમ સતત ચાલી રહી છે.
જાે બિટકોઈનને સફળ થવું હોય તો તેનો વ્યાપ વધારીને સરકારી કરની અદાયગી માટે પણ સ્વીકૃત થવું પડે? પરંતુ જાે સરકારો તેને સ્વીકૃતિ આપે છે તો તેનાં નિર્માણ પાછળનું કારણ જ માત થઈ જાય.
બિટકોઈનના કુલ એકમોનું મૂલ્ય તેના ટોચનાં સમયનાં મૂલ્ય પ્રમાણે વિશ્વની કુલ જી.ડી.પીના ૧%થી પણ ઓછું થાય. એટલે જ સરકારો બીટકોઈન જાેડે એક ગર્ભશ્રીમંત બાપ પોતાના જ રમતે ચડેલ પુત્ર જેવો જ વ્યવહાર કરી રહી છે અને જ્યારે તેમને મામલો ગંભીર લાગશે કે તરત જ પગલાં લેશે.
(૬) પેપર મની અને લોકશાહી
વર્ષો પહેલા મેં નામાંકિત નાણાંકીય ઇતિહાસકાર રસલ નેપીયર સાથે ઇન્ટરવ્યુ કર્યો હતો, જેમાં તેમણે મને પેપર મની અને લોકશાહી વચ્ચેના જાેડાણની સમજૂતી આપી હતી. તેમણે કહ્યું કે, “પેપર મનીનો ઇતિહાસ લોકશાહીનો ઇતિહાસ છે. જે લોકો પાસે મૂડી અને સંપત્તિ હતી તેમને સોના આધારિત ચલણ વધારે અનુકૂળ હતું, કારણ કે સરકારો માટે આ રીતે તેમની મૂડી જાેડે મનફાવે તેમ વ્યવહાર કરવો સરળ ન હતો. પરંતુ આ બાબત આપણે યાદ રાખવી જાેઈએ કે મોટાભાગના લોકો પાસે વધારે બચત હોતી નથી. આ જ કારણે તો પેપર મનીનું નિર્માણ કરવામાં આવે છે. આ રીતે લોકશાહીને બળ મળે છે. મને નથી લાગતું કે સમૃદ્ધ વિશ્વમાં લોકશાહી નાશ પામે અને તેના લીધે પેપર મની હટાવીને ફરીથી ધાતુ આધારિત તેમનું ફરી વાર ઉભરવુ મને નથી દેખાતું.”
પ્રથમ વિશ્વયુદ્ધ પછી પેપર મનીનું ચલણ વધી ગયું. આનું કારણ એકદમ સરળ છે. લોકશાહીમાં જ્યારે પણ સરકારો દબાણમાં આવે છે, ત્યારે તેઓ કંઈક કરી રહ્યાં છે તેવું તેમને બતાવવું પડે છે. આમ સરકારો પાસે હવામાંથી પૈસો બનાવવાની જે શક્તિ છે તેઓ તેનો ઉપયોગ કરીને પોતાની સુસંગતતા સાબિત કરવાની કોશિશ કરે છે અને આ શક્તિ તેઓ સરળતાથી જતી કરે તેવું દેખાતું નથી.
(૭) ટેકનિકલ કારણો
જેમ જેમ બિટકોઈન માઈનિંગ પદ્ધતિ જટિલ થતી જાય છે, તેમ તેમ તે સામાન્ય કમ્પ્યુટરની ક્ષમતાથી દૂર થતી જાય છે અને મસમોટા કોમ્પ્યુટર્સની જરૂર પડે છે. જેનો વીજળી વપરાશ ખૂબ જ વધારે હોય છે. આ કારણે બિટકોઇન માઈનિંગની પ્રક્રિયા એવાં દેશોમાં વિસ્થાપિત થઈ રહી છે, જ્યાં વીજળી સસ્તી હોય. જેમકે, આઇસલેન્ડ, મોંગોલિયા અને ચાઈના. જાે ભવિષ્યમાં ચાઇના જ બિટકોઈનનું નિયંત્રણ કરવાનું હોય તો સમજી શકાય છે કે આવા ચલણનું ભવિષ્ય બાકી વિશ્વમાં કેવું રહેશે.
(૮) મીડલ મેન
બિટકોઈનનો આખો વિચાર એ મુદ્દાઓ પર આધારિત હતો કે તેમના વ્યવહારમાં કોઈ મિડલમેન અથવા ત્રીજી વ્યક્તિ નહીં હોય. પરંતુ બિટકોઈનનો વ્યવહાર જાતે તે લોકો જ કરી શકે છે જેઓ સાયબર સિક્યુરિટીથી માહિતગાર હોય. બાકી લોકોએ બ્રોકર્સનો સહારો લેવો પડે છે. મિડલમેન આવતાં જ ગોપનીયતાના બધા મુદ્દાઓની દલીલ ફુશ થઈ જાય છે.
(૯) મીડિયાનું વલણ
તમે પૂછી શકો છો કે બીટકોઈન માત્ર અટકળો પર આધારિત વ્યવસ્થા અને જાેખમી રોકાણ છે, તો મુખ્ય ધારાના મીડિયામાં તેના વિશે કેમ નકારાત્મક કવરેજ નથી થતું. આ બાબત સમજવી મુશ્કેલ ન હોવી જાેઈએ કે મીડિયાનો રસ જાહેર જનતાને સંપૂર્ણ માહિતી આપવાને બદલે તેમને જે કિંમત ચુકવી શકે તેમાં વધારે હોય છે. પોન્ઝી સ્કીમમાં જેમ શરૂઆતનાં રોકાણકારો પોતાની યોજનાનો ખૂબ ઢંઢેરો પીટીને અને બીજાં લોકોને ફસાવવાનું આમંત્રણ આપે છે, તે જ રીતે બિટકોઈનના શરૂઆતનાં રોકાણકારો ગળું ફાડીને આમંત્રણ આપતા હોય છે. વાત એમ છે કે અર્થવ્યવસ્થા, નાણાંકીય બાબતો અને તેનો ઇતિહાસ ઇન્ટરનેટથી અથવા ટીવી જાેવાથી સમજાતો નથી. તેની માટે ખૂબ અને ખૂબ જ વાંચન કરવું પડે છે.
(૧૦) ઈઝી મની
૨૦૨૦માં વિશ્વ જે તબાહીના સમયમાંથી પસાર થયો તેને નાથવા દુનિયાભરની વિશ્વ બેંકો દ્વારા લાખો કરોડોનું ચલણ છાપવામાં આવ્યું. નાણાંની આ ભરમારને કારણે પૈસો સ્ટોક માર્કેટ અને બીજી સ્પેક્યુલેટિવ એસેટ્સમાં આવ્યો જેમાં કોઈ બિટકોઇન પણ સામેલ છે.
ધ ઈકોનોમિસ્ટ નોંધે છે કે, “બિટકોઈનમાં વધી રહેલા અસર માટે એક કારણ તે નાણાંકીય સંસ્થાઓનો રસ છે જે અત્યાર સુધી તેનાથી દૂર રહી હતી.”
આ બધું લખવાનો સાર એટલો જ છે કે બિટકોઈન માત્ર સટ્ટો જ છે. રોકાણકારો રોકાણ એટલા માટે કરે છે કે તેમને લાગે છે કે આમાં તેમને જંગી વળતર મળશે, નહીં કે તે મૂલ્ય સંગ્રહ કરવાનું આદર્શ સાધન છે. છેલ્લે એટલી જ સલાહ આપીશ કે પોતાની બધી મૂડી આમાં લગાવી ન બેસતાં. અંગ્રેજીમાં કહે છે ને કે, “Don’t put all your eggs in one basket”.. (અનુ. ઝુબેર સાચોરા)