Sunday, July 21, 2024
Homeપયગામકોવિડ-૧૯ વાયરસ અને નાગરિકોની જવાબદારી

કોવિડ-૧૯ વાયરસ અને નાગરિકોની જવાબદારી

કોરોના કોવિડ-૧૯ વાયરસનો ચેપ પૂરી દુનિયામાં ખૂબ જ ઝડપથી પ્રસરી રહ્યો છે. ભારતમાં આની સંખ્યા ૬૦૬ એ પહોંચી ગઈ છે અને ૧૦ લોકોના મોત પણ થઈ ચૂક્યા છે. ગુજરાતમાં પણ આની સંખ્યા વધીને 45 થી વધી ગઈ છે, અને મોતને ભેટનારાઓની સંખ્યા ૦3 થઈ ગઈ છે. આપણા દેશમાં કોરોના ત્રીજા સ્ટેજમાં પ્રવેશી ચૂક્યો છે, જો આના પર અંકુશ મેળવવામાં નહી આવે તો પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. એટલા માટે સરકારે ૨૧ દિવસના લોકડાઉનનો નિર્ણય લીધો છે. મારા તમામ ભારતીય નાગરિકોથી અનુરોધ છે કે તે આ લોકડાઉનને સફળ બનાવે, નહિતર વધુ ખરાબ પરિણામો ભોગવવા પડે તેવી વિકટ પરિસ્થિતિ ઉભી થઈ શકે છે. જરા જેટલી પણ બેદરકારીએ ઈટલી જેવા દેશની હાલત ખરાબ કરી નાખી છે અને મરનારાઓની સંખ્યા હજારો સુધી પહોંચી ગઈ છે.

૧. હજુ સુધી આનો કોઈ એન્ટી ડોટ શોધવામાં નથી આવ્યો, પરંતુ દુનિયાભરના વૈજ્ઞાનિકો મહેનત કરી રહ્યા છે, ખૂબ જ જલ્દી આનો ઉપચાર મળી જશે, કેમ કે અલ્લાહે કોઈ એવી બીમારી પેદા નથી કરી જેનો ઈલાજ ન રાખ્યો હોય. કુરઆનનો નિયમ છે, “મનુષ્ય માટે આ સિવાય કશું જ નથી પરંતુ તે કે, જેના માટે તેણે પ્રયાસ કર્યો છે,”(કુરઆન, ૫૩:૩૯) તેમ છતાં રિકવરીના સારા સમાચારો પણ છે. આ માટે વધુ ગભરાવવાની જરૂર નથી. મરાનારાઓમાં મોટી સંખ્યા મોટી ઉમરના લોકો અથવા પહેલાથી જ મોટી બીમારીમાં સપડાયેલા લોકોની છે.

૨. આની એકમાત્ર સારવાર પ્રિવેન્ટરી સ્ટેપ છે, જેમાં સૌથી મુખ્ય સોશ્યલ ડીસ્ટેન્સિંગ અર્થાત્ એક બીજાથી અંતર બનાવી રાખવું છે. ઘરમાં રહો, બહાર ન જાઓ, તમારા હાથ વારંવાર સાબુ/સેનીટાઇઝર વગેરેથી સારી રીતે ધોવો. જ્યાં ત્યાં ન થુંકો, બિનજરૂરી પ્રવાસને ટાળો, દાવત (જમણવાર)ન કરો, મૈયત (સ્મશાન યાત્રા)માં વધુ લોકો ન જાય. કોઈ ઇમરજન્સી જરૂરિયાત માટે ઘરની બહાર જવું પડે તો માસ્કનો ઉપયોગ અચૂક કરો. મોટી ઉમરના લોકો, ગંભીર બિમારીથી પીડિત લોકોને તો ક્યારેય પણ બહાર જવા ન દો. સ્વાસ્થ્ય વિભાગ તરફથી જે ગાઈડ લાઈન આપવામાં આવી છે તેનું પાલન કરો.

૩. અનુભવ બતાવી રહ્યા છે કે હજુ પણ ઘણા લોકો સિરિયસ નથી. ગલી, નુક્કડ અને ચાની દુકાનો પર ભીડ ન કરો, ક્રિકેટ રમવા બહાર ન નીકળો. મારી અપીલ છે કે આપણા અને આપણા પરિવારના ફાયદા માટે નિયમોનું ચુસ્તપણે પાલન કરીએ. કેટલાક લોકોનું કહેવું છે કે તકદીરમાં જે લખેલું છે તે થઈને રહેશે, તકદીરનું લખેલું આપણને ખબર નથી. બની શકે કે તકદીરમાં આ લખ્યું હોય કે વ્યક્તિ જેટલું તકેદારી આયોજન કરશે તે પ્રમાણે તેને મળશે, આથી તમામ સુરક્ષિત પગલાંઓ ભરે. આ પણ ખબર હોય કે કવોરાંટાઈન પ્રોટોકોલનો ભંગ કરવા પર અત્યાર સુધી ૧૪૭ લોકો પર એફઆઈઆર દાખલ થઈ ચૂકી છે. હવે આ તમારી પસંદ છે કે તમે ઘરે રહેવા ઈચ્છો છો કે જેલમાં કે પછી હોસ્પિટલમાં કે અંતે પછી કબ્રસ્તાન/સ્મશાન જવા ઈચ્છો છો.

૪. તમામ પ્રાઇવેટ ડોક્ટરોથી અમારી અપીલ છે કે તે રૂટિન મુજબ પોતાનું ક્લિનિક ખુલ્લું રાખે, જેથી સામાન્ય બીમારીઓનો ઈલાજ થઈ શકે અને સામાન્ય લોકોને વધુ તકલીફ ન ઉઠાવવી પડે. દર્દી પણ માસ્કનો ઉપયોગ કરે અને એકબીજાથી અંતર બનાવી રાખે. લોકો પોતાના ફેમિલી ડોક્ટર કે નજીકના ડોક્ટરનો મોબાઈલ નંબર પોતાની પાસે રાખે અને શક્ય હોય તો ફોન પર જ દવા લખાવી લે. કોમ્યુનિટી હોસ્પિટલને સમય મુજબ ઉપયોગ કરી શકાય તે હેતુ મેડિકલ ગાઈડ લાઈન મુજબ તૈયાર કરે.

૫. જીવન જરૂરી વસ્તુઓ (કરિયાણા, દવા, દૂધ, શાકભાજી વગેરે) માટે સરકારે દુકાનો ખુલ્લી રાખવાની અનુમતિ આપી છે, ત્યાં પણ ભીડ ના કરે અને અંતર બનાવીને ઊભા રહે. શક્ય હોય તો દુકાનદાર હોમ ડિલિવરી કરી આપે. વેપારીઓથી અમારી અપીલ છે કે વધુ નફો કમાવવા માટે સંગ્રહખોરી ન કરે, ન વસ્તુઓનો ભાવ વધારે. ઇસ્લામ સંગ્રહખોરી માટે સખત મનાઈ કરે છે.

૬. ધાર્મિક સ્થળો પર ભીડ ન કરે, પગપાળા યાત્રા સ્થગિત કરે. આ સ્થળોને પણ સેનીટાઇઝ કરાવી લે. મુસ્લિમ ભાઈઓને પણ અપીલ છે કે જમાત માટે મસ્જિદમાં ન જાય. જમાત ઇમામ, મુઅઝ્ઝીન (અઝાન આપનાર) અને વ્યવસ્થાપક કમિટી સુધી જ સીમિત રહે. ઘરે જ નમાઝ અદા કરે. ખાસ કરીને જુમ્મા માટે મસ્જિદ માં ન જાય અને પોતાના ઘરે જ નમાઝે જુમ્મા કે જોહરની નમાઝ અદા કરી લે. જો કે પાંચેય ટાઈમ અઝાન જરૂર આપવામાં આવે. તમામ ઓલ્મા (વિદ્વાનો)ને પણ અપીલ છે કે આનો ખયાલ રાખે.

૭. સામાજિક કાર્યકર્તાઓ અને સંગઠનોથી અપીલ છે કે ધર્મ, સંપ્રદાય, નાત-જાત જોયા વગર મજૂર, ગરીબ, મુસાફરો અને જરૂરતમંદ લોકો સુધી અનાજ અને જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડવાની વ્યવસ્થા કરે, અંદરોઅંદર તાલમેલથી કામ કરે. હોટલ બંધ હોવાના લીધે ઘણા લોકોને તૈયાર જમવાનું પહોંચાડવાની જરૂર છે, તેનું પણ ખાસ ધ્યાન રાખે. લોકડાઉનના લીધે સરકારી દવાખાનાઓમાંથી ડિસ્ચાર્જ કરેલા દર્દીઓને રહેવા, જમવા અને ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરે. ઇન્ફેક્શન વિશેની જાણકારી માટે સરકારી ટોલ ફ્રી હેલ્પ લાઈન નંબર 1075 નો સંપર્ક સાધવામાં આવે. કોવિડ-૧૯થી જોડાયેલી જાણકારી માટે 9013151515 પર Hi લખીને વોટ્સ એપ કરવામાં આવે. સરકારે જે યોજનાઓનું એલાન કર્યું છે તેની અમલવારી પર નજર રાખવામાં આવે.

૮. સરકારને અમારી અપીલ છે કે કોરોનાના રાહતના‌ સંદર્ભમાં જે યોજનાઓ જાહેર કરવામાં આવી છે તેનો જીઆર તાત્કાલિક સંબંધિત વ્યક્તિ સુધી પહોંચાડવામાં આવે. જનસેવાનું કામ કરી રહી સંસ્થાઓને માર્ગદર્શન આપવામાં આવે અને કામ કરવા માટે કાર્ડ/પાસ ઇશ્યું કરવામાં આવે. લોકડાઉનનો કડકાઈથી અમલ કરાવવામાં આવે. ઇમરજન્સી જરૂરતો માટે બહાર નીકળવાનો કોઈ ટાઈમ કે પ્રતિ ફેમિલી કોઈ કાર્ડ ઇસ્યુ કરવામાં આવે. જીવન જરૂરી વસ્તુઓનો ભાવ વધારવામાં ન આવે તેને હકીકત બનાવવામાં આવે. આ યોજના 1 એપ્રિલથી અમલમાં આવશે જેથી હંગામી ધોરણે પણ કોઈ પેકેજની જાહેરાત કરવામાં આવે.

૯. પોતાના ઘરોમાં સમયનો સદુપયોગ કરવામાં આવે. સાફસફાઈ કરીને ઘરોને ડીસઇન્ફેક્ટેડ કરવામાં આવે. અલ્લાહનો ઝીક્ર કરવામાં આવે, કુરઆનનું અધ્યયન કરે, તોબા અસ્તગફાર કરે, પોતાના ગુનાહો (પાપ)ની માફી માંગે, નમાઝોને કાયમ કરે, વધુમાં વધુ સદકો (દાન) કરે. સારા પુસ્તકોનો અભ્યાસ કરે, ઉપરાંત ધાર્મિક પુસ્તકોનો કંપેરેટિવ અભ્યાસ વધુ ઉત્તમ રહેશે. પરિવારને ચારિત્ર્ય શિક્ષણ આપે. બાળકોમાં રહેલા ટેલેન્ટને ડેવલપ કરવા માટે વિભિન્ન પ્રકારની એક્ટિવિટી કરાવે.

૧૦. યાદ રાખો કે આ બધું તકેદારી આયોજન છે. ઈશ્વર ઈચ્છે ત્યારે જ સફળ થઈ શકે છે, આથી અલ્લાહ સાથે તાલ્લુક (સંબંધ) મજબૂત કરવામાં આવે અને તેના ન‌બી સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમના આપેલા માર્ગદર્શન મુજબ જીવન પસાર કરવાની પ્રતિજ્ઞા લે.

We fight, We win
ઈન્શા અલ્લાહ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments