વિકલાંગ શબ્દ સાંભળતાની સાથે જ આપણા મનમાં કંઈક ન હોવાની લાગણી જન્મ લે છે. વિજ્ઞાને આ વિકલાંગતાને બે ભાગમાં વહેંચી છે..
શારીરિક વિકલાંગતા.
માનસિક વિકલાંગતા.
શારીરિક વિકલાંગતા, અને માનસિક વિકલાંગતા કોને કહેવાય એ તો આપ સૌ સારી રીતે જાણતાં જ હશો. જોકે આ બંને ખામીઓ શું છે તે આજે આપણી ચર્ચાનો વિષય નથી. આજે મારે એ વાત કરવી છે કે શું સમાજજીવનમાં વિકલાંગતા એક શ્રાપ છે ? કે પછી વરદાન.
દોસ્તો , આપ સૌને જણાવી દઉં કે હું જન્મથી જ આંખોની ક્ષતિ ધરાવું છું , જેથી આજે હું આપની સામે મારા જ અનુભવો મુકીશ
સામાન્ય રીતે આપણા શરીરમાં કોઈપણ અંગનું ન હોવું અથવા અંગ હોવા છતાં તેની કાર્યક્ષમતા વત્તા ઓછા પ્રમાણમાં હોવી એણે આપણે વિકલાંગતા કહીએ છીએ. મારી સાથે પણ આવું જ કંઈક છે. મારી પાસે બંને આંખો હોવા છતાં એમાં જોવાની શકતી નથી. હું જ્યારે ફક્ત ચાર મહિનાનો હતો , ત્યારે અમને મારામાં રહેલી આ શારીરિક ખામી નું ખ્યાલ આવ્યો. ત્યારથી લઈને અત્યાર સુધી જીવનમાં આ ખામીને લઈને ઘણા ઉતાર-ચઢાવ આવ્યા. પરંતુ સદનસીબે આ ઉતાર ચઢાવ મારા માટે ક્યારેય પણ નિરાશાજનક ન હતા. એક વિકલાંગ વ્યક્તિ હોવાની સાથે-સાથે તમને જો વારંવાર લઘુતાગ્રંથિ નો અનુભવ કરાવવામાં આવે ત્યારે એના કરતાં વધારે દુઃખ દાયક બીજી કોઇ લાગણી નથી હોતી. આજે ખૂબ જ આનંદની લાગણી સાથે આ વાત કહી રહ્યો છું કે , મને મારા માતા-પિતા , તેમજ પરિવાર તરફથી જીવનમાં ક્યારેય આ લાગણીનો અનુભવ કરાવ્યો નથી. અને કદાચ એટલા જ માટે મારી વિકલાંગતા એ મારા માટે વરદાન સાબિત થઈ છે અને થઈ રહી છે.
અહીં હું સ્વીકારીશ કે જેવું મારી સાથે થયું એ જરૂરી નથી કે સમાજના દરેક વિકલાંગ વ્યક્તિ સાથે થાય. સમાજની એ વાસ્તવિકતા ને આપણે પીઠ નથી બતાવી શકતા કે , આજે પણ આપણા સમાજમાં એવા કેટલાય લોકો છે જેવો કોઈ ને કોઈ વિકલાંગતા ધરાવે છે પરંતુ એમનો કોઈ આશરો નથી. જન્મથી જ કોઇને કોઇ ખામી ધરાવતા વ્યક્તિઓ તો જીવનની સાથે-સાથે આ ખામી સાથે જીવતા શીખી લે છે. સૌથી વધારે દયાજનક પરિસ્થિતિ એવા વ્યક્તિઓની થાય છે કે જેઓ જીવનનો અમુક ભાગ વીત્યા પછી અથવા કોઈ અકસ્માતમાં વિકલાંગતા મેળવે છે. કારણ કે એ લોકો માટે હવે આખું જીવન ફરીથી શરૂ કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી હોતો.
આપણી સામે એવા ઘણા દાખલા છે , જ્યાં આવા આકસ્મિક વિકલાંગતા ને લીધે કેટલાય લોકોના જીવનનો ખૂબ જ દુઃખદ અંત આવ્યો છે. એવા પણ પ્રમાણ છે કે એક સુખી લગ્ન જીવન જીવતા વ્યક્તિના જીવનમાં જો ક્યારેક વિકલાંગતા આવે તો આ વિકલાંગતા ના લીધે તેનું લગ્નજીવન તૂટ્યું છે. આ હકીકત નો સ્વીકાર આપણા બધાએ કરવો જ રહ્યો કે એક વિકલાંગ વ્યક્તિ ની વિકલાંગતા એ વ્યક્તિ સીવાય બીજું કોઈ નથી અનુભવી શકતું.
પરંતુ તાજેતરમાં સરકાર દ્વારા વિકલાંગ શબ્દને બદલી દિવ્યાંગ કરેલ છે , જે ખરેખર અમારું મનોબળ વધારવામાં મદદરૂપ સાબિત થયો છે.
મારુ સ્પષ્ટ પણે એવું માનવું છે કે , કોઈપણ વિકલાંગતા ક્યારે કોઈપણ વ્યક્તિ માટે શ્રાપ ન હોઈ શકે. એ આપણા બધા માટે એક વરદાન જ છે. બસ જરૂર છે તો એણે ઓળખવાની. સમાજના દરેક દિવ્યાંગ લોકોને મારે કહેવું છે કે , તમારામાં એવું કંઇક છે જે બીજા લોકોમાં નથી. તમે પણ એ બધું જ કરી શકો છો જે એક સામાન્ય માણસ કરી શકે છે. બસ તમારી અંદર રહેલી કુશળતાને ઓળખો , અને એ દિશામાં આગળ વધો. બાકી તો સમગ્ર સમાજ અને સરકાર આપણી પડખે છે, અને રહેશે જ.
સાહેબ જો એક સમયે આપણે શારીરિક વિકલાંગ હોઈએ ત્યારે પણ જીવન તો સરળતાથી જીવી શકીશું. પરંતુ જો આપણે મનની વિકલાંગતાના શિકાર બન્યા , તો પછી અઢળક દુખો અને મુશ્કેલીઓ સિવાય આપણો બીજો કોઈ મિત્ર નહીં હોય. વિકલાંગતા તમારા શરીરના અંગોમાં હોઈ શકે , પરંતુ દિમાગમાં ક્યારેય નઈ.
તમે જાણતાં જ હશો અરુણિમા સિન્હા ને , કે જેના બન્ને પગ ન હોવા છતાં એણે વિશ્વનો સૌથી ઊંચો પર્વત હિમાલય ચડ્યો હતો. હેલન કેલર ને આપણે સૌ કેવી રીતે ભૂલી શકીએ કે જેઓની બંને આંખો ન હોવા છતાં વિશેષ બ્રેઇલ લિપિની શોધ કરી.
મિત્રો આવા તો આપણા સમાજમાં ઘણા દાખલા છે જે હું તમને આ લેખમાં આપવા માટે અસમર્થ છું. શું આ બધા શારીરિક વિકલાંગ ન હતા ?. ફરક એ જ છે કે તેઓ માત્ર શારીરિક વિકલાંગ હતા. એમની હિંમત અને મનોબળ સામાન્ય માણસને શરમાવે એવું હતું. પરિણામે આજે સમગ્ર દુનિયા એમને સન્માનપૂર્વક યાદ કરે છે.