જ્યારથી કેન્દ્ર સરકારે કૃષિ સમસ્યાઓને લગતા 3 બીલો લોકસભામાં પસાર કર્યા છે, દેશના વિભિન્ન ભાગોમાં ખેડૂતોના વિરોધ પ્રદર્શનના સમાચારો આવવા શરૂ થઈ ગયા છે.
પરંતુ આજે આ વિરોધ પ્રદર્શનો એક રાષ્ટ્રવ્યાપી આંદોલનનું સ્વરૂપ લઈ ચૂકયા છે. છેલ્લા કેટલાક દિવસોથી દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા ખેડૂતોએ દેશની રાજધાની દિલ્હીમાં પોતાનું આંદોલન કેન્દ્રિત કર્યું છે.
ખેડૂત અને કેન્દ્ર સરકાર
આરંભમાં તો કૃષિ બીલનો વિરોધ કરવા દિલ્હી આવી રહેલા ખેડૂતોને દિલ્હી ન આવવા દેવા માટે ભાજપની હરિયાણા સરકાર અને દિલ્હીમાં કેન્દ્ર સરકારે કોરોનાનું સંક્રમણ ફેલાવવાનું કારણ આપ્યું અને પછી પોલીસ દ્વારા બળ પ્રયોગ કરીને જબરદસ્ત આંદોલનને કચડવાનો પ્રયત્ન કર્યો. પરંતુ પોતાનું બધું દાવ પર લગાડી ચૂકેલા ખેડૂતોએ આ બળ પ્રયોગને સહન કર્યો અને પોતાની એકતા તથા ઈચ્છા શક્તિના આધારે દિલ્હીમાં પ્રવેશ કર્યો.
જો કે જોવા જઈએ તો આ આંદોલનની વચ્ચે કેન્દ્ર સરકારના મંત્રીઓ અને ભાજપના નેતાઓ દેશના વિવિધ રાજ્યોમાં થઈ રહેલી સ્થાનિક ચૂંટણીઓથી લઈને રાજ્ય ચૂંટણીઓમાં નાની મોટી ચૂંટણી રેલીઓ અને કાર્યક્રમોમાં વ્યસ્ત છે, જ્યાં કોરોનાનો કોઈ પ્રકોપ દેખાતો નથી.
પરંતુ હવે કેન્દ્ર સરકાર આ આંદોલનને ગંભીરતાથી લઈ રહી છે. ગૃહ મંત્રી અમિત શાહે ખેડૂતો સાથે વાતચીત કરવાના સંકેત તો આપ્યા પરંતુ તેઓએ તેમાં કેટલીક શરતો લગાવી દીધી જેને ખેડૂતોએ શરૂઆતથી જ ઠુકરાવી દીધી. ખેડૂતોનું કહેવું છે કે કેન્દ્ર સરકાર અમારી સાથે કોઈ પણ શરત વગર વાતચીત કરે અને જ્યાં સુધી સરકાર આ ત્રણેય બીલો પાછા ન લે ત્યાં સુધી અમે આ આંદોલન સમાપ્ત નહિ કરીએ.
ખેડૂતોની મક્કમતાને જોતાં હવે ગૃહમંત્રી અમિત શાહે એક તત્કાળ મિટિંગનું આયોજન કર્યું છે, જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર પણ ઉપસ્થિત હતા. સરકારે હજુ સુધી કોઈ બીજો પ્રસ્તાવ આપ્યો નથી.
આ બીલના વિરોધમાં મોદી સરકારની એક સહયોગી પાર્ટી શિરોમણી અકાલી દળના કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. શિરોમણી અકાલી દળે તો આ પણ કહ્યું છે કે તે મોદી સરકારને આપેલા સમર્થન પર પણ પુનર્વિચાર કરી રહી છે.
આ વચ્ચે માનનીય વડાપ્રધાન દરેક મુદ્દાઓની જેમ આ મુદ્દાને પણ સરકારની એક મોટી ઉપલબ્ધિ ગણાવી રહ્યા છે. 4 નવેમ્બરે બિહારમાં એક રેલીને સંબોધિત કરતાં વડાપ્રધાને વિપક્ષ પર ખેડૂતોને ભડકાવવા અને ભ્રમિત કરવાનો આરોપ લગાડ્યો છે. વડાપ્રધાને આ પણ કહ્યું કે દેશનો ખેડૂત ભ્રમિત નહિં થાય. પરંતુ થયું તેનાથી ઊલ્ટું, દેશના ખેડૂતો આજે મોટી સંખ્યામાં કૃષિ બીલનો વિરોધ કરવા દેશની રાજધાની દિલ્હીમાં એકત્રિત થઈ ચૂક્યા છે. દેશના ખેડૂતોએ વડાપ્રધાનને સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે જ્યાં સુધી ત્રણેય બીલો તે પરત નહિં લે ત્યાં સુધી અમે આંદોલન ચાલુ રાખીશું.
સમગ્ર સમાજનું સમર્થન ક્યારે મળશે
#CAA કાયદા વિરોધી આંદોલનને તો આંશિક રીતે સમાજના કેટલાક ભાગોનું સમર્થન પ્રાપ્ત થયું હતું. પરંતુ દેશનું દુર્ભાગ્ય છે કે જ્યારે પણ આ દેશમાં સરકારની નીતિઓના વિરોધમાં આંદોલન થયાં છે તેને સમગ્ર સમાજનું સમર્થન પ્રાપ્ત થતું નથી. કંઈક આવું જ હમણાના ખેડૂત આંદોલનની સાથે પણ થઈ રહ્યું છે.
હાલમાં પણ દેશનો બેરોજગાર વર્ગ, વિદ્યાર્થી વર્ગ, વેપારી વર્ગ, સામાન્ય જનતાના આ આંદોલનને સંપૂર્ણ સમર્થન પ્રાપ્ત નથી થયું. આ આપણા દેશની સૌથી મોટી સમસ્યાઓમાંથી એક સમસ્યા છે. રાજનેતાઓએ સામાન્ય જનતાને પોતાનામાં રોટી, કપડા, મકાનમાં એટલા લીન કરી દીધા છે કે તે હવે ફક્ત જીવિત રહેવાને જ પોતાનું સર્વ કાંઈ સમજવા લાગ્યા છે. દરેક વર્ગ એટલો પસંદગીયુક્ત થઈ ગયો છે કે તે પોતાના મુદ્દાઓ સિવાય બોલતો જ નથી અને ઘણી વાર તો તે પોતાના ખુદના મુદ્દાઓ ઉપર પણ અવાજ નથી ઉઠાવતો.
ખાવું, પીવું, ઊંઘી જવું અને દેશની સમસ્યાઓથી મોઢું ફેરવી લેવુ
ધનિક સમુદાય હોય કે ભણેલા મધ્યમ વર્ગના લોકો બધા પોતાના જીવનમાં અને બેંક સેવિંગ કરવામાં વ્યસ્ત છે, તેમને દેશની સમસ્યાઓથી કોઈ ખાસ રુચિ નથી. પરંતુ આ સમસ્યા હવે થોડા વર્ષોમાં તેમના ઘરે પણ દસ્તક આપશે. જ્યારે આ બધા લોકોની સેવિંગ્સ પર પણ સરકારી તીજોરીની નજર હશે. કદાચ ત્યારે આ લોકો પોતાની ચાદરોમાંથી બહાર આવશે અને દેશની સમસ્યાઓમાં રુચિ લેશે.
દેશની બીજી સૌથી મોટી સમસ્યા રાજકીય અને સામાજિક મુદ્દાઓ પર અસંવેદનશીલતા છે. દેશનો મોટા ભાગનો સમુદાય રાજકીય અને સામાજિક મુદ્દાઓ પર ફક્ત કટાક્ષ કરવાનું જાણે છે. તેની પાસે ખુદનો કોઈ વિચાર અને મુદ્દાઓના નિવારણ સંબંધિત કોઈ રણનીતિ નથી. તે એ જ સમજી-વિચારી રહ્યો છે જે તેને શાસક વર્ગ સમજાવવા ઈચ્છે છે.
જો કે ખેડૂતો ઉપરાંત આ આંદોલનને વરિષ્ઠ વકીલો, બુદ્ધિજીવીઓ, સામાજિક કાર્યકરોએ પણ પોતાનું સમર્થન આપ્યું છે.
અન્ય રાજ્યોના ખેડૂતો શું કરી રહ્યા છે
કહેવામાં આવી રહ્યું છે કે આ આંદોલનમાં ફક્ત પંજાબ અને હરિયાણાના ખેડૂતો છે, બાકી રાજ્યોના ખેડૂતો આ બીલનો વિરોધ કરી રહ્યા નથી. આ વાત સંપૂર્ણ રીતે સત્ય નથી. હા, આ જરૂર છે કે હમણા આ આંદોલનને પંજાબ અને હરિયાણાના ખેડૂતો આંદોલિત કરી રહ્યા છે, પરંતુ બીજા રાજ્યોના ખેડૂતો અને વિવિધ ખેડૂત સંગઠનોએ પણ કૃષિ બીલનો વિરોધ કર્યો છે. યુ.પી., કર્ણાટક, કેરળ, તમિલનાડુ, ઓરિસ્સાના ખેડૂતોએ પણ પોતાના રાજ્યોમાં વિરોધ પ્રદર્શનો શરૂ કર્યા છે.
આમ પણ કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાતનો ખેડૂત ધનિક છે આથી આ બીલનું સમર્થન કરશે. પરંતુ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલે એક સમાચાર પત્રને કહ્યું છે કે આવનાર 3 ડિસેમ્બરના દિવસે ગુજરાતના ખેડૂતો પણ રાજ્યના બધા જિલ્લા અને તાલુકાઓમાં કૃષિ બીલના વિરોધમાં ધરણાં આપશે અને દિલ્હીના આંદોલનને સમર્થન આપશે.
આ બધા તથ્યો પછી માનવું પડશે કે હાલમાં પણ આ આંદોલનને સમગ્ર દેશમાંથી સમગ્ર ખેડૂત સમાજનું સક્રિય સમર્થન પ્રાપ્ત થયું નથી.
મુસ્લિમ સમાજ પર આરોપ :
દરેક રીતના રાષ્ટ્રીય મુદ્દાઓની જેમ આ મુદ્દા અંગે પણ મુસ્લિમ સમાજ તરફથી કોઈ ખાસ પ્રતિક્રિયા આવી નથી. રાષ્ટ્રીય સ્તરના મુસ્લિમ સંગઠનોમાંથી ફક્ત જમાઅતે ઇસ્લામી હિંદે આ કૃષિ બીલનો વિરોધ કર્યો અને કેન્દ્ર સરકારથી માગ કરી છે કે આ ત્રણેય બીલો પરત લે અને ખેડૂતોની સમસ્યાને ગંભીરતાથી સાંભળે અને તેનું નિવારણ કરે.
જ્યારથી ખેડૂતોનું આ આંદોલન શરૂ થયું છે ત્યારથી જોવામાં આવી રહ્યું છે કે દિલ્હીમાં મુસલમાનો ખેડૂતોની સહાયતા કરવામાં લાગી ગયા છે. ખાસ કરીને વિવિધ રાજ્યોમાંથી આવી રહેલા ખેડૂતો માટે પાણી અને ભોજનની વ્યવસ્થા કરી રહ્યા છે.
રાષ્ટ્રીય સમસ્યાઓ તથા રાજકીય અને સામાજિક મુદ્દાઓ પર અસંવેદનશીલતાની જે બીમારી સમાજના બીજા વર્ગોને લાગેલી છે, તે જ બીમારી મુસ્લિમ સમુદાયને પણ લાગેલી છે. આખા દેશમાં ઘણા બધા મુસ્લિમ સંગઠનો, મોટા ધર્મગુરુઓ, મુસ્લિમ બુદ્ધિજીવીઓ અને સામાજિક કાર્યકરો ઉપસ્થિત છે પરંતુ આટલા મોટા રાષ્ટ્રીય મુદ્દા પર મુસ્લિમ સમાજ પણ ઉદાસીન છે.