Thursday, October 10, 2024
Homeઓપન સ્પેસલવ જેહાદ : કાયદો બનાવવાની વાત કેમ?

લવ જેહાદ : કાયદો બનાવવાની વાત કેમ?

થોડા દિવસો પહેલાં હરિયાણાના ફરીદાબાદમાં નિકિતા તોમર નામની યુવતી પરીક્ષા આપીને કોલેજમાંથી બહાર નીકળી રહી હતી ત્યારે ગોળી મારી તેની હત્યા કરી દેવાઈ. જે છોકરાએ તેને ગોળી મારી હતી, તે તેની સાથે જ અભ્યાસ કરતો હતો, એટલે કે નિકિતા તેને ઓળખતી હતી. નિકિતાના મૃત્યુ પછી સોશિયલ મીડિયા પર આ મામલાને ‘લવ જેહાદ’નું નામ આપી દેવાયું. કારણ કે ગોળી મારનાર છોકરાનું નામ તૌસીફ હતું અને તેના સાથીનું નામ રેહાન હતું.

આ ઘટના પછી ભાજપ દ્વારા ફરીથી ‘લવ જેહાદ’નો મુદ્દો ચગાવવામાં આવ્યો છે. હવે ભાજપ શાસિત કેટલીક રાજ્ય સરકારો ‘લવ જેહાદ’ સંબંધિત કાયદો બનાવવાની વાત કરી રહી છે અને તેની શરૂઆત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કરી છે.

‘લવ જેહાદ’ની વ્યાખ્યા કરતાં હિંદુ સંગઠનો જણાવે છે કે, મુસ્લિમ યુવકો હિંદુ છોકરીઓને પ્રેમજાળમાં ફસાવે છે અને પછી લગ્ન માટે ધર્મ પરિવર્તન કરવા દબાણ કરે છે.

તાજેતરમાં યોગી આદિત્યનાથે એક સભામાં ‘લવ જેહાદ’નો ઉલ્લેખ કરતા કહ્યું હતું કેઃ “જો કોઈ હમારી બહેનોં કી ઇઝ્‌ઝત કે સાથ ખિલવાડ કરેગા ઉસકી ‘રામ નામ સત્ય હૈ’ કી યાત્રા અબ નિકલને વાલી હે.” યોગીએ કહ્યું હતું કે તેમની સરકાર આ માટે કાયદો બનાવશે.

હરિયાણાના સાંસદ પણ કૂદી પડ્યા

યોગીના આ નિવેદન પછી હરિયાણાના ગૃહ પ્રધાન અનિલ વિજે કહ્યું કે તેમની સરકાર પણ ‘લવ જેહાદ’ સંબંધિત કાયદો બનાવવા વિચારણા કરી રહી છે. આ પછી તો એવું લાગવા માંડ્યું કે હવે એક પછી એક ભાજપ શાસિત તમામ રાજ્યો આ બાબતે કાયદો બનાવવાની વાત કરશે અને મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે તો તેને સાચું પણ સાબિત કરી બતાવ્યું.

મોટો મુદ્દો બનાવવાનો પ્રયાસ

ચૌહાણે કહ્યું છે કે લવના નામે જેહાદની મંજૂરી આપવામાં આવશે નહીં અને જાે કોઈ આમાં સંડોવાયેલ હોવાનું સામે આવશે તો તેને બરાબરનો પાઠ ભણાવવામાં આવશે અને તેમની સરકાર આ માટે કાયદો બનાવશે. એ બાબતે કોઈ શંકા નથી કે, જે રાજ્યોમાં ભાજપ પોતાના જોરે સત્તામાં છે અથવા ગઠબંધનમાં છે, ત્યાંથી પણ આવા જ નિવેદનો આવવાનું શરૂ થઈ જાય અને ‘લવ જેહાદ’ને દેશ માટે સૌથી મહત્ત્વપૂર્ણ મુદ્દા તરીકે રજૂ કરવામાં આવે.

આસામની ભાજપ સરકારના પ્રધાન હિમંતા બિસ્વા સરમા કહે છે કે, વર્ષ ૨૦૨૧ની વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપ ‘લવ જેહાદ’ના મામલાઓ વિરુદ્ધ એક અભિયાન શરૂ કરશે. આસામ બીજેપીનું કહેવું છે કે, અસમિયા યુવતીઓ ‘લવ જેહાદ’ની શિકાર બની રહી છે.

ફરીદાબાદની ઘટના પછી એવું થવું જોઈતું હતું કે ભાજપના સમજદાર નેતાઓ એમ કહેતા કે નિકિતાના હત્યારાઓને કાયદા હેઠળ સખત સજા આપવામાં આવે અને મહિલાઓ પરના અત્યાચાર રોકવા માટે બનાવેલા કાયદાઓનો કડક અમલ કરવામાં આવે, જેથી કોઈ આવી ઘટનાઓને અંજામ આપવાનો વિચાર પણ કરી શકે નહીં.

રાજકીય લાભ લેવાનો પ્રયત્ન

‘લવ જેહાદ’નો મુદ્દો ભાજપમાં પહેલીવાર યોગી આદિત્યનાથે ઉઠાવ્યો હતો. ૨૦૧૪માં કેન્દ્રમાં મોદી સરકારના સત્તામાં આવ્યા પછી તે જ વર્ષે સપ્ટેમ્બરમાં ઉત્તર પ્રદેશની ૧૧ બેઠકો માટે વિધાનસભાની પેટા-ચૂંટણીઓ યોજાઈ હતી. ભાજપે યોગી આદિત્યનાથને આ પેટા-ચૂંટણી માટે સ્ટાર પ્રચારક બનાવ્યા હતા.

યુપીમાં આ મુદ્દો નિષ્ફળ ગયો

પ્રચાર દરમિયાન યોગી આદિત્યનાથ ચૂંટણી સભાઓમાં કહેતા હતા કે, ‘હવે જોધાબાઈ અકબર સાથે નહીં જાય અને સિકંદર તેની પુત્રીને ચંદ્રગુપ્ત મૌર્યને આપવા મજબૂર થશે.’ તેમણે આવા નિવેદનોથી હિંદુ મતોનું ધ્રુવીકરણ કરવાના પૂરા પ્રયત્નો કર્યા, પરંતુ આ મુદ્દો નિષ્ફળ ગયો હતો અને સમાજવાદી પાર્ટીને ૧૧ માંથી ૮ બેઠકો મળી હતી, અને ભાજપને માત્ર ૩ બેઠકો મળી હતી. આવું ત્યારે બન્યું હતું, જ્યારે આના ચાર મહિના પહેલાં જ ભાજપને નરેન્દ્ર મોદીના નામે દેશ અને ઉત્તર પ્રદેશમાં બમ્પર વિજય મળ્યો હતો.

એક મોટો સવાલ

આસામમાં ચૂંટણી યોજાવાની છે, ત્યાંના મંત્રીએ ‘લવ જેહાદ’ વિશે નિવેદન આપ્યું છે. મધ્યપ્રદેશમાં પેટા-ચૂંટણીઓ યોજાઈ રહી છે, ત્યાં શિવરાજસિંહ ચૌહાણે નિવેદન આપ્યું છે. ઉત્તર પ્રદેશમાં ચૂંટણીને સવા વર્ષ જ બાકી બચ્યું છે અને હરિયાણામાં પણ એક બેઠક ઉપર પેટા-ચૂંટણી યોજાઈ રહી છે. તો સવાલ એ ઊભો થાય છે કે આ બધાં નિવેદનો એવા રાજ્યોમાંથી જ કેમ આવી રહ્યાં છે, જ્યાં ચૂંટણીઓ કાં તો થઈ રહી છે અથવા થવાની છે.

હાદિયાનો મામલો

કેરળની તપાસ એજન્સીઓ દ્વારા કેરળમાં ઘરેથી ભાગી જનાર યુવક-યુવતીઓના અનેક શંકાસ્પદ કેસોની તપાસ કરવામાં આવી હતી અને ત્યારે આ કેસોને ‘લવ જેહાદ’ નામ અપાયું હતું. તેમાંથી, ૨૦૧૮માં હાદિયા નામની યુવતીના મામલાની ખૂબ ચર્ચા થઈ હતી. સુપ્રીમ કોર્ટને આ કેસમાં દખલગીરી કરવી પડી હતી. કોર્ટે કહ્યું હતું કે ૨૫ વર્ષીય હાદિયા પોતાના પતિ સાથે રહેવા માટે સ્વતંત્ર છે.

કેન્દ્ર સરકારનો ઇન્કાર

આશ્ચર્યજનક વાત તો એ છે કે ભાજપના મંત્રી, મુખ્યમંત્રી ‘લવ જેહાદ’ માટે કાયદાની વાત કરે છે, જ્યારે કે કેન્દ્ર સરકાર સંસદમાં કહી ચૂકી છે કે ‘લવ જેહાદ’ જેવી કોઈ ઘટના સામે આવી નથી. કેન્દ્ર સરકારે આ વર્ષે ફેબ્રુઆરીમાં સંસદમાં કહ્યું હતું કે કેરળમાં કેન્દ્રીય એજન્સીઓના ધ્યાનમાં આવો કોઈ કેસ નોંધાયો નથી. કેરળ હાઈકોર્ટ સહિત દેશની ઘણી અદાલતોએ પણ આ હકીકતની પુષ્ટિ કરી છે. સરકારે એમ પણ કહ્યું હતું કે વર્તમાન કાયદા હેઠળ લવ જેહાદની કોઈ વ્યાખ્યાનો ઉલ્લેખ નથી.

હવે સવાલ એ છે કે જ્યારે પોતે સરકાર સંસદમાં કહી ચૂકી છે કે લવ જેહાદને હાલના કાનૂન હેઠળ વ્યાખ્યાયિત ન કરી શકાય, તો પછી કયા આધાર પર ભાજપ શાસિત રાજ્યો તેના વિશે કાયદો બનાવશે?

તનિષ્કની જાહેરાત અંગે વિવાદ

તાજેતરમાં તનિષ્ક જ્વેલરીની એક જાહેરાત પર દેશમાં વિવાદ ઊભો થયો હતો. આ જાહેરાતમાં એક સગર્ભા હિંદુ મહિલાની ‘ગોદ ભરાઈ’ની રસમ હતી અને તેની સાસરી મુસ્લિમ પરિવારમાં હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. રાઇટ-વિંગ ટ્રોલર્સે આ જાહેરાતને ‘લવ જેહાદ’ સાથે જોડી દીધી અને તેનો બહિષ્કાર કર્યો. આ પછી તનિષ્કે આ જાહેરાત દૂર કરવી પડી. ટ્રોલર્સે તનિષ્કના કર્મચારીઓને ધમકીઓ પણ આપી હતી. ત્યારે સવાલ એ ઊભો થયો કે શું તનિષ્કને ટ્રોલર્સ આગળ ઘૂંટણ ટેકવી દેવા જોઈતા હતા?

આવા સંજોગોમાં કે જ્યાં જુદા જુદા ધર્મના બે લોકો લગ્ન કરે અને કોઈ પણ પ્રકારનો ઝઘડો અથવા વિવાદ હોય તો તેના સમાધાન માટે દેશમાં કાયદો, કોર્ટ અને પોલીસ છે જ. મામલાની તપાસ કરીને દોષિતને સજા કરવાની વાત તો બરાબર છે, પરંતુ તેને ‘લવ જેહાદ’નું નામ આપી દેવું અને તે માટે ભાજપ શાસિત રાજ્યો દ્વારા કાનૂન બનાવવાની વાત પાછળનો મતલબ ચૂંટણીમાં હિંદુ મતોનું ધ્રુવીકરણ અને નફરતની રાજનીતિને પ્રોત્સાહન આપવા સમાન છે.

(સાભાર: સત્ય હિન્દી બ્યુરો, ૩ નવેમ્બર, ૨૦૨૦ – અનુ. અનસ બદામ)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments