Thursday, November 21, 2024
Homeઓપન સ્પેસસ્ટેથોસ્કોપલોકશાહીનું પર્વ, બંધારણીય મૂલ્યો અને નાગરિક કર્તવ્ય

લોકશાહીનું પર્વ, બંધારણીય મૂલ્યો અને નાગરિક કર્તવ્ય

વિમાન હવાથી વાતો કરતો હતો ને બધા યાત્રીઓ પોત-પોતાના કામમાં વ્યસ્ત હતા, રાજુની પાડોશમાં એક સજ્જન દેખાતી વ્યક્તિની સીટ હતી, સરકારી અધિકારી જેવા લાગતા હતા, પરંતુ બીજા યાત્રીઓ કરતાં એ થોડા વાચાળ દેખાતા હતા, તેમણે ચાની ચુસકી લેતાં લેતાં રાજુભાઈને પ્રશ્ન કર્યો. શું વ્યવસાય કરો છો, સાહેબ? તેમણે ટૂંકમાં ઉત્તર આપતાં કહ્યું કે અમદાવાદમાં એક નાનો વેપાર કરૂં છું, હવે કાર્પેટનો નવો વ્યવસાય શરૂ કરવો છે એટલે દિલ્હી જઈ રહ્યો છું. બહુ સરસ, પરંતુ વડીલ તેના માટે તમે દિલ્હી કરતાં ભદોઈ (યુ.પી.) જાઓ તો વધારે સારૂં, તેને કાર્પેટ સીટી કહેવાય છે. દિલ્હી તો રીયલ એસ્ટેટ માટે પ્રખ્યાત છે. એમ… રાજુના મોઢામાંથી એક જ શબ્દ નીકળ્યો. મારા એક ભાઈ બંધની સલાહ મુજબ દિલ્હીની ટિકિટ લીધી હતી. હવે શું કરૂં!! પહેલાં જ મંદીના કારણે વેપાર ખોટમાં હતો ને તેવામાં ટિકિટ પણ માથે પડી, ને સમય પણ બગડશે. કાશ મેં બીજા મિત્રોથી ચર્ચા કરી હોત તો સમયને પૈસા બચી શકતા હતા. વળી, આ તો ટ્રેનની સફર પણ નથી કે વચ્ચે ચેન ખેંચીને ઊતરી જવાય. જીવનમાં એવા ઘણા પ્રસંગો બનતા હોય છે કે માણસથી નાની સરખી ભૂલ થાય પરંતુ તેના દુષ્પરિણામો લાંબા સમય સુધી ભોગવવા પડે, તેને ભૂલ સુધારવાનો અવસર જલ્દી મળતો નથી. આ ઘટના આવનારી ચૂંટણીના સંદર્ભમાં યાદ આવી.

મિત્રો, આપણો પ્રિય દેશ એક લોકતાંત્રિક વ્યવસ્થા મુજબ ચાલે છે. લોકશાહી એટલે બહુમતિવાદ નહિ, બલ્કે સ્વરાજ છે. દરેક વ્યક્તિને એવો અનુભવ થાય કે મારૂં રાજ છે. અને આવો આભાસ ત્યારે જ શક્ય છે જયારે દરેક વ્યક્તિના મૂળભૂત અધિકારો સચવાતા હોય અને તેને આગળ વધવાની પૂરેપૂરી તકો પ્રાપ્ત હોય. એ વ્યક્તિ ભલે કોઈ પણ ધર્મ-સંપ્રદાય, જાતિ-જ્ઞાતિ કે રંગ ભાષા સાથે સંબંધ ધરાવતી હોય. પરંતુ અફસોસ કે કેટલાક વર્ષોથી આપણા દેશમાં લોકશાહીના સ્થાને ટોળાશાહી જોવા મળી રહી છે. અને દેશ ધીમે ધીમે ફાસીવાદ કે તાનાશાહી તરફ આગળ વધતો હોય તેવું લાગે છે.

ગૌરી લંકેશ કે ડાભોલકરની દિન દહાડે થતી હત્યા હોય કે જસ્ટીસ લોયાનું મર્ડર, ગૌરક્ષોના રૂપમાં ફરતા માનવભક્ષકોને મંત્રીઓ દ્વારા મળતું પ્રોત્સાહન હોય કે ઘૃણાસ્પદ નિવેદનો આપીને મળતી સસ્તી લોકપ્રિયતા. ન્યાયાધીશો ઉપર થતું દબાણ હોય કે સરકારી તીજારીમાંથી ગુમ થતી ફાઈલો, બંધારણીય સંસ્થાઓની સ્વાયત્તતાને પ્રભાવિત કરવાના કારસા હોય કે બ્યુરોક્રેસીમાં એક ખાસ પ્રકારની માનસિકતા ધરાવતા લોકોની ભરતી, સેક્યુલરિઝમના વસ્ત્રો ધારણ કરી ફેલાવામાં આવતી ધર્માંધતા હોય કે વિવિધ સમુદાયો વચ્ચે કરવામાં આવતું પોલારાઈઝેશન, અને જયારે સરકારથી પ્રશ્ન કરવો દેશદ્રોહ કહેવાતું હોય અને રાષ્ટ્રવાદના નામે માનવ અધિકારોનું હનન થતું હોય તો તે ખૂબ જ ગંભીર પરિસ્થિતિના સંકેત આપે છે.

જ્યાં દેશ કરતાં પાર્ટીનું હિત સાચવવામાં આવતું હોય અને વોટબેંકની રાજરમત રમાતી હોય ત્યાં વિકાસ એક સુંદર જુમલો બનીને રહી જાય છે. એક સમયે સરકારની નીતિઓનો વિરોધ કરવામાં આવતો હોય અને બીજા સમયે એ જ નીતિઓને સ્વીકારવવામાં આવતી હોય તો વાત એકદમ સ્પષ્ટ થઈ જાય છે કે ધ્યેય માત્ર સત્તા પરિવર્તન છે નહીં કે નીતિ પરિવર્તન. એટલે નેતાઓની વાકછટા કે વક્તવ્ય કળાથી પ્રભવિત થવાને બદલે અનુભવ પરથી શીખવાનું વધુ યોગ્ય છે. જે કંપનીઓ માર્કેટિંગના જોરે વસ્તુઓ વેચે છે તેઓ વધુ ટકી શકતી નથી, અને જે ગુણવત્તા આપે છે તેમને જાહેરાતોમાં વધુ ખર્ચ કરવું પડતું નથી. પરંતુ માણસની આંખો જાહેરાતોની ભરમારથી ભ્રમિત થઈ જાય છે, કેમકે સામાન્ય નિયમ છે “જે દેખાય છે તે વેચાય છે’, પરંતુ હોશિયાર લોકોનું માનવું છે “પહલે આઝમાઓે ફિર ભરોસા કરો”. એટલે સ્વતંત્ર ભારતનું ૭૨ વર્ષના અનુભવથી બોધ લઈએ કે કોણ લોકો છે જેઓ દેશમાં નફરત ફેલાવે છે, બંધારણને બદલવાની વાત કરે છે, કોમવાદના બીજ રોપે છે અને વિવિધતામાં એકતાની દેશની ગરિમાને કલંકિત કરે છે.
ઉમેદવાર કે પાર્ટીઓ કોઈ પણ કીમતે ચૂંટણીઓ જીતવા નોટોના ભંડોળને પાણીની જેમ વ્હેંચે છે. પોલરાઈઝ કરવા માટે, બીજા ઉમેદવારને ઊભા કરવા કે બેસાડવા અથવા મતદારોને આકર્ષિત કરવા માટે નોટોની લ્હાણી કરવામાં આવે છે. સામાન્ય જનને ખબર હોય છે કે શું થઈ રહ્યું છે પરંતુ આપણાં ચૂંટણી તંત્રને કશું ‘ખબર પડતી નથી’. આટલા રૂપિયા વિકાસ અર્થે ખર્ચ કર્યા હોત તો આવી ધતિંગ કરવાની જરૂર ન પડત. બ્લેક મની નાબૂદ કરવા માટે નોટબંદી થતી હોય અને બોન્ડના નામે બ્લેકમની સ્વીકારાતી હોય અને ચૂંટણી સમયે બ્લેકમની વ્હેચાતી હોયતો તેનું મતલબ એ થાય કે બ્લેક્મની નાબૂદ નથી કરવી બલ્કે ચૂંટણી ભંડોળ માટે રિઝર્વ કરવી છે અને તે એકત્ર કરવા માટે બ્લેક મેલિંગ કરવી છે. ગૌહત્યાના કાયદા બનાવવા છે પરંતુ ગાયને રાષ્ટ્રીય પ્રાણી ઘોષિત કરવી નથી, પોતાના જ એક રાજ્યમાં ગૌરક્ષા માટે બજેટમાં ભંડોળ રાખવામાં આવતું હોય અને તેમના જ બીજા રાજ્યમાં ગૌમાંસ છૂટથી મળતો હોય. એક બાજુ ગાયનું મહ¥વ દર્શાવવામાં આવતું હોય અને બીજે ગૌમાંસના નિકાસમાં બીજા તમામ દેશોને પાછળ મુકતા હોય. આવી ઘટનાઓ દંભની પરાકષ્ઠા છે.

આપણા દેશના બંધારણનું કલેવર સેક્યુલર છે. અને ભારતના પરિપેક્ષ્યમાં સેક્યુલરિઝમનો અર્થ અધાર્મિકતા કે ધર્મવિમુખતા નથી બલ્કે તમામ ધર્મો પ્રત્યે નિષ્પક્ષતા અને સદ્‌ભાવ છે. તે જ આપણા દેશનો રાષ્ટ્રવાદ એ જર્મની, સ્પેન, ફ્રાંસ જેવા યુરોપિયન દેશો અને યુ. કે તથા ઇઝરાયલ અને તુર્કી જેવા દેશોની જેમ રંગ, વંશ, ધર્મ કે સંસ્કૃતિ ઉપર આધારિત નથી, બલ્કે આપણા દેશનો રાષ્ટ્રવાદ civic nationalism છે. જ્યાં દરેક વ્યક્તિએ તેનું નાગરિક કર્તવ્યનું પાલન કરવું છે. જે નાગરિક તરીકે તેની જવાબદારી જેટલી સારી રીતે અંજામ આપશે તે તેટલો જ રાષ્ટ્રવાદી કહેવાશે. બીજા દેશોમાં રાષ્ટ્ર કોઈ એક રંગ, વંશ કે સંસ્કૃતિના આધાર પર બને છે તેથી તેમનો રાષ્ટ્રવાદ બીજા રંગ, વંશ કે સંસ્કૃતિના લોકો સાથે તેમને જુદો પાડે છે અથવા દુશ્મન બનાવે છે. જયારે આપણાં દેશનો રાષ્ટ્રવાદ કોઈ એક રંગ, જાતિ, વંશ, ધર્મ કે સંસ્કૃતિ ઉપર આધારિત નથી, તેમાં સર્વસમાવેશની ભાવના છે. આ ભાવના એક વ્યક્તિને બીજી વ્યક્તિ સાથે જાડે છે અને સામાજિક અખંડતાને મજબૂત બનાવે છે. દેશના સ્વતંત્રતા સંગ્રામમાં બધા લોકો એ ભાગ લીધો છે. દરેક ધર્મ અને જાતિના લોકોનું રક્ત તેની જમીનમાં સામેલ છે. કોઈ વિશેષ સમુદાયની ઈજારાશાહી નથી. રાહત ઇન્દોરી એ ખૂબ જ સરસ કહ્યું છે.

સભી કા ખૂન હૈ શામિલ યહાં કી મિટ્ટી મેં
કિસી કે બાપ કા હિન્દુસ્તાન થોડી હૈ

તેથી જ “વિવિધતામાં એકતા” આપણા દેશની વિશેષતા ઠરી છે. અને જુદા જુદા પ્રકારના પુષ્પોનું સુંદર વન છે. તેના જ કારણે ભારત બીજા દેશોના મુકાબલામાં જુદો તરી આવે છે. આ જ આપણી પ્રાચીન ધરોહર અને વાસ્તવિક ઓળખ છે. તેના જ કારણે દેશનું આંતરિક ઢાંચો મજબૂત બન્યો છે. અને આ સામાજિક તાનાબના જેટલા મજબૂત બનશે તેટલી દૃઢતા સાથે દેશ પ્રગતિ કરશે. શરીરનું આંતરિક સ્ટ્રક્ચર મજબૂત હોય તો વ્યક્તિ હેરત ભર્યા કાર્યો કરી શકે છે. પરંતુ તે કમજોર હોય તો રોગોનું ઘર બની જાય છે, આવી વ્યક્તિ કોઈ મોટું સાહસ કરી શકતી નથી. તેથી આંતરિક ઢાંચાને નુકસાન પહોંચાડતા પરિબળોથી દૂર રહવા જોઈએ. તેવી જ રીતે જે લોકો સત્તા ભોગવવા કે પોતાના નિર્ધારિત લાભો મેળવવા દેશની અખંડતાને નુકસાન પહોંચાડે છે તેમને ક્લીન બોલ્ડ કરી પેવિલિયનમાં પાછો મોકલી દેવો જોઈએ. આવા કોમવાદીઓ સમાજના જ નહિ દેશના પણ દુશ્મન છે. ભૂલે ચૂકે પાર્લામેન્ટમાં પહોચી ગયા તો મોટી ખાનાખરાબી સર્જાશે.

આપણા દેશનું બંધારણ આ જ વિશેષતાને જાળવી રાખવાનું માસ્ટરપીસ છે. તેના પ્રિએમ્બલમાં સંપૂર્ણ બંધારણની સ્પ્રીટ દેખાય છે. જેમાં ભાઈચારા અને બંધુત્વ, સમાનતા, સામાજિક અને રાજનૈતિક ન્યાય, અભિવ્યક્તિની સ્વતંત્રતા, કોઈ પણ ધર્મ પર આચરણ, પ્રચાર-પ્રસાર અને સ્વીકારવાની સ્વતંત્રતા, માનવ ગૌરવ જેવા મૂલ્યોની વાત કહેવામાં આવી છે. આ મૂલ્યો પર જતન કરવું અને તેની સુરક્ષા કરવી દરેક નાગરિકનું કર્તવ્ય છે. આ જ કર્તવ્ય-નિષ્ઠા જ વ્યક્તિમાં સાચી દેશ-ભાવના પેદા કરે છે. કોઈ વ્યક્તિ, પાર્ટી કે સમુદાય દ્વારા આ મૂલ્યોને હાનિ પહોચાડવીં બંધારણની અવહેલના છે.

આ મૂલ્યોની સાથે જ દેશનો વિકાસ કરવાનો છે, આ મૂલ્યોને નેવે મૂકી કે તેની કીમત પર કોઈ સાચો વિકાસ સંભવ નથી. વિકાસ વાસ્તવમાં નાગરિકોને આપવામાં આવતી સવલતોનું નામ છે. અને નાગરિકોને આ મૂલ્યો થકી જ સંગઠિત રાખી શકાય. બંધારણીય મૂલ્યોનું ઉલ્લંઘન દેશમાં અરાજકતાનું વાતાવરણ ઊભું કરશે તથા કાનૂન વ્યવસ્થાની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ કરી દેશે. વિકાસ મૂડીવાદીઓને આપવામાં આવતા છૂટા દોરનું નામ નથી બલ્કે ધર્મ, સંપ્રદાય, નાત-જાત, રંગ-ભાષાના ભેદ વગર છેવાડાના નાગરિકની મૂળભૂત જરૂરતો અને સુવિધાઓની પૂર્તિનું નામ છે. આ જ રીતે રાષ્ટ્રનિર્માણમાં દરેક નાગરિકની ભાગીદારીની ખાતરી કરી શકાય.

ચૂંટણી લોકશાહીનું પર્વ છે અને ગ્રામપંચાયતથી લઇને લોકસભા સુધી વિવિધ સ્તર પર તેનું અમલીકરણ થતું રહે છે. આ પણ દેશનું સૌભાગ્ય છે કે આપણે આટલા લાંબા સમય સુધી તેને ટકાવી રાખી શક્યા. સામાન્ય રીતે દરેક ચૂંટણી મહત્વની હોય છે પરંતુ તેમાંય લોકસભાની ચૂંંટણીનું મહત્વ ખૂબજ વધારે હોય છે, કેમકે પાર્લામેન્ટમાં જે કાયદાઓ બને છે અથવા સુધારા-વધારા થાય છે તે સમગ્ર દેશને પ્રભાવિત કરે છે જેની અસર દરેક નાગરિક પર પડે છે. પરંતુ ઘણા કારણોસર દેશના ભવિષ્યની દિશા નક્કી કરવામાં ૨૦૧૯નું ઇલેકશન ખૂબ જ મહત્ત્વનું છે. તમે કઈ પાર્ટીને પસંદ કરશો એ નિર્ણય તમારે કરવાનો છે. યાદ રાખજો આપણા દેશમાં પ્રેસિડેન્શિયલ કે પ્રાઈમ મીનીસ્ટ્રીયલ ચૂંંટણી થતી નથી બલકે પાર્લામેન્ટરી ચૂંટણી થાય છે. તેથી મત આપતી વખત તમારી નજર PM પર નહી MP કેન્ડીડેટ પર હોવી જોઈએ. તમારો ઉમેદવાર જીતશે તો એ જ તમારૂં અને તમારા વિસ્તારનું લોકસભામાં પ્રતિનિધત્વ કરશે. ભવિષ્યમાં જે કામો તમારે લેવાના છે એ તેના થકી લઈ ૃશકશો. એટલે કોઈ ભાવનામાં વહી ન જતા. તમારો ઉમેદવાર કેવો હોવો જોઈએ એ પ્રશ્ન મહત્વનું છે.મારા મતે એવા વ્યક્તિને વોટ આપવું જોઈએ જેનું ચરિત્ર સ્વચ્છ અને નોન કરપ્ટ હોય,જે બુદ્ધિમાન અને જ્ઞાની તથા ઉદારહૃદયી અને દીર્ઘદૃષ્ટા હોય, જેની સામે પાર્ટી કરતાં દેશનું હિત સર્વોપરી હોય, જેઓ બંધારણનું મૂળભૂત જ્ઞાન અને લોકશાહીમાં વિશ્વાસ ધરાવતા હોય. ગુંડા, લફંગા,ખંડણીખોર, કોમવાદી અને ક્રિમિનલ વ્યક્તિને લોકતંત્રના આ પવિત્ર ધામથી દૂર રાખશો.ચોક્કસ, આદર્શ સ્થાને કદાચ કોઈ ઉમેદવાર જોવા નહિ મળે. ૭૨ વર્ષનો અનુભવ એ જ કહે છે. એવામાં ઓછામાં ઓછું જે દેશમાં સામાજિક ન્યાય અને બંધારણીય મૂલ્યોની સુરક્ષા કરી શકે તેવા ઉમેદવારને મત આપી શકાય અથવા જે પ્રાપ્ત વિકલ્પોમાં ઓછું નુકસાનકારક હોય તેને પસંદ કરી શકાય. ઇસ્લામનું પણ આ જ શિક્ષણ છે કે વધારે ખૂબીઓ વાળી વ્યક્તિને પસંદ કરવી. અને કોઈ સારો વિકલ્પ ન હોય તો ઓછા નુકસાન વાળા વિકલ્પને પ્રધાન્ય આપવું.

મિત્રો, આપણો એક મત દેશનું ભવિષ્ય નક્કી કરી શકે છે. આપણો મત કોઈ ભીખ નથી કે કોઈને ભિક્ષામાં આપી શકાય. તેથી કોઈ પક્ષપાત કર્યા વગર, કોઈ આવેશ કે લાગણીમાં તણાયા વગર ખુબજ સમજી-વિચારીને આપનો મત આપશો. હા, પોતાનો મત વેચશો નહીં, કે લાલચમાં આવશો નહીં, આપનો મત એક અમાનત છે, તેને વેચવો ઇસ્લામી રૂએ હરામ અને માનવી રીતે અનૈતિક છે. એવી રીતે કોઈ ધાક-ધમકીમાં પણ આવશો નહી. નિર્ભયતા સાથે પોતાનું કર્તવ્ય પૂર્ણ કરશો. કોઈ ગેરબંધારણીય ઘટના જુઓ તો જાગૃત નાગરિક તરીકે ઇલેકશન કમીશનને જાણ કરશો.મત જરૂર આપશો. એટલે જ રાજુ ભાઈની જેમ ભૂલ ન કરતાં, નહિતર દિલ્હીથી પાછા બોલાવવામાં ૫ વર્ષ રાહ જોવી પડશે વચ્ચે કોઈ ચેન ખેંચી શકાશે નહીં.યાદ રાખશો, આપણો મત આપણું ભવિષ્ય, આપણી સરકાર, આપણો દેશ.•


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments