Friday, April 19, 2024
Homeમનોમથંનમુસ્લિમ અને કોંગ્રેસ મુક્ત ભારતથી માનવ મુક્ત ભારત તરફ અગ્રેસર ભાજપ

મુસ્લિમ અને કોંગ્રેસ મુક્ત ભારતથી માનવ મુક્ત ભારત તરફ અગ્રેસર ભાજપ

ભાજપ એ હિંદુત્વના રથ ઉપર સવાર થઈ 85% હિન્દુ બહુમતિનું હિંદુત્વના નામે ધ્રુવિકરણ કરીને 2014 માં સત્તાના સૂત્રો સંભાળ્યા, ત્યારથી શામ, દામ, દંડ ની રીત અપનાવી, કોમવાદી રાજકારણ દ્વારા એક પછી એક અનેક રાજ્યોમાં પણ સત્તા હાંસલ કરતાં રહ્યા. ભારતીય જનતા પાર્ટીએ સત્તા, પૈસો, મીડિયા, સોસિયલ મીડિયાનું આખું નેટવર્ક, પોલીસ તંત્ર, ન્યાયતંત્ર,નોકરશાહ, CBI, RBI, ED, ECI, RSS, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, દુર્ગા વાહિની, અનેક નાના-મોટા હિન્દુ સંગઠનો અને અંધભક્તોની આખી ફૌજ દ્વારા ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવા અને સંવિધાનને નાબૂદ કરવા, અનામતને રદ કરવા 2025 સુધીનું આયોજન, જાહેર ગુપ્ત એજન્ડા, મેનીફીસ્ટો બહાર પાડ્યું. 2014 અને 2019 ના લોકસભા ઈલેક્શનમાં જંગી બહુમતી મેળવીને સત્તાના સૂત્રો કબ્જે કર્યા, તેમજ રાજ્ય સભામાં બહુમત મેળવવા માટેના પ્રયત્નો શરૂ કરી દીધા, તેમજ એક પછી એક રાજ્યની સત્તા હાંસલ કરવા માટે જે યુક્તિ અપનાવવી પડે,જેવા સાથે તેવાની નીતિ અપનાવી, ભાજપ જેવા સાંપ્રદાયિક રાજકીય પક્ષને 1992 માં માત્ર 2 સીટ મળી હતી, ત્યારબાદ ભાજપના પીઢ નેતા લાલકૃષ્ણ અડવાણીને રામ મંદિર જેવા સંવેદનસીલ મુદ્દા ઉપર સોમનાથથી અયોધ્યા રથયાત્રા કાઢીને સમગ્ર દેશમાં કોમવાદી વાતાવરણ ઊભું કરવાની મહત્વની જવાબદારી સોંપવામાં આવી જે તેમણે ખુબજ ઈમાનદારી પૂર્વક નિભાવી અને સમગ્ર દેશમાં કોમવાદનું વાવેતર કરવામાં આવ્યું જેનો પાક 2014 અને 2019 ના ઈલેક્શનમાં લણવામાં આવ્યો,અડવાણીનો રથ અયોધ્યા જવાને બદલે દિલ્હી પહોચી ગયો, ધાર્મિક આંદોલનનો રાજકીય અંત આવ્યો.

ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવામાં રાજકીય પક્ષ તરીકે આડે આવતા કોંગ્રેસને કે જે નેતૃત્વ હિનતાના દૌરમાથી પસાર થઈ રહી હતી, ભાજપ એ નિશાન બનાવ્યું અને શરૂ કર્યું કોંગ્રેસ મુક્ત ભારતનું અભિયાન, માંગ્યો 70 વર્ષનો હિસાબ, દેશની વર્તમાન પરિસ્થિતી અને દરેક મુદ્દે જવાબદાર ઠેરવ્યા નેહરૂ અને કોંગ્રેસ નેતાગીરીને, મીડિયા એ પોતાનો ગોદી-મોદી મીડિયાનો રોલ ખુબજ સારી રીતે ભજવ્યો, મીડિયામાં ચર્ચાઓ દરમ્યાન સરકારને સવાલ કરવાને બદલે કોંગ્રેસ, નેહરૂ અને વિપક્ષને પ્રશ્નો કરવાની નવી પ્રથા પ્રચલિત થઈ,લોકોના જીવ જાય કે કોઈ પણ દુર્ઘટના ઘટે તો અત્યારે તો માત્ર આટલા જ લોકો મર્યા છે, કોંગ્રેસનાં શાસનમાં તો આનાથી વધારે લોકો મરતા હતા જેવી વાહિયાત દલીલોને દોર શરૂ થયો,ભાજપને તેના વચનો અને મેનીફિસ્ટો બાબતે પ્રશ્નોના જવાબો આપવાથી મુક્તિ મળી ગઈ, તેમછતાં કોઈ પત્રકાર, કર્મશીલ, બુધ્ધિશાળી પ્રશ્ન કરી બેસે તો તેને ભાજપ વિરોધી ને બદલે રાષ્ટ્ર વિરોધીનું લેબલ ખુબજ સરળતાથી લગાવી દેવામાં આવ્યું. મોટા-મોટા રાજકીય નેતાઓને ખરીદવાનું શરૂ થયું, ના ખરીદાય તો ED અને IT તૈયાર જ બેઠા હોય,કોંગ્રેસ મુક્ત ભારત બનાવવાના અભિયાનમાં ભાજપને ક્રમે-ક્રમે સફળતા મળવા લાગી તેમાં સ્વયં કોંગ્રેસ પોતે પણ સહયોગ કરવા લાગી. નરેન્દ્ર મોદીની રાહુલ ગાંધી સાથે વ્યર્થ સરખામણી થવા લાગી, મીડિયા રાહુલ ગાંધીને પપ્પુ સાબિત કરવામાં લાગી ગયું, હાસ્ય કલાકારોને પણ થોડી જવાબદારી સોંપવામા આવી. 45 વર્ષના રાહુલ ગાંધીને બદલે 65 વર્ષના નરેન્દ્ર મોદી યુવાનોને આકર્ષવામાં સફળ થયા. ચારેય બાજુના એક સાથેના હુમલામાં કોંગ્રેસનો કિલ્લો ધ્વસ્ત થવા લાગ્યો. આજે કોંગ્રેસ પક્ષ ખુબજ દયાજનક સ્થિતિમાથી પસાર થઈ રહ્યો છે. વિપરીત પરિસ્થિતિમાં પણ કોંગ્રેસ મધ્યપ્રદેશમાં સરકાર બનાવવામાં સફળ રહી તો ભાજપ એ તેના ધારાસભ્યો ખરીદીને ચૂંટાયેલી સરકારને પાડી નાખી અને પોતાની સરકાર બનાવી લીધી. ટૂંકમાં ભાજપ દેશને કોંગ્રેસ મુક્ત બનાવવામાં લાગી ગઈ, આજે પણ તેના પ્રયત્નો નિરંતર ચાલુ જ છે લોકશાહી દેશમાં એક મજબૂત વિપક્ષ હોવો જોઈએ એ ભાજપ જાણી જોઈને ભૂલી ગઈ, કારણકે તેને લોકશાહીથી મતલબ જ નથી તેને માત્ર ને માત્ર હિન્દુ રાષ્ટ્ર દેખાય છે.

લોકશાહીને નાબૂદ કરવા અને સરમુખત્યારશાહીની સ્થાપના કરવા માટે હિટલરને જેમ યહુદી શત્રુ કોમ મળી ગયી હતી, તેજ રીતે નરેન્દ્ર મોદીને મુસ્લિમ કોમ ખુબજ સરળતાથી મળી ગઈ જે તેમને તેમનો એજન્ડા પર પાડવામાં દરેક રીતે બંધ બેસતી હતી. 2014 ની ચૂંટણી જીત્યા પછી થી અત્યાર સુધી મોદી સરકાર એ મુસ્લિમને ટાર્ગેટ બનાવવામાં એક પણ તક જતી નથી કરી, દેશના મુખ્ય મુદ્દાઓ અને ભાજપના મેનીફિસ્ટો તરફથી પ્રજાનું ધ્યાન હટાવીને જાણેકે દેશની મુખ્ય સમસ્યા જ મુસ્લિમ હોય એ સાબિત કરવામાં ભાજપ,RSS અને તેના સહયોગી સંગઠનોની સાથે મીડિયા 24×7 લાગી ગયું. કલમ 370, તલાક, કોમન સિવિલ કોડ, બાબરી મસ્જિદ, ગાય, ગૌમાંસ, જય શ્રી રામના નારાઓ, લવ જિહાદ,CAA,NRC, તબલીગી જમાઅતનો કોરોના જિહાદ જેવા મુદ્દાઓ ઉઠાવીને ભાજપ દેશમાં વિષાક્ત વાતાવરણ ઊભું કરવામાં મહદ અંશે સફળ થઈ ગયું, જેના કારણે ઉન્માદી ભીડ જમા થવા લાગી અને એક-બે નિસહાય લોકોની નિર્દયતા પૂર્વક પશુની જેમ હિંસક હત્યા કરવાની મોબલીંચિંગની ઘટનાઓ અસ્તિત્વમાં આવી અને હદ તો ત્યાં આવી કે તેને વ્યાજબી ઠેરવવાનું વલણ જોવા મળ્યું, હિંસા આચારનારાઓને પુરસ્કૃત કરવામાં આવ્યા તેમનું બહુમાન કરવામાં આવ્યું. પ્રજાનું એટલી હદે માઇન્ડ વોશ કરવામાં આવ્યું કે પોતાની આસ-પાસ રહેતા મુસ્લિમો તરફથી કોઈ જ તકલીફ ના હોવા છતાં તેઓ મીડિયાના અપ્રમાણિક તથ્યો ઉપર વિશ્વાસ કરીને મુસ્લિમો સાથે ગેરવર્તણૂક કરવા લાગ્યા અને તેમના વિષે ખરાબ વિચારવા લાગ્યા. ભાજપ અને તેના સહયોગી સંગઠનોના નેતાઓના નિવેદનોમાં અને TV ની દરેક ડિબેટમાં વ્યર્થ મુદ્દાઓ ઊભા કરીને મુસ્લિમોને પાકિસ્તાન જતાં રહેવાની અથવા મોકલી દેવાની ધમકીઓ આપવામાં આવવા લાગી. જેમને ગૌમાંસ ખાવું હોય તેઓ પાકિસ્તાન જતાં રહે. ભારત પાકિસ્તાનના ભાગલાનો આરોપ પણ મુસ્લીમોના માથે ઢોળી દેવામાં આવ્યો.સાંપ્રદાયિક તત્વોને જાણે છૂટો દૌર મળી ગયો છે, મુસ્લિમો વિરુધ્ધ બેફામ નિવેદનો કરવાનો, તેમની ઉપર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવતી ઊલટું જોવામાં આવ્યું છે કે જેમને લીંચ કરવામાં આવ્યા છે તેમની ઉપર કાનૂની કાર્યવાહી કરવામાં આવી હોય. 20 થી 25 કરોડ મુસ્લિમોની જનસંખ્યાનો અંદાજ છે મુસ્લિમ મુક્ત ભારત ફિઝિકલી શું કલ્પનામાં પણ શક્ય નથી તેમ છતાં પોતાના રાજકીય એજન્ડા ખાતર મુસ્લિમ મુક્ત ભારતનો રાગ આલાપ્યા કરે છે.

કોંગ્રેસ અને મુસ્લિમ મુક્ત ભારત બનાવવામાં લાગેલી ભાજપ સરકાર, ચૂંટણી જીવી ભાજપ પક્ષનું સંપૂર્ણ ધ્યાન માત્ર કોંગ્રેસ અને મુસ્લિમો પ્રતિ કેન્દ્રિત થઈ ગયું, વિકાસનો એજન્ડા ચૂંટણી મેનીફિસ્ટો ત્યાં સુધી કે જેમના જોરે સત્તા પ્રાપ્ત થઈ તેવા તેમના મતદારોનું કલ્યાણ પણ સદંતર ભૂલી ગયા. સરકારમાં કામ કરવાનું નકારાત્મક વલણ ઊભું થયું,જેના કારણે GDP, આર્થિક વિકાસ, રૂપિયાનું અવમૂલ્યન, શિક્ષા, સ્વાસ્થ્ય, રોજગાર તરફ દુર્લક્ષ્ય,GST, નોટબંધી બાબતે ભૂલ ભરેલો આકસ્મિક ઉતાવળિયો નિર્ણય, માત્ર બહુમતી હિન્દુ વર્ગને ધાર્મિક અફીણ પીવડાવતા રહ્યા, લોકો રામ મંદિર, ગાય, સરદાર પટેલ સ્ટેચ્યું, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, બુલેટ ટ્રેન વગેરેમાં રાચતાં રહ્યા, કોઈ પણ પ્રકારનું રાષ્ટ્રીય આયોજન નહીં, કોઈ પણ પ્રકારની તૈયારી નહીં અને તેવામાં આવી કોરોનાની વૈશ્વિક મહામારી દુનિયાના વૈજ્ઞાનિકોએ ઘણી બધી ચેતવણીઓ આપી,WHO એ પણ ચેતવ્યા શું શું પગલાં લેવા તેના દિશા-નિર્દેશ આપ્યા, અલ્પ શિક્ષણ મેળવેલા પ્રધાનમંત્રી એ વૈજ્ઞાનિક અભિગમ અપનાવવાને બદલે પ્રજાને તાલી અને થાળીવગાડવામાં દિપક પ્રગટાવવામાં, નરેન્દ્ર મોદી સ્ટેડિયમના ઉદઘાટનમાં, ચૂંટણી રેલીઓ અને કુંભના શાહી સ્નાનમાં મસ્ત રાખ્યા, કોઈ પણ જાતના આયોજન કે દેશની જરૂરિયાતનો અંદાજ કર્યા વગર ઓકશીજન, દવાઓ, વેકસીનના નિર્યાત દ્વારા વિશ્વમાં સંદેશ આપ્યો કે  ભારતમાથી કોરોનાને પરાજીત કરી દેશ નિકાલ કરવામાં આવ્યો છે. આપવામાં આવેલી કોરોનાની બીજી લહેરની સુનામી જેવી ગંભીર ચેતવણી સામે આંખ આડા કાન કરવામાં આવ્યા.

આજે સમગ્ર દેશ વેન્ટિલેટર ઉપર છે રામ મંદિરની સ્થાપના સાથે પ્રજાને રામ ભરોસે છોડી દેવામાં આવી છે, આત્મનિર્ભર કદાચ આ જ સંદર્ભમાં કહેવામા આવ્યું છે. દેશને જાણે યુધ્ધમાં હોમી દેવામાં આવ્યું છે લોકોના બલિદાન અપાઈ રહ્યા છે. સરકારની સંપૂર્ણ ગુનાહિત બેદરકારી જોવા મળી રહી છે.કોરોનાએ વિશ્વમાં સૌથી વધારે તબાહી ભારતમાં મચાવી હોવા છ્તાંનેશનલ ડિઝાસ્ટર પ્લાનબન્યો નથી.

દેશનું 2021 માં સ્વાસ્થ્ય મંત્રાલયનું બજેટ 65000 કરોડ જ્યારે રક્ષા બજેટ 471000 કરોડ છે જે કુલ બજેટના 2% અને 15% છે. વિશ્વમાં ત્રીજા નંબરનું રક્ષા બજેટ છે. આપણી સાર્વજનિક સ્વાસ્થ્ય પ્રણાલી નિષ્ફળ અને અપૂરતી છે, ધ્વસ્ત થઈ ગઈ છે પડીભાંગી છે. મેડિકલ સ્ટાફની ખુબજ અછત છે. કોરોનાની આ બીજી લહેરમાં આજે દરરોજના 4 લાખ કેશ અને 3000 લોકોના મૃત્યુનું પ્રમાણ છે,દેશની કુલ વસ્તીના 1% કોરોના સંક્રમિત લોકોને પણ જો મૂળભૂત સુવિધાઓ હોસ્પિટલ બેડ, વેન્ટીલેટર, ઓક્સીજન, ડોક્ટર્સ-સ્ટાફની સુવિધાઓપ્રાપ્ત ન થઈ સકતી હોય, ત્યાં સુધીકે શબોની અંતિમક્રિયા પણ સન્માન પૂર્વક સમયસર ન થઈ સકતી હોય,સરકાર શબોની ગણત્રી પણ કરી સકતી ના હોય.ત્યારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી દીધું છે કે કોરોનાની ત્રીજી લહેરનું તોફાન ચોક્કસ આવશે જેમાં દરરોજના 8 લાખ કેશ અને 4500 મૃત્યુ થશે, આ આંકલન પણ ઓછું છે જેમાં યુવાનો અને બાળકો પણ સંક્રમિત થશે ત્યારે શું થશે એ વિચાર માત્ર જ ધ્રુજાવી નાખે એવો છે. કોરોનાની શરૂઆતથી લઈને બીજી લહેર સુધી 1 વર્ષનો સમય સરકારને મળ્યો હતો, હાલમાં કોરોનનો કહેર જારી છે ત્યારે સરકારની કામગીરી જોઈને ત્રીજી લહેર માટે સરકાર જરાય ચિંતીત કે સક્રિય જોવા નથી મળી રહી, કુંભ, બંગાળની ચૂંટણી રેલીઓ, ચૂંટણી પછીની હિંસા બાબતે સરકાર ખુબજ સક્રિય જણાય છે. ત્વરિત પગલાઓ લઈ રહી છે જે તેની પ્રાથમિકતા દેખાઈ રહી છે.

વડાપ્રધાન નરેદ્ન્ર મોદી, તેમની સરકાર અને RSS ના દોરી સંચાર અને વિચારધારા મુજબ ચાલતો  તેમનો પક્ષ ભાજપ કોરોના બાબતે સંદતર નિષ્ફળ ગયો છે, બલ્કે તે સક્ષમ જ નથી, કોઈ પૂર્વ આયોજન નથી, બજેટ નથી સંસાધનો નથી, વૈજ્ઞાનિક અભિગમ નો અભાવ બલ્કે હિન્દુ ધર્મમાં વિજ્ઞાન શોધવું, વિશ્વગુરૂ બનવાના સપના, અજ્ઞાનતામાં રચતાં રહેવું, જરૂરી વસ્તુઓના પૂર્વ આયોજન વગર નિર્યાત કરવી અને પછી એ જ વસ્તુઓની આયાત કરવી અણધણ વહીવટનો સચોટ દાખલો, કોરોનાની પહેલી લહેર પછી કોરોના પર વિજય મેળવ્યાનો શ્રેય લેવાની ઉતાવળ, બડાઈ અને શેખી મારવી, ન્યાયાલય, મીડિયા, સોસિયલ મીડિયા ઉપરાંત જે કોઈ સરકાર વિરુધ્ધ અવાજ ઉઠાવે તેમને મેનેજ કરવા. આ બધીજ બાબતો સાબિત કરે છે કે દેશમાં હાલમાં હજ્જરોની સંખ્યામાં લોકો મોતના મુખમાં હોમાઈ રહ્યા છે,હાઇકોર્ટોએ સખત પગલાં લેવાનું શરૂ કર્યું છે, સરકારની ગુનાહિત બેદરકારીને નરસંહાર ગણાવ્યો છે.કોરોના ફેલાવવાના જવાબદાર તરીકે ચૂંટણી કમિશનને જવાબદાર ઠેરવ્યા છે.સોસિયલ મીડિયા ઉપર ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કોરોનાના સુપર સ્પ્રેડર તરીકે દર્શાવવામાં આવી રહ્યા છે. આવનારી કોરોનાની ત્રીજી લહેરનો અણુબોમ્બ ફાટવાની તૈયારીમાં છે, ત્યારે ભારત ભાજપના કરતુતોને કારણે માનવ મુક્ત થવાની દિશામાં આગળ વધતું હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.  

(લેખક, જમાઅતે ઇસ્લામી હિંદ, ગુજરાતના સેક્રેટરી છે)


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments