Tuesday, December 10, 2024
Homeસમાચારહિજાબ ફક્ત ઇબાદત નહિ, પરંતુ અમારો બંધારણીય અધિકાર પણ છે : GIO

હિજાબ ફક્ત ઇબાદત નહિ, પરંતુ અમારો બંધારણીય અધિકાર પણ છે : GIO

અહમદાબાદઃ

ગર્લ્સ ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશ (GIO) ગુજરાત દ્વારા 8 ફેબ્રુઆરી થી 13 ફેબ્રુઆરી સુધી “હયા” શિર્ષક હેઠળ એક અભિયાન મનાવવામાં આવ્યું. જે અંતર્ગત 13 ફેબ્રુઆરી રવિવારના રોજ એક ચર્ચા ગોષ્ઠિનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એડવોકેટ અમન શેખ (ગુજરાત હાઈકોર્ટ), પ્રો. અમરીન (આસિસ્ટન્ટ પ્રોફેસર, એફડી એજ્યુકેશન), ડો. મોસમીના પઠાણ (હોમિયોપેથિક ચિકિત્સક) તથા ડો. કાયનાત મિર્ઝા (હોમિયોપેથિક ચિકિત્સક) પેનાલિસ્ટ તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં. આ ચર્ચા ગોષ્ઠિમાં ધાર્મિક, સામાજિક તથા રાજનૈતિક મુદ્દાઓને આવરી લેવામાં આવ્યાં હતાં.

પ્રો. અમરીને કહ્યું કે, “હિજાબ સ્ત્રીઓ માટે શિક્ષણ પ્રાપ્ત કરવામાં કોઈ અડચણ ઉભુ કરતું નથી. મે પોતે હિજાબમાં રહી પીએચડીની ડીગ્રી પ્રાપ્ત કરી.” બીજી બાજુ એડવોકેટ અમને રાજનૈતિક તથા કાયદાકીય સમજ આપતાં કહ્યું કે, “દરેક ભારતીય નાગરિકને તેમનો મનપસંદ પરિધાન અંગિકાર કરવાનો બંધારણીય અધિકાર છે. બંધારણે ધાર્મિક પરિધાનને વ્યકત કરવામાં છૂટ આપી છે.” ડો. મોસમીનાએ ધાર્મિક તથા સામાજિક મુદ્દાઓ તરફ ધ્યાન દોરતાં જણાવ્યું કે, “હિજાબ શિક્ષણ પ્રાપ્ત કરવામાં ક્યાંય અડચણ ઉભું કરતું નથી. પરંતુ આપણી જે બિન મુસ્લિમ તથા બિન હિજાબી બહેનો છે તેમને શાંતિપૂર્વક તેમજ પ્રેમથી સમજાવવાની જરૂર છે, જેથી એ લોકો હિજાબ તેમજ હયા (લજ્જા)નું મહત્વ સમજે અને તેનાં વિરોધનાં વંટોળમાં ફંસાય નહિ.” ડો. કાયનાતે ધાર્મિક મુદ્દાને આવરતા સૌપ્રથમ હયાની પરિભાષા સમજાવી કે હયા થકી ખોટા કામો કરવામાં અંદરથી શરમ આવે છે, જે માણસમાં તેના પરવરદિગારે જન્મથી જ રાખી છે. હિજાબ એ હયા- લજ્જાનો એક ભાગ છે. લજ્જા ફક્ત શરીરને બુરાઈથી બચાવવાનું નામ નથી. પરંતુ આપણાં મન, આપણી નિય્યત, આપણો વ્યવહાર, આપણી ચાલ, આપણી વાત કરવાની ઢબ, બધામાં રહેલી છે. આપણા તન અને મનને બુરાઈથી બચાવવું એટલે હયા.” વધુમાં તેમણે હયા વિશે કુર્આન અને હદીસની રોશનીમાં ઉંડાણપૂર્વક સમજાવ્યું હતું. શ્રોતાગણને પણ સવાલ જવાબ દ્વારા ચર્ચામાં સાંકળવામાં આવ્યાં હતાં અને તેમના અનુભવો અને મંતવ્યો પણ લેવામાં આવ્યા હતા.

આ ચર્ચા ગોષ્ઠિનું સંચાલન મોહસીના સાચોરા દ્વારા કરવામાં આવ્યું. અંતમાં હયાના હકારાત્મક પાસાઓ અને તેની ધાર્મિક, સામાજિક અને રાજનૈતિક બાબતોની જાણકારી સાથે ચર્ચા ગોષ્ઠિ પૂર્ણ કરવામાં આવી હતી.


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments