Tuesday, December 10, 2024
Homeસમાચાર“મજબૂત પરિવાર - મજબૂત સમાજ” શિર્ષક હેઠળ રાષ્ટ્રવ્યાપી અભિયાન

“મજબૂત પરિવાર – મજબૂત સમાજ” શિર્ષક હેઠળ રાષ્ટ્રવ્યાપી અભિયાન

અહમદાબાદ, 18 ફેબ્રુઆરી, 2021

મહિલા વિભાગ જમાઅતે ઇસ્લામી હિંદ 19 થી 28 ફેબ્રુઆરી, 2021 દરમિયાન દેશવ્યાપી “મજબૂત પરિવાર, મજબૂત સમાજ”ના નામે  દસ દિવસીય અભિયાન ચલાવી રહ્યો છે. આ અંગે તા. 18 ફેબ્રુઆરીના રોજ સુફ્ફા હોલ, અહમદાબાદ ખાતે યોજાયેલ એક પત્રકાર પરિષદને સંબોધતાં જમાઅતે ઇસ્લામી હિંદ, ગુજરાતના મહિલા વિભાગના સેક્રેટરી આરેફા પરવીને જણાવ્યું હતું કે પતિ-પત્ની વચ્ચે સંબંધ સારા હોય ત્યારે જ પરિવાર મજબૂત થાય છે. જ્યારે આ કમજોર હોય તો પરિવાર પણ પ્રભાવિત થાય છે. તેમણે વધુમાં કહ્યું કે આજે સમાજની આ મહત્ત્વપૂર્ણ સંસ્થા વિવિધ જોખમોનો સામનો કરી રહી છે. પરિવારના સભ્યોમાં એકબીજા પ્રત્યે આદરનો અભાવ, નૈતિક મૂલ્યોનું સંકટ, લગ્ન વગરના અનૈતિક સંબંધો અને વધતા જતા ભૌતિકવાદને કારણે આ સંસ્થાના પાયા હચમચી ગયા છે. કોવિડ -૧૯ લોકડાઉન દરમ્યાન આવા વલણનું સૌથી ભયાનક ચિત્ર ઊભરી આવ્યું. માર્ચ 2020 થી સપ્ટેમ્બર ૨૦૨૦ વચ્ચે નેશનલ કમીશન ફોર વુમને ઘરેલુ હિંસાના ૧૩૦૦૦ કેસો નોંધ્યા હતા. “ઘરમાં રહો, સુરક્ષિત રહો”ના સૂત્રોથી હવે આ પ્રશ્ન ઊભો થયો છે કે ભારતીય ઘરો કેટલા સુરક્ષિત છે. સર્વેક્ષણના અહેવાલો જણાવે છે કે આ દરમ્યાન ઘરેલુ હિંસાના જેટલા કેસો નોંધાયા છે એ પાછલા દસ વર્ષોમાં ક્યારેય નથી નોંધાયા. જો કે અસરગ્રસ્તોમાંથી ફકત ૭ ટકા લોકો જ ફરિયાદ નોંધાવે છે. એક બાજુ મહિલાઓ ભાષાકીય, શારીરિક, જાતીય, માનસિક અને આર્થિક શોષણનો ભોગ બની છે, તો બીજી બાજુ પુરુષો પણ એવી સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે કે જેના સમાચારો શરમ અને અપમાનના ભયના કારણે જાહેર થતા નથી. બાળકો, યુવાઓ અને વૃદ્ધો સૌ વિવિધ પ્રકારની સમસ્યાઓના ભોગ બનેલા છે.

તેમણે ઉમેર્યું હતું કે, વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ આપણું કર્તવ્ય છે કે આપણા ઘરોની કથળેલી સ્થિતિ અને તેના દ્વારા ઊભા થતા જોખમો વિશે સમાજને જાગૃત કરવામાં આવે. કુટુંબનું સ્થાન અને દરજ્જાને પુનઃસ્થાપિત કરવા અને તેને સાચી દિશા આપવી એ સમયનો તકાદો છે. ત્યારે જ માનવીય સમાજ મજબૂત, તંદુરસ્ત અને સ્થિર બની શકે છે અને તે જ રીતે સમૃદ્ધ અને ગતિશીલ સમાજની રચના થઈ શકે છે. આ જ હેતુને પ્રાપ્ત કરવા માટે  જમાઅતે ઇસ્લામી હિંદના મહિલા વિભાગ દ્વારા “મજબૂત પરિવાર, મજબૂત સમાજ”ના વિષય અંતર્ગત ૧૯ થી ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૧ દરમ્યાન એક રાષ્ટ્રવ્યાપી અભિયાન ચલાવવાનો ર્નિણય લીધો છે.

અભિયાનના સહ-કન્વિનર શાઝિયા શેખ દ્વારા અભિયાન અંતર્ગત કાર્યક્રમોનો પરિચય કરાવવામાં આવ્યો. તેમણે જણાવ્યું કે આ અભિયાન દરમ્યાન તમામ પ્રકારના પ્રચાર માધ્યમોનો ઉપયોગની સાથે નિષ્ણાંતોના બાઈટ્સ પણ લઈ સોશ્યલ મીડિયાનો પણ વધુ ઉપયોગ કરવામાં આવશે. લગ્ન પહેલાં અને પછીના કાઉન્સિલીંગ કાર્યક્રમો કરવામાં આવશે. લગ્ન-વિવાહ, પારિવારિક સમસ્યાઓના નિવારણ માટે સર્વેક્ષણના કાર્યક્રમો સહિત નિબંધ સ્પર્ધા વિગેરેનું પણ આયોજન કરવામાં આવશે. આ પત્રકાર પરિષદમાં ફેહમીદા કુરૈશી અને ફસીહા મિર્ઝા પણ હાજર રહ્યા હતા.


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments