૧૫ જુલાઈના રોજ મુઝફ્ફરનગર પોલીસે એક આદેશ જાહેર કર્યો હતો. આ આદેશ મુજબ કાવડ યાત્રા દરમિયાન આવતાં તમામ ઠેલા અને દુકાનદારોએ પોતાની દુકાન કે ઠેલા પર દુકાનનું નામ અને માલિકનું નામ લખવું પડશે, જેથી તેમની દુકાનની ઓળખ થઈ શકે. આ ઓળખ પાછળનો હેતુ સ્પષ્ટ હતો કે કઈ દુકાન મુસ્લિમની છે અને કઈ હિંદુની. કેટલાક વિશ્લેષકોએ એવું પણ કહ્યું કે આ પાછળ જાતિની ઓળખ પણ કરવાનો હેતુ હતો. જો કે, વાસ્તવિક હેતુ મુસ્લિમ નામવાળા લોકોની ઓળખ કરવાનો જ હતો. આ ઘટનાએ ફરી એકવાર દેશભરમાં સાંપ્રદાયિકતાનું વાતાવરણ ઊભું કરી દીધું. સારી વાત એ રહી કે તેના વિરોધમાં રાજકીય પક્ષોના મોટા નેતાઓ, સિવિલ સોસાયટી અને દેશના શાંતિપ્રિય નાગરિકોએ ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો. પરંતુ સત્તા પક્ષના લોકોએ હંમેશની જેમ ફરીથી આ પ્રકારના અત્યંત નીચા સ્તરના સાંપ્રદાયિકતા પર આધારિત પગલાંનું સમર્થન કર્યું.
દેશમાં નફરત અને સાંપ્રદાયિકતા કોઈ નવી વાત નથી, પરંતુ આ ઘટનામાં જે પ્રકારની નીચલા સ્તરની સાંપ્રદાયિકતા જોવા મળી રહી છે, તે અત્યંત દુઃખદ છે. ધર્મના નામે સામાજિક બહિષ્કારની વાત ઘણી વાર નફરતના પૂજારીઓ કરી ચૂક્યા છે. મુઝફ્ફરનગરની આ ઘટના આ પ્રકારના બહિષ્કારને વેગ આપે છે. આ આદેશ સમાજમાં નફરત, અસ્પૃશ્યતા, દુશ્મની, કોમવાદ અને ઇસ્લામોફોબિયાને પ્રોત્સાહન આપે છે. આ આદેશ માનવીના મૂળભૂત અને બંધારણીય હકોનું ઉલ્લંઘન છે અને માનવ સમાજ માટે સૌથી ખરાબ શ્રાપ છે. કેટલી શરમની વાત છે કે આઝાદ દેશના એક નાગરિકને કાયદાની શક્તિથી આ વાત પર મજબૂર કરવામાં આવી રહ્યો છે કે તે પોતાની ઓળખ જાહેર કરે, કે ક્યાંક તે મુસ્લિમ તો નથી, જેથી તેની દુકાન કે ઠેલામાંથી કંઈ પણ ખરીદવાનું ટાળી શકાય.
સુપ્રીમ કોર્ટે આ એકદમ નિમ્ન અને હલકા ફરમાન સામે તુરંત સ્ટે ઓર્ડર આપી દીધો એ સાચે જ યોગ્ય અને સમયસરનું પગલું છે. જો કોર્ટે આ ફરમાન પર રોક લગાડી ન હોત તો કદાચ આપણા દેશમાં નફરત અને સાંપ્રદાયિકતાનું વાતાવરણ વધુ ખરાબ થઈ જતું, તેમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. સર્વોચ્ચ અદાલતનો આ ર્નિણય ચોક્કસપણે દેશના લોકોનો વિશ્વાસ વધારશે. પરંતુ અહીં સવાલ એ છે કે સામાજિક સ્તરે આ વિશ્વાસ અને પ્રેમ કેવી રીતે પુનઃસ્થાપિત કરી શકાય ? આ માટે એક જ ઉપાય છે કે કાવડ યાત્રા પર જનારા કાવાડિયાઓએ આ ફરમાન સામે બોલવું જોઈએ. હિંદુ ધર્મના મોટા ધર્મગુરુઓ અને સામાજિક નેતાઓએ આ ફરમાનનો વિરોધ કરવો જોઈએ. દેશના મુસ્લિમો સાથે પ્રેમ અને એકતા દર્શાવવી જોઈએ, જેથી લોકોમાં રાષ્ટ્રીય સ્તરે ભાઈચારાનું વાતાવરણ પેદા થાય. સવાલ એ પણ છે કે આવું કંઈક કેમ ન થયું? આપણને આ શ્રેષ્ઠ પગલું ભરવાથી કોણે રોક્યા છે? શું આ પ્રકારના મામલાઓ માટે વારંવાર સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટ ખટાવવામાં આવશે? અદાલતોથી તો આપણે ફક્ત ન્યાય મેળવી શકીએ છીએ. પરંતુ સમાજમાં પ્રેમ અને ભાઈચારાનું વાતાવરણ સ્થાપિત કરવું એ દરેક સામાન્ય નાગરિકથી લઈ સૌ અગ્રણી વ્યક્તિઓની સહિયારી જવાબદારી છે. સ્પષ્ટ છે કે આ કામ ધાર્મિક અને સામાજિક અગ્રણીઓ જ કરી શકે છે. તેથી જ્યારે જ્યારે આ પ્રકારની સમસ્યાઓ ઊભી થાય ત્યારે તે સમાજના મોભીઓ અને સામાન્ય લોકો આગળ આવીને પૂરી હિંમત અને જુસ્સાથી અવાજ ઉઠાવે જે સમાજ બીજા સમાજને નુકસાન પહોંચાડે છે, અને સાથે સાથે આવા ટકરાવની પરિસ્થિતિ ઊભી કરે છે તેના પ્રતિકાર રૂપે પ્રેમ તથા ભાઈચારો વધારવાના કાર્યક્રમો સતત કરવા જોઈએ.
ગામેગામ તથા શહેરોમાં દરેક વોર્ડમાં સદ્ભાવના મંચ સ્થાનિક સ્તરે સૌ સમુદાયે એકઠા મળી બનાવવા જોઈએ. આ માત્ર કલ્પના નથી, પરંતુ આખા દેશમાં આવા ઘણા બધા ઉદાહરણો છે. તાજું ઉદાહરણ છે અહમદાબાદના જમાલપુર વિસ્તારનું. અહીં હિંદુ-મુસ્લિમ એકતાનું ઐતિહાસિક ઉદાહરણ જોવા મળે છે. અહીં એક તરફ જગન્નાથ મંદિર છે તો બીજી તરફ ભવ્ય ઈમામબાડા છે. આ વિસ્તારમાંથી જ્યારે પણ રથયાત્રા નીકળે છે ત્યારે અહીંની તાજિયા કમિટી અને અન્ય મુસ્લિમ સંસ્થાઓના લોકો રસ્તામાં રથયાત્રાનું સ્વાગત કરે છે. બીજી તરફ, મુહર્રમના અવસર પર જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ દર વર્ષે તાજિયાને ધ્વજ બતાવીને સ્વાગત કરે છે. હકીકત એ છે કે સમાજમાં શાંતિ અને સુલેહ-શાંતિ જાળવવા માટે સૌથી વધુ પ્રયાસ લોકોએ જ કરવા પડશે. કારણ કે સમાજમાં નફરત અને સાંપ્રદાયિકતા ફેલાવાથી સૌથી વધુ નુકસાન લોકોને જ થાય છે. રાજકીય પક્ષો તથા અસામાજિક તત્વો આગ લગાડે છે અને પછી તે આગમાં રોટલી શેકવાનું કામ કરે છે. તેથી લોકોએ સ્વયં તથા તેમાં પણ પ્રભાવશાળી લોકોએ આ પ્રકારની નીચ કક્ષાની સાંપ્રદાયિકતા સામે જુસ્સાથી લડવું પડશે. •••