Thursday, September 12, 2024
Homeપયગામસેડિઝમઃ યુવાનોમાં વધતી માનસિક વિકૃતિ

સેડિઝમઃ યુવાનોમાં વધતી માનસિક વિકૃતિ

પ્રવર્તમાન સમાજમાં લિંચિંગ, હિંસા અને હત્યાના બનાવો વધી રહ્યા છે. અને એથીય દુઃખદ આ છે કે અપરાધી આવા ઘૃણિત કૃત્યો કરી આનંદ મેળવી રહ્ય છે. આવી માનસિકતા વ્યક્તિગત પણ જોવા મળી રહી છે અને સામૂહિક સ્તરે પણ દેખાઈ રહી છે. વિશેષ રીતે યુવાનોમાં આવા લક્ષણો વધારે દેખાઈ રહ્યા છે. આ પરિસ્થિતિને અંગ્રેજીમાં Sadism કહેવાય છે. સેડિઝમ એટ્‌લે સ્વ-આનંદ માટે અન્યને મૌખિક અથવા શારીરિક રીતે નુકસાન પહોંચાડવાની ઇચ્છા, ઇરાદા કે કૃત્ય. આ એક પ્રકારનો વ્યક્તિત્વ વિકાર છે જ્યાં લોકો અન્યને નુકસાન પહોંચાડવામાં આનંદ મેળવે છે. આવી વ્યક્તિ અન્યને પીડા આપીને આનંદ મેળવે છે. તેમાં નુકસાન પહોંચાડવા બદલ અફસોસ પણ કરતી નથી. સેડિઝમને ચાર ‘શ્યામ’લક્ષણોમાંથી એક ગણવામાં આવે છે, જેને ‘ડાર્ક ટેટ્રાડ’તરીકે ઓળખવામાં આવે છે જેમાં સેડિઝમ, સાયકોપેથી, નાર્સિસિઝમ અને મેકિયાવેલિય-નિઝમનો સમાવેશ થાય છે. સાયકોપેથ એ અસામાજિક વ્યક્તિત્વ છે જે પોતે કંઈક મેળવવા માટે અન્યને નુકસાન પહોંચાડે છે.  નાર્સિસિસ્ટ સ્વ-કેન્દ્રિત અને અહંકારી હોય છે, અને મેકિયાવેલિયન વ્યક્તિત્વ બાહ્ય રીતે મોહક દેખાય પરંતુ વ્યક્તિગત લાભ માટે છેતરપિંડી અને ચાલાકી કરે છે.

‘સેડિઝમ’શબ્દ ૧૮મી સદીના એક સજ્જન ફ્રેન્ચ Marquis de Sadeના નામ પરથી બનાવવામાં આવ્યો છે, જેને જાતીય ગુનાઓ માટે જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો, તેણે જેલવાસ દરમિયાન ગ્રાફિક અને હિંસક જાતીય કૃત્યો પર પુસ્તકો પણ લખ્યા હતા. સેક્સ્યુઅલ સેડિઝમ એ સેડિઝમની એક રીત છે અને Sadistic (ઉદાસી) વર્તણૂકોમાં સૌથી વધુ સંશોધન કરાયેલ છે. લૈંગિક ઉદાસીનતા એ જાતીય ઉત્તેજના અને અન્યને નુકસાન પહોંચાડવાથી સંતોષની લાગણીનો ઉલ્લેખ કરે છે.

આવું વર્તન અજ્ઞાનતા વશ કે દલીલબાજી અથવા ભયના લીધે ઉદ્‌ભવેલા કોઈ આકસ્મિક લક્ષણ નથી બલ્કે એક વિકૃત માનસિકતા વિકાસ પામીને અહીં સુધી પહોંચે છે. સેડિસ્ટ વ્યક્તિના ચિહ્નો શું છે? તે સૌથી પહેલાં આપણને જોવું પડશે. આપણને રોજિંદા જીવનમાં સેડિસ્ટ બિહેવિયરના જુદા જુદા લક્ષણો દેખાઈ આવે છે. આપે જોયું હશે કે ઘણા બાળકો હિંસા અને ત્રાસ સાથે સંકળાયેલી વીડિયો ગેમ્સ અને ક્રૂર રમતોમાં હિંસાનો આનંદ માણે છે, તેઓ રસ્તે ચાલતા કૂતરાને પથરા મારે છે, અથવા બીજા બાળકને ટપલી મારી મજા લે છે અથવા એક વ્યક્તિ બીજા કોઈ માનસિક અલ્પવિકસિત માણસને પીડા આપી કે ચીડવી આનંદ મેળવે છે. કેટલાક છોકરાઓ બીજા સાથે ખોટું વર્તન જેમકે પોતાના કરતાં નબળા લોકોની ઉપર ગુંડાગીરી કરે છે. લોકોને દુઃખી જોવામાં કે પીડિત કરવામાં આનંદ લે છે, બીજાને નુકસાન પહોંચાડવાને અથવા અપમાનિત કરવાને યોગ્ય ઠેરવે છે, તેઓને આક્રમકતા માટે કોઈ સહાનુભૂતિ અથવા અપરાધની લાગણી નથી, તેઓ તેમના ભાગીદારોને જાતીય કૃત્યોના વિવિધ સ્વરૂપો, જેમ કે બંધન, રેગિંગ, થપ્પડ મારવા, વાળ ખેંચવા અને ગૂંગળામણ કરવા માટે કહી શકે છે. સામેની વ્યક્તિ પર નિયંત્રણ સ્થાપિત કરવા માટે શારીરિક હિંસાનો ઉપયોગ કરી શકે. વગેરે

અમેરિકાના એક પ્રખ્યાત મનોવિજ્ઞાની Theodore Million (થીઓડોર મિલિયન)એ સેડિઝમના વિવિધ પેટા પ્રકારો રજૂ કર્યા છે જે નીચેના કોષ્ટકમાં આપેલા છે. જેમાં તે સ્વરૂપનું વર્ણન અને વ્યક્તિત્વની લાક્ષણિકતાઓ આપેલી છે, જેનાથી વ્યક્તિના વર્તન પરથી ખ્યાલ આવી જાય છે કે તેઓ કયા પ્રકારના સેડિઝ્‌મથી પીડાય છે.

કોઈ વ્યક્તિનું સેડિસ્ટ બનવાનું કારણ શું છે ?

સામાન્ય રીતે, મોટા ભાગના માણસો પોતાની અંદર ઓછીવત્તી સહાનુભૂતિ ધરાવે છે. પ્રાકૃતિક રીતે એક વ્યક્તિ બીજી વ્યક્તિની પીડા અનુભવે છે. તેથી બીજાનું કાઈ સારૂં ન કરી શકતા હોઈએ તો ઓછામાં ઓછું અન્યને નુકસાન પહોંચાડવાનું ટાળીએ છીએ. પછી એવું શું છે કે એક યુવાનમાં વર્તનની વિકૃતિ પેદા થઈ જાય છે. શા માટે કેટલાક લોકો સેડિસ્ટ બની જાય છે? શા માટે તેઓ સહાનુભૂતિ, અથવા પસ્તાવો અનુભવતા નથી અને અન્યના દુઃખમાં આનંદ અનુભવે છે? એક અભ્યાસમાં, અંદાજે ૬% અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓએ સ્વીકાર્યું કે તેઓ અન્યને દુઃખ પહોંચાડવામાં આનંદ અનુભવે છે. ક્ષુલ્લક સ્તર પર ઉદાસીનતા, પછી ભલે તે શારીરિક હોય કે ભાવનાત્મક, સંબંધોને નષ્ટ કરી શકે છે. જો આપણે સમાજની સુધારણા કરવા માગતા હોઈએ તો આ પ્રશ્નોના જવાબ મેળવવા જરૂરી છે. મારી પાસે કોઈ સ્પષ્ટ જવાબ નથી આપણે બધાએ વિચારવાનું છે, સંશોધન કરવાનું છે, અને લોકો સમક્ષ એક ઉપચાર મૂકવાનું છે. જો આપણે તેના નિરાકરણ માટે સક્રિય નહીં થઈશું તો સમગ્ર સમાજ વિખેરાઈ જશે અને અશાંતિ રાજ કરશે.

શું આ લક્ષણ વારસાગત છે? શું બાળપણની ખોટી સંગતના કારણે આ વિકાર વૃદ્ધિ પામે છે? શું આજુબાજુના વાતાવરણ અથવા હિંસક દૃશ્યોના અવલોકન કારણભૂત છે? કે પછી દરિદ્રતા, અન્યાયની લાગણી, જીવનની નિષ્ફળતા કે તેની સાથે થયેલા દૂરવ્યવહાર મૂળ કારણ છે? કે આપણાં મગજમાં રહેલ સેરોટોનિનના સ્તરમાં ઘટાડો થવાથી વ્યક્તિની આવી માનસિકતા બને છે?

શું સેડિસ્ટિક વ્યક્તિત્વનો ઉપચાર શક્ય છે?

સેડિસ્ટિક પર્સનાલિટી ડિસઓર્ડર માટે કોઈ ઓષધિ મારી જાણમાં નથી. પરંતુ વ્યક્તિની વર્તણૂકને સુધારવા માટે લાંબા ગાળાની કાઉન્સેલિંગ સારો ઉપચાર બની શકે છે. ઉપર જે સંભવિત કારણોનો ઉલ્લેખ કરવાં આવ્યો છે તેના નિરાકરણ માટે વ્યક્તિગત અને સામૂહિક સ્તરે કેટલાક પગલાં લઈ શકાય. બાળકો કેવા પ્રકારના કાર્ટૂન કે ગેમ પસંદ કરે છે તે જોઈ તપાસી તેમણે સાચું માર્ગદર્શન આપી શકાય. બાળકોમાં સહાનુભૂતિ ઉત્પન્ન કરવા માટે તેમણે વ્યવ્હારિક રીતે કેટલાક એસાઇનમેંટ આપવામાં આવે, તેની સંગત ઉપર નજર રાખવામાં આવે. બાળકોને એવી વાર્તાઓ સંભળાવવામાં આવે જેથી તેમની અંદર દયાભાવ પેદા થાય. ઘરના વાતાવરણને આનંદમય બનાવવામાં આવે. પારસ્પરિક માન-સન્માન આપવામાં આવે. અને હિંસક અને હત્યાના બનાવોની નિંદા કરવામાં આવે. શેક્ષણિક સંકુલોમાં નૈતિક સિંચન માટેના કાર્યક્રમો કરવામાં આવે, ચરિત્ર નિર્માણને પ્રોત્સાહન આપવામાં આવે. પ્રેમ અને બંધુતા, ન્યાય અને સમાનતા, ક્ષમા અને સહિષ્ણુતા જેવા ધાર્મિક અને માનવ-મૂલ્યો વ્યક્તિત્વનો ભાગ બની જાય એવી રીતે તેમની કેળવણી કરવામાં આવે. રાષ્ટ્રીય સ્તરે કાયદાના શાસનને વધુ મજબૂત બનાવવામાં આવે અને એવી નીતિઓની કઠોર નિંદા કરવામાં આવે જે સાંપ્રદાયિક તણાવ કે ઘર્ષણ અથવા ભેદભાવને વેગ આપતી હોય.

વ્યક્તિના હૃદયમાં ઈશ્વર પર શ્રદ્ધા અને તેની સમક્ષ ઉત્તરદાયિત્વની ભાવના ઊંડી રીતે વિકસાવવામાં આવે તથા માનવી પ્રત્યે આદરની ભાવના, બૂરાઈના બદલે ભલાઈ કરવાનો ગુણ કેળવવામાં આવે તો આ માટીનું અસ્તિત્વ સાચા અર્થમાં માનવ બની શકે છે. યાદ રાખો, કોઈને દુઃખમાં જોઈ ખુશ થવું અથવા કોઈને પીડા આપી આનંદ માણવું એ શેતાની લક્ષણ છે, ઈશ્વરથી દૃઢ સંબંધ જ આ વિકારમાંથી મુક્તિ અપાવી શકે છે.

“વાસ્તવમાં જે લોકો મુત્તકી (અલ્લાહનો ડર રાખનાર) છે, તેમની હાલત તો એ હોય છે કે કયારેક શેતાનની અસર હેઠળ કોઈ ખરાબ વિચાર જો તેમને સ્પર્શી પણ જાય છે તો તરત જ ચેતી જાય છે અને પછી તેમને સ્પષ્ટ દેખાવા લાગે છે કે તેમના માટે સાચી કાર્ય-પ્રણાલી કઈ છે. રહ્યા તેમના (અર્થાત્‌ શેતાનોના) ભાઈબંધો, તો તેઓ તેમને તેમના દુરાચારમાં ખેંચતા જાય છે અને તેમને ભટકાવવામાં કોઈ કસર બાકી નથી રાખત”. (સૂરઃઆરાફ ૨૦૧,૨૦૨) “અને જ્યારે તેને કહેવામાં આવે છે કે અલ્લાહથી ડર, તો પોતાની પ્રતિષ્ઠાનો ખ્યાલ તેને પાપ ઉપર જમાવી દે છે. એવી વ્યક્તિ માટે તો માત્ર જહન્નમ (નર્ક) જ પર્યાપ્ત છે અને તે ઘણું ખરાબ ઠેકાણું છે.”(સૂર બકરહ ૨:૨૦૬) •••

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments