અહમદાબાદ: જમાઅતે ઇસ્લામી હિંદના મહિલા વિભાગ દ્વારા સપ્ટેમ્બર 2024માં અખિલ ભારતીય સ્તરે એક વિશેષ જાગૃતિ અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય લોકોને વાસ્તવિક સ્વતંત્રતાના અર્થ વિશે જાગૃત કરવાનો છે. અહમદાબાદ સ્થિત હોટલ અર્ટિલા ઇન ખાતે યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં આ વિગતો જણાવતા મહિલા વિભાગના સચિવ શાઝિયા શેખે કહ્યું હતું કે, “જમાઅતે ઇસ્લામી હિંદ દ્વારા શરૂ કરવામાં આવેલ એક અભિયાન છે જેનું થીમ છે “નૈતિકતા સ્વતંત્રતાનો આધાર”. આ અભિયાનનો મુખ્ય હેતુ લોકોમાં જાગૃતિ લાવવાનો છે અને તેમને સમજાવવાનો છે કે સાચી સ્વતંત્રતા શું છે અને સ્વતંત્રતાને નૈતિક મૂલ્યો સાથે જોડવું કેમ જરૂરી છે. જો સ્વતંત્રતાને નૈતિક મૂલ્યો સાથે જોડવામાં ન આવે તો તેનાથી માત્ર એક વ્યક્તિને જ નહીં પરંતુ સમગ્ર સમાજને કઈ રીતે નુકસાન થાય છે તે વિશે લોકોને જાગૃત કરવાનો છે.”
પ્રેસ કોન્ફરન્સને આગળ સંબોધતા વધુમાં તેમણે કહ્યું હતું કે, “દેશમાં નૈતિક મૂલ્યોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, જે આપણાં સમાજ અને દેશ માટે ખતરા સમાન છે. સ્ત્રીને એક કોમોડિટી સમજવી, જાતીય શોષણ, છેડતી, પોર્નોગ્રાફીના ચલણમાં વૃદ્ધિ, લગ્નેતર સંબંધો, દારૂ અને ડ્રગ્સનો નશો, નાની ઉંમરમાં લગ્નેતર પ્રેગ્નન્સી, સિંગલ મધર પેરેંટિંગનો બોજ, જાતીય રોગોમાં વૃદ્ધિ, અબોર્શન, કૌટુંબિક ભંગાણના કેસોમાં વધારો, બેશર્મી અને નગ્નતાનું સામાન્ય બનવું – વગેરે નૈતિક બુરાઈઓ હવે બુરાઈ અને ક્ષોભના કાર્યો નથી રહ્યા, પરંતુ સ્વીકાર્ય બનતા જઈ રહ્યા છે. આ કૃત્યો આપણા સમાજ માટે ખતરનાક સાબિત થશે. અને તેના મૂળમાં નૈતિક મૂલ્યોથી ખાલી નિરંકુશ સ્વતંત્રતા મુખ્ય પરિબળ છે. જેને આપણે સમજવાની અને લોકો સુધી પહોંચાડવાની જરૂરત છે.” અંતે શાઝિયા શેખે કહ્યું હતું કેઃ “હવે માણસને માણસની ગુલામીમાંથી બહાર કાઢીને તેના સ્વભાવની, ઈચ્છાની, લાગણીની ગુલામીમાં જકડી લેવામાં આવ્યો છે. જેના કારણે તે એવું ઈચ્છે છે કે હું જે ઈચ્છું તે કરતો રહું, પછી ભલે તે નૈતિક હોય કે અનૈતિક, તેને તેનાથી કોઈ ફરક પડતો નથી.”
મહિલા વિભાગ જમાઅતે ઇસ્લામી હિંદના કેન્દ્રીય જોઈન્ટ સેક્રેટરી આરેફા પરવીને પ્રેસને સંબોધતા જણાવ્યું હતું કે, ધર્મ આપણને સ્વતંત્રતા સાથે મર્યાદાઓ પણ આપે છે. આ મર્યાદાઓ તોડવાથી નુકસાન થાય છે. પશ્ચિમી સંસ્કૃતિએ લોકોને જાતીય ઈચ્છાઓને સ્વતંત્રતા માનીને દરેક અવરોધ દૂર કરવા પ્રેર્યા છે. આના કારણે ‘મારું શરીર, મારી મરજી’ જેવા નારા આવ્યા અને લિવ-ઇન સંબંધો વધ્યા. સોશિયલ મીડિયા અને અશ્લીલ સામગ્રીએ આને વધુ પ્રોત્સાહન આપ્યું છે. આનાથી પરિવારો તૂટી રહ્યા છે અને નૈતિક મૂલ્યોનો નાશ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા, ટેલિવિઝન અને મોબાઈલના દુરુપયોગથી અશ્લીલ સામગ્રી અને પોર્નોગ્રાફી વ્યાપક બની છે. આનાથી પરિવારો તૂટી રહ્યા છે અને સમાજના નૈતિક મૂલ્યોને નુકસાન થઈ રહ્યું છે.”
આરેફા પરવીને વધુમાં કહ્યું કે, “પ્યુર રિસર્ચ સેન્ટરના 2022ના સર્વે મુજબ, 69% અમેરિકનો લગ્નને બદલે લિવ-ઇન રિલેશનશિપ પસંદ કરે છે, જ્યારે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ મુજબ, ભારતમાં 50% વસ્તી લિવ-ઇનમાં રહેવું પસંદ કરે છે. ન્યૂયોર્ક ટાઈમ્સ મુજબ, પોર્નોગ્રાફીનો વ્યવસાય એ એપલ, જીએમ અને સ્પોર્ટ્સ ઇવેન્ટ કરતાં વધુ કમાણી કરે છે. આ પોર્નોગ્રાફી દેશને તબાહી તરફ દોરી રહી છે. 9 મહિનાની બાળકીથી લઈને 70 વર્ષની વૃદ્ધ સુધીની મહિલાઓ પણ સુરક્ષિત નથી. બળાત્કારના કિસ્સાઓ આ સમસ્યાની ગંભીરતા દર્શાવે છે. દુનિયામાં 980 મિલિયન લોકો માનસિક રોગોથી પીડાય છે, અને 296 મિલિયન લોકો ડ્રગ્સનો ઉપયોગ કરે છે. આ સંજોગોમાં, દર વર્ષે 8 લાખ લોકો આત્મહત્યા કરે છે. સરકારે પ્રયાસો શરૂ કર્યા છે, પરંતુ તે પ્રયત્નો હજુ પૂરતા નથી. ”
આરેફા પરવીને અંતે જણાવ્યું હતું કે, “જે વ્યક્તિ પીડિત હોય, તેને ઝડપથી ન્યાય મળવો જોઈએ. પરંતુ દુઃખની વાત એ છે કે સરકાર આવા મામલાઓને ગંભીરતાથી લેતી નથી. ઘણી વખત તો ગેરકાયદેસર કામોને પ્રોત્સાહન આપતા કાયદા બનાવીને આવી સ્થિતિને વધારે ખરાબ કરે છે. આના કારણે આપણા સમાજમાં અન્યાયની સ્થિતિ વધી રહી છે. આપણા સમાજમાં પીડિતો, ખાસ કરીને મહિલાઓને ન્યાય મળવામાં વિલંબ થાય છે. સરકાર આવા મામલાઓને ગંભીરતાથી લેતી નથી, અને કેટલીકવાર ગુનેગારોને સમર્થન પણ આપે છે. નિર્ભયા અને કઠુઆ કેસ આના ઉદાહરણ છે. આવા કિસ્સાઓમાં ગુનેગારોને જામીન પર મુક્ત કરવામાં આવે છે અને તેમનું સ્વાગત પણ કરવામાં આવે છે. આનાથી ગુનેગારોમાં ડરને બદલે ગુના આચરવા પ્રોત્સાહન મળે છે. સરકારે આ મુદ્દે કડક કાયદા બનાવવા જોઈએ અને તેનું પાલન કરાવવું જોઈએ. આપણે પણ આવા લોકોને ચૂંટીને સત્તામાં ન મોકલવા જોઈએ. શિક્ષણ સંસ્થાઓ, NGOs અને ધાર્મિક નેતાઓએ પણ આ માટે કામ કરવું જોઈએ. આપણે સૌ મળીને આવા ગુનાઓને રોકવા માટે પ્રયત્ન કરવો જોઈએ અને એક નૈતિક સમાજનું નિર્માણ કરવું જોઈએ.”
આ અભિયાનનો સંદેશ ગુજરાતભરમાં 10 લાખ લોકો સુધી પહોંચાડવાનું આહ્વાન કરવામાં આવ્યું છે. આ માટે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વિષય સંબંધિત જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમોમાં વિદ્વાનો અને નિષ્ણાતો સ્ત્રી અધિકારો, સ્વતંત્રતાની વાસ્તવિક પરિકલ્પના અને નૈતિક મૂલ્યો વિશે ચર્ચા કરશે. કોર્નર મુલાકાતો, ડોર ટુ ડોર મુલાકાતો, સ્કૂલ લેક્ચર્સ, ઇન્ટરફેઇથ ચર્ચાગોષ્ઠીઓ, પેનલ ડીસ્કશન, ઓનલાઇન સ્પર્ધાઓ, ક્વિઝ સ્પર્ધા અને પ્રોફેશનલ મીટ જેવી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા આ અભિયાનનો સંદેશ જાતિ-ધર્મના ભેદભાવ વિના સમગ્ર ગુજરાત પ્રદેશના લગભગ 10 લાખ લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવશે.