Sunday, July 21, 2024
Homeઓપન સ્પેસઆવો નેશનલ પોપ્યુલેશન રજીસ્ટર (NPR)ને સમજીએ

આવો નેશનલ પોપ્યુલેશન રજીસ્ટર (NPR)ને સમજીએ

ભારતીય જનતા પાર્ટી ૨૦૧૯ની ચૂંટણીમાં બહુમતી મેળવીને આજે દેશમાં સત્તા ઉપર બિરાજમાન છે. તે ચૂંટણીમાં આપેલા પોતાના મેનિફેસ્ટો ઉપર કામ કરવાને બદલે પોતાના “હિડન એજન્ડા” ઉપર કામ કરતી દેખાઈ રહી છે. ૨૦૧૪માં સત્તા પ્રાપ્ત કર્યા પછી ૨૦૧૯ સુધી ૫ વર્ષના શાસનમાં તેમણે જે કાંઈ કાર્યો કર્યા તેના ઉપર પણ તેઓ વોટ માંગવાની સ્થિતિમાં ન હતા, બલ્કે તેની ઉપર ઢાંકપિછોડો લીપાપોતી કરી રહ્યા હતા. હવે બીજી વખત સત્તા પ્રાપ્ત કર્યા પછી તેઓ પોતાના મનુવાદી, હિન્દુત્વવાદી એજન્ડા ઉપર ખુલ્લેઆમ કામ કરતા દેખાઈ રહ્યા છે. તેના જ ભાગરૂપે CAA, NRC, NPRના જીનને બહાર કાઢવામાં આવ્યો છે.

ભાજપ સરકારે સૌ પ્રથમ આસામમાં NRCને દાખલ કર્યું ત્યારે ગણતરી એવી હતી કે NRCના લિસ્ટમાંથી મુખ્યત્વે મુસ્લિમોની ખૂબ જ મોટાપાયે બાદબાકી થઈ જશે. દરેક જગ્યા અને દરેક બાબતે ઇસ્લામોફોબિયા કામ કરતું હોવાથી એ તેમનો ભ્રમ હતો જે વાસ્તવિકતાની એરણે ખોટો સાબિત થયો અને ૧૯,૫૦,૦૦૦ માંથી માત્ર ૫ લાખ મુસ્લિમો અને બાકીના અન્ય ધર્મના અનુયાયીઓ નીકળ્યા. પોતાના એજન્ડાને શામ, દામ, દંડ, ભેદની રીતે કરવા ટેવાયેલા અમિત શાહ અને નરેન્દ્ર મોદીએ બંધારણને નેવે મૂકીને CABનું સર્જન કર્યું કે જેથી NRCની યાદીમાંથી બહાર મુસ્લિમો સિવાયના અન્ય ધર્મના લોકોને નાગરિકતા આપીને NRCની પોતાની મેલીમુરાદ બર લાવી શકાય અને જે માટેનો માર્ગ મોકળો થાય. CAB ગેર-બંધારણીય હોવા છતાં દેશની એકતા અને ભાઈચારા, વસુદેવકુટુંબકમના આત્માની વિરુધ્ધ હોવા છતાં, ઘણાં બધાં રાજકીય પક્ષોનો વૈચારિક વિરોધ હોવા છતાં યેનકેન પ્રકારેણ ખૂબ જ ઝડપથી સંસદના બંને ગૃહોમાં પસાર થઈ ગયો અને અપેક્ષા મુજબ જ રાષ્ટ્રપતિના હસ્તાક્ષર થતાંની સાથે જ CAAમાં પરિવર્તિત થઇ કાયદો બની ગયો.

પ્રથમ દૃષ્ટિએ જ મુસ્લિમોને પોતાના અસ્તિત્વની વિરુદ્ધ જણાયો અને તરત જ તેમના થકી સમગ્ર ભારતમાં વિરોધ શરૂ થયો. ધીરે ધીરે દલિત અને આદિવાસી ભાઈઓને ખ્યાલ આવ્યો કે આતો આપણા સમાજને કે જે હિંદુ નથી તેમને હિંદુ બનાવવાનો પ્લાન છે, પછી ઈસાઈ, શીખ સમાજ દ્વારા વિરોધ ઊભો થયો, NGOએ જ્યારે વિચાર કર્યો તો તેમને જણાયું કે આ મહિલા વિરોધી કાયદો છે કેમકે આની સૌથી વિપરીત અસર મહિલાઓ ઉપર થશે એટલે મહિલાઓ મોટાપાયે વિરોધ પ્રદર્શિત કરવા રોડ ઉપર ઉતરી આવી અને આંદોલને વેગ પકડયું. યુવાઓ કે જે દેશનું ભાવી છે તેમને લાગ્યું કે આ તો દેશના આત્માની વિરુદ્ધ છે. તેથી તેમના દ્વારા પણ મોટાપાયે વિરોધ શરૂ થયો, તેમના આંદોલનને જે રીતે હિંસાત્મક કાર્યવાહી દ્વારા કચડી નાખાવનો પ્રયત્ન કરવામાં આવ્યો તેટલું જ આંદોલન ગાંધીચીંધ્યા માર્ગે અહિંસક બની ગયું, અને તેનો વ્યાપ વધતો ગયો. દેશભરની શૈક્ષણિક સંસ્થાઓ તેમના સમર્થનમાં બહાર આવી, કાયદાના નિષ્ણાતો એવા વકીલો પણ આંદોલનમાં જોડાયા એટલે CAA બંધારણ અને કાયદાની વિરુધ્ધ છે એ સ્પષ્ટ થયું, ત્યારબાદ ૧૯૪૭ના સમયની યાદ તાજી કરાવી દે તે રીતે હિંદુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, દલિત, આદિવાસી અને બધા જ ધર્મના લોકો સ્વયંભુ આંદોલનમાં જોડાયા અને સમગ્ર ભારત અખંડ ભારતના લોકો પ્રેમ, ભાઈચારા સદભાવનાની પ્રતીતિ કરાવતા બહાર આવ્યાં અને તેના પરિણામે આજે સમગ્ર દેશમાં માત્ર આ જ ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે કે દેશના લોકો હળીમળીને પ્રેમથી સંપથી આ દેશમાં રહેશે કે આ દેશ બીજા ભાગલા તરફ આગળ વધશે. આ સમગ્ર પ્રકરણમાં એક ખાસ નોધાવા યોગ્ય બાબત એ બની કે CAB હવે CAA બની ગયો હોવા છતાં માત્ર રાજકીય સ્વાર્થ ધરાવતા દ્રષ્ટિહીન લોકો તેના સમર્થનમાં બહાર આવ્યાં (જેનો આશય સ્પષ્ટ હતો કે વિરોધ આંદોલનને કેમેય કરીને નબળો પડવો) કાયદો બની ગયા પછી તેનું સમર્થન કેવું? આ હાસ્યાસ્પદ હોવા ઉપરાંત ગંભીર બાબત પણ ગણાય અને તેમને રાજકીય પ્રોત્સાહન આપવામાં આવતી રેલીઓ અને જાહેર સભાઓની પરવાનગી ઉપરથી જ સ્પષ્ટ થાય છે.

NRCના બચાવમાં CAA આવ્યું, હવે CAAના બચાવમાં NPR આવ્યું તમે એકમાંથી છટકો એટલે બીજામાં જેવો ઘાટ ઘડાયો. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને કહેવું પડયું કે દેશમાં NRCની ક્યાય ચર્ચા નથી, પ્રધાનમંત્રીની વાત પ્રજાએ માની લેવી જોઈએ પરંતુ અમિત શાહ માન્યા નહિ અને સંસદમાં કહી દીધું કે NRC સમગ્ર દેશમાં લાગુ થશે. તેમના મંત્રીઓએ પણ ઠેક-ઠેકાણે આ વાતનો જાહેરમાં પુનરોચ્ચાર કર્યો. હવે પ્રજા માટે કોની વાત માનવીએે સંકટ ઊભો થયો. આમ પણ નરેન્દ્ર મોદીજી, અમિત શાહ અને તેમની સરકારના મંત્રીઓનો ઇતિહાસ તેમની વાતો ઉપર વિશ્વાસ કરવાની અનુમતિ આપતો નથી. એટલે આ બધી ચર્ચાઓમાં પડયા વગર આપણે એટલે કે પ્રજાએ CAA, NRC અને NPRની કાયદાકીય જોગવાઈ જ ચકાસવાની રહે કે કાયદો શું કહે છે કારણ કે અંતે તો કાયદો જ અમલમાં આવશે. એટલે દ્ગઁઇની કાયદાકીય જોગવાઈઓ શું છે તેને જોઈએ.

NPR અને NRC એક જ છે કે અલગ અલગ, શું NPR NRCનું પ્રથમ પગલું છે? આની સમીક્ષા કરીએ. કહેવામાં આવી રહ્યું છે કે નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર કે જેમાં દેશની જનગણના કરવામાં આવશે અને તેનું રજિસ્ટર બનશે. દેશમાં અત્યાર સુધી જનગણના સેન્સેસ એકટ દ્વારા કરવામાં આવતી રહી છે જેની શરૂઆત ૧૮૭૨થી થઈ જે ૧૮૮૧માં પૂર્ણ થઈ. અત્યાર સુધી ૧૫ વખત જનગણના થઈ ચૂકી છે. હવે આ ૧૬મી જનગણના છે. સેન્સેસ એક્ટ ૧૯૪૮ મુજબ આ કાર્ય ગૃહવિભાગ હેઠળ આવે છે. સેન્સેસનો હેતુ બ્રિટીશ કાળમાં સોશ્યલ એન્જીનિયરીંગનો હતો OBCને મંડળ કમીશનને આધારે જે અનામત પ્રાપ્ત થઇ છે તે સેન્સેસ ૧૯૩૧ના આધારે પ્રાપ્ત થઈ છે ૧૮૮૧નું સેન્સસ વર્ણ આધારિત હતુ જે વર્ણવ્યવસ્થાને સ્પષ્ટ કરતુ હતું. ૧૯૦૧માં સેન્સેસ મુજબ ૧૬૪૬ જાતિઓ હતી જે વધીને ૧૯૩૧માં ૪૧૪૭ થઈ જેમાં ઈસાઈમાં ૩૦૦ અને મુસ્લિમોમાં ૫૦૦ હતી. કહેવામાં આવી શકે કે જો સેન્સેસ ન હોત તો કદાચ દેશના ભાગલા પડયા ન હોત કારણ કે સેન્સસ દ્વારા લઘુમતી અને બહુમતીઓને પોતાની સંખ્યાની જાણ થઇ. તેથી કહી શકાય કે ધર્મના આધારે જનગણના ન થવી જોઈએ.

સેન્સસ એક્ટમાં NPRનું વર્ણન નથી. એટલે કે NPR સેન્સસ એક્ટ હેઠળ નથી. NPRનું વર્ણન વાજપાઈજીની સરકારમાં (૨૦૦૩)  રજિસ્ટ્રેશન ઓફ સિટીઝન્સ ઇસ્યુ ઓફ નેશનલ આઈડેન્ટી કાર્ડ રૂલ્સમાં જોવા મળે છે. NPR મુજબ ઘરે ઘરે જઈને ફોર્મ ભરવામાં આવશે. NPRના ડેટામાં સિટીઝન્સ અને નોન સિટીઝન્સ બંનેની નોધણીની જોગવાઈ છે. NPR સાથે NRCનો ગાઢ સબંધ છે. કોમ્પ્યુટરની એક ક્લિકથી નોન-સિટીઝન્સની માહિતી ઉપલબ્ધ થઇ જશે. સેન્સસ ૨૦૧૦માં લોકો પાસેથી માંગવામા આવેલી માહિતી જા ૨૦૨૦માં માંગવામાં આવે તો કોઈ સમસ્યા કે વિરોધ છે જ નહિ પરંતુ ૨૦૧૦માં ૧૫ માહિતી માંગવામાં આવેલી, અને હવે ૨૦૨૦ માં ૨૧ માહિતી માંગવામાં આવેલી છે. અગાઉની ૩ માહિતીને મર્જ કરી એક કરી દેવામાં આવી હોવાથી વધારાની માહિતી ૬ નહિ ૮ માંગવામાં આવેલી છે. ૨૦૧૦ અને ૨૦૨૦ માં માગવામાં આવેલી માહિતીનું ચાર્ટ  જાવાથી વાત સ્પષ્ટ થઇ જાય છે. (જુઓ કોષ્ટક)

NRCમાં NPRના ડેટાનું વેરિફિકેશન થશે. એટલે જ NPR ને NRCનું પ્રથમ પગલું કહેવામાં આવી રહ્યું છે. NPRની નોધણી વખતે એક સામાન્ય અધિકારી પણ શંકાને આધારે કોઈને પણ ઇન્ક્વાયરીમાં મોકલી શકે છે, જેનાથી તેનો વોટનો અધિકાર પણ છીનવાઈ શકે છે. તદ્‌ઉપરાંત તમારા વિસ્તારની કોઈ પણ વ્યક્તિ કે જેની સાથે આપના સબંધો સારા ન હોય આપના નામે ફરિયાદ કરી દે તો પણ આપને શંકાના વર્તુળમાં લઈને NRCમાંથી બાકાત કરી શકે છે. તેમજ વોટનો અધિકાર પણ છીનવાઈ શકે છે. વધુમાં આપના દાદાનો જન્મ ક્યાં અને ક્યારે થયો છે તે પણ સાબિત કરવાની વાત સૌના માટે અઘરો પ્રશ્ન બની રહેશે. તેમજ શું શું માહિતી આપવી અને કઈ માહિતીની જરૂર નથી તેમજ કઈ માહિતી અનિવાર્ય છે અને કઈ માહિતી આપવી અનિવાર્ય નથી તે પણ મૂંઝવતા પ્રશ્નો છે.

NPRમાં ધ્યાન રાખવાની બાબત આ છે કે ઘરના લોકો એક જ પ્રકારની માહિતી આપે તેમની માહિતીમાં તફાવત કે વિરોધાભાસ ન હોવો જોઈએ. તેમના ડોક્યુમેન્ટ્‌સના સ્પેલિંગ પણ ચકાસી લેવા પડશે અને તેને સુધારી લેવા પડશે. નહિંતર સ્પેલિંગ માત્રની ભૂલ એ પણ સરકારી દફતરે કરી હશે તો પણ તમારે ભોગવવાનું આવી શકે છે.

આપણી જરૂરિયાતને આધીન ડોક્યુમેન્ટ્‌સની કાર્યવાહી આપણે બધાં કરીશું પરંતુ કોઈ પણ જાતનો ડર કે ભય રાખવાની જરૂર નથી. ભારત આપણું જન્મસ્થાન છે, આઝાદી માટે આપણા પૂર્વજો એ ખૂબ લોહી વહાવ્યું છે જેની સાબિતી દિલ્હીમાં ઊભેલું ઇન્ડિયા ગેટ સાક્ષી આપી રહ્યું છે. અહીં જીવવવાનો અને મૃત્યુ પછી આ જ ધરતીમાં સમાઈ જવાનો આપણને જન્મસિદ્ધ અધિકાર છે અને રહેશે. કોઈની તાકાત નથી કે આપણો આ અધિકાર છીનવી શકે.

સભીકા ખૂન હૈ શામીલ હૈ યહાં કી મિટ્ટીમેં,
કિસીકે પિતાજી કા હિન્દુસ્તાન થોડી હૈ.

 (લેખક જમાઅતે ઇસ્લામી હિંદ, ગુજરાતના જનરલ સેક્રેટરી છે.)


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments