ભારતમાં હજારો વર્ષોથી અલગ-અલગ ધર્મોના લોકો એકબીજાની સાથે રહે છે, પરંતુ એકબીજાના ધર્મ અને સમાજ વિશે ખૂબ જ ઓછું જાણે છે. આ અંતરને ઓછું કરવા એક નાનકડો પ્રયાસ કરવામાં આવ્યો. જેમાં હિન્દુ, જૈન, શીખ, પારસી અને ખ્રિસ્તી તેમજ તમામ બિન-મુસ્લિમ ભાઈ બહેનોને મસ્જીદની મુલાકાત માટે “આવો ! મસ્જીદની મુલાકાત લઈએ” કાર્યક્રમમાં હૃદય પૂર્વક હાજર રહેવા ભાવભીનું આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.
આ અંતર્ગત અમદાવાદના રખિયાલ વિસ્તારની “ઉમર બીન ખત્તાબ મસ્જીદ” તરફથી ગુજરાતમાં પ્રથમ વાર બિન-મુસ્લિમો માટે “આવો ! મસ્જીદની મુલાકાત લઈએ” પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં બિન-મુસ્લિમોએ મસ્જીદની મુલાકાત લીધી. દરેક આવનારા બિન-મુસ્લિમ વ્યક્તિને ખજુર અને ભેટની સાથે સ્વાગત કરવામાં આવ્યું. મસ્જીદમાં આવ્યા પછી એમને નમાઝનો હેતુ, પાંચ વખતની નમાઝ, જુમ્માની નમાઝ, ઇદોની નમાઝ, જનાઝાની નમાઝ, તહજ્જુદની નમાઝ, હજ્જ વગેરે વિશે માહિતી આપવામાં આવી. મહેરાબ, મિમ્બર બતાવવામાં આવ્યા. આવનારા બિન-મુસ્લિમોએ મુસ્લિમોને વુઝૂ કરતા અને નમાઝ અદા કરતા જોયા અને પછી નમાઝમાં શું બોલવામાં આવે છે, દુઆ કઇ રીતે કરવામા આવે છે વગેરે વિશે સવાલો પૂછ્યા. અમુક બિન-મુસ્લિમોએ આ પણ જાણ્યું કે મુસલમાન કાબા શરીફની દિશા તરફ ઉભા રહીને નમાઝ શા માટે અદા કરે છે?
મુલાકાતીઓએ મસ્જીદની દિવાલો પર લાગેલા ઇસ્લામિક પ્રદર્શનને નિહાળ્યું અને ઇસ્લામ વિશે સવાલો પૂછ્યા, જેના જવાબ આપવામાં આવ્યા અને ઇમામ સાહેબથી મુલાકાત કરીને ખુશી વ્યક્ત કરી. આવનારા ઘણા બિન-મુસ્લિમોએ આ પ્રોગ્રામ પર ખુશી વ્યક્ત કરી અને ઘણા લોકોએ કહ્યું કે, “અમારી ઘણા વર્ષોથી એવી ઈચ્છા હતી કે ક્યારેક મસ્જીદની મુલાકાત કરીએ, જે આજે પુરી થઈ.” અંતમાં મસ્જીદમાં આવનારા દરેક બિન-મુસ્લિમ ભાઈ-બહેનોને શિરખુરમો પીવડાવવામાં આવ્યો.
આ પ્રોગ્રામના અહેવાલ માટે મોટી સંખ્યામાં મીડિયા બંધુઓએ પણ ભાગ લીધો. અમુક પત્રકારોએ પણ અહેવાલ ઉપરાંત સ્વયં રીતે ઇસ્લામ વિશે ઘણા સવાલો કરી માહિતી મેળવી હતી.