મણિપુરની ભયાનક અને ખેદજનક પરિસ્થિતિ માણસનો જંગલી જાનવર જેવો ચિતાર આપી રહી છે. જ્યારે કોઈ રાજ્યમાં હિંસા ત્રણ મહિનાઓ થી સતત ચાલુ રહે તો તે કેન્દ્ર અને રાજ્ય સરકારના શાસનની સંપૂર્ણ નિષ્ફળતાને દર્શાવે છે. જો સમયસર કેન્દ્ર અને રાજ્ય સરકારોએ સક્રિય હસ્તક્ષેપ કર્યો હોત તો હિંસાની આટલી બધી વ્યાપકતાને અટકાવી શકાઈ હોત.
માનવ ગૌરવને નેવે મૂકી મહિલાઓની નગ્ન પરેડ કરવામાં આવી. મણિપુરના આ ભયાનક દૃશ્યો જોઈને શું દેશનો અંતરાત્મા જાગશે ખરો? આવા કૃત્યો મહિલા સંરક્ષણ અને ગૌરવ માટે ઘાતક છે. આવી ઘટનાઓએ ફરી એક વાર પુરવાર કરી આપ્યું કે સાંપ્રદાયિક રમખાણો માનવતા વિરૂદ્ધ તો હોય જ છે પણ એમાં મહિલાઓને મોટું નુકશાન ભોગવવું પડે છે.
આ ઘટનાને ઉજાગર કરીને બહાર લાવવામાં સોશિયલ મીડિયાએ ખુબજ મહત્વની ભૂમિકા ભજવી છે પણ હંમેશનીજેમ સરકાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ સામે જ કાર્યવાહી કરીને પોતાની નિષ્ફળતા છુપાવી રહી છે. સરકારનું આ વલણ શાસનની નિષ્ફળતાને ઢાંકવા અને હિંસાથી ધ્યાન બીજે હટાવવા માટે છે.
જરૂરી અને આવશ્યક માહિતી ના મળી રહે તે માટે ઈન્ટરનેટ સેવાઓ બંધ કરવામાં આવી રહી છે. ઇન્ટરનેટ સેવાઓને બંધ કરવી એ લોકશાહીનો નાશ છે. માટે ઇન્ટરનેટ સેવાઓ તાત્કાલિક પુનઃસ્થાપિત કરવી જોઈએ.
મણિપુરની સમકાલીન પરિસ્થિતિ ભારતમાં લઘુમતીઓ સામે દ્વેષપૂર્ણ હિંસાના અસંખ્ય અને હજારો કૃત્યોનો એક ભાગ છે. જેની શરૂઆત ૨૦૧૪ ના વર્ષ થી થઈ છે. સરકારે મણિપુરમાં રમખાણોનો અંત લાવવા માટે ઝડપથી નક્કર પગલાઓ લેવા જોઈએ અને અપરાધીઓને કોઈ પણ પ્રકારની છૂટછાટ આપ્યા વગર સખત સજા કરવી જોઈએ.