Saturday, July 27, 2024
Homeપયગામઈદ ઉલ અઝહા (બકરી ઈદ)નો અસલ સંદેશ

ઈદ ઉલ અઝહા (બકરી ઈદ)નો અસલ સંદેશ

ઈદ ઉલ અઝહાનો એક મહત્વનો સંદેશ આ છે કે જે પ્રકારે આપણે જાનવર પર નિયંત્રણ મેળવીએ છીએ, તેને અલ્લાહનાં નામ પર કુરબાન કરીએ છીએ..આપણા માટે, અન્ય વ્યક્તિઓ માટે અને વંચિતો ને ગરીબો માટે તેમાંથી તેમનો ભાગ કાઢીએ છીએ. એ જ રીતે એ સંસાધનો પર પણ નિયંત્રણ મેળવીએ, જે અલ્લાહે આપણાં માટે પેદા કર્યા છે અને તેને અલ્લાહની આજ્ઞા અનુસાર માનવોના ફાયદા માટે અને તેમની સમસ્યાઓના નિવારણ માટે ઉપયોગ કરીએ.

આપણે આ સમયે ઝિલ્હજજ (ઇસ્લામી કેલેન્ડરનો બારમો અને હઅંતિમ મહિનો)નાં મુબારક દિવસોમાંથી પસાર થઈ રહ્યાં છીએ. હાજીઓનો જમાવડો જુગનુંઓ ની જેમ અલ્લાહના ઘરની ફરતે જમા થયો છે. જીલ હજજ ના આ ખુબજ મુબારક દિવસો પવિત્ર લાગણીઓ ની એક પ્રબળ લેહર લઈને આવે છે. અલ્લાહ તરફી, પ્રેમની લાગણી, તેમની મોહબ્બતની લાગણી, પ્રાણ સમર્પિત કરવાની લાગણી, તેની સમક્ષ નતમસ્તક આપણાં અસ્તિત્વને, આપણી દરેક વસ્તુને તેના હવાલે સમર્પિત કરી આપવાની લાગણી, ફક્ત તેનાં થઈને રહેવું અને તેનાં માટે જ જીવન પસાર કરવાનો લાગણી.

આ પવિત્ર લાગણીઓ જે ઝિલહજ્જનાં મુબારક દિવસે પોતાની સાથે લઈને આવે છે, આ એક મોમીનની સૌથી મહત્વની પૂંજી છે. અલ્લાહથી દુઆ છે કે આ પવિત્ર લાગણીઓ આપણાં દિલ અને દિમાગમાં કાયમ રાખે. કાયમ માટે જીવંત રહે અને આપણાં વ્યક્તિત્વનું અને આપણાં જીવનનું નિર્માણ આ મુબારક લાગણીઓનાં પાયા પર રહે.

ઈદ ઉલ અઝહાની પહેલાં, હઝરત ઇબ્રાહિમ અલૈહિસ્સલામના જીવન સાથે જોડાયેલી અને તેમની કુરબાની સાથે જોડાયેલી વાતો આપણી સમક્ષ આવતી રહે છે. હું આજે ઈદ ઉલ અઝહાનાં વધુ એક પાસા પર, ખાસ મહત્વના પાસા પર પ્રકાશ પાડવા માંગુ છે.

ઈદના તહેવારનું દર્શન

અલ્લાહ તઆલાએ કુર્આનમાં જાનવરોની કુરબાનીનો એક મહત્વનો હેતુ વર્ણન કર્યો છે. અલ્લાહ તઆલાએ જાનવરોને માનવ આધીન બનાવ્યાં છે. તેને આપણાં નિયંત્રણમાં આપ્યાં છે. આ અલ્લાહ તઆલાનો અહેસાન છે અને કુરબાની આ વસ્તુનું માધ્યમ છે કે અલ્લાહ તઆલાના આ અહેસાન પર આપણે તેની તકબીર બયાન કરીએ તેની મહાનતાનું વણૅન કરીએ.

કુર્આન મજીદ અનુસાર ઈદની અસલ રૂહ અને તેનાં અસલ દર્શન આ છે કે અલ્લાહની તકબીર અને તેની મહાનતાનું વણૅન કરવામાં આવે. ઈદ ઉલ ફિત્ર વિશે પણ કુર્આન માં આ જ કહેવામાં આવ્યું છે કે અલ્લાહની તકબીર બયાન કરવું જ આ ઈદનો હેતુ છે. પરંતુ અહીં તકબીરનો સંબંધ કુર્આન મજીદ સાથે છે, અલ્લાહનાં માર્ગદર્શન સાથે છે. તકબીર એટલા માટે કે અલ્લાહ તઆલાએ આ મહિનામાં કુર્આન મજીદ અવતરિત કર્યું. અને અહીં ઈદ ઉલ અઝહામાં પણ તકબીર બયાન કરવાનો હેતુ છે. પરંતુ તકબીર એટલા માટે કે અલ્લાહ તઆલાએ દુનિયાના તમામ સંસાધનોને માનવ આધીન કરી દીધા છે. આ સંસાધનો પર આપણને નિયંત્રણ આપી દીધું છે. આ રીતે આપણે જોઈએ તો ઇસ્લામનાં આ બંને તહેવાર, એક મોમીન બંદાના સંપૂર્ણ જીવનનું ચિત્ર રજૂ કરે છે. બંદાઓને અલ્લાહ તઆલાએ બે મોટી ને’મતો આપી છે. દુનિયાભરનાં સંસાધન તેમના આધીન આપ્યાં અને માર્ગદર્શન તેમજ દોરવણીનું પુસ્તક પણ તેમને આપ્યું. બંને ને’મતો પ્રત્યે આ ઉદ્દેશ્ય છે કે મુસલમાન અલ્લાહનો આભાર માને. અને તેની મહાનતા બયાન કરે અને જે સંસાધનો અલ્લાહે તેને આપ્યાં છે, અલ્લાહનાં માર્ગદર્શન મુજબ તેનો ઉપયોગ કરે. અલ્લાહની કિતાબને મજબૂતીની સાથે પકડી રાખે. તેમના આધીન કરવામાં આવેલ તમામ વસ્તુઓથી કામ લે અને બે કામો કરે.

પહેલું, અલ્લાહના કલામને બુલંદ કરવાનું કામ. તેની મહાનતા બયાન કરવાનું કામ. જેમ કે બંને ઇદોમાં આપણે તકબીર પોકારીએ છીએ. અને બીજું, અલ્લાહનાં માર્ગદર્શન અનુસાર અલ્લાહની પેદા કરેલી વસ્તુઓનો (મખલુક)ને ફાયદો પહોંચાડવાનું કામ. ઈદ ઉલ ફિત્ર દ્વારા આપણે આ કામ કરીએ છીએ અને ઈદ ઉલ અઝહામાં કુરબાનીના ગોશ્તનું વિતરણ કરીને આપણે આ કામ કરીએ છીએ.

કુર્આનમાં કુરબાનીના જાનવરો વિશે જે વાત કહેવામાં આવી છે, તે જ વાત ઠેરઠેર વિભિન્ન સંસાધનો વિશે પણ કહેવામાં આવી છે. બલ્કે 23 વખત કુર્આનમાં આનું વર્ણન કરવામાં આવ્યું છે કે અલ્લાહ તઆલાએ આ સંસારની વિભિન્ન વસ્તુઓને, વિભિન્ન સંસાધનોને માનવો માટે પેદા કર્યા છે. તેમનાં આધીન કરી દીધા છે. તેમનાં નિયંત્રણમાં આપી દીધાં છે. આને અલ્લાહ તઆલાએ પોતાના ઈનામ રૂપે તથા પોતાના અહેસાન રૂપે વર્ણન કર્યું છે.

સંસાધનોને માનવાધિન કરવાનો શું અર્થ છે?

કુર્આનના નિષ્ણાતોએ આના બે અથૅ જણાવ્યા છે. પહેલો અથૅ  આ છે કે કેટલીક જગ્યાએ કહેવામાં આવ્યું છે કે સૂરજને માનવો માટે બનાવવામાં આવ્યો, ચાંદને માનવો માટે બનાવવામાં આવ્યો, રાત અને દિવસ બનાવ્યાં, જમીન અને આસમાનની તમામ વસ્તુઓને માનવો માટે બનાવી. આનો મતલબ આ છે કે અલ્લાહ તઆલાએ આ તમામ વસ્તુઓને એવા પ્રાકૃતિક નિયમોનાં નિયમબદ્ધ બનાવ્યા કે આ તમામ વસ્તુઓ અલ્લાહના આદેશ અનુસાર માનવોના ફાયદા માટે કામ કરે છે. સૂરજ ક્યારેય પણ આટલો ગરમ થતો નથી કે આપણે તમામ માનવ બળીને રાખ થઈ જઈએ અને ક્યારેય પણ એટલી ઠંડી નથી લાગતી કે ઠંડીથી બરફ બની જઈએ. એક ખાસ રેન્જમાં ઠંડી અને ગરમી પેદા થતી રહે છે, જેથી માનવ દરેક ઋતુની મજા લઈ શકે. દરેક પ્રકારના જીવ (Organisms) પેદા થઈ શકે. સાયન્સ ભણવાવાળા જાણે છે કે કેટલાક Organisms જે માનવ માટે ફાયદાકારક છે, ગરમીમાં જ પેદા થઈ શકે છે અને કેટલાક Organisms ઠંડીમાં જ પેદા થઈ શકે છે. જાત જાતનાં ફળો અને અન્ય કૃષિ પેદાશો માટે આ ઋતુ જરૂરી છે. આથી એક ખાસ રેન્જમાં ઋતુ ઠંડી અને ગરમ રહે છે. તો અહીં અલ્લાહના આભારનો ઉદ્દેશ આ છે કે આપણે એ પ્રાકૃતિક નિયમોને જાણીએ જેથી એ સંસાધનોનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉપયોગ થઈ શકે.

બીજો અથૅ આ છે કે કેટલીક એવી વસ્તુઓ છે જેમની પર અલ્લાહ તઆલાએ માનવને સંપૂર્ણ નિયંત્રણ આપી દીધું છે. આનો મતલબ આ છે કે આ વસ્તુઓનો સંપૂર્ણ ચાર્જ લેવામાં આવે. એને વધુમાં વધુ ફાયદાકારક બનાવવામાં આવે. અંગ્રેજીમાં જેને Harnessing the Natural Resources કહે છે. પરંતુ આ કામ માટે જ્ઞાન જોઈએ, આવડત જોઈએ, ટેકનોલોજી જોઈએ. અલ્લાહ તઆલાએ જે રીતે આપણને જાનવરો પર નિયંત્રણ આપ્યું, તે જ રીતે એ ફરમાવે છે કે તેણે જહાજોને આપણાં નિયંત્રણમાં કરી દીધા કે તે સમુદ્રમાં તેના આદેશથી ચાલે. કુર્આનમાં જહાજનો, જાનવરોની મુસાફરીનો ઉલ્લેખ કરતાં હુકમ આપ્યો છે કે જ્યારે તમે આ વાહનો પર સવાર થાવ તો અલ્લાહના અહેસાનને યાદ કરો અને કહો કે, “પાક છે તે જેણે આ સવારીઓને અમારા આધીન કરી દીધી, નહિતર આપણે તેને કાબૂમાં કરવા કાબેલ નહોતા.” કુર્આન ફરમાવે છે કે, “તે જ છે જેણે તમારા માટે સમુદ્રને કામે લગાડયો છે જેથી તમે તેમાંથી તાજું માંસ લઈને ખાઓ અને તેમાંથી શ્રૃંગારની તે વસ્તુઓ કાઢો જેને તમે પહેરો છે. તમે જુઓ છો કે હોડી સમુદ્રની છાતી ચીરીને ચાલે છે. આ બધું એટલા માટે છે કે તમે પોતાના રબની કૃપા શોધો અને તેના કૃતજ્ઞા બનો.”

આ રીતે આપણે જોઈએ છીએ કે અલ્લાહ તઆલા એ આ harnessing ને, આ controlને, માનવો પર તેનો અહેસાન ગણાવ્યો છે. પોતાની નિશાની ગણાવી છે. અને હુકમ આપ્યો છે કે તેના પર અલ્લાહનો આભાર માને. આભારનો એક હેતુ આ છે કે અલ્લાહની આ ને’મતોને ઉપયોગમાં લાવવામાં આવે. તેનો આપણાં ફાયદા માટે ઉપયોગ  કરીએ. અલ્લાહનાં અન્ય બંદાઓ માટે તેને ફાયદાકારક બનાવે. જો મને કોઈ મારો મિત્ર એક અમૂલ્ય ભેટ આપશે અને હું તેને લઈ જઈને દરિયામાં ફેંકી દઈશ તો આ તેનું અપમાન થશે અને તેને લાવીને ઘરમાં મુકી રાખું , ઉપયોગ ન કરું તો આ પણ મારા મિત્રનું અપમાન થશે, એ ભેટનું પણ અપમાન થશે. આ જ રીતે જોઈએ તો અલ્લાહે દુનિયાનાં આ સંસાધનોને આપણા માટે બનાવ્યા છે. આપણને ભેટ સ્વરૂપ આ તમામ સંસાધનો આપ્યા છે, જેથી આપણે આપણા માટે અને અન્ય માનવો માટે તેને ફાયદાકારક બનાવીએ. જે રીતે કુરબાનીના જાનવર ને ફાયદાકારક બનાવીએ છીએ.

આ સંસાધનોનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવે?

ઈદ ઉલ અઝહામાં આ સંસાધનોનો ઉપયોગ કરવાની રીત પણ આપણને બતાવવામાં આવી છે. આપણે અલ્લાહ ખાતર જાનવરને કાબૂમાં કરીએ છીએ અને પછી અલ્લાહનું નામ લઈએ છીએ, આ લાગણી આપણાં દિલમાં પેદા કરીએ છીએ કે “મારી નમાઝ, મારી કુરબાની, મારું જીવન, મારી મોત બધું અલ્લાહ માટે છે” અને કહીએ છીએ કે “એ અલ્લાહ ! આ તારા માટે જ છે. આ તારું જ આપેલું છે અને અમે તારી સમક્ષ હાજર છીએ.” આ એલાનની સાથે આપણે જાનવર કુરબાન કરીએ છીએ. પછી તેના ત્રણ ભાગ પાડીએ છીએ. એક ભાગથી આપણે પોતે ફાયદો ઉઠાવીએ છીએ, બીજો ભાગ વિતરણ કરીએ છીએ અને એક ભાગ એ લોકો માટે કાઢીએ છીએ જે વંચિત છે, ગરીબ છે, મુસીબતમાં ફસાયેલા છે અને તે લોકો સુધી સંસાધનોની પહોંચ નથી.

આથી આપણી જવાબદારી છે કે આ જ કામ દુનિયાનાં તમામ સંસાધનોની સાથે પણ કરવામાં આવે. આ જ અભિગમ અન્ય સંસાધનોના મામલામાં પણ અપનાવવામાં આવે. તમામ સંસાધનો પર આપણે કાબૂ મેળવીએ. તેને આપણાં ચાર્જમાં લઈએ. તેની પર અલ્લાહનું નામ લઈએ. તેના ઉપયોગને અલ્લાહની આજ્ઞાના નિયમબદ્ધ બનાવીએ અને અલ્લાહની મરજી હેઠળ માનવોના ફાયદા માટે તેને ઉપયોગ કરીએ જેથી દુનિયાનાં મજબૂર અને ગરીબ માનવો આ સંસાધનોથી વધુમાં વધુ લાભ ઉઠાવી શકે.

આથી કુર્આનમાં જ્યાં કુરબાનીનો ઉલ્લેખ આવ્યો છે, ત્યાં જ ઈદ ઉલ અઝહાનો સંદેશ પણ બયાન કરવામાં આવ્યો છે.  ઈદ ઉલ અઝહાનો એક મહત્વનો સંદેશ “તસ્ખીર” (Harnessing) અને “તકબીર” (Proclamation of the Greatness of Allah) નો સંગમ છે. આપણાં વૃદ્ધોએ ઇસ્લામના રોશન યુગમાં આ જ કામ કર્યું હતું. આજે આપણે મુસલમાન વૈજ્ઞાનિકો વિશે અભ્યાસ કરીએ છીએ. ખરેખર તેમણે “તસ્ખીર” અને “તકબીર” ને મેળવી દીધાં હતાં. જે લોકો અલ્લાહની મહાનતાનું વર્ણન કરતાં હતાં, અલ્લાહની તરફ બોલાવતાં હતા, તે જ લોકો observatories કાયમ કરતાં હતાં. તે જ લોકો જાતજાતના આવિષ્કાર કરતાં હતાં. તે લોકો જ્ઞાનનાં નવા સ્ત્રોતની શોધ કરતાં હતાં. તમામ માનવોના ફાયદા માટે અલ્લાહ તઆલાએ અપૅણ કરેલ  સંસાધનોનો ઉપયોગ કરતાં હતાં.

દુનિયાનું સૌથી મોટું સંકટ

આજની દુનિયાનું સૌથી મોટું સંકટ આ છે કે “તસ્ખીર” અને “તકબીર” અલગ અલગ થઈ ગયા છે. જેમણે “તસ્ખીર”(શોધ) પ્રાપ્ત કરી, જેમણે દુનિયાનાં સંસાધનો પર નિયંત્રણ મેળવ્યું, જેમણે સાયન્સ અને ટેકનોલોજીમાં પ્રસિદ્ધિ હાંસલ કરી, તે “તકબીર”(અલ્લાહની મહાનતાનુ વણૅન) અર્થાત્ અલ્લાહથી દુર થઈ ગયો. પરિણામ આ આવ્યું કે અલ્લાહ તઆલાની આપેલી તાકાત, દુનિયામાં લડાઈ ઝઘડાનું માધ્યમ બની. અલ્લાહે તાકાત આપી હતી કે માનવ અણુને ચીરીને, તેની અંદર ઉપસ્થિત અપાર ઉર્જાને માનવ માટે ફાયદામાં લાવે, ઉપયોગમાં લાવે. પરંતુ જ્યારે “તસ્ખીર”, “તકબીર” થી અલગ થઈ ગઈ તો આ જ અણુ ઉર્જા માનવોના વિનાશનુ માધ્યમ બની ગઈ. આજે પણ દુનિયાનાં મોટા દેશોમાં શ્રેષ્ઠ એન્જિનિયર, શ્રેષ્ઠ વૈજ્ઞાનિક સૌથી પહેલા સંરક્ષણ વિભાગોમાં જાય છે. સૌથી વધુ સંશોધન અને technological innovation પણ સંરક્ષણમાં થાય છે. સૌથી વધુ ખર્ચ પણ સંરક્ષણમાં થાય છે. આ રીતે આપણે જોઈએ તો અલ્લાહે આપેલી તાકાત, દુનિયામાં વિનાશ માટે, એકબીજાને મારવા માટે ઉપયોગ થઈ રહી છે. બીજી તરફ મોટી મૂડીવાદી તાકતો આ સંસાધનો પર કબજો કરીને, માનવોને ખરીદીને, ફક્ત ચોક્કસ લોકોની વૈભવતા માટે, તેમના ફાયદાઓ માટે આ સંશોધનોનું દહન કરી રહી છે. વધુમાં વધુ વૈભવી જીવનશૈલીની હવસે માનવને જાનવર બનાવી દીધો છે. પર્યાવરણ સંકટ પેદા કરી દીધું છે. આપણી હવા અને પાણીને ઝેરથી ભરી દીધું છે. આપણી આવનારી પેઢીના જીવનને જોખમમાં મૂકી દીધી છે. આ બધું એટલા માટે થઈ રહ્યું છે કારણ કે “તસ્ખીર” અને “તકબીર” બંને અલગ અલગ થઈ ગયા.

બીજી તરફ, જે લોકો “તકબીર” સાથે જોડાયેલા છે, ઈમાન વાળા છે, અલ્લાહનું નામ લે છે, એ શિક્ષણમાં પાછળ રહી ગયાં, ટેકનોલોજીમાં પાછળ રહી ગયાં, તેમણે પોતાના ઇતિહાસનો પાઠ ભુલાવી દીધો. દુનિયાને શ્રેષ્ઠ બનાવવી, અલ્લાહના આપેલા  સંસાધનોનો ઉપયોગ કરીને માનવીય જીવનને સરળ બનાવવું, માનવની સમસ્યાઓનું નિવારણ કરવું, આ કામ તેમણે પડતું મૂકી દીધું, તો આ પણ દુનિયાની એક ખરાબી અને લડાઈ ઝઘડાનું એક મોટું કારણ બની ગયું. તમે કુર્આનમાં જોશો તો ખ્યાલ આવશે કે અલ્લાહે નબીઓનો ઉલ્લેખ કરવા સાથે પ્રાકૃતિક સંસાધનોનો પણ ઉલ્લેખ કર્યો છે. કહ્યું કે, “અમે પોતાના રસૂલોને સ્પષ્ટ નિશાનીઓ અને માર્ગદર્શનો સાથે મોકલ્યા અને તેમના સાથે ગ્રંથ અને તુલા ઉતાર્યા જેથી લોકો ન્યાય ઉપર કાયમ થાય, અને લોખંડ ઉતાર્યું જેમાં ઘણું બળ છે અને લોકો માટે ફાયદાઓ છે.” લોખંડ શું છે? લોખંડ ટેકનોલોજીનું પ્રતીક છે. સંરક્ષણ અને વેલ્ફેર ટેકનોલોજીનું પ્રતીક છે. અલ્લાહ તઆલાએ નબીઓના મિશનને આની સાથે જોડ્યો છે.

ઈદ ઉલ અઝહાનો સંદેશ

હું ખાસ કરીને નવ યુવાનોને યાદ અપાવવા માંગુ છું કે ઈદ ઉલ અઝહાનો એક મહત્વનો સંદેશ આ છે કે “તસ્ખીર” અને “તકબીર” મળી જાય. જે રીતે આપણે જાનવર પર અંકુશ પ્રાપ્ત કરીએ છીએ તેને અલ્લાહનાં નામ પર કુરબાન કરીએ છીએ અને આપણા માટે, અન્ય માનવો માટે અને વંચિતો અને ગરીબો માટે તેમાંથી ભાગ કાઢીએ છીએ, એ જ રીતે આપણી આ જવાબદારી છે કે અલ્લાહ તઆલાએ જમીન અને આસમાનનાં જે સંસાધનો આપણા આધીન કરેલા છે, આપણે તેના પર પણ અંકુશ પ્રાપ્ત કરીએ અને તેનો ચાર્જ લઈએ. ઉચ્ચ શિક્ષણ સુધી જઈએ, ટેકનોલોજીમાં પ્રસિદ્ધિ પ્રાપ્ત કરીએ, ટેકનોલોજીને માનવ માટે ફાયદાકારક બનાવીએ, તેને માનવોની સમસ્યાઓનાં નિવારણનું માધ્યમ બનાવીએ. જે રીતે આપણે પશુઓ પર અંકુશ પ્રાપ્ત કરીએ છીએ, એ જ રીતે વીજળી પર, પાણી પર, હવા પર,  ઉર્જા પર, ઈલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન પર, જીન્સ પર, સેલ્સ પર બેક્ટેરિયા અને વાયરસ પર, દરેક વસ્તુ પર જ્ઞાન દ્વારા અંકુશ પ્રાપ્ત કરીએ અને પછી તેને અલ્લાહની આજ્ઞા અનુસાર ઉપયોગ કરીએ, માનવોના ફાયદાની પદ્ધતિ વિચારીએ. દરેક વસ્તુના ઉપયોગમાં આ ભાવના બાકી રાખીએ કે, “હે અલ્લાહ ! આ તારા માટે જ છે. આ તારું જ આપેલું છે અને અમે તારા સમક્ષ હાજર છીએ.”

આપણે દુનિયામાંથી આપણો ભાગ ભૂલવો ન જોઈએ. વધુમાં વધુ જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ, મોટામાં મોટી આવડતો પેદા કરવી જોઈએ અને અલ્લાહે જે સંસાધનો આપણા માટે બનાવ્યા છે, એનો ચાર્જ મેળવીને તેનો ઉપયોગ કરવો જોઈએ. આ કામ ફક્ત દુનિયાનું જ કામ નથી બલ્કે દીનનું કામ પણ છે. અલ્લાહની સમક્ષ જવાબદેહીનો અહેસાસ માનવને જવાબદાર બનાવે છે. આથી આગળ આવો અને આપણા જ્ઞાનથી, આપણી પ્રતિભાથી, આ સંસાધનો પર નિયંત્રણ મેળવો અને માનવોની સમસ્યાઓનું નિવારણ શોધો, કેન્સરની સારવાર શોધો, પૂરની સમસ્યાનું નિવારણ શોધો, નોર્થ ઈસ્ટમાં દર વર્ષે પૂર આવવાના લીધે જીવો ગુમાવવાનો વારો આવે છે, તેનું નિવારણ શોધો, દિલ્હીના પ્રદૂષણની સમસ્યાનું નિવારણ શોધો, આજે પણ કરોડો માનવોને પીવાનું શુદ્ધ પાણી મળતું નથી, તેનું નિવારણ શોધો. “તસ્ખીર” અને “તકબીર” અલગ થઈ ગયા, ત્યારે તમામ મગજ લડવા મારવાની ટેકનોલોજી શોધવામાં લાગ્યા છે તથા કેટલાક માનવોની સુવિધા માટે આ સંસાધનોનું દહન કરી રહ્યાં છે. તમે જ્યારે “તકબીર”ની લાગણી સાથે ઉભા થશો તો માનવની સમસ્યાઓનું નિવારણ લાવી શકશો.

આથી આ ઈદ ઉલ અઝહા પર તમે જ્યારે કુરબાનીનું જાનવર કુરબાન કરવા માટે ઉઠશો તો આ જરૂર વિચારશો કે જે રીતે અલ્લાહે આ જાનવર આપણા નિયંત્રણમાં આપ્યું છે, એ જ રીતે આ દુનિયાના સંસાધનોને પણ આપણા માટે બનાવ્યા છે. જે રીતે આપણે અલ્લાહના પથ પર કુરબાન કરવા માટે જાનવરને આપણાં ચાર્જમાં લીધું છે, એ જ રીતે આપણા જ્ઞાનથી, આપણી પ્રતિભાથી, આપણે દુનિયાના સંશોધનોને પણ ચાર્જમાં લઈએ. જે રીતે જાનવર પર અલ્લાહનું નામ લઇ રહ્યાં છીએ, એ જ રીતે દુનિયાના તમામ સંસાધનોનો આજ્ઞા અનુસાર ઉપયોગ કરીએ અને જે રીતે જાનવરને આપણાં માટે અને વંચિતો અને ગરીબો માટે ફાયદાકારક બનાવી રહ્યાં છીએ, એ જ રીતે આ સંસાધનોને પણ દુનિયાના તમામ વંચિતો અને ગરીબો માટે ફાયદાકારક બનાવીએ. “કુર્આન ફરમાવે છે કે, “આવી જ રીતે અહેસાન કરવાવાળાઓ માટે ખુશખબરી છે.”
સૈયદ સઆદતુલ્લાહ હુસૈની

(લેખક વર્તમાનમાં જમાઅતે ઇસ્લામી હિંદના રાષ્ટ્રીય અધ્યક્ષ છે.)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments