Tuesday, March 19, 2024
Homeમનોમથંનઅશ્લીલતાની આગને કોણ ઓલવશે?

અશ્લીલતાની આગને કોણ ઓલવશે?

નાનાં નાનાં બાળકો સુદ્ધાં પાસે હવે આસાનીથી મોબાઇલની ઉપલબ્ધિ, સસ્તા ઈન્ટરનેટ, facebook, WhatsApp, instagram, tiktok વિગેરે જેવી સોશ્યલ મીડિયાના પ્લેટફોર્મ, અશ્લીલ અને નગ્ન pornographyની કઈ કેટલીયે વેબસાઇટો અને ધંધો કરી માલ કમાઈ લેવા માટે તલપાપડ મોટી મોટી કંપનીઓ એમ બધાએ જાણે હાથ મિલાવ્યા છે અને માણસોની મનેચ્છાઓની આગને એવી સળગાવી છે કે જહન્નમની આગની જવાળાઓ અહીંયા દુનિયામાં બેસીને અનુભવી શકાય એવું વાતાવરણ થઈ ગયું છે.. ફેશનના અને આઝાદીના નામે નગ્નતા અને બીભત્સ આદતોવાળી જીવનશૈલી ઉપર લોકો ગર્વ કરી રહ્યા છે. ગંદી ફિલ્મો અને સિરિયલોને એકદમ નાના બાળકો, નવયુવાનો અને દરેક વ્યક્તિના મોબાઈલમાં એવી રીતે પહુંચાડી દેવામાં  આવ્યા છે કે બાજુમાં બેસેલા વડીલને પણ ખબર ન પડે કે શું જોવાઈ રહ્યું છે. મેડિકલ સાયન્સ કહે છે કે આને કારણે બહુ ગંભીર પ્રકારની માનસિક બીમારીઓ થઈ રહી છે. આ ઉપરાંત મેડિકલ સાયન્સ એમ પણ કહે છે કે આના કારણે નપુંસકતા, શુક્રાણુઓની ગંભીર ઉણપ, વંધ્યત્વ પણ વધી રહ્યા છે જેના લીધે નિષ્ફળ લગ્નજીવનનું પ્રમાણ પણ ખૂબ વધી ગયું છે.

આ એક એવો નશો છે જે માણસની માનસિકતા એવી કરી નાખે છે કે તેને આ ગંદા અને અશ્લીલ ફોટા અને વીડિયો વધુને વધુ જોવાની લત પડે છે. આવું એટલા માટે થાય છે કે આ બધું જોનાર વ્યક્તિનું પૌરુષત્વ ધીમે ધીમે નબળું પડતું જાય છે અને તેનો ઇલાજ તે પોતે એવું સમજે છે કે આ નશીલી નગ્ન ફિલ્મો છે.. આ ચક્કર છેવટે તેના માટે વિષચક્ર બની જાય છે અને તે પોતાની દિવસે ને દિવસે વધતી નબળાઈને માનવા તૈયાર નથી થતો તેથી ચિત્રવિચિત્ર હરકતો કરવા માંડે છે.

અશ્લીલ, ગંદા, ગેરકાનૂની, નિકાહથી બહારના(extramarital) જાતીય સંબંધોને વેગ આપતી ફિલ્મો, સીરીયલો, short reels, videos, નગ્ન અને બેહૂદી(porn) ફિલ્મો અને અન્ય દરેક કાર્યક્રમોથી પોતાને અને ઘરવાળાને બચાવી લો નહીતો ધીરે ધીરે સમાજમાં આ ગંદા પ્રકારના નશામાં ધૂત જાનવરોની સંખ્યા વધતી જશે અને કોણ ક્યારે વિંખાઈ જશે એ નક્કી કરવું પણ મુશ્કેલ થઈ જશે.. અશ્લીલતાનો આ નશો પહેલાના જમાનામાં તો મોટાભાગે પુરુષોમાં જોવા મળતો હતો પણ હવે સ્ત્રીઓ પણ આમાંથી બાકાત નથી જેના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બનતી જઈ રહી છે.

આવું એટલા માટે થયું છે કે દિવસેને દિવસે વધુને વધુ પુરુષોને આ અશ્લીલતાની માનસિક બીમારી લાગતી જઈ રહી છે અને તેઓ પોતાની ગંદી જાતીય વૃત્તિને સંતોષવા માટે આમથી તેમ મોઢા મારતા ફરે છે જેના કારણે તેઓ પોતાની કમાણી વેશ્યાવૃત્તી અને અનૈતિક સંબંધો પાછળ ખર્ચી નાખે છે. ઘરની સ્ત્રીઓ ઉપર એ બધી જવાબદારી વધારાની આવવા માંડે છે જે પુરુષોએ નિભાવવાની હોઈ છે. પુરુષો પોતાના શોખ અને નશાઓમાંથી ઊંચા આવતા નથી અને ઘરના કવ્વામ તરીકેની જવાબદારી જે અલ્લાહે તેમને સોંપી છે તેને પૂરી કરતા નથી ત્યારે સ્ત્રી બિચારી મજબૂરીમાં ઘરના બહાર એ બધા કામો કરવા માટે મજબૂર બની જાય છે જે પુરુષોએ કરવાના હોઈ છે. હવે ઘરના બહાર તો આ જ પુરુષોએ દરેક પ્રકારના નશાઓમાં ધૂત એવા કૂતરા અને વરું ખુલ્લા મૂકી દીધા છે જે આ નાજુક સ્ત્રીઓની લાજ શરમ ને ચિંથરે ચીંથરા કરવા માટે તૈયાર બેઠા છે. શર્મોહયાની ચાદર હટાવવા માટે શરૂઆતમાં સ્ત્રીઓ મજબૂર હોઈ છે પણ પછી તે એક ગુસ્સો અને બગાવતનું સ્વરૂપ ધારણ કરી લે છે અને છેવટે તે એક સામન્ય આદત બની જાય છે. આમ આ વિષચક્રની શરૂઆત પુરુષોથી થાય છે એટલે ઇલાજ પણ ત્યાંથી જ શરૂ કરવો પડશે.

આજે જ્યારે આખા સમાજમાં જંગલની આગ જેવો માહોલ ઊભો થયો છે ત્યાર દોડાદોડ કરનાર સૌ લોકોએ જાણવું જોઈએ કે આ આગની ચિનગારીઓ ઘરમાં છે. તેને ઘરમાં સળગતી રાખીને બહાર પાણીના લાઈબંબાની આખી ફોઝ તૈયાર રાખવાથી પણ કઈ થવાનું નથી. સૌથી પહેલા ઘરોમાં દરેક પુરુષ સાચો કવ્વામ ( જવાબદાર મુખીયો) બને તેનું આયોજન કરો. તમારે બજારોમાં બેસીને જલસા કરવા છે અને દરેક પ્રકારની મોજમસ્તીમાં રહેવું છે અને પછી બહેનો અને દીકરીઓનો વાંક કાઢતા ફરો છો. ઘરમાં બેસી પત્ની, દીકરીઓ, દીકરાઓ, માબાપ અને ભાઈ બહેન સાથે સમય વિતાવવાની તૈયારી કેટલા લોકોની છે. તમારા સમાજના પુરુષો વર્ષોથી બેશરમી, બેહયાઈ અને હરામકારીના ઘણા કામોમાં નફ્ફટ બનીને સામેલ થતાં રહ્યા છે ત્યારે આનાથી વધારે બેચેની થવી જોઈતી હતી જે ક્યારેય કોઈને પણ ના થઈ તો આજે આ દિવસો જોવા પડ્યા છે એમાં રઘવાયા કેમ થયા છો.

પોતાના મકતબાઓ અને મદ્રેસાઓમાં જે તાલીમો તરબિયતની વ્યવસ્થા કરી છે એના તરફ પણ જરા આંખ ઉઠાવીને જુઓ. જે સમાજના બાળકો અને બાળકીઓ પોતાના જીવનના કમ સે કમ પહેલા દસ વર્ષ આપણાં મદ્રેસા અને મકતબોમાં કાઢે છે એમનામાં કિરદાર અને ચરિત્ર નિર્માણ કરવાનું એ કામ આપણે કરવાનુ હતું. બિચારા બાળકોના કીમતી ત્રણ કલાક રોજેરોજ લઈ લીધા પણ આપણે એમને શું આપ્યું તે પણ ક્યારે જોયું છે આપણે બધાએ. આટલી આટલી સમાજની પોતાની શાળાઓ છે જેનો નૈતિકતા અને મૂલ્યો આપવા માટે કેટલો ઉપયોગ કર્યો છે આપણે બધાએ તેનું ક્યારેય વિશ્લેષણ કર્યું છે.

દિવસમાં પાંચ વાર દરેક મોહલ્લાની મસ્જિદોમાં નમાજ થાય છે તો પણ સમાજમાં બુરાઈ અને અશ્લીલતા નથી રોકાતી જ્યારે કે કુર્આન કહે છે કે નમાઝ બુરાઈ અને અશ્લીલતા રોકે છે. તો પછી આપણી નમાઝોમાં ક્યાંક કમજોરી છે. તેનાથી એક કદમ આગળ આપણા ત્યાં તો આખા સમાજને જુમઆના એક દિવસે ભેગા કરી વાયજ અને નસીહત કરવાની વ્યવસ્થા છે. જેમાં દરેક જુમ્આમાં ફરજિયાત આ આયત પઢવામાં આવે છે કે,” અલ્લાહ અદ્લ અને એહસાન કરવા અને સગાઓ સાથે સદ્વર્તાવનો હુકમ આપે છે અને બૂરાઈ અને અશ્લીલતા અને અત્યાચાર અને અતિરેકની મનાઈ કરે છે. તે તમને શિખામણ આપે છે જેથી તમે બોધ ગ્રહણ કરો. (કુર્આન:૧૬:૯૦).” કેવી કરુણતા છે કે મુસ્લિમો દરેક જુમ્આના ખુતબામાં આ આયાતો સાંભળે છે છતાંય બુરાઈ અને અશ્લીલતાની આગમાં દિવસે ને દિવસે વધુ લપેટાતા જઈ રહ્યા છે.. અશ્લીલતા એ કોઈ પણ સમાજની હંમેશાથી એક બહુ મોટી બીમારી છે અને શેતાનનું સૌથી મોટું હથિયાર છે જેના વડે તે માણસને બરબાદ કરવાનું કામ કરે છે. એટલે જ  અલ્લાહે મુહમ્મદ ﷺ મારફતે આપણાંને શીખવાડ્યું કે દરેક જુમ્આમાં લોકોને આ વાત વારંવાર યાદ કરાવવામાં આવે. પણ ના આપણે કુર્આનને સમજીએ છે, ના જુમ્આના ખુતબાને. બસ ફક્ત રિવાયત પૂરી કરીએ છે. ખતીબો અને ઇમામોએ કંઈક વિચારવું પડશે અને આ ખુત્બા લોકોને સમજમાં આવે અને કુર્આન લોકોને સમજાઈ તેનું આયોજન કરવું પડશે. અને તેમાં સ્ત્રીઓને પણ સામેલ કરવી પડશે. હા, સમાજના અડધા હિસ્સાને આટલી મહત્વની દર અઠવાડિયે થતી મજલીસ અને નમાજમાંથી કેવી રીતે બાકાત રાખી શકાય. આ જુમ્આના ખૂતબા અને તેના માટેનો મિંબર તો અલ્લાહના રસૂલ ﷺ ની વિરાસત છે. જે વાત જુમઆ ના ખુત્બામાં મિમ્બર પરથી કહેવાય છે તેમાં અલ્લાહના રસૂલ ﷺ ની સુન્નતની બરકતો કંઇક અલગ હોઈ છે. બીજી લાખ તકરીર પણ તેના જેટલી અસર નથી કરી શકતી. તેથી તેમાં માતાઓ બહેનો દીકરીઓ સામેલ થાય તેવી શરઈ વ્યવસ્થા કરવામાં આવે. સમાજમાં ફેલાઈ રહેલી ખતરનાક અને ગંદા પ્રકારની બીમારીનો આ સૌથી અકસીર ઇલાજ છે.

આગ ગંભીર રીતે લાગી છે. જે લોકો આવી અશ્લીલતાને જાહેરમાં કરતા હોઈ તેમને સમજાવો, તેમને રોકો અને છતાંય ના માને તો સામાજીક બહિષ્કાર કરો. ચૂપ ના રહો. બુરાઈ સામે પૂરજોશ અવાજ ઉઠાવો અને તેનો સામનો કરો. ભલાઈને ફેલાવવું જેટલું મહત્વનું છે તેનાથી વધારે મહત્વનું કામ બુરાઈને રોકવું છે… આજે જ આના માટે કમર કસીને તૈયાર થઇ.. અને યાદ રાખજો આમાં જરાય દંભ નહિ ચાલે… પુરુષોને મનફાવે તેમ કરવા દઈને ફક્ત સ્ત્રીઓને ઉપદેશ અને આદેશો આપવાની ભૂલ ન કરતા.. પુરુષ કવ્વામ છે એટલે સૌથી પહેલા તેને સુધારવું પડશે… સ્ત્રી તો હંમેશા તેને ખભેથી ખભા મિલાવી સાથ આપતી જ હોઈ છે… મારી માતાઓ, બહેનો અને દીકરીઓથી પણ હાથ જોડીને અમે સૌ માફી માંગીએ છે… અમારાથી બહુ મોટી મોટી ભૂલો થઈ છે, તમારા સાથે આખા પુરુષ સમાજે ઘણા અત્યાચારો કર્યા છે… પણ તમે અમને માફ નહિ કરો તો આ સમાજ ક્યારેય સારો નહિ બની શકે… ક્યારેય સાચા રસ્તા ઉપર નહિ આવી શકે… તમે જ છો જેના પારણામાં, જેની તરબિયતમાં અને જેના સંગાથમાં શ્રેષ્ઠ પુરુષો તૈયાર થઈ શકે છે.. તમે આ નહિ કરો તો સમાજ ક્યારેય નહિ બદલાય.. હા, મારી માતાઓ, બહેનો, દીકરીઓ.. તમારે બધું ભૂલીને સમાજને શ્રેષ્ઠ નવયુવાનો અને પુરુષોની એક ખેપ આપવી પડશે.. તો જ ફરી એક નવી સવાર શ્રેષ્ઠ સમાજનો શુભ સંદેશ લઈને ઉગશે… ઈન્શા અલ્લાહ..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments