Homeપયગામઈદુલ અઝહા (બકરી ઈદ)નો અસલ સંદેશ

ઈદુલ અઝહા (બકરી ઈદ)નો અસલ સંદેશ

ઈદુલ અઝહાનો એક મહત્વનો સંદેશ આ છે કે જે પ્રકારે આપણે જાનવર પર નિયંત્રણ મેળવીએ છીએ, તેને અલ્લાહનાં નામ પર કુરબાન કરીએ છીએ, આપણા માટે, અન્ય વ્યક્તિઓ માટે અને વંચિતો તથા ગરીબો માટે તેમાંથી તેમનો ભાગ કાઢીએ છીએ; એ જ રીતે એ સંસાધનો પર પણ નિયંત્રણ મેળવીએ જે અલ્લાહે આપણા માટે પેદા કર્યા છે અને તેનો અલ્લાહની આજ્ઞા અનુસાર માનવોના ફાયદા માટે અને તેમની સમસ્યાઓના નિવારણ માટે ઉપયોગ કરીએ.

આપણે આ સમયે ઝિલહજ્જ (ઇસ્લામી કેલેન્ડરનો બારમો અને અંતિમ મહિનો)ના મુબારક દિવસોમાંથી પસાર થઈ રહ્યા છીએ. હાજીઓનો જમાવડો જુગનુઓની જેમ અલ્લાહના ઘરની ફરતે જમા થયો છે. ઝિલહજ્જના આ ખૂબ જ મુબારક દિવસો પવિત્ર લાગણીઓની એક પ્રબળ લહેર લઈને આવે છે. અલ્લાહ તરફી પ્રેમની લાગણી, તેમની મોહબ્બતની લાગણી, પ્રાણ સમર્પિત કરવાની લાગણી, તેની સમક્ષ નતમસ્તક થઈ આપણા અસ્તિત્વને તથા આપણી દરેક વસ્તુને તેના હવાલે સમર્પિત કરી દેવાની લાગણી, ફક્ત તેના થઈને રહેવું અને તેના માટે જ જીવન પસાર કરવાની લાગણી.

આ પવિત્ર લાગણીઓ જે ઝિલહજ્જના મુબારક દિવસો પોતાની સાથે લઈને આવે છે, તે એક મોમીનની સૌથી મહત્વની પૂંજી છે. અલ્લાહથી દુઆ છે કે આ પવિત્ર લાગણીઓ આપણા દિલ અને દિમાગમાં કાયમ રાખે, તે કાયમ માટે જીવંત રહે અને આપણા વ્યક્તિત્વનું તથા આપણા જીવનનું નિર્માણ આ મુબારક લાગણીઓના પાયા પર થાય.

ઈદુલ અઝહાની પહેલાં, હઝરત ઇબ્રાહિમ અલૈહિસ્સલામના જીવન સાથે જોડાયેલી અને તેમની કુરબાની સાથે જોડાયેલી વાતો આપણી સમક્ષ આવતી રહે છે. હું આજે ઈદુલ અઝહાના વધુ એક ખાસ અને મહત્વના પાસા પર પ્રકાશ પાડવા માંગું છું.

ઈદના તહેવારનું દર્શન

અલ્લાહ તઆલાએ કુર્આનમાં જાનવરોની કુરબાનીનો એક મહત્વનો હેતુ વર્ણવ્યો છે. અલ્લાહ તઆલાએ જાનવરોને માનવ આધીન બનાવ્યા છે અને તેમને આપણા નિયંત્રણમાં આપ્યા છે. આ અલ્લાહ તઆલાનો અહેસાન છે અને કુરબાની આ વસ્તુનું માધ્યમ છે કે અલ્લાહ તઆલાના આ અહેસાન પર આપણે તેની તકબીર બયાન કરીએ, તેની મહાનતાનું વર્ણન કરીએ.

કુર્આન મજીદ અનુસાર ઈદની અસલ રૂહ અને તેનું અસલ દર્શન આ છે કે અલ્લાહની તકબીર અને તેની મહાનતાનું વર્ણન કરવામાં આવે. ઈદ ઉલ ફિત્ર વિશે પણ કુર્આનમાં આ જ કહેવામાં આવ્યું છે કે અલ્લાહની તકબીર બયાન કરવી જ આ ઈદનો હેતુ છે. પરંતુ અહીં તકબીરનો સંબંધ કુર્આન મજીદ સાથે અને અલ્લાહના માર્ગદર્શન સાથે છે. તકબીર એટલા માટે કે અલ્લાહ તઆલાએ આ મહિનામાં કુર્આન મજીદ અવતરિત કર્યું. અને અહીં ઈદુલ અઝહામાં પણ તકબીર બયાન કરવાનો હેતુ છે, પરંતુ તકબીર એટલા માટે કે અલ્લાહ તઆલાએ દુનિયાના તમામ સંસાધનોને માનવ આધીન કરી દીધા છે. આ સંસાધનો પર આપણને નિયંત્રણ આપી દીધું છે.

આ રીતે આપણે જોઈએ તો ઇસ્લામના આ બંને તહેવાર, એક મોમીન બંદાના સંપૂર્ણ જીવનનું ચિત્ર રજૂ કરે છે. બંદાઓને અલ્લાહ તઆલાએ બે મોટી ને’મતો આપી છે: દુનિયાભરના સંસાધનો તેમના આધીન કર્યા અને માર્ગદર્શન તેમજ દોરવણીનું પુસ્તક પણ તેમને આપ્યું. બંને ને’મતો પ્રત્યે આ ઉદ્દેશ્ય છે કે મુસલમાન અલ્લાહનો આભાર માને અને તેની મહાનતા બયાન કરે તથા જે સંસાધનો અલ્લાહે તેને આપ્યા છે, તેનો અલ્લાહના માર્ગદર્શન મુજબ ઉપયોગ કરે. અલ્લાહની કિતાબને મજબૂતીની સાથે પકડી રાખે અને તેમના આધીન કરવામાં આવેલી તમામ વસ્તુઓથી કામ લઈને બે કાર્યો કરે:

  1. પહેલું: અલ્લાહના કલામને બુલંદ કરવાનું અને તેની મહાનતા બયાન કરવાનું કામ, જેમ કે બંને ઈદોમાં આપણે તકબીર પોકારીએ છીએ.
  2. બીજું: અલ્લાહના માર્ગદર્શન અનુસાર અલ્લાહની પેદા કરેલી સૃષ્ટિને (મખલૂક) ફાયદો પહોંચાડવાનું કામ. ઈદ ઉલ ફિત્ર દ્વારા આપણે આ કામ કરીએ છીએ અને ઈદુલ અઝહામાં કુરબાનીના ગોશ્તનું (માંસનું) વિતરણ કરીને આપણે આ કામ કરીએ છીએ.

કુર્આનમાં કુરબાનીના જાનવરો વિશે જે વાત કહેવામાં આવી છે, તે જ વાત ઠેર-ઠેર વિભિન્ન સંસાધનો વિશે પણ કહેવામાં આવી છે. બલ્કે ૨૩ વખત કુર્આનમાં આનું વર્ણન કરવામાં આવ્યું છે કે અલ્લાહ તઆલાએ આ સંસારની વિભિન્ન વસ્તુઓને, વિભિન્ન સંસાધનોને માનવો માટે પેદા કર્યા છે અને તેમના આધીન કે નિયંત્રણમાં આપી દીધા છે. આને અલ્લાહ તઆલાએ પોતાના ઇનામ તથા અહેસાન રૂપે વર્ણવ્યું છે.

સંસાધનોને માનવાધીન કરવાનો શું અર્થ છે?

કુર્આનના નિષ્ણાતોએ આના બે અર્થ જણાવ્યા છે:

  • પહેલો અર્થ: કેટલીક જગ્યાએ કહેવામાં આવ્યું છે કે સૂરજ, ચાંદ, રાત-દિવસ તેમજ જમીન અને આસમાનની તમામ વસ્તુઓને માનવો માટે બનાવવામાં આવી છે. આનો મતલબ એ છે કે અલ્લાહ તઆલાએ આ તમામ વસ્તુઓને એવા પ્રાકૃતિક નિયમોથી નિયમબદ્ધ કરી છે કે આ બધી વસ્તુઓ અલ્લાહના આદેશ અનુસાર માનવોના ફાયદા માટે જ કામ કરે છે. સૂરજ ક્યારેય એટલો ગરમ થતો નથી કે આપણે તમામ માનવો બળીને રાખ થઈ જઈએ અને ક્યારેય એટલી ઠંડી નથી પડતી કે આપણે બરફ બની જઈએ. એક ખાસ મર્યાદામાં (રેન્જમાં) ઠંડી અને ગરમી બદલાતી રહે છે, જેથી માનવ દરેક ઋતુની મજા લઈ શકે અને દરેક પ્રકારના જીવો (Organisms) પેદા થઈ શકે. સાયન્સ ભણવાવાળા જાણે છે કે કેટલાક જીવો જે માનવ માટે ફાયદાકારક છે, તે ગરમીમાં જ પેદા થઈ શકે છે અને કેટલાક ઠંડીમાં જ પેદા થઈ શકે છે. જાત-જાતના ફળો અને અન્ય કૃષિ પેદાશો માટે આ ઋતુચક્ર જરૂરી છે. આથી એક ખાસ મર્યાદામાં વાતાવરણ ઠંડું અને ગરમ રહે છે. તો અહીં અલ્લાહના આભારનો ઉદ્દેશ એ છે કે આપણે એ પ્રાકૃતિક નિયમોને જાણીએ જેથી એ સંસાધનોનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉપયોગ થઈ શકે.
  • બીજો અર્થ: કેટલીક એવી વસ્તુઓ છે જેની પર અલ્લાહ તઆલાએ માનવને સંપૂર્ણ નિયંત્રણ આપી દીધું છે. આનો મતલબ એ છે કે આ વસ્તુઓનો સંપૂર્ણ ચાર્જ (જવાબદારી) લેવામાં આવે અને તેને વધુમાં વધુ ફાયદાકારક બનાવવામાં આવે; અંગ્રેજીમાં જેને Harnessing the Natural Resources કહે છે. પરંતુ આ કામ માટે જ્ઞાન, આવડત અને ટેકનોલોજી જોઈએ. અલ્લાહ તઆલાએ જે રીતે આપણને જાનવરો પર નિયંત્રણ આપ્યું, તે જ રીતે એ ફરમાવે છે કે તેણે જહાજોને આપણા નિયંત્રણમાં કરી દીધા જેથી તે સમુદ્રમાં તેના આદેશથી ચાલે. કુર્આનમાં જહાજો અને જાનવરો દ્વારા થતી મુસાફરીનો ઉલ્લેખ કરતા હુકમ આપ્યો છે કે જ્યારે તમે આ વાહનો પર સવાર થાઓ તો અલ્લાહના અહેસાનને યાદ કરો અને કહો કે:”પાક છે તે જેણે આ સવારીઓને અમારા આધીન કરી દીધી, નહિતર આપણે તેને કાબૂમાં કરવા કાબેલ નહોતા.”કુર્આન ફરમાવે છે કે:”તે જ છે જેણે તમારા માટે સમુદ્રને કામે લગાડ્યો છે જેથી તમે તેમાંથી તાજું માંસ લઈને ખાઓ અને તેમાંથી શ્રૃંગારની એ વસ્તુઓ કાઢો જેને તમે પહેરો છો. તમે જુઓ છો કે હોડી સમુદ્રની છાતી ચીરીને ચાલે છે. આ બધું એટલા માટે છે કે તમે પોતાના રબની કૃપા શોધો અને તેના કૃતજ્ઞ બનો.”

આ રીતે આપણે જોઈએ છીએ કે અલ્લાહ તઆલાએ આ harnessing ને, આ નિયંત્રણને માનવો પર પોતાનો અહેસાન ગણાવ્યો છે, પોતાની નિશાની ગણાવી છે અને હુકમ આપ્યો છે કે તેના પર અલ્લાહનો આભાર માનીએ. આભારનો એક હેતુ એ છે કે અલ્લાહની આ ને’મતોને ઉપયોગમાં લાવવામાં આવે, તેનો આપણા ફાયદા માટે ઉપયોગ કરીએ અને અલ્લાહના અન્ય બંદાઓ માટે તેને ફાયદાકારક બનાવીએ. જો મારો કોઈ મિત્ર મને એક અમૂલ્ય ભેટ આપે અને હું તેને લઈ જઈને દરિયામાં ફેંકી દઉં તો આ તેનું અપમાન થશે; અને જો તેને લાવીને ઘરમાં મૂકી રાખું અને ઉપયોગ ન કરું, તો આ પણ મારા મિત્રનું અને એ ભેટનું અપમાન થશે. આ જ રીતે જોઈએ તો અલ્લાહે દુનિયાના આ સંસાધનોને આપણા માટે બનાવ્યા છે અને આપણને ભેટ સ્વરૂપે આપ્યા છે, જેથી આપણે આપણા માટે અને અન્ય માનવો માટે તેને ફાયદાકારક બનાવીએ; જે રીતે કુરબાનીના જાનવરને ફાયદાકારક બનાવીએ છીએ.

આ સંસાધનોનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવે?

ઈદુલ અઝહામાં આ સંસાધનોનો ઉપયોગ કરવાની રીત પણ આપણને બતાવવામાં આવી છે. આપણે અલ્લાહ ખાતર જાનવરને કાબૂમાં કરીએ છીએ અને પછી અલ્લાહનું નામ લઈએ છીએ. આ લાગણી આપણા દિલમાં પેદા કરીએ છીએ કે “મારી નમાઝ, મારી કુરબાની, મારું જીવન, મારું મોત બધું અલ્લાહ માટે છે” અને કહીએ છીએ કે “એ અલ્લાહ! આ તારા માટે જ છે, આ તારું જ આપેલું છે અને અમે તારી સમક્ષ હાજર છીએ.” આ એલાનની સાથે આપણે જાનવર કુરબાન કરીએ છીએ. પછી તેના ત્રણ ભાગ પાડીએ છીએ: એક ભાગથી આપણે પોતે ફાયદો ઉઠાવીએ છીએ, બીજો ભાગ મિત્રો-સગાંઓમાં વિતરણ કરીએ છીએ અને એક ભાગ એ લોકો માટે કાઢીએ છીએ જે વંચિત છે, ગરીબ છે, મુસીબતમાં ફસાયેલા છે અને જેમની સુધી સંસાધનોની પહોંચ નથી.

આથી આપણી જવાબદારી છે કે આ જ કામ દુનિયાના તમામ સંસાધનોની સાથે પણ કરવામાં આવે. આ જ અભિગમ અન્ય સંસાધનોના મામલામાં પણ અપનાવવામાં આવે. તમામ સંસાધનો પર આપણે કાબૂ મેળવીએ, તેને આપણા ચાર્જમાં લઈએ, તેની પર અલ્લાહનું નામ લઈએ, તેના ઉપયોગને અલ્લાહની આજ્ઞાને આધીન બનાવીએ અને અલ્લાહની મરજી હેઠળ માનવોના ફાયદા માટે તેનો ઉપયોગ કરીએ જેથી દુનિયાના મજબૂર અને ગરીબ માનવો આ સંસાધનોથી વધુમાં વધુ લાભ ઉઠાવી શકે.

આથી કુર્આનમાં જ્યાં કુરબાનીનો ઉલ્લેખ આવ્યો છે, ત્યાં જ ઈદુલ અઝહાનો સંદેશ પણ બયાન કરવામાં આવ્યો છે. ઈદુલ અઝહાનો એક મહત્વનો સંદેશ “તસ્ખીર” (Harnessing) અને “તકબીર” (Proclamation of the Greatness of Allah) નો સંગમ છે. આપણા પૂર્વજોએ ઇસ્લામના રોશન યુગમાં આ જ કામ કર્યું હતું. આજે આપણે મુસલમાન વૈજ્ઞાનિકો વિશે અભ્યાસ કરીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે ખરેખર તેમણે “તસ્ખીર” અને “તકબીર” ને જોડી દીધા હતા. જે લોકો અલ્લાહની મહાનતાનું વર્ણન કરતા હતા અને અલ્લાહ તરફ બોલાવતા હતા, તે જ લોકો વેધશાળાઓ (observatories) કાયમ કરતા હતા, તે જ લોકો જાત-જાતના આવિષ્કારો કરતા હતા અને જ્ઞાનના નવા સ્ત્રોતોની શોધ કરતા હતા. તેઓ તમામ માનવોના ફાયદા માટે અલ્લાહ તઆલાએ અર્પણ કરેલા સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરતા હતા.

દુનિયાનું સૌથી મોટું સંકટ

આજની દુનિયાનું સૌથી મોટું સંકટ એ છે કે “તસ્ખીર” અને “તકબીર” અલગ-અલગ થઈ ગયા છે. જેમણે “તસ્ખીર” (શોધ) પ્રાપ્ત કરી, જેમણે દુનિયાના સંસાધનો પર નિયંત્રણ મેળવ્યું, જેમણે સાયન્સ અને ટેકનોલોજીમાં સિદ્ધિ હાંસલ કરી, તેઓ “તકબીર” (અલ્લાહની મહાનતા) એટલે કે અલ્લાહથી દૂર થઈ ગયા. પરિણામ એ આવ્યું કે અલ્લાહ તઆલાની આપેલી તાકાત દુનિયામાં લડાઈ-ઝઘડાનું માધ્યમ બની ગઈ. અલ્લાહે તાકાત આપી હતી કે માનવ અણુને ચીરીને તેની અંદર ઉપસ્થિત અપાર ઊર્જાને માનવના ફાયદા અને ઉપયોગમાં લાવે; પરંતુ જ્યારે “તસ્ખીર” એ “તકબીર” થી અલગ થઈ ગઈ, તો આ જ અણુઊર્જા માનવોના વિનાશનું માધ્યમ બની ગઈ.

આજે પણ દુનિયાના મોટા દેશોમાં શ્રેષ્ઠ એન્જિનિયરો અને વૈજ્ઞાનિકો સૌથી પહેલા સંરક્ષણ વિભાગોમાં જાય છે. સૌથી વધુ સંશોધન અને ટેકનોલોજીકલ ઇનોવેશન પણ ડિફેન્સમાં થાય છે અને સૌથી વધુ ખર્ચ પણ ત્યાં જ થાય છે. આ રીતે આપણે જોઈએ તો અલ્લાહે આપેલી તાકાત દુનિયામાં વિનાશ માટે અને એકબીજાને મારવા માટે ઉપયોગ થઈ રહી છે. બીજી તરફ, મોટી મૂડીવાદી તાકાતો આ સંસાધનો પર કબજો કરીને, માનવોનું શોષણ કરીને, ફક્ત ચોક્કસ લોકોના વૈભવ અને ફાયદા માટે આ સંસાધનોનું દહન કરી રહી છે. વધુમાં વધુ વૈભવી જીવનશૈલીની હવસે માનવને જાનવર બનાવી દીધો છે અને પર્યાવરણનું સંકટ પેદા કરી દીધું છે; આપણી હવા અને પાણીને ઝેરથી ભરી દીધાં છે તથા આપણી આવનારી પેઢીના જીવનને જોખમમાં મૂકી દીધું છે. આ બધું એટલા માટે થઈ રહ્યું છે કારણ કે “તસ્ખીર” અને “તકબીર” બંને અલગ થઈ ગયા છે.

બીજી તરફ, જે લોકો “તકબીર” સાથે જોડાયેલા છે, ઇમાનવાળા છે, અલ્લાહનું નામ લે છે, તેઓ શિક્ષણ અને ટેકનોલોજીમાં પાછળ રહી ગયા. તેમણે પોતાના ઇતિહાસનો પાઠ ભુલાવી દીધો. દુનિયાને શ્રેષ્ઠ બનાવવી, અલ્લાહના આપેલા સંસાધનોનો ઉપયોગ કરીને માનવીય જીવનને સરળ બનાવવું અને માનવની સમસ્યાઓનું નિવારણ કરવું – આ કામ તેમણે પડતું મૂક્યું, તો આ પણ દુનિયાની ખરાબી અને લડાઈ-ઝઘડાનું એક મોટું કારણ બની ગયું. તમે કુર્આનમાં જોશો તો ખ્યાલ આવશે કે અલ્લાહે નબીઓનો ઉલ્લેખ કરવા સાથે પ્રાકૃતિક સંસાધનોનો પણ ઉલ્લેખ કર્યો છે. કહ્યું કે:

“અમે પોતાના રસૂલોને સ્પષ્ટ નિશાનીઓ અને માર્ગદર્શનો સાથે મોકલ્યા અને તેમની સાથે ગ્રંથ અને તુલા (ન્યાયનું ત્રાજવું) ઉતાર્યા જેથી લોકો ન્યાય ઉપર કાયમ થાય, અને લોખંડ ઉતાર્યું જેમાં ઘણું બળ છે અને લોકો માટે ફાયદાઓ છે.”

લોખંડ શું છે? લોખંડ ટેકનોલોજીનું પ્રતીક છે; સંરક્ષણ અને વેલ્ફેર ટેકનોલોજીનું પ્રતીક છે. અલ્લાહ તઆલાએ નબીઓના મિશનને આની સાથે જોડ્યું છે.

ઈદુલ અઝહાનો સંદેશ

હું ખાસ કરીને નવયુવાનોને યાદ અપાવવા માંગું છું કે ઈદુલ અઝહાનો એક મહત્વનો સંદેશ એ છે કે “તસ્ખીર” અને “તકબીર” મળી જાય. જે રીતે આપણે જાનવર પર અંકુશ પ્રાપ્ત કરીએ છીએ, તેને અલ્લાહના નામ પર કુરબાન કરીએ છીએ અને આપણા માટે, અન્ય માનવો માટે તથા વંચિતો અને ગરીબો માટે તેમાંથી ભાગ કાઢીએ છીએ; એ જ રીતે આપણી એ જવાબદારી છે કે અલ્લાહ તઆલાએ જમીન અને આસમાનના જે સંસાધનો આપણા આધીન કરેલા છે, આપણે તેના પર પણ અંકુશ પ્રાપ્ત કરીએ અને તેનો ચાર્જ લઈએ. ઉચ્ચ શિક્ષણ સુધી જઈએ, ટેકનોલોજીમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરીએ, ટેકનોલોજીને માનવ માટે ફાયદાકારક બનાવીએ અને તેને માનવોની સમસ્યાઓના નિવારણનું માધ્યમ બનાવીએ.

જે રીતે આપણે પશુઓ પર અંકુશ પ્રાપ્ત કરીએ છીએ, એ જ રીતે વીજળી પર, પાણી પર, hava પર, ઊર્જા પર, ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન પર, જીન્સ પર, સેલ્સ (કોષો) પર, બેક્ટેરિયા અને વાયરસ પર – દરેક વસ્તુ પર જ્ઞાન દ્વારા અંકુશ પ્રાપ્ત કરીએ અને પછી તેને અલ્લાહની આજ્ઞા અનુસાર ઉપયોગમાં લઈ માનવોના ફાયદાની પદ્ધતિઓ વિચારીએ. દરેક વસ્તુના ઉપયોગમાં આ ભાવના જીવંત રાખીએ કે: “હે અલ્લાહ! આ તારા માટે જ છે, આ તારું જ આપેલું છે અને અમે તારી સમક્ષ હાજર છીએ.”

આપણે દુનિયામાંથી આપણો ભાગ ભૂલવો ન જોઈએ. વધુમાં વધુ જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ, મોટામાં મોટી આવડતો પેદા કરવી જોઈએ અને અલ્લાહે જે સંસાધનો આપણા માટે બનાવ્યા છે, તેનો ચાર્જ મેળવીને તેનો ઉપયોગ કરવો જોઈએ. આ કામ ફક્ત દુનિયાનું જ કામ નથી બલ્કે દીનનું (ધર્મનું) કામ પણ છે. અલ્લાહની સમક્ષ જવાબદેહીનો અહેસાસ માનવને જવાબદાર બનાવે છે. આથી આગળ આવો અને આપણા જ્ઞાનથી, આપણી પ્રતિભાથી આ સંસાધનો પર નિયંત્રણ મેળવો અને માનવોની સમસ્યાઓનું નિવારણ શોધો; જેમ કે કેન્સરની સારવાર શોધો, પૂરની સમસ્યાનું નિવારણ શોધો (નોર્થ ઈસ્ટમાં દર વર્ષે પૂર આવવાના લીધે લોકોએ જીવ ગુમાવવાનો વારો આવે છે, તેનું નિવારણ શોધો), દિલ્હીના પ્રદૂષણની સમસ્યાનું નિવારણ શોધો, આજે પણ કરોડો માનવોને પીવાનું શુદ્ધ પાણી મળતું નથી, તેનું નિવારણ શોધો. જ્યારે “તસ્ખીર” અને “તકબીર” અલગ થઈ ગયા, ત્યારે તમામ મગજ લડવા-મરવાની ટેકનોલોજી શોધવામાં લાગ્યા છે અથવા કેટલાક માનવોની સુવિધા માટે આ સંસાધનોનું દહન કરી રહ્યા છે. તમે જ્યારે “તકબીર” ની લાગણી સાથે ઊભા થશો તો માનવની અસલ સમસ્યાઓનું નિવારણ લાવી શકશો.

આથી આ ઈદુલ અઝહા પર તમે જ્યારે કુરબાનીનું જાનવર કુરબાન કરવા માટે ઊભા થશો તો આ જરૂર વિચારશો કે જે રીતે અલ્લાહે આ જાનવર આપણા નિયંત્રણમાં આપ્યું છે, એ જ રીતે આ દુનિયાના સંસાધનોને પણ આપણા માટે બનાવ્યા છે. જે રીતે આપણે અલ્લાહના પથ પર કુરબાન કરવા માટે જાનવરને આપણા ચાર્જમાં લીધું છે, એ જ રીતે આપણા જ્ઞાનથી, આપણી પ્રતિભાથી આપણે દુનિયાના સંસાધનોને પણ ચાર્જમાં લઈએ. જે રીતે જાનવર પર અલ્લાહનું નામ લઈ રહ્યા છીએ, એ જ રીતે દુનિયાના તમામ સંસાધનોનો તેની આજ્ઞા અનુસાર ઉપયોગ કરીએ અને જે રીતે જાનવરને આપણા માટે તથા વંચિતો અને ગરીબો માટે ફાયદાકારક બનાવી રહ્યા છીએ, એ જ રીતે આ સંસાધનોને પણ દુનિયાના તમામ વંચિતો અને ગરીબો માટે ફાયદાકારક બનાવીએ. કુર્આન ફરમાવે છે કે:

“આવી જ રીતે અહેસાન કરવાવાળાઓ માટે ખુશખબરી છે.”

(લેખક વર્તમાનમાં જમાઅતે ઇસ્લામી હિંદના રાષ્ટ્રીય અધ્યક્ષ છે.)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments