જમાત-એ-ઈસ્લામી હિંદના ભૂતપૂર્વ અખિલ ભારતીય પ્રમુખ મૌલાના સૈયદ જલાલુદ્દીન ઉમરી આ નાશવંત દુનિયાને છોડી શાશ્વત દુનિયા તરફ રવાના થઈ ગયા. જમાત-એ-ઈસ્લામી હિંદના દિલ્હી હેડક્વાર્ટરમાં સ્થાપિત ‘અલશિફા હોસ્પિટલમાં’ તેમની સારવાર ચાલી રહી હતી. મૃત્યુ સમયે તેઓ 87 વર્ષના હતા.
તેઓ વિશ્વ વિખ્યાત ઇસ્લામિક વિદ્વાન, વિચારક અને ફિલોસોફર હતા. તેઓ દિલથી ઇસ્લામ અંગીકાર કરીને પોતાના જીવનમાં તેને પ્રતિબિંબિત કરવામાં સફળ રહ્યાં. તેઓ સ્પષ્ટ અને સરળ રીતે મુસ્લિમો અને સામાન્ય લોકોમાં ઇસ્લામનાં સંદેશના પ્રસાર માટે સમર્પિત હતા. ઈસ્લામિક આદર્શો, મૂલ્યો અને ચેતનાથી પ્રેરિત થઈને તેમણે હંમેશા માનવતાની સેવાનું કાર્ય કર્યું છે. મૌલાના જલાલુદ્દીન ઉમરી ધર્મ પ્રત્યે અપાર શ્રદ્ધા, ઉદારતા, માનવતા અને પ્રેમ ફેલાવવા માટે ભારતના સૌથી અગ્રણી મુસ્લિમ વ્યક્તિઓમાંના એક હતા. ધર્મનિષ્ઠા ઉપરાંત ધર્મના સંસ્કારોનું પાલન કરીને અને માનવતાનાં સિદ્ધાંતોનું પાલન કરીને સાચો માનવી બની શકાય છે તે તેમણે તેમના જીવન-દર્શન થકી સમજાવી ગયા. સાચો ધાર્મિક વ્યક્તિ તે છે જે અન્ય ધર્મો પ્રત્યે આદર અને સહિષ્ણુતા દર્શાવે છે. જ્ઞાતિ-ધર્મ-જાતિની પરવા કર્યા વિના, સંકટમાં પડેલા લોકોની પડખે ઊભા રહે છે અને સહકારનો ખાતરીપૂર્વક હાથ લંબાવે છે. માનવતાવાદી ધાર્મિક વ્યક્તિ પોતાની જાતને કરુણા, સહાનુભૂતિ, સંયમ, ભાઈચારો, સૌહાર્દ અને સર્વોપરી સંવાદિતાના વાતાવરણમાં ક્ષમાશીલ વ્યક્તિ બનાવે છે. કહેવાની જરૂર નથી કે મૌલાના જલાલુદ્દીન ઉમરી સાહેબ આ જ ગુણોથી છલોછલ ભરેલ, અને આ ગુણોના પ્રચારક હતા.
મૌલાના ઉમરીએ દક્ષિણ ભારતની જાણીતી શૈક્ષણિક સંસ્થા જામિયા દાર-ઉસ-સલામ ઉમરાબાદમાંથી તેમની ફઝિલતની સનદ મેળવી અને પછી મદ્રાસ યુનિવર્સિટીમાંથી પર્શિયનમાં મુંશી ફાઝિલ અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી બીએ (અંગ્રેજી)ની ડિગ્રી મેળવી. સ્નાતક થયા પછી તરત જ તે જમાત-એ-ઈસ્લામીમાં જોડાઈ ગયા.
જ્યારે જમાત-એ-ઈસ્લામી હિંદનું પ્રશિક્ષણ કેન્દ્ર રામપુર ખાતે ખસેડાયું. ત્યારે ત્યાં તેમણે સ્વતંત્ર રીતે ઇસ્લામિક વિદ્વાનોની સંગતમાં ઇસ્લામિક સાહિત્યનું ઊંડું જ્ઞાન મેળવ્યું. 1956માં તેઓ જમાતના તસ્નીફ (લેખન) વિભાગમાં સામેલ થયા. આ વિભાગને રામપુરથી અલીગઢ ખસેડવામાં આવ્યું હતું. ત્યાં ‘ ઈદારા તેહકિકાતો તસ્નીફાતે ઇસ્લામી’ (ઇસ્લામિક રિસર્ચ એન્ડ રાઇટિંગ્સ ઇન્સ્ટિટ્યૂટ) નામની સ્વતંત્ર સામાજિક સંસ્થાની રચના કરવામાં આવી. મૌલાના 2001 સુધી તેના સચિવ હતા, પછી તેમના મૃત્યુ સુધી તેના પ્રમુખ હતા. તેઓ સંસ્થાના વ્યાપકપણે પ્રસારિત થતા મુખપત્ર ત્રિમાસિક ‘ તેહકિકાતે ઇસ્લામી‘ના સ્થાપક-સંપાદક પણ હતા. આ મેગેઝીને 40 વર્ષ પૂરા કર્યા છે. તે જ સમયે, તેમણે પાંચ વર્ષ સુધી જમાત-એ-ઇસ્લામી હિંદના મુખપત્ર ‘ઝિંદગી એ નૌ ‘નવી દિલ્હીના સંપાદક તરીકે પણ સેવા આપી હતી.
મૌલાના ઉમરીને ઇસ્લામિક વિશ્વના કેટલાક અગ્રણી વિચારકોમાંના એક ગણવામાં આવે છે જેમણે ઇસ્લામના વિવિધ પાસાઓમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. મૌલાના જલાલુદ્દીન ઉમરીએ ઇસ્લામની વિભાવના અને અર્થઘટન પર મૂલ્યવાન સાહિત્ય લખ્યું છે. ઇસ્લામિક દાવત, ઈબાદાત, સામાજિક વિષયો, અર્થતંત્ર , સ્ત્રી અધિકાર,માનવ સંબંધી અને સામાન્ય રાજકારણ પરના તેમના લખાણો સામાન્ય અને બૌદ્ધિક વર્તુળોમાં બહોળા પ્રમાણમાં વંચાય અને વખણાય છે. અરબી, અંગ્રેજી, તુર્કી, હિન્દી, મલયાલમ, કન્નડ, તેલુગુ, મરાઠી, નેપાળી , બંગાળી, ગુજરાતી વગેરે ભાષાઓમાં અને ઘણા દેશોમાં મૌલાનાની કૃતિઓના અનેક અનુવાદો પ્રકાશિત થયા છે. મૌલાના ઉમરીને વિદ્યાર્થીકાળથી જ નિબંધ લખવામાં રસ હતો. વિવિધ વિષયો પર લગભગ ચાર ડઝન પુસ્તકો તેમના નામે છે. આમાં તજ્જલિયાતે કુર્આન, અવરાકે સીરત, મારુફ ઔર મુન્કર, ઇસ્લામ કે ઈલ્મી તકાઝે, ઔરત ઔર ઇસ્લામ, સેહત કી ઇસ્લામી તાલીમાત, ઇન્ફાક ફિ-સબીલીલ્લાહ, ગૈર ઇસ્લામી રિયાસત ઔર મુસલમાન જેવા અનેકાનેક ઉર્દૂ પુસ્તકો વિશેષ રૂપે નોંધનીય છે. ગુજરાતીમાં પણ તેમના ચાર પુસ્તકોનો અનુવાદ થયેલ છે, જે ઇસ્લામી સાહિત્ય પ્રકાશન પર ઉપલબ્ધ છે, જેમકે આપણે તેહરીકે ઇસ્લામીના કારકુન કેવી રીતે બનીએ, અંતિમ પયગંબર હઝરત મોહમ્મદ(સ. અ. વ.) જીવન ચરિત્ર અને સંદેશ, ઇસ્લામ અને માનવ એકતા , સ્ત્રી અને ઇસ્લામ.
મૌલાના ઉમરીએ દેશની વિવિધ ધાર્મિક, રાષ્ટ્રીય દાવતી ચળવળો અને પ્રવૃત્તિઓમાં સક્રિયપણે ભાગ લીધો હતો. તેઓ લાંબા સમયથી જમાત-એ-ઈસ્લામી હિંદ મજલિસ શૂરાના આદરણીય સભ્ય હતા. તે જમાત-એ-ઈસ્લામી હિંદના નાયબ અમીર પણ રહ્યાં હતાં. માર્ચ 2019 સુધી મૌલાના જલાલુદ્દીન ઉમરી સાહેબ જમાત-એ-ઈસ્લામી હિંદના અખિલ ભારતીય અમીર હતા. તેઓ જમાત-એ-ઈસ્લામી હિંદની શરીઆ કાઉન્સિલના અધ્યક્ષ પદે પણ હતા. તેઓ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના ઉપાધ્યક્ષ હતા. તદુપરાંત, તેઓ ઉત્તર ભારતની પ્રખ્યાત ધાર્મિક સંસ્થા, જમીયતુલ ફલાહ, બિલરિયાગંજ આઝમગઢના શેખ અને અલીગઢની સિરાજ-ઉલ-ઉલૂમ કોલેજ ફોર વુમનના મુખ્ય આશ્રયદાતા હતા. અલ-હયાતુલ ખૈરીઆ અલ અલમિયાના રુકૂન, ઓલ ઈન્ડિયા મુસ્લિમ મજલિસમાં મુશાવરતના સભ્ય, ઈશાઅતે ઈસ્લામ ટ્રસ્ટના પ્રમુખ, દાવત ટ્રસ્ટના પ્રમુખ, ઈસ્લામિક પબ્લિકેશન્સના સભ્ય હતા. તેમણે સાઉદી અરેબિયા, કુવૈત, યુએઈ, ઈરાન, તુર્કી, બ્રિટન, પાકિસ્તાન, જેવા દેશોની યાત્રા કરી ઇસ્લામની વાત લોકો સુધી પહોંચાડી હતી.
આ ઈસ્લામિક સંશોધક અને વિદ્વાનના મૃત્યુના સમાચારથી મુસ્લિમ વિશ્વમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું . જમાત-એ-ઈસ્લામી હિન્દ અને તેની તમામ શાખા સંગઠનોના નેતાઓ અને કાર્યકર્તાઓ દુઃખી છે. તેમની નમ્ર જીવનશૈલી, ઇસ્લામિક આદર્શો અને પ્રેરણા તેમના માટે એક આદર્શ નમૂનો છે. અલ્લાહથી દુઆ છે કે તેમની સેવાઓ કબૂલ ફરમાવે, તેમની માગફિરત ફરમાવે, તેમના દર્જાત બુલંદ કરે અને મુસ્લિમ સમાજને તેમનો નેઅમુલ બદલ (શ્રેષ્ઠ વિકલ્પ) પ્રદાન કરે. આમીન.