મણિપુર અને ત્યારબાદ મેવાતની તાજેતરની સાંપ્રદાયિક તથા જાતીય હિંસાએ દેશના સામાન્ય જનમાનસને હચમચાવી મૂકયું છે. મણિપુરમાં હિંસાનું જે રૂપ જોવા મળ્યું તેણે સમગ્ર વિશ્વના સભ્ય સમાજને હચમચાવી મૂકયો છે. મર્યાદાની તમામ હદો પાર કરી માનવી હેવાનોથી પણ બદતર દેખાવા લાગ્યો છે. બે મહિલાઓને ર્નિવસ્ત્ર કરી તેમની સાથે દુર્વ્યવહાર કરતા હિંસક પુરુષોની ભીડનો વીડિયો જોઈ લોકો ભયભીત થઈ ગયા. સામંતી વ્યવસ્થાઓ અને મધ્યયુગમાં ગુલામ મહિલાઓની સાથે જે પાશવિક વ્યવહાર થતો હતો, આ તેની એક ઝલક હતી.
ચિંતાની વાત આ છે કે પરસ્પરના ભરોસાને કલંકિત કરનારી સાંપ્રદાયિક હિંસાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. તે વારંવાર અને અનેક જગ્યાઓએ બની રહી છે. આનાથી આપણા સામાજિક તાણાવાણા વધુ બગડી રહ્યા છે. તેમાં ગાંઠો પડી રહી છે. દેશનું એવું કોઈ રાજ્ય ભાગ્યે જ હશે કે જ્યાંથી અપ્રિય ઘટનાઓના સમાચાર આવતા ન હોય. એવા સમાચારો સમાજ અને સરકારમાં ઊંડાણ સુધી પેસી ગયેલ સડા, અવિશ્વાસ અને ઘોર નિષ્ક્રિયતાને જ ઉજાગર કરી રહ્યા છે. સામાન્ય જનતા ભય અને આતંકની છત્રછાયામાં જીવવા વિવશ છે.
મૂળ સમસ્યાઃ આપણા દેશમાં સાંપ્રદાયિક હિંસાના હાલના પરિદૃશ્યને જોતાં આ પ્રશ્ન ઉદ્ભવે એ સ્વભાવિક છે કે આવી હિંસાઓથી કોને લાભ થાય છે? આપણો સમાજ આટલો અરાજક તથા આક્રમક કેમ થવા લાગ્યો છે ?વાસ્તવિકતા આ છે કે જ્યારે પણ કોઈ સમાજમાં આપસી વિશ્વાસ અને પરસ્પર સંવાદની ઉણપ થઈ જાય છે તો તેમાં તણાવ વધી જાય છે, જે પાછળથી હિંસાના રૂપમાં સામે આવે છે.
પરસ્પર સંવાદ અને આપસી વિશ્વાસ ત્યારે જ શક્ય હોય છે કે જ્યારે આના માટે અનુકૂળ સામાજિક વાતાવરણ જળવાઈ રહે. પરિસ્થિતિ જ્યારે પ્રતિકૂળ થવા લાગે છે તો હિંસા માટે વાતાવરણ ઊભું થવા લાગે છે. હરિયાણાના મેવાતમાં હમણાં જે કાંઈ થયું,તેનું કારણ પણ આ જ બધું છે. સાંપ્રદાયિક કડવાશ તથા કટ્ટરતાનું એક મહત્ત્વનું કારણ છે સમાજનું સ્થિતપ્રજ્ઞ થતા જવું. લચીલા સમાજમાં જેટલી લચક હોય છે તેમાં સંવાદની ગુંજાઇશ એટલી જ વધારે હોય છે. સમાજના સંકુચિત થવાની સાથે જ તે રૂઢ થવા લાગે છે. અસ્મિતાઓના ટકરાવ તથા સામાજિક અસુરક્ષાના ભયથી લોકોમાં તણાવ પેદા થાય છે. આ અવિશ્વાસ વધારવાનું એક મુખ્ય કારણ છે, અને જ્યારે અવિશ્વાસ વધે છે, ત્યારે તનાવ તથા હિંસા માટે જગ્યા ઊભી થવા લાગે છે. મણિપુરમાં છેલ્લા કેટલાક મહિનાઓથી જે કાંઈ થઈ રહ્યું છે, તેનું કારણ આ જ સામાજિક સુરક્ષાનું સંકટ છે. કુકી તથા મૈતઈ બન્ને સમુદાયના લોકો પરસ્પર લડી રહ્યા છે. બન્નેને શાસનમાં પૂરતું સ્થાન અને સત્તામાં ઉચિત ભાગીદારી જોઈએ છે.
સામાજિક સંબંધો જો ઉદાર હોય છે તો તે લોકોને પરસ્પર જોડવાનું કામ કરે છે, પરંતુ આ સંબંધો જ્યારે સંકુચિત બની જાય છે તો તે સામાજિક ટકરાવ માટે ખાતર-પાણીનું કામ કરે છે. સામાજિક અસુરક્ષાની ભાવના, પરસ્પર સંવાદની કમી, આપસી અવિશ્વાસ, અસ્મિતાનું સંકટ વિ. બધું મળીને નકારાત્મક વાતાવરણ ઊભું કરે છે, અને સામાજિક તાણા-વાણાને છિન્નભિન્ન કરી નાખે છે.
હિંસાના ઉત્પ્રેરકઃ જ્યારે કાયદા-કાનૂન બનાવનારા અને બંધારણની રક્ષા કરવાના સોગંદ લેનારા લોકો જ રાત-દિવસ હિંદુ-મુસ્લિમ, મૈતઈ-કુકી, ઊંચી અને પછાત જાતિને લઈ ઊંચનીચ કરવા લાગે છે ત્યારે ધીમે ધીમે સમાજમાં એક બીજા સમુદાય પ્રત્યે વૈમનસ્ય વધતું જ જાય છે. અંદર ને અંદર જે નફરત ઘણા દિવસો સુધી સળગતી રહે છે તે સ્હેજ હવા મળતાં જ ક્યારેક મણિપુર, તો ક્યારેક મેવાત બની જાય છે. નફરતના જ્વાળામુખી ફાટવાનું દુષ્પરિણામ આપણો સમાજ ભીષણ રમખાણોના રૂપમાં ભોગવે છે. આપણી સામે ભૂતકાળના રમખાણોની ઘણી બધી ભયાનક દાસ્તાનો ભવિષ્યના બોધ માટે મૌજૂદ છે.
આપણા દેશમાં સાંપ્રદાયિક હિંસાનું જે વાતાવરણ ઊભું કરી દેવામાં આવે છે, તેનો ડંખ કોઈ એક વ્યક્તિ કે પરિવાર નથી ભોગવતો, બલ્કે સમગ્ર સમાજ આ ઘાની પીડા અનુભવે છે. જે પરિવારનો તેનો પોતાનો કોઈ સભ્ય હિંસામાં જીવ ગુમાવે છે તેના માટે તો એ જીવનભરનું દુઃખ હોય છે. આટલું જ નહીં આનાથી એક પ્રકારનો સામાજિક ભય પણ ઉત્પન્ન થાય છે. જે વ્યક્તિ કોઈ પોતીકાને રમખાણમાં ગુમાવે છે તેને હંમેશાં ગુમાવવાનો ભય સતાવતો રહે છે. આ ભય પાછળથી ક્યારેય સમાપ્ત ન થનાર દુઃખ બની જાય છે. આનો અર્થ આ નથી કે હિંસાની લપેટમાં જે લોકો નથી આવતા, તેઓ આનાથી પ્રભાવિત નથી થતા.
સામાજિક સંરચનામાં તિરાડ પડવાથી દેશ અને સમાજ લાંબા સમય સુધી કણસતા રહે છે. નિઃશંક, હિંસક ઘટનાઓ અથવા રમખાણો ક્ષણિક કે થોડા સમયના હોય છે અને કેટલાક સમય બાદ થંભી જાય છે પરંતુ તેની અસર વર્ષો વર્ષ સુધી વર્તાતી રહે છે. લોકો માનસિક રીતે આમાંથી બહાર આવી શકતા નથી. આનાથી સમુદાયો વચ્ચે એટલી ખાઈ સર્જાઈ જાય છે કે તેને પૂરવામાં વર્ષો વર્ષ લાગી જાય છે. ક્યારેક ક્યારેક તો એવું લાગે છે કે આની ક્ષતિપૂર્તિ-ભરપાઈ શક્ય જ નથી.
હિંસાના આ સમગ્ર ઘટનાક્રમનો રાજકીય સંદર્ભ જોવો પણ જરૂરી છે. આપણે એ સંરચિત વાતાવરણની અવગણના નથી કરી શકતા જેમાં સંવાદના સ્થાને હિંસાને પ્રોત્સાહન આપવામાં આવતું હોય. દુર્ભાગ્ય આ છે કે હવે હિંસાનો રાજકીય ઉપયોગ નૈતિકતાની બધી હદો વટાવતો જઈ રહ્યો છે. ગત્ દિવસોમાં આપણે સૌએ સંસદમાં જાેયું કે મણિપુરની એ ઘટનાનો પડઘો સંસદમાં કેવી રીતે પડયો અને એ પડઘાનો શ્રેય કેવી રીતે લેવામાં અવ્યો છે? આ જ મુખ્ય રાજકીય પ્રશ્ન બની ગયો. જ્યારે કે પીડિતોના દુઃખ-દર્દ અને મુશ્કેલીઓને કેવી રીતે ઘટાડવામાં આવે? સામાન્ય જન-જીવન કેવી રીતે બહાલ- યથાવત્ થાય ? લોકો આમ-તેમ શરણાર્થી શિબિરોને છોડી પોત-પોતાના ઘરોમાં પાછા ફરી કઈ રીતે જાય. આ બધા પ્રશ્નો છેક છેવાડે પહોંચી ગયા છે. સંસદમાં સાર્થક વિમર્શ કે ચર્ચા સિવાય બધું જ થયું. મણિપુરના ઘટનાક્રમની રજૂઆત સાંસદોએ સ્વીકારી ખરી, પરંતુ તેના પર આવશ્યક ચર્ચા માટે બન્ને જૂથો સહમતીના કોઈ એક બિંદુ પર પહોંચી ન શકયા. આ તમામ બાબતોથી તો આ જ જણાય છે કે સહિષ્ણુતા, પારદર્શિતા અને ભરોસાના સ્તરે જે પરિપક્વતા આવવી જોઈએ તે આવી નથી રહી.
અસ્મિતાથી સંકળાયેલ હિતોની ઉપેક્ષાઃ હિંદુ-મુસ્લિમ હોય કે પછી મૈતેઈ અને કુકી, સમુદાયોની અસ્મિતા તથા તેની સંકળાયેલ હિતોને ન સમજવા અને તેમની ઉપેક્ષા કરવી ખતરનાક પુરવાર થતું જઈ રહ્યું છે. આજે આપણે પોતાના સમુદાયને જ શ્રેષ્ઠ અને બીજાને ખરાબ કે નિમ્ન પુરવાર કરવામાં લાગેલા છીએ. આ માહોલમાં આપણે એકબીજાના શત્રુ બનતા જઈ રહ્યા છીએ. આનાથી આપણી સામાજિક-સાંસ્કૃતિક પૂંજીનો હ્રાસ થવા લાગ્યો છે અને આપણો મૂલ્ય-બોધ પણ ધૂંધળો થવા લાગ્યો છે.
આવામાં વ્યક્તિગત્ અને સામાજિક વિકાસના આંતરિક પડકારો આપણને આચાર-વિચાર બંને દૃષ્ટિએ આત્માવલોકન માટે સાદ પાડી રહ્યા છે. માનવતા, સામાજિકતા અને સ્વતંત્રતાના મૂલ્યો આપણાથી કેટલાક દાયિત્વની પણ અપેક્ષા રાખે છે, જેમના અભાવમાં આપણે આગળ ડગ નથી માંડી શકતા. વિચારોની વિવશતા અને આચરણની મજબૂરી વચ્ચેનો માર્ગ શોધવો જ પડશે.
ભારત જેવા સામાજિક, ભૌગોલિક, ધાર્મિક અને સાંસ્કૃતિક વિવિધતાવાળા દેશમાં શાંતિપૂર્ણ સહ-અસ્તિત્વનું મહત્ત્વ વધી જાય છે. કેમકે જે દેશની બહુમતી વસ્તી ગરીબ છે,ત્યાં નફરતથી ઉપજેલી હિંસા અગાઉથી જ અભાવો સામે ઝઝૂમી રહેલા લોકો માટે મુસીબતોના નવા પહાડ ઊભા કરી દે છે. આથી વ્હેલામાં વ્હેલી તકે હિંસા પર કાબૂ મેળવવા અને તનાવના કારણોને દૂર કરવાની વકીલાત કરવામાં આવે છે કે જેથી સામુદાયિક વિશ્વાસ પાટા પર પરત આવી શકે. આ દાયિત્વ પ્રશાસન કે વહીવટીતંત્રનું છે કે તે તનાવને જન્મ આપનાર સ્થિતિઓનું નિવારણ કરે.
આપણે સૌએ આ સમજવું જ પડશે કે શાંતિ અને સદ્ભાવનું વાતાવરણ જ દેશ અને સમાજના હિતમાં છે. જાે સમાજ પોતાના નૈતિક અને નાગરિક દાયિત્વોને લઈને ચેતતો નથી તો દેશના સામાજિક વહેણને સ્થિતિપ્રજ્ઞ થવાથી અટકાવવો પડશે. નફરતથી ઉપજેલ હિંસાના રથ પર સવાર થઈને કોઈ પણ સમાજ વિકાસની સીડીઓ નથી ચઢી શકતો. સાંપ્રદાયિક કે જાતીય હિંસા સમાજના કેટલાક ગણ્યા-ગાંઠયા દુષ્ટ લોકોના હિતોને સાધવા માટે તો અસરકારક પુરવાર થઈ શકે છે, પરંતુ સમાજના વ્યાપક હિત તથા વિકાસ માટે તો અહિંસક સમાજનું નિર્માણ જ એકમાત્ર વિકલ્પ છે, જેની પરિકલ્પના આપણા મહાપુરુષોએ કરી હતી. ••• (લેખક, “કાન્તિ” માસિક, નવી દિલ્હીના ઉપ-સંપાદક છે.)