2006માં ગુજરાતમાં ઇશરત જહાં ઍનકાઉન્ટર ના પર્દાફાશ પછી એક પછી એક ફેક એન્કાઉન્ટરો ખુલતા ગયા. અમીત શાહ જેલમાં ગયા અને તડીપાર પણ થયા. તે સમયે સીબીઆઈએ સીકંજો કસ્યો હતો તેનાથી એવું લાગતું હતું કે આ બધા રાજકારણીઓની કારકિર્દી ખતમ થઇ જશે અને પોલીસ અધિકારીઓ જેલમાંજ પોતાની જિંદગી પૂરી કરશે. અણી ચુક્યો સો વર્ષ જીવે તે ઉક્તિ મુજબ બન્ને સાહેબો સાંગોપાંગ નીકળી ગયા. કોંગ્રેસની અનિર્ણાયક અને નબળી નેતાગીરીનો પણ તેમાં સિંહફાળો હતો તે હવે સૌ કબૂલે છે. તે સમયે આઇપીએસ અધિકારી જી.એલ સિંગલ ની એક ઓડિયો કેસેટ મીડિયામાં પ્રગટ થઈ જેમાં કચ્છની આર્કિટેક્ટ બહેનની જાસૂસી કઈ રીતે કરવામાં આવી તેનું વૃતાંત સ્પષ્ટ રીતે મળી રહે છે. તમે google માં અમિત શાહ જી પી સિંગલ ઓડિયો સાંભળશો તો ખ્યાલ આવી જશે કે આ બંન્ને સાહેબો એજન્સીઓ નો કેવો ઉપયોગ કે દુરુપયોગ કરી શકે છે!! તે એક રાજ્યની વાત હતી તે આજે સમગ્ર રાષ્ટ્રની બની ગઈ છે.આજનું પેગસસ જાસૂસી કાંડ ગુજરાતની પ્રજા માટે કદાચ એટલા માટે જ કોઈ નવીન વાત નથી. બંન્ને સાહેબોની ગળથૂથીમાં આ બધું પડેલું છે. ગુજરાતમાં ભાજપના સભ્યોની પણ જાસૂસી કરવામાં આવતી હતી તે પણ નરેન્દ્ર મોદીના સમયનો ઈતિહાસ છે. ડોક્ટર એકે પટેલે જેઓ કેન્દ્રીય મંત્રી રહ્યા છે તેઓએ આ બાબતે ઉહાપોહ કર્યો હતો. ઝડફિયા પણ ફોન ટેપિંગ બાબતે આંસુ સારી ચુક્યા છે. રાજીવ શાહ જે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના સિનિયર પત્રકાર હતા તેઓએ આ બાબતે ઘણા મંત્રીઓ અને બાબુઓ જોડે વાત કરેલ છે અને તેઓએ નામ ન આપવાની શરતે ફોન ટેપિંગ કબુલ્યું પણ છે. હવે, જ્યારે મીડિયા સમક્ષ આ ખુલીને આવી ગયું છે કે આ પેગસસ માલવેર માત્ર સરકાર અથવા સરકાર અધિકૃત એજન્સીજ ખરીદી શકે છે ત્યારે આની પાછળ કોનો હાથ છે તે કોઈના થી છૂપું નથી. પણ સરકારે તો સોઈ ઝાટકીને કહી દીધું છે કે અમે બિલકુલ જ નિર્દોષ છીએ. આ દેશ વિરોધી અને સરકાર વિરોધી એક કાવતરું સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે. ખુદ IT મિનિસ્ટર ની જાસૂસી થઈ હતી તે જ હવે આનો બચાવ કરવા સંસદમાં ઉતર્યા છે. jpc બેસાડી દો અને સુપ્રીમ કોર્ટ ના માર્ગદર્શનમાં તપાસ નીમી દો અને સત્યને બહાર લાવો તેવી માંગ વિપક્ષો કરી રહ્યા છે. રાહુલ ગાંધી અને તેમના સાથીઓના પણ ફોન હેક થયા છે. ભાજપના જ સાંસદ સુબ્રહ્મણ્યમ સ્વામી સીધો આક્ષેપ કરી રહ્યા છે છતાં સરકાર સ્વીકારતી નથી. સરકાર બિલ્કુલજ મચક આપી નથી રહી. કિસાનોના મોટા આંદોલન પછી પણ કિસાન કાનૂન પાછા ખેંચ્યા નથી અને સીએએ તથા એન.આર.સી વિરોધી આંદોલનને પણ સરકારે ગણકાર્યું નથી. સરકાર પોતાની બહુમતી ઉપર ગર્વિષ્ઠ છે. આંતરરાષ્ટ્રીય મીડિયામાં એવા સમાચારો પ્રસિદ્ધ થયા કે ભારતમાં પેગાસસ સોફ્ટવેરની મદદથી રાજકારણીઓ પત્રકારો સહિત અનેક મહત્વના લોકોની જાસુસી કરવામાં આવી છે, તે પછી હાહાકાર મચી ગયો છે. વોશિંગ્ટન પોસ્ટ અને The Guardian ના અહેવાલ મુજબ ભારતના 40 પત્રકારો,વિપક્ષી નેતાઓ અને પ્રધાનોની જાસૂસી થઈ છે. આ લીસ્ટ ઘણું લાબું પણ હોઈ શકે છે. કર્ણાટક ની ભાજપ સરકારની પણ જાસૂસી થઈ રહીછે.1988માં હેગડે સરકારને ફોન ટેપિંગ મુદ્દે જવું પડેલ, તે નોંધવું રહ્યું. જેની પણ જાસૂસી થઈ છે એનાં નામો જેમ જેમ બહાર આવશે ત્યારે મોટો હોબાળો થવાનો છે, તે નક્કી છે.
The Wire ના અહેવાલ મુજબ રંજન ગોગોઈ, તત્કાલીન સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ની સામે જે બહેને છેડછાડના આક્ષેપ મૂકતાં હોબાળો થયેલો તેમના કુટુંબીજનોના નામ પણ પ્રગટ થયા છે. મોબાઈલ કમ્યુનિકેશનની જાસૂસી માટે વપરાતું પેગસસ સોફ્ટવેર ઇઝરાયેલની સાયબર સુરક્ષા કંપની NSO દ્વારા બનાવાયું છે આ કંપની એવો ખુલાસો કર્યો છે કે તે કોઈ ખાનગી ખાનગી કંપની કે વ્યક્તિ ને સોફ્ટવેર કદાપિ વેચતી નથી. માત્ર સરકારોને જ સપ્લાય કરવામાં આવે છે. અમે આ સોફ્ટવેર માત્ર આતંકવાદ સામે લડવા માટે તૈયાર કર્યું છે. બાંગ્લાદેશ સાઉદી અરેબિયા સહિત અનેક દેશોએ આ સોફ્ટવેર ખરીદયા પણ છે. સરકારો આ જ વાત કરે છે કે આતંકવાદીઓની ગતિવિધિઓ પર નજર રાખવા આ સોફ્ટવેર અમે ખરીદયું છે. આપણા દેશે આ સોફ્ટવેર ખરીદયું હતું કે કેમ તે હજુ બહાર આવ્યું નથી. જો સરકાર નથી તો આ કામ કોણે કર્યું તે જવાબ પણ સરકારેજ આપવો પડશે. આ સોફ્ટવેર કોઈના ફોનમાં ઘુસાડી દીધા પછી તેના ફોનથી થતી તમામ વાતચીત સાંભળી શકાય છે.આ ઉપરાંત મેસેજ, વહાટ્સએપ, ફેસબુક, ટેલિગ્રામ, વિડીયોકોલ, ઈમેલ, માઇક્રોફોન, કૅમેરાની બધી વિગતો આસાનીથી મેળવી શકાય છે. એન્ક્રીપ્ટેડ સંદેશ પણ ખોલીને જોઈ શકાય છે. ભલે ફોન બંધ હોય તો પણ જે વાતચીત થતી હોય એ સાંભળી શકવાની ક્ષમતા આ સોફ્ટવેરની છે. સૌથી પહેલા 2016માં સાઉદી અરેબિયાના માનવ અધિકાર નેતા આ જાસૂસીની વાત બહાર લાવ્યા હતા. આવા બીજા પણ ઘણા સોફ્ટવેર માર્કેટમાં મળી રહ્યા છે. આ વાતાવરણમાં જાસૂસીની જે વાત બહાર આવી છે એ ઘડીકમાં સરકારનો પીછો છોડવાની નથી. સંસદના ચોમાસુ સત્રમાં પહેલા દિવસે જ આના અણસાર મળી ગયા છે.
આજના જમાનામાં આધુનિક ઉપકરણો થકી તમારી જાણે-અજાણે જાસૂસી થઈ રહી છે, તે સમજવું રહ્યું. સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી પણ વ્યક્તિની સ્વતંત્રતા આવી જાસૂસી થકી છેડાઈ રહી છે. અફસોસ એ છે કે અહીં કોઈને પોતાની privacy એટલે કે અંગત હિતોનું પણ પ્રમાણભાન બિલકુલજ નથી. યુરોપ, અમેરિકામાં જે રીતે જોવા સમજવામાં આવેછે તેના દસમા ભાગની ચિંતા પણ અહીં નથી જોવાતી. માત્ર ખરાબ કામ કરનારે નહીં પણ સારું કે સાચું કામ કરનારી વ્યક્તિને પણ દસ વખત વિચારવું પડે એવી પરિસ્થિતિ છે. કૅમેરા અને સીસીટીવી તમને સતત જોઈ રહ્યા છે. ફોન કે મોબાઈલ તમને જોઈ સાંભળી રહ્યા છે. લેપટોપ નો કેમેરો તમારી ઉપર છે. નવી ટેકનોલોજી આપણી આસપાસ કાન અને આંખ રૂપે સતત મંડરાયેલી જ રહે છે. દીવાલો ને પણ આંખ અને કાન ફૂટી નીકળ્યા છે. સેન્સર્સ બંદૂક ની જેમ કપાળ ઉપર મુકાયેલા છે. ટેલીફોન ટેપિંગ નો મુદ્દો જૂનો થઈ ગયો હવે તો ફોન હેકિંગ નો જમાનો છે. તમારો ફોન હેક થાય તો તમે કયા લોકેશન પર હતા, કોની સાથે વાત કરી, કોની સાથે સાદી કે વિડીયો ચેટ કરી, એ બધું જ સામેવાળાને આસાનીથી પહોંચી જાય છે. હેકર અને માફિયાઓ હવે ખંડણી પણ ચાલાકીથી ફોન હેક કરીને crypto currency થી ઉઘરાવે છે. અસલમાં સ્પાઇવેર કે હેકિંગ સીધું ખરાબ નથી. તે ખરાબ ત્યારે બની જાય છે જ્યારે તેનો ઉપયોગ ખરાબ ઉદ્દેશોને પાર પાડવા માટે કરવામાં આવે છે. facebook જેવી કંપનીઓ વળી એવો આરોપ મૂકે છે કે પેગાસસ નો ઉપયોગ તેમની જાસૂસી માટે થાય છે. સરકારો તો એમ જ કહે છે કે આતંકવાદને ડામવા અને દેશની સુરક્ષા માટે આનો ઉપયોગ કરીશું. કોઈ સામે થી થોડું કહેવાનું છે કે અમે અમારા હરીફોની જાસૂસી આનાથી કરીશું. અમેરિકાએ પણ ચીનની વાહરે કંપની ઉપર એટલે જ પ્રતિબંધ મુકેલો કે તેના મોબાઈલ માંથી વપરાશકર્તાની સંવેદનશીલ વિગતો સીધી ચીન પહોંચી જતી હતી. એન્ક્રિપ્ટેડ મેસેજ મોકલનાર અને મેળવનાર આ બે જણા સિવાય બીજો કોઈ જોઈ નથી શકતો. જે કંપની થકી મેસેજ કર્યો હોય તે પણ અને નથી જોઈ શકતી. પરંતુ પેગાસસ આ એન્ક્રિપ્શન નો ભંગ કરી નાખે છે. એપલની ઓપરેટિંગ સિસ્ટમ સૌથી સલામત મનાય છે અને વારંવાર સુધારા કરી ને આવા માલવેરથી પોતાની પ્રોડક્ટને સુરક્ષિત કરવાનો દાવો કરતી રહે છે. પરંતુ આ સ્પાયવેર તેના પણ છોતરા કાઢી નાખે છે.
કોંગ્રેસ પણ દૂધે ધોયેલી નથી. UPA 2 સરકાર સમયે RTI માં ખુલાસો થયેલ કે રોજના 300 ફોન અને 20 ઇ મેલ અલગ અલગ એજન્સી દ્વારા ટેપ થતા હતા. અરુણ જેટલીએ આ મુદ્દે સરકારનું રાજીનામુ રાજ્યસભામાં માંગેલ, તે કંઈ બહુ જૂનો ઇતિહાસ નથી.
હવે, સવાલ ઉભો થાય છે કે આ કાંડમાં ખુલ્લા પડી ગયા પછી પણ શું ભારત સરકાર વિરોધની સામે ઝૂકશે? શું સરકાર પોતે સ્વીકારશે કે હા અમે જાસૂસી કરી હતી. તો તેનો જવાબ છે, સ્પષ્ટ ના. જો કદાચ કોઈ પણ રીતે સાબિત પણ થઈ ગયું કે આમાં સરકાર નો હાથ હતો તો પણ અહીં કાનૂની રીતે સીધા કોઈ પગલાં લઇ શકાતા નથી, તે સમજવું રહ્યું. વોટરગેટ કૌભાંડમાં પ્રેસિડેન્ટ નિક્સને રાજીનામું આપ્યું હતું,કારણ ત્યાં સર્વોચ્ચ વડા ઉપર પગલાં લેવાની જોગવાઈ હતી. અહીં સુપ્રીમ કોર્ટ પણ છેલ્લે લાચારી દર્શાવી આનું ફિન્ડલું વાળી દેશે તેવું લાગી રહ્યું છે. અને આમેય આપણા બંન્ને સાહેબોએ જે માહોલ દેશમાં ઉભો કર્યો છે તેમાં નૈતિકતાને વળી શું લેવાદેવા? ઉઘાડો અને દરેક સ્તરે ખૂબ મોટો ભ્રષ્ટાચાર, ધારાસભ્યો સંસદસભ્યો ની ખરીદી અને હેરાફેરી, આ બધું ઉઘાડેછોગ કરવામાં આવી રહ્યું છે. અને પ્રજાને તેની કોઈ જ તમા રહી નથી. પ્રજાજ આંખ આડા કાન કરેછે એટલે સત્તાધીશો બેફામ છે. પનામા પેપર્સમાં અમિતાભ અને ઐશ્વર્યા બચ્ચન ના સીધા નામ ખુલ્યા પછી પણ શું થયું? મીડિયા નો ઉપયોગ કરી ફાલતુ ઇસ્યુ ને ખૂબ ચગાવવામાં આવે છે અને સાચા પ્રશ્નોથી ધ્યાન ભટકાવવામાં આવેછે. આશા રાખીએ કે પ્રજા આવા પ્રહારો અને પર્દાફાશ પછી જાગે અને સત્તાધિશોને સીધા થવા મજબૂર કરે..
મો. 99252 12453