Tuesday, September 10, 2024
Homeઓપન સ્પેસઆર્થિક પ્રગતિનું આયોજન

આર્થિક પ્રગતિનું આયોજન

સુનિયોજિત માનવ-જીવનનું એક મહત્ત્વપૂર્ણ પાસુ તેની આર્થિક પ્રગતિ છે. મનુષ્યના જીવનમાં તેની આર્થિક પરિસ્થિતિની ભૂમિકા મહત્ત્વપૂર્ણ હોય છે. સામાન્ય રીતે આપણને આ સમજાવવામાં આવ્યું છે કે આર્થિક રીતે મજબૂત બનવા માટે વધુ પડતી ભાગ-દોડ કરવી ઉચિત નથી. આ સંતોષ તથા સંયમની વિરુદ્ધ છે. આપણે અલ્લાહ ઉપર ભરોસો કરી બેસવું જાેઈએ, અને જે કાંઈ આપણા ભાગ્યમાં લખ્યું છે તે આપણને મળીને રહેશે. આથી બહુ વધારે ભાગદોડ કરવાની કોઈ આવશ્યકતા નથી. આ ધારણા ખોટી છે. ભાગ્યમાં શું લખ્યું છે એ આપણે નથી જાણતા, પરંતુ આપણે મહેનત કરવા અને પોતાની લાયકાત-યોગ્યતાઓ તથા ક્ષમતાઓને વધારવા પુરા સક્ષમ છીએ.

એક સમજદાર માણસે આર્થિક રીતે એવી યોજના બનાવવી જાેઈએ કે આગળ જતાં તેનો વધુમાં વધુ સમય બચે, કે જેથી તે પરિવાર, સમાજ અને દેશના નિર્માણમાં પોતાનું યોગદાન આપી શકે. આર્થિક ભાગદોડની ઝંઝટોમાં જીવનના અંતિમ શ્વાસ સુધી સપડાયેલા રહેવું એ બુદ્ધિમત્તા નથી. તેથી સમજદારી આ છે કે આર્થિક પ્રવૃત્તિઓને આયોજનપૂર્વક નિભાવવામાં આવે અને આર્થિક લક્ષ્યોને સમય પૂરો થાય તે પહેલાં હાસલ કરી શકાય, જેથી વ્યક્તિ સમાજ તથા ધર્મની સેવામાં પુરતો સમય આપી શકે.

સામાન્ય રીતે લોકો આર્થિક યોજનાઓ બનાવતા નથી. આજે દરેક વ્યક્તિ માટે વિભિન્ન આર્થિક સ્ત્રોતોનું હોવું આવશ્યક છે. જાે તમે નોકરી કરો છો તો સાથે નાનો-મોટો ધંધો પણ કરી શકો છો. તમે રેન્ટલ ઇન્કમ (ભાડાથી થતી આવક) પણ ઊભી કરી શકો છો. તમે આવકના કેટલાક અન્ય સ્ત્રોત અને સાધન પણ પેદા કરી શકો છો. ઉદ્યોગપતિ છો તો હાલમાં જે સ્તરનો તમારો વ્યાપાર છે તેનાથી આગળના સ્તરે તે વધવો વિસ્તરવો જાેઈએ. જાે તમે ઘણા મોટા સ્તરના ઉદ્યોગપતિ છો તો તમારે બહારના દેશોમાં નિકાસ અંગે વિચારવું જાેઈએ.

સ્ત્રી અને પુરુષ બન્નેના જીવનમાં આર્થિક પ્રગતિ થવી બહુ જરૂરી છે. મહિલાઓએ પણ આર્થિક રીતે સમૃદ્ધ હોવું જાેઈએ. જાે તેમની પાસે કોઈ પણ સ્વરૂપમાં ધન મોજૂદ છે તો તેનું સુનિયોજીત રીતે રોકાણ થવું જાેઈએ. જ્યારે વ્યક્તિની આર્થિક સ્થિતિ સારી હોય છે તો તેનું જીવન સન્માનનીય તથા ગરિમાપૂર્ણ હોય છે. આપનાર હાથ હંમેશ ઉપર હોય છે, અને લેનાર હાથ હંમેશાં નીચે હોય છે. આર્થિક રીતે મજબૂત વ્યક્તિ સમાજના નિર્માણમાં સારી ભૂમિકા ભજવી શકેછે. જે લોકો સમાજને કંઈ પણ નથી આપતા, તો સમાજ પણ તેમની પરવા નથી કરતો.

એકાગ્રતાથી ધાર્મિક તથા સામાજિક કાર્યોને પૂરા કરવા માટે આ જરૂરી છે કે વ્યક્તિની જે મૂળભૂત આવશ્યકતાઓ છે તે પૂરી થઈ જાય. આથી આર્થિક રણનીતિ તથા યોજનાઓ ઘડવી અત્યંત આવશ્યક છે. તમે એક માપદંડના આધારે ૧ થી લઈને ૧૦ સુધી જુઓ કે જાે આજે તમારી આર્થિક સ્થિતિનું સ્તર ૪.૫ ઉપર છે અને તમારે આગામી ૬ માસમાં ૫ ના સ્તરે પહોંચવું છે, તો સારી રીતે આની યોજના બનાવો.

તમારી પાસે જે કંઈ પણ સંસાધનો કે રકમ પ્રાપ્ય છે તેનું રોકાણ ક્યારે, કયાં, અને કેવી રીતે કરવામાં આવે તેના વિષે સારી રીતે માહિતી મેળવો. મહત્ત્વપૂર્ણ વાત આ છે કે જેટલી આપણી ચાદર હોય આપણે એટલા જ પગ ફેલાવીએ, અને ફાલતુ,વ્યર્થ કે બિનજરૂરી (ફુઝૂલ ખર્ચ)થી બચીએ. ઘણા લોકોની સ્થિતિ આ છે કે તેમની માસિક આવક તો ૫૦ હજાર રૂપિયા છે અને તેઓ મહિનામાં ૭૦ હજાર રૂપિયા ખર્ચ કરે છે. સમજદારી આ છે કે જાે માસિક આવક ૫૦ હજાર રૂપિયા છે તો ૪૦ હજાર રૂપિયા મહિનામાં ખર્ચ કરે, અને ૧૦ હજાર રૂપિયા બચાવે. મુશ્કેલ સમય માટે બચત કરવી ખૂબ જ જરૂરી છે. અનુભવ બતાવે છે કે હંમેશાં ખુશહાલી કે સમૃદ્ધિ યથાવત નથી રહેતી. ખુશહાલી-સમૃદ્ધિના સમયમાં જે કાંઈ બચાવી લેવામાં આવશે તે મુશકેલીના સમયમાં કામ આવશે.

જ્યાં સુધી આપણે આપણા જીવનમાં યોજનાબદ્ધ રીતે આર્થિક પ્રવૃત્તિઓને નહીં અપનાવીએ, ત્યાં સુધી આપણે સુકૂનભર્યું જીવન અને ધર્મ તથા સમાજ માટે એકાગ્ર થઈને કાર્ય નથી કરી શકતા. આથી આ જરૂરી છે કે આર્થિક આયોજન માટે જે યોગ્ય- જાઈઝ અને ઉચિત માપદંડ છે તે માપદંડોના આધારે પોતાની આર્થિક પ્રવૃત્તિઓ માટે સમયસર યોજનાઓ ઘડવામાં આવે. –•–


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments