Tuesday, December 10, 2024
Homeઓપન સ્પેસધર્મ અને મધ્યમાર્ગ, ધર્મો તથા દર્શનોનો સંયુક્ત વારસો

ધર્મ અને મધ્યમાર્ગ, ધર્મો તથા દર્શનોનો સંયુક્ત વારસો

જીવનમાં સંતુલનનું મધ્યમ માર્ગનું ઘણું મહત્ત્વ છે, ચાહે તે વ્યક્તિગત જીવન હોય કે પછી સામુદાયિક તથા સામૂહિક કે પછી રાષ્ટ્રીય જીવન. જેમને મધ્યમ માર્ગ- સંતુલન સમજમાં નથી આવતું તેઓ જીવનને પણ સાચી રીતે સમજી નથી શકતા. જે ર્નિજીવ છે, તે વાંકુ-ચૂંકુ કોઈ પણ સ્વરૂપ લઈ શકે છે, પરંતુ જે સજીવ છે તેની સમગ્ર યાત્રા જ અસંતુલનથી સંતુલન ભણી ચાલે છે. મધ્યમ માર્ગ-સંતુલન એક એવું વલણ છે, જેના પરિણામે હંમેશાં સારપ અને ભલાઈની ઉત્પત્તિ થાય છે. આનાથી વિપરીત અસંતુલિત વલણ વ્યક્તિ, સમાજ અને દેશ એમ સૌને બગાડના માર્ગે લઈ જાય છે.

સંતુલનની એક સામાન્ય પરિભાષા કોઈ પણ વિષયમાં બે પરસ્પર વિરોધી પાસાઓની વચ્ચે એક એવા ન્યાયસંગત વલણની રીતે કરવામાં આવે છે કે જેમાં કોઈ એકની ઉપેક્ષા કરીને બીજાને છૂટ આપવામાં ન આવે. સંતુલનને મધ્ય માર્ગ, સંયમ અને સમભાવ પણ કહેવામાં આવે છે. જ્યારે કે અંગ્રેજીમાં Moderation કહેવામાં આવે છે. આની સરખામણીમાં વિરુદ્ધઅર્થી શબ્દ રૂપે અતિરેક, અતિપ્રતિક્રિયાવાદ, અંતિમવાદ, ઉગ્રતા વિ. શબ્દોનો પ્રયોગ થાય છે.

સંતુલન એ મહત્ત્વપૂર્ણ મૂલ્યોમાંથી એક છે જે તમામ અથવા મોટાભાગના ધર્મો, દર્શનો અને વિચારોમાં સમાન છે. દા.ત. પ્રાચીન યુનાની (ગ્રીક) દર્શન (Philosophy) અને ખ્રિસ્તી તથા યહૂદી ધર્મમાં આને Golden Meanના રૂપમાં પ્રદર્શિત કરવામાં આવે છે. બૌદ્ધદર્શનમાં આને Majjhima – patipada (મધ્યમ માર્ગ) કહેવામાં આવે છે, જ્યારે કે તામિલ પરંપરામાં Naduvunilamai (Intermediate Situation) કહેવામાં આવે છે. ઇસ્લામમાં આના માટે અરબી ભાષાના શબ્દ ‘એ’તિદાલ’ અને ‘વસ્તિયત’ (Middle Way) મધ્યમ માર્ગનો ઉપયોગ થાય છે; જેમાં  ‘અદ્‌લ’ અર્થાત્‌ ન્યાય તથા સંતુલન બન્ને અર્થ નિહિત છે. આ જ કારણ છે કે ઘણા બધા વિદ્વાનો આને પ્રાકૃતિક મૂલ્યરૂપે રજૂ કરે છે, જેના મહત્ત્વના અંગ હોવા બાબતે તમામ માનવોની સહમતિ છે. પરંતુ આ પણ સત્ય છે કે સંતુલનનું આટલું મહત્ત્વ હોવા છતાં તેમજ ધર્મો તથા દર્શનો (ફિલોસોફી)ની વચ્ચે સમાન બિંદુ હોવા છતાં આ અંગે માનવ-ઇતિહાસમાં ભારે બેદરકારી રહી છે.

આનું એક કારણ તો માનવ-મનોવિજ્ઞાન છે. માનવી એક વ્યક્તિના રૂપમાં હોય કે પછી સમાજના સ્તરે ,કોઈ એક તરફ તેનો ઝુકાવ રહે છે, અને આ રીતે સંતુલિત વલણથી તેની લડાઈ હંમેશા રહે છે. ઉદાહરણ સ્વરૂપ પ્રાચીનકાળથી આપણા મહાન વિચારકો અને દાર્શનિકો આ બિંદુ પર પરસ્પર લડતા કે ઉલઝતા રહ્યા છે  કે વ્યક્તિ મહત્ત્વની છે કે સમાજ? અરસ્તુ (એરિસ્ટોટલ)એ વ્યક્તિને મહત્ત્વપૂર્ણ માની તો અફલાતૂન (પ્લેટો)એ સમાજને. આજ સુધી આ ચર્ચા થઈ રહી છે. વ્યક્તિ કેન્દ્રિત અને સમાજ કેન્દ્રિત બે અતિવાદી દૃષ્ટિકોણ અસ્તિત્વમાં આવી ગયા.

વાદ- ism બહુ એકેડેમિક અને બહુ વૈચારિક ન હોય . આવો, વર્તમાન પરિસ્થિતિઓ ઉપર વિચાર કરીએ છીએ. જાે આપણે સામાજિક ફોરમ (મંચ) અને રાજકીય પરિદૃશ્ય પર થનારી ચર્ચાઓ પર ધ્યાન આપીએ તો આપણે જાેઈએ છીએ કે વર્તમાન વિકટ સ્થિતિ અસંતુલિત વિચાર અને અસંયમિત મનોભાવ તથા વૈચારિક સંકીર્ણતા અને પરિસ્થિતિઓ ઉપર અલ્પ દૃષ્ટિના પરિણામસ્વરૂપ ઉદ્ભવે છે. સોશ્યલ મીડિયાની ચર્ચાઓને જાેઈએ તો વૈચારિક અતિવાદ અને અસંતુલિત ભાવનાની પરાકાષ્ટા જાેવા મળે છે. રાજકીય ચર્ચા, સિદ્ધાંતો અને મૂલ્યોથી દૂર ‘મોદીના સામે મોદી વિરોધ’ના સંકીર્ણ વર્તુળમાં જઈ ફસાઈ જાય છે.

પરિસ્થિતિઓ પર ટૂંકી દૃષ્ટિ અતિપ્રતિક્રિયાવાદને જન્મ આપે છે. હવે, સ્થિતિ આ છે કે એક જૂથની નજીક દેશની દરેક સમસ્યાના મૂળમાં મુસલમાન તથા મુસલમાનોનું કહેવાતું તૃષ્ટિકરણ છે, તો બીજા જૂથની નજરમાં આરએસએસ તથા ભાજપ છે. દેશની તમામ સમસ્યાઓની અસલ જડ  મૂડીવાદી અર્થવ્યવસ્થાની કૂખે જન્મેલ મોંઘવારી તથા બેરોજગારી પર અત્યંત સરળ અને એક પક્ષીય રાજકીય કટાક્ષ કરીને કેટલાય “બુદ્ધિજીવીઓ” પોતાના કર્તવ્યનો અંત સમજી લે છે. અપરાધ અને અમાનવીય ઘટનાઓને ફકત કાયદા-કાનૂન અને વ્યવસ્થાનો મુદ્દો સમજવો પણ ટૂંકી દૃષ્ટિની સમસ્યા છે, જે અસંતુલિત વિચારનો દ્યોતક છે.

આથી આ અસંતુલન અને અતિવાદમાંથી નીકળવા માટે આવશ્યક છે કે સૌથી પહેલાં મુદ્દાઓ તથા સમસ્યાઓ પર વ્યાપક ચિંતન થાય, ખુલ્લા મને ચર્ચા થાય, મામલાના તમામ પાસાઓ પર નજર નાખવામાં આવે, મીડિયાના અહેવાલોના આધારે હંગામો કરવામાં ન આવે. બીજું, અતિરેકના વચ્ચે ન્યાયસંગત પાસા સુધી પહોંચવાનો પ્રયત્ન થાય. ત્રીજું, દરેક વિષયમાં જરૂરી નથી કે મધ્યબિંદુ જ સંતુલિત માર્ગ હોય.તર્ક અને સંવેદનાના પ્રકાશમાં  માનવતાના વિશાળ હિતમાં, મધ્યમ માર્ગની શોધ કરવામાં આવે.

અહીં આવશ્યકતા હોય છે માનવ-પ્રકૃતિ બનાવનાર અર્થાત્‌ અલ્લાહ-ઈશ્વરના આદેશોથી માર્ગદર્શન મેળવવાની. તે એટલા માટે કે જેણે આપણી પ્રકૃતિ બનાવીછે, તે વાસ્તવમાં સંતુલિત માર્ગ અને મધ્યમ માર્ગનું માર્ગદર્શન કરી શકે છે. અલ્લાહનો અંતિમ સંદેશ કુઆર્ન આપણી વચ્ચે પ્રાપ્ય છે. આ અંગે ભરપૂર માર્ગદર્શન માટે આકાશીય ગ્રંથ કુઆર્નને ફકત મુસલમાનોનો જ ગ્રંથ સમજવામાં ન આવે, બલ્કે સમગ્ર માનવતાનો માર્ગદર્શક માનીને તેનું અધ્યયન કરવામાં આવે, તેને છાતીસરસો ચાંપવામાં આવે, અને જીવનમાં ઉતારવામાં આવે.

“કોઈ પણ સંપ્રદાય (કોમ-સમુદાય)ની દુશ્મની તમને આ વાત ઉપર ન ઉભારે કે તમે ‘અદ્‌લ’ (ન્યાય, મધ્યમ-માર્ગ, સંતુલન)થી ફરી જાવ.” (કુર્આન, ૫ : ૮)


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments