Saturday, July 27, 2024
Homeમનોમથંનસાચર સમિતિની ભલામણોનાં ૧૩ વર્ષ બાદ, ભારતીય મુસલમાનોની દશા અને દિશા.

સાચર સમિતિની ભલામણોનાં ૧૩ વર્ષ બાદ, ભારતીય મુસલમાનોની દશા અને દિશા.

મૌલવી ઇકબાલહુસૈન બોકડા (ગોધરા)

૮મી ફેબ્રુઆરી, ર૦૧૯ના દિવસે ઇન્ડિયા ઇસ્લામિક કલ્ચરલ સેન્ટર, નવી દિલ્હી ખાતે એક દસ્તાવેજી મહત્ત્વ ધરાવતા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું. પુસ્તકનું નામ છે Denial and Deprivation : Indian Muslims after the Sachar Committee and Rangnath Mishra Commission Reports. આ સંશોધનાત્મક પુસ્તક લખનાર છે મહારાષ્ટ્રના IPS અધિકારી અબ્દુર્રહમાન સાહેબ !

પુસ્તકમાં સાચર સમિતિની ભલામણોનાં ૧૩ વર્ષ અને રંગનાથ મિશ્રા કમિશન (RMC)ના અહેવાલના ૧ર વર્ષ બાદ ભારતીય મુસલમાનોની શૈક્ષણિક, સામાજિક, આર્થિક અને રાજકીય દુર્દશા તેમજ સરકારી નોકરીઓમાં મુસ્લિમોના ચિંતાજનક પ્રમાણ અંગે સમીક્ષા કરવામાં આવી છે. પુસ્તકમાં વિવિધ આધારભૂત તથ્યો અને આંકડાકીય માહિતીના આધારે મુસ્લિમોની સ્થિતિનો સચોટ વિસ્તાર પ્રસ્તુત કરવામાં આવ્યો છે. ર૦ પ્રકરણોમાં વિભાજીત આ દળદાર પુસ્તક ભારતીય મુસ્લિમોની સ્થિતિનો અભ્યાસ રજૂ કરતા એક વિશેષ દસ્તાવેજ સમાન છે.

પુસ્તકના બીજા પ્રકરણમાં બન્ને અહેવાલોનો ટૂંકો સાર આપવામાં આવ્યો છે. આઝાદીના ૬૦ વર્ષ બાદ સૌ પ્રથમ વખત સાચર સમિતિએ ઈ.સ. ર૦૦૬માં ભારે જહેમતના અંતે ભારતીય મુસલમાનોની શૈક્ષણિક, સામાજિક અને આર્થિક દશાના આધારભૂત અહેવાલ સરકારને સુપ્રત કરીને મુસ્લિમોની આ ચિંતાજકન સ્થિતિ સુધારવા માટે ભલામણો કરી હતી. તેવી જ રીતે દેશની ધાર્મિક અને ભાષાકીય લઘુમતિઓની સ્થિતિના સર્વગ્રાહી અભ્યાસ માટે રચવામાં આવેલ રંગનાથ મિશ્રા કમિશને ર૦૦૭માં પોતાનો અહેવાલ સરકારને સોંપ્યો હતો. RMCએ પોતાના રિપોર્ટમાં મુસ્લિમ સમુદાયને સરકારી અને જાહેર ક્ષેત્રની નોકરીઓ ઉપરાંત શૈક્ષણિક સંસ્થાઓમાં આરક્ષણ આપવાની હિમાયત કરી હતી. એટલું જ નહીં, RMCએ બંધારણના ૧૯પ૦ના SC આદેશના પેરા ત્રણમાં સુધારો કરીને મુસ્લિમોને પણ અનુસૂચિત જાતિના આરક્ષણનો લાભ આપવાની આગ્રહપૂર્વક તરફેણ કરી હતી.

SCRને તેર વર્ષ અને RMCને બાર વર્ષ પૂરાં થવા છતાં આજે ભારતીય મુસ્લિમો વધુ વિકટ શૈક્ષણિક, આર્થિક, કાનૂની અને સામાજિક પ્રશ્નોનો સામનો કરી રહ્યા છે. એટલું જ નહીં, કેટલાક પ્રશ્નો વધુ ગંભીર બન્યા છે.

ઝિંદગી હૈ યા કોઈ તૂફાન હૈ ?
હમ તો ઇસ જીને કે હાથોં મર ચલે

લોકસભાના ૫૪પ સાંસદોમાં મુસ્લિમોની સંખ્યા માત્ર ર૩ છે, જે વસ્તીના અનુયાતમાં ૮૭ હોવી જાેઈએ. ર૩૦ બેઠકોવાળી મધ્યપ્રદેશ વિધાનસભામાં બે અને ૧૮ર બેઠકોવાળી ગુજરાત વિધાનસભામાં માત્ર ૩ મુસ્લિમ ધારાસભ્યો છે.

પુસ્તકના તેરમા પ્રકરણમાં સરકારી નોકરીઓમાં મુસલમાનોની સંખ્યાની વિસ્તૃત સંશોધનાત્મક છણાવટ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં વર્ષ ર૦૦૬-૦૭માં કરવામાં આવેલી ભરતીઓમાં લઘુમતી (મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી, બોદ્ધ અને પારસી)ની સંખ્યા ૧ર૧૮ર હતી, જે કુલ ભરતીના ૬.૯૩ ટકા થાય છે. સાચર સમિતિની ભલમણોનાં પાંચ વર્ષ બાદ વર્ષ ર૦૧૧-૧રમાં વિવિધ કેન્દ્રિય ભરતીઓમાં આ પાંચેય લઘુમતીઓની કુલ સંખ્યા ૧૮૩૭૯ હતી, જે કુલ ભરતીના ૬.ર૪ ટકા થાય છે.

દેશની આર્થિક બાબતો સાથે સંકળાયેલી સર્વોચ્ચ સંસ્થા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં મુસ્લિમોની સંખ્યા માત્ર ૦.૭પ ટકા જેટલી નગણ્ય છે. આટલા મોટા તફાવતને જાેતાં એ વાત સ્પષ્ટ છે કે દેશમાં બંધારણ મુજબ ન્યાય અને સમાનતા લાવવા માટે મુસ્લિમોને સરકારી અને જાહેર ક્ષેત્રની નોકરીઓમાં આરક્ષણ આપવામાં આવે.

૭મી સપ્ટેમ્બર, ર૦૧પના રોજ ‘‘ધ ઇકોનોમિક ટાઇમ્સ’’ના પ્રસિદ્ધ થયેલ રિપોર્ટ મુજબ બોમ્બે સ્ટોક એક્ષચેન્જ (BSE)ની ટોચની પ૦૦ કંપનીઓમાં ડાયરેકટર્સ અને એકઝેક્યુટીવ જેવા ટોચના કુલ ર૩ર૪ હોદ્દેદારોમાં મુસ્લિમોની સંખ્યા માત્ર ૬ર હતી, જે ર.૬૭ ટકા થાય છે.

સુરક્ષા વિભાગમાં પણ મુસ્લિમોનું પ્રમાણ લગભગ નહિંવત છે. UPSC દ્વારા દર વર્ષે બે વખત NDA (નેશનલ ડિફેન્સ એકેડેમી)ની પરીક્ષા અને ઇન્ટરવ્યુ બાદ ભરતી કરવામાં આવે છે. ર૦૦૬ થી ર૦૧પ દરમિયાન દસ વર્ષમાં NDA દ્વારા વિવિધ લશ્કરી પદો પર પ૬૧૦ અધિકારીઓની ભરતી કરવામાં આવી, જેમાં મુસ્લિમોની સંખ્યા માત્ર ૯ર એટલે ૧.૬૪ ટકા હતી.

UPSC દ્વારા જ પ્રતિ વર્ષ ઇન્ડિયન મિલિટ્રી એકેડેમી, દહેરાદૂન, ભારતીય નૌકા એકેડેમી, એઝીમાલા અને એરફોર્સ એકેડેમી, હૈદરાબાદમાં વિવિધ અધિકારીઓની ભરતી માટે CDs (કમ્બાઇન્ડ ડિફેન્સ સર્વિસિઝ)ની પરીક્ષા યોજાય છે. વર્ષ ર૦૧૧ થી ર૦૧પ દરમિયાન CDs માટે ૧પ૮ર હોદ્દાઓ પર ભરતી કરવામાં આવી. તેમાં મુસ્લિમોની સંખ્યા માત્ર ૩૧ અર્થાત્‌ ૧.૯૬ ટકા હતી.

પ્રકરણ-૧રમાં ગરીબી અને આર્થિક સ્થિતિ અંગેની આંકડાકીય છણાવટ કરવામાં આવી છે. તેના એક ભાગમાં દેશમાં ભિખારીઓની સંખ્યાની માહિતીનું પૃથક્કરણ કરવામાં આવ્યું છે. દેશમાં મુસ્લિમોની સંખ્યા માત્ર ૧પ ટકા જેટલી હોવા છતાં ભીખ માંગનારાઓમાં મુસ્લિમોનું પ્રમાણ ર૪.૯ ટકા છે. આ આંકડાઓમાં બીજી દુઃખદ વાત એ છે કે અન્ય તમામ ધર્મો સંબંધિત ભીખ માંગનારાઓમાં પુરુષોનું પ્રમાણ સ્ત્રીઓ કરતાં વધારે છે, જ્યારે મુસ્લિમ ભીખ માંગનારાઓમાં પુરુષોની સંખ્યા ૪૩.૬ ટકા અને સ્ત્રીઓની સંખ્યા પ૬.૪ ટકા છે.

એક જગ્યાએ દર્દ હો તો થાય કંઈ એની દવા,
હોય જાે રગ-રગ મહીં અંગાર, કોઈ શું કરે ?

ફેબ્રુઆરી-ર૦૧૩માં પ્રસ્તુત કરવામાં આવેલ UNDP અહેવાલ મુજબ શહેરી વિસ્તારોમાં BPLની સંખ્યા ઉચ્ચ જ્ઞાતિના હિન્દુઓ (UCH) કરતાં આઠ ગણી વધુ છે, જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં બે ગણી કે બસો ટકા વધુ છે.

પશ્ચિમ બંગાળમાં મુસ્લિમોની સંખ્યા રપ.ર ટકા હોવા છતાં અહીંના મુસ્લિમોની સ્થિતિ વધુ દયાજનક છે. અહીં સરકારી નોકરીઓમાં મુસ્લિમોનું પ્રમાણ માત્ર ર.૧ ટકા છે.

ર૦૦૭માં UPSC દ્વારા ૪૭૪ અધિકારીઓની ભરતી કરવામાં આવી હતી, જેમાં મુસ્લિમોની સંખ્યા ૧૮ એટલે ૩.૭૯ ટકા હતી. ૯ વર્ષ બાદ ર૦૧૬માં થયેલ UPSC વર્ગ ૧અનેર માટેની ૧૦૭૮ અધિકારીઓની ભરતીમાં મુસ્લિમોની સંખ્યા ૩૬ છે, જે ૩.૩૪ ટકા થાય છે. પમી એપ્રિલ, ર૦૧૯ના દિવસે જાહેર થયેલ વર્ષ ર૦૧૮ના UPSC માટે પસંદગી પામેલ ૭પ૯ ઉમેદવારોમા મુસ્લિમોની સંખ્યા ૩૦ છે, જે ૩.૯પ ટકા થાય છે. સાચર સમિતિ અને રંગનાથ મિશ્રા કમિશનની ભલામણોનાં ૧૩ વર્ષ બાદ પણ ન તો મુસ્લિમોને આરક્ષણ આપવામાં આવ્યું છે કે ન તો તેમની સ્થિતિમાં સુધારા અંગે કોઈ પ્રકારના પ્રયત્નો કરવામાં આવ્યા છે.

પુસ્તકમાં વકફની મિલકતોની દુર્દશા અને મદ્રસા શિક્ષણ વિશે પણ વિસ્તૃત અહેવાલ આપવામાં આવ્યો છે. સરકાર દ્વારા ઉર્દૂ ભાષા પ્રત્યે ભેદભાવપૂર્ણ નીતિ સચોટ પુરાવાઓ અને આંકડાકીય સંશોધન પ્રસ્તુત કરવામાં આવ્યું છે. ઉપરાંત મુસ્લિમ વિસ્તારોમાં સ્વચ્છતા, સ્વાસ્થ્ય અને અન્ય સવલતો અંગેની હાલત પર વિશેષ અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે.

સાચર સમિતિની ભલામણોના ૧૩ વર્ષ બાદ કોમના હિતચિંતક IPS અધિકારી અબ્દુર્રહમાન સાહેબે ભારે જહેમતના અંતે રજૂ કરેલ આ દસ્તાવેજી અહેવાલની અવગણના કરવાના બદલે દેશભરના મુસ્લિમ વિદ્વાનો અને સંસ્થાઓ તેનો કેટલી ગંભીરતાપૂર્વક અભ્યાસ કરે છે અને તે મુજબ આગામી આયોજન કરે છે, તે જાેવાનું રહ્યું. આવતી પેઢી માટે આ સંશોધનની રોશનીમાં આયોજન કરવું એ સમયની માંગ છે.

ગફલતને દો ફગાવી, બેદાર થઈને જીવો,
છોડોને આ હતાશા, ખુદ્દાર થઈને જીવો,
બેસી રહો કિનારે, તો મોતી ક્યાંથી મળશે ?
ઝંપલાવી દો જીગરથી, મઝધાર થઈને જીવો.

–•–


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments