વિદ્યાર્થી સંગઠન એસ.આઈ.ઓ. અને જમાઅતે ઇસ્લામી હિંદ દ્વારા અ.મ્યુ.કોર્પો.ના ડેપ્યુટી કમિશ્નર સાથે મુલાકાત કરી આવેદન આપવામાં આવ્યું
અહમદાબાદ,
અમદાવાદ પૂર્વની રખિયાલ મ્યુ. ઉર્દુ શાળા નં. ૧-૨, ગોમતીપુર મ્યુ. ઉર્દુ શાળા નં. ૧-૨ અને રાજપુર મ્યુ. ઉર્દુ શાળા નં. ૧-૨ પુનઃ યથા સ્થાને ચાલુ કરાવવા જમાઅતે ઇસ્લામી હિંદ (અહમદાબાદ પૂર્વ) અને વિદ્યાર્થી સંગઠન સ્ટૂડન્ટ્સ ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશન ઓફ ઇન્ડિયા (એસ.આઈ.ઓ.) ગુજરાત ઝોન દ્વારા ડે.પ્યુટી મ્યુ. કમિશ્નર અ.મ્યુ.કો.ને એક આવેદન પત્ર આપવામાં આવ્યા છે. આ અંગે જાણવા મળેલી માહિતી મુજબ આ ત્રણેય સ્કૂલોને એન્જીનીયરની રિપોર્ટ મુજબ ભયજનક ગણાવીને બંધ કરી દૂરની શાળાઓમાં ખસેડવામાં આવેલ છે. આ અંગે માહિતી આપતા એડવોકેટ એ.બી.શેખે જણાવ્યું હતુ કે “કોર્પો.ના એન્જીનીયરની આ રિપોર્ટ અમને સંતોષજનક લાગતી નથી. અહીંના નાના બાળકો બીજી શાળામાં રોડ ક્રોસ કરીને જઈ શકશે નહીં. આ શાળાઓ ૨૦૦૧ના ભુકંપ સમયેપણ અડીખમ ઉભેલી હતી અને આજે પણ તેની એક પણ ઈંટ ખસી નથી કે દિવાલોમાં તિરાડો પડી નથી. તો આખી ઇમારત ભયજનક કેવી રીતે થઈ ગઈ.” તેમણે શાસનાધિકારી ઉપર પ્રશ્ન ઉભો કરતાં વધુમાં કહ્યું કે, “રખિયાલ ઉર્દુ શાળા નં. ૧-૨ ભયજનક કહીને બંધ કરેલ છે. જ્યારે શાળાની નીચેની દુકાનો ચાલુ છે. તે કેમ ભયજનક નથી? શાસનાધિકારીશ્રીને ફકત ઉર્દુ શાળાઓ કેમ ભયજનક લાગે છે?”
એવી શંકા દેખાઈ રહી છે કે શાસનાધિકારીએ પક્ષપાતી વલણ અપનાવી ઉર્દુ શાળાઓને ભયજનક બતાવી બીજે ખસેડી તેને બંધ કરવાનો કારસો રચ્યો હોય તેવું લાગે છે. જેથી શાળા દૂર હોવાથી બાળકો જાય નહીં અને શાળા આપોઆપ બંધ થઈ જાય. આમ લઘુમતી કોમના બાળકોને શિક્ષણથી વંચિત રાખવાનો પ્લાન હોય એવું લાગે છે.
એસ.આઈ.ઓ.ના એક પ્રતિનિધિમંડળ દ્વારા આ ત્રણેય શાળાઓની મુલાકાત લેવામાં આવી હતી. સંગઠનના ઝોનલ સેક્રેટરી મુવ્વર હુસૈનનું માનવું છે કે, “ઉપરોક્ત શાળાઓનો કોઈ બીજા ઇજનેર મારફત સર્વે રિપોર્ટ કરાવવામાં આવે અને જો માઇનોર રીપેરીંગની જરૂર હોય તો તે કરાવી શાળાઓને પુનઃ યથાસ્થળે ચાલુ કરવાની પરવાનગી આપવામાં આવે. જો શાસનાધિકારીને ખરેખર આ શાળાઓ ભયજનક લાગતી હોય તો બાળકોના શિક્ષણની તેમની હાલની શાળાના કેમ્પસમાં જ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે. જે તંત્રની ફરજમાં શામેલ છે.” મુનવ્વર હુસૈને વધુમાં કહ્યું કે, “અમારા બાળકો પોતાનાં જીવનનાં જોખમે કોઈ પણ સંજોગોમાં બીજી શાળામાં બેસવા જશે નહીં અને જો તેમને બળજબરીથી બીજી શાળામાં મોકલવામાં આવશે અને કોઈ અકસ્માત નડશે તો તેની સંપૂર્ણ જવાબદારી શાશનાધિકારીની રહેશે. તે બાબતની ગંભીર નોંધ લેવામાં આવે. આ બાબતમાં અમારે કોર્ટ કચેરીમાં ન્યાય મેળવવાનો વિકલ્પ ખુલ્લો છે.”
જમાઅતે ઇસ્લામી હિંદના સ્થાનીય પ્રમુખ વાસિફ હુસૈને કહ્યું હતું કે અહમદાબાદ પૂર્વ વિસ્તારમાં નાગરિકોની આ માંગણીને જો તંત્ર દ્વારા ગંભીરતાથી લેવામાં આવે અને તેના પર અમલ કરવામાં આવે તેવી આશા સાથે મેયર, ડેપ્યુ. મ્યુ. કમિશ્નર અને શાસનાધિકારીઓને લેખિતમાં જણાવવામાં આવ્યું છે. વાસિફ હુસૈને કહ્યું કે “આ માંગણીઓ સ્વીકાર કરી આ શાળાઓ પુનઃ યથાસ્થળે ચાલુ નહીં કરવામાં આવે તો ના છૂટકે ગાંધી ચીંધ્યા માર્ગે જન આંદોલન કરવાની ફરજ પડશે. અને તેનું જે કંઈ પરીણામ આવશે તો તેની સઘળી જવાબદારી વહીવટીતંત્રની રહેશે.”
હવે જોવાનું રહ્યું આ અંગે માંગણી ઉપર ગંભીરતાથી અને સહાનુભૂતિપૂર્વક વિચાર કરી નાના બાળકોનાં હિતમાં યોગ્ય નિર્ણય કરવામાં આવશે કે કેમ?