સાંપ્રદાયિક સદ્ભાવ દરેક દેશ અને જાતિ માટે જ નહીં બલ્કે દરેક માનવીની મૂળભૂત જરૂરત છે. સાંપ્રદાયિક સદ્ભાવ વિના કોઈ દેશ શાંતિપૂર્ણ અને રાહતમય નથી બની શકતો, તે સમૃદ્ધ અને સંતુષ્ટ નથી હોઈ શકતો, અર્થોમાં વિકાસ તથા સભ્યતાની ઉચ્ચતાઓ પામી નથી શકતો. સાંપ્રદાયિક સદ્ભાવ ન હોય તો વિકાસની તમામ શક્યતાઓ તથા સભ્યતાના તમામ સંસાધનો હોવા છતાં પણ વિકાસની ગતિ સુસ્ત-ધીમી હોય છે, અને ધીમી ગતિ સાથે જે વિકાસ થાય પણ છે તેમાં સ્થાયિત્વ તથા ટકાઉપણું નથી હોતું. ઊંચા મહેલો કયારે ધ્વસ્ત થઈ જાય, એ કોઈને ખબર નથી હોતી. સામાજિક સદ્ભાવ ન હોય, તો મોટી મોટી માનવ વસાહતો સુખ તથા શાંતિની દૌલતથી વંચિત રહે છે. દેશની અંદર પણ ભયનું વાતાવરણ સર્જાયેલ રહે છે, અને બાહ્ય ખતરાઓના વાદળ પણ હંમેશાં માથા પર છવાયેલ રહે છે.
આજે આ જ સાંપ્રદાયિક સદ્ભાવના અભાવે સમગ્ર વિશ્વને વિનાશના આરે લાવી ઊભો કરી દીધો છે. આપણો પ્રિય દેશ પણ આજે આ જ સાંપ્રદાયિકતાની આગમાં બળી રહ્યો છે. સાંપ્રદાયિકતાની આ આગથી કોઈનું પણ ઘર કે કોઈનું પણ માળું કે છત્રછાયા સુરક્ષિત રહેનાર નથી. આથી જ આ દેશના તમામ બુદ્ધિજીવીઓએ આ ગંભીર સમસ્યા અંગે વિચાર કરવો જોઈએ અને આ આગને ઓલવવાની રીત વિચારવી જોઈએ. કોઈને પણ આ ગેરસમજ કદાપિ હોવી ન જોઈએ કે આ આગમાં જો કોઈ બીજાનું ઘર સળગી રહ્યું છે તો તેનું ઘર તો સુરક્ષિત રહેશે. અથવા કોઈ બીજાની ખેતી-વાડી સુધી તેની જ્વાળાઓ પહોંચી ગઈ છે તો તેની ખેતી-વાડી સુધી તેની જ્વાળાઓ નહીં પહોંચી શકે.
જે લોકો પણ સાંપ્રદાયિકતાની આગ ભડકાવે છે તે માત્ર આ કારણે ભડકાવે છે કે તેમણે સ્વયં પોતાને ઓળખ્યા નથી. તેમણે ન તો પોતાની જાતને ઓળખી છે, ન તો બીજાઓને ઓળખવાનો પ્રયાસ કર્યો છે. બલ્કે ખરી વાત તો આ છે કે તેમણે પોતાના માલિક અને સર્જનહારને પણ નથી ઓળખ્યો. આપણે આ વાત ક્યારેય ભૂલવી ન જોઈએ કે આ ધરતી પર આપણે પોતાની મરજીથી નથી આવી ગયા, બલ્કે લાવવામાં આવ્યા છીએ. જેણે આ ધરતી બનાવી છે તેણે જ આપણને આ ધરતી પર વસાવ્યા છે. હંમેશ માટે નથી વસાવ્યા, બલ્કે થોડાક દિવસો કે સમય માટે વસાવ્યા છે, અને આમ જ નથી વસાવ્યા બલ્કે એટલા માટે વસાવ્યા છે કે આપણે આ ધરતી પર રહેતાં તેની આધીનતા અને આજ્ઞાપાલન કરીએ, અને તેને ભૂલીને પણ પોતાની મન-માની કરવા ન લાગીએ. તેણે આપણને એટલા માટે પેદા કર્યા છે કે આપણે આ ધરતી પર તેના સારા બંદા બનીને રહીએ, અને દરેક કાર્ય તેની મરજી મુજબ કરીએ, કયારેય તેની અવજ્ઞા ન કરીએ કયારેય કોઈ એવું કાર્ય ન કરીએ જે તેની ખુદાઈ (ઈશત્વ)ને પડકાર આપનાર અને તેને ક્રોધિત કરનાર હોય.
બીજાઓ પર જુલ્મ તથા અત્યાચાર કરનાર અને બીજાઓના લોહીથી પોતાના હાથ રંગીન કરનાર કે ખરડનાર વ્યક્તિ પોતાના માલિક અને માલિકના ક્રોધને આહ્વાન આપે છે. એવી વ્યક્તિ ક્યારેય પોતાના માલિકની પકડથી બચી નથી શકતી. તેને ભલે થોડાક દિવસો માટે છૂટ મળી જાય, પરંતુ એક ને એક દિવસે તેને પોતાના જુલ્મ તથા અત્યાચારનું પરિણામ ભોગવવું પડશે. જો આ દુનિયામાં તેની પકડ ન થઈ તો મૃત્યુ પછી આવનાર જીવનમાં પકડ નિશ્ચિત છે.
આ દુનિયામાં પોતાની જાતને ઓળખવા, પોતાના ક્રોધ પર કાબૂ મેળવવા, માનવો સાથે માનવ બનીને રહેવા અને જીવનના તમામ મામલાઓમાં પોતાના સર્જનહાર તથા માલિકની અવજ્ઞાથી બચવા માટે આખિરત (પરલોક) પર વિશ્વાસ રાખવાથી વધીને બીજી કોઈ વસ્તુ નથી, અને આ વિશ્વાસનું શિક્ષણ દરેક ધાર્મિક ગ્રંથમાં મૌજૂદ છે, પરંતુ આ ભૌતિકવાદી મનુષ્ય આ દુનિયાથી આગળ કંઈ પણ વિચારવા તૈયાર નથી.
અહીં વાત ચાલી રહી છે સાંપ્રદાયિક સદ્ભાવની, આથી આ વાતનું સ્પષ્ટિકરણ જરૂરી છે કે ઈશ્વરે મોકલેલ ધર્મ ઇસ્લામમાં સાંપ્રદાયિકતાને કોઈ સ્થાન નથી. તે એટલા માટે કે ઇસ્લામ કોઈ સંપ્રદાય, કોઈ પરિવાર, કોઈ જાતિ, કોઈ વંશ કે કોઈ કોમનો ધર્મ નથી. આ ધર્મ આ પૃથ્વી પર વસતા તમામ માનવોનો ધર્મ છે, અને તે તમામ માનવોને સંબોધિત કરે છે :
“લોકો ! અમે તમને એક પુરુષ અને એક સ્ત્રીમાંથી પેદા કર્યા અને પછી તમારી કોમો (જાતિઓ) અને કબીલા (બિરાદરીઓ) બનાવી દીધા કે જેથી તમે એકબીજાને ઓળખો. હકીકતમાં અલ્લાહની નજીક તમારામાં સૌથી વધુ પ્રતિષ્ઠિત તે છે જે તમારામાં સૌથી વધુ પરહેઝગાર (સંયમી) છે. નિશ્ચિતપણે અલ્લાહ સર્વજ્ઞ અને સુમાહિતગાર છે.” (સૂરઃ હુજુરાત, આયત-૧૩)
ઇસ્લામ ધર્મ કોઈ એક જાતિ, કોઈ એક સમુદાય કે કોઈ એક વંશનો નથી, બલ્કે આ ધરતી પર વસનારી સમગ્ર માનવ-જાતિનો ધર્મ છે. આથી એ માત્ર મુસલમાનોને જ નથી પોકારતો, બલ્કે સમગ્ર માનવોને સાદ પાડે છે.
આ બહુ મોટું દુર્ભાગ્ય છે કે આને ફક્ત મુસ્લિમ સમુદાયનો ધર્મ સમજી લેવામાં આવ્યો. આપણા દેશના લોકોએ આ જાણવું જોઈએ કે આ ધર્મની બિલકુલ એ જ હેસિયત છે જે હવા, પાણીની છે, જે સૂર્ય-ચંદ્રની છે, જે ધરતી અને ધરતીના તમામ કુદરતી સંસાધનો અને ઉપહારોની છે. જે રીતે ઈશ્વરે સર્જેલ તમામ સંસાધન કોઈ એક સમુદાય, કોઈ એક વંશ માટે નથી, બલ્કે આ વિશ્વ અને આ દેશના તમામ નાગરિકો માટે છે. બિલકુલ એવી જ રીતે આ ધર્મ ઇસ્લામ પણ આ વિશ્વ અને આ દેશના તમામ નાગરિકો માટે છે, બલ્કે આનાથી પણ આગળ વધી આ ધરતી પર વસનારા તમામ માનવો સહિત અન્ય મખ્લૂક (સૃજન) માટે છે.
આ ધર્મ વિશુદ્ધ સ્નેહ અને પ્રેમનો ધર્મ છે, આ તમામ માનવોને સન્માન આપે છે અને તેનાથી પ્રેમ કરવાનું શીખવે છે. આ તમામ માનવોને એકબીજાના ભાઈ અને એક જ માતા-પિતાની સંતાન ઠેરવે છે, આથી અહીં સાંપ્રદાયિકતાનો પ્રશ્ન જ ક્યાં આવે છે?
“ભલાઈ અને બૂરાઈ સમાન નથી. તમે બૂરાઈને તે ભલાઈથી દૂર કરો જે સર્વોત્તમ હોય. તમે જોશો કે તમારી સાથે જેની શત્રુતા હતી, તે આત્મીય મિત્ર બની ગયો છે.” (સૂરઃ હા મીમ અસ્ સજ્દહ, આયત-૩૪)
આ અંગે આપણા પૈગમ્બર અને માર્ગદર્શક હઝરત મુહમ્મદ સ.અ.વ.નું જીવનઆચરણ આપણી સામે છે. આપણા દેશ-બાંધવોએ આ સમજવું જોઈએ કે જો મુસલમાન કોઈ ભૂલ કરે છે તો તેનું કારણ આ નથી હોતું કે ઇસ્લામે તેમને આ શીખવાડયું છે, બલ્કે તેનું કારણ આ હોય છે કે તેમણે પોતાના ધર્મને સમજવા અને તેના શિક્ષણ પર અમલ-આચરણ કરવામાં ભૂલ કરી. તેમણે જાણે-અજાણે ઇસ્લામી શિક્ષણની અવહેલના/ઉપેક્ષા કરીને પોતે નુકસાન ઉઠાવ્યું, ઇસ્લામને નુકસાન પહોંચાડયું, તેની ખોટી છબી રજૂ કરી સમગ્ર માનવતાને નુકસાન પહોંચાડયું. મુસલમાનોની ભૂલોનો બોજો ક્યારેય ઇસ્લામના માથે નાખવો ન જોઈએ. તે એટલા માટે કે આ વાત વાસ્તવિકતાની વિરુદ્ધ છે, અને જે આવું કરે છે એ પોતે પોતાની જાતને નુકસાન પહોંચાડે છે. •••