ટેકનોલોજીના માધ્યમથી જાણકારી જેટલી ઝડપથી ફેલાય છે તેટલી જ ઝડપથી અદૃશ્ય પણ થઈ જાય છે. કેટલાક સમાચારો બિનજરૂરી હોય છે. તેમનો સંબંધ સમાજના સળગતા પ્રશ્નો સાથે ન હોવાથી તેમનું ચર્ચામાં વધુ ટકવુ જ હિતાવહ નથી. તેમનું ઝડપથી અદૃશ્ય થઈ જવું સમાજ માટે ફાયદાકારક હોય છે. પરંતુ યુવાનો માટે, સમાજ માટે અને દેશ માટે જે ઉપયોગી સમાચારો હોય છે કે જે તેમને સ્વસ્થતા બક્ષે છે તેમનું ઝડપથી અદૃશ્ય થઈ જવુ નુકસાનકારક છે. મીડિયા દ્વારા ભલે પારદર્શિતાની અને ત્રીજા સ્તંભની કે સત્યને વળગી રહેવાની ચીસો પડાતી હોય પરંતુ હકીકત આ છે કે એક સ્તર પર આવીને મીડિયા માત્ર સરકારોનું રમકડુ જ બની જાય છે. તેથી સરકાર પોતાનાથી વિરુદ્ધ વ્યક્તિ વિશેષને બદનામ કરવા કે પોતાની વિરુદ્ધ જતા લોકજુવાળને રોકવા મીડિયાનો ઉપયોગ કરતી આવી છે. એવું જ કઈંક રોહિત વેમુલા સાથે બન્યુ છે. જાતિવાદ સામેની લડાઈમાં ઝઝુમતા ઝઝુમતા રોહિતે પોતાનું જીવ ગુમાવી દીધું હતું. તે વાતને ૧૭ જાન્યુઆરીએ એક વર્ષ થઈ ગયુ છતાં તેના પરિવારને ન્યાય મળ્યું નથી. દલિતો સાથે શૈક્ષણિક સંકુલોમાં જાતિઆધારિત ટીકાટીપ્પણી અને માનસિક અત્યાચાર છેલ્લા કેટલાક સમયથી વધુ ઉગ્ર બન્યુ છે. જાતિ કે વર્ગ આધારિત ભેદભાવ એ અજ્ઞાાનતાની પરાકાષ્ઠા છે. છતાં કેટલાક નિમ્ન માનસિકતા અને ઉચ્ચ જાતિ ધરાવતા ધર્મ જનૂનીઓ જાતિ આધારિત થતા ભેદભાવને ન્યાયિક સમજે છે.!
આ જ માનસિકતા કોઈ ધર્મ માટે હોવી પણ અજ્ઞાાનતા જ છે. ન્યાયનો આધાર જાતિ, વર્ગ, ધર્મ કે રંગના આધારે ક્યારેય ન હોઈ અને જો થઈ જાય તો સમાજનો ન્યાય પરથી વિશ્વાસ ઉઠી જાય છે અને સમાજના તાતણો વેરવિખેર થઈ જાય છે. જેએનયુમાં નજીબને ગુમ થયે ૧૦૦ દિવસ થઈ ચુક્યા છે. છતાં કાયદાકીય કાર્યવાહીના નામે મીંડુ જ છે. એબીવીપીના ગુંડાઓ વિરુદ્ધ પુરાવા હોવા છતાં પોલીસ દ્વારા નક્કર પગલાં લેવાયા નથી. તેની પાછળ કઈ માનસિકતા કામ કરી રહી છે તે સ્પષ્ટ છે. નજીબની માતા દ્વારા વિરોધ પ્રદર્શન થતાં એનડમીનીસ્ટ્રેશન દ્વારા નજીબને શોધવાના ચક્રો ગતિમાન કરવાને બદલે ઉલટું તેની માતાની જ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી.!
કદાચ નજીબનું નજીબ હોવું જ તેને ગુનેગાર સાબિત કરે છે. કોઈ માતાનો વ્હાલસોયો દિકરો ૧૦૦ દિવસ સુધી ગુમ થયો હોય તેની વ્યથા શબ્દોમાં વર્ણવી શકાય નહીં પરંતુ મહેસૂસ કરી શકાય છે. રોહિત વેમુલા અને નજીબની સાથે આ રીતે અન્યાયી વલણમાં સરકારની સાથે મીડિયા પણ એટલી જ જવાબદાર છે અને સમાજ પણ એટલો જ જવાબદાર છે. દેશની ‘વિવિધતામાં એકતા’ના નારાને ફકત મોઢા સુધી સીમિત રાખવાના બદલે વ્યવસ્થામાં અમલીરૃપ આપવામાં આવે તો જ વિવિધતામાં એકતાનો નારો સાકાર થયો ગણાશે. મીડિયાની તટસ્થ ભૂમિકા ઉપર પણ પ્રશ્ન ઉઠતા જ રહે છે. મીડિયાએ પોતાની ત્રીજા સ્તંભ તરીકેની જે જવાબદારી આણી છે તેને ટકાવી રાખવા માટે તેને જરૃર પોતાના વલણમાં પરિવર્તન લાવવાની જરૃર છે. કેટલાક મીડિયાના લોકો દ્વારા નિર્ભયતાથી ન્યાય માટે અવાજ ઉઠાવવામાં આવે છે પરંતુ મોટા ભાગના બિકાઉ મીડિયાના શોરબકોર વચ્ચે તેમની અવાજ દબાઈ જાય છે. ત્રીજી અને અત્યંત મહત્ત્વપૂર્ણ જવાબદારી છે સમાજમાં વસ્તા લોકોની જે અન્યાય આજે કોઈ બીજા સાથે થયું છે તે અન્યાય તેમની સાથે પણ થઈ શકે છે. કોઈએ સાચુ જ કહ્યું છે “ઝુલ્મ પર ચુપ રહેના ભી ઝાલિમ કી મદદ હૈ.”
અલ્લાહનો નિયમ છે જ્યાં સુધી વ્યક્તિ કે સમાજ પોતાના લક્ષણોને બદલતો નથી ત્યાં સુધી તેની હાલત પણ બદલતી નથી. “…હકીકત એ છે કે અલ્લાહ કોઈ કોમની હાલત ત્યાં સુધી બદલતો નથી જ્યાં સુધી તે સ્વયં પોતાના લક્ષણો બદલતી નથી…” (સૂરઃ રઅ્દ-૧૧)