Saturday, April 20, 2024
Homeમનોમથંનસત્ય મેવ જયતે

સત્ય મેવ જયતે

સર્વે દેશવાસીઓ ચાતક નજરે ૨૩ મેની રાહ જાઈ રહ્યા છે. એવામાં બરાબર એના એક મહિના પહેલાં એટલે કે ૨૩ એપ્રિલને મંગળવારે જ્યારે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પ્રક્રિયા ચાલુ હતી ત્યારે જ ગુજરાત ૨૦૦૨ના જઘન્ય ગોધરાકાંડના એક ગંભીર, બિહામણા અને વિચારતાં જ કંપારી છૂટે એવા ‘બિલ્કીસબાનુ કેસ’નો સર્વોચ્ચ અદાલતે ચુકાદો સંભળાવ્યો.

મૂળ દાહોદ જિલ્લાના તત્કાલીન ઝાલોદ તાલુકાના (હાલમાં સંજેલી તાલુકો) રણધીકપુર ગામના બિલ્કીસબાનુ ત્રીજી માર્ચ ૨૦૦૨ના રોજ બપોરના સુમારે પોતાની બહેન અને બાળકો સહિત કુટુંબના ૨૦ સભ્યો સાથે એક ટેમ્પો ગાડીમાં પોતાના ગામ રણધીકપુરથી પીપલોદ તરફ જઇ રહ્યા હતા ત્યારે તત્કાલીન રાજ્ય સત્તાધીશો પ્રેરિત ૨૦૦૨ના હત્યાકાંડની શરૂઆત થઈ ચૂકી હતી અને આ લોકોને કઈંક અજુગતું થવાના ભણકાર લાગતાં આખું ટોળું રણધીકપુરથી પીપલોદની વચ્ચે મહીસાગર નદીના પટમાં મુખ્ય માર્ગથી એક ડુંગરની આડમાં સંતાયા, મોડી રાત્રે બે વાગ્યાના સુમારે આખું ટોળું પાણીની તરસ સંતોષવા નજીકના હેન્ડપમ્પ પાસે ગયું ત્યાં જ હેન્ડપમ્પના અવાજથી નજીકમાં જ રહેલા નરાધમો આખા ટોળા પર તૂટી પડ્‌યા અને બધા જ મૃતકોને આ નારાધમોએ પોતાનું પાપ છુપાવવા સારું આ જ નદીના પટમાં દફનાવી દીધા જો કે આ કેસ ફરી રીઓપન થતા બધા જ મૃતકોને નદીના પટમાંથી કાઢી પોષ્ટમોર્ટમ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઇ હતી. ત્યારથી એક લાંબા સમય સુધી આ બંને પતિ- પત્ની પણ છૂટા જ પડેલા, જે ઘણા સમયે એક-મેકને મળ્યા હતા.

૨૦૦૨ના જઘન્ય અપરાધ કાંડના મોટા મોટા કેસો પૈકીના આ એક કેસ – ‘બિલ્કીસબાનુ કેસ’ નો સર્વોચ્ચ અદાલતે ચુકાદો સંભળાવ્યો અને ૨૦૦૨ના જઘન્ય કાંડમાં તત્કાલીન શાસનને જવાબદાર અને કસૂરવાર ઠેરવવાની સાથે પીડિતાને ૫૦ લાખ રૂપિયાનું વળતર, તેની પસંદગીના સ્થળે તેની પસંદગીનું રહેઠાણ અને સરકારી નોકરી સાથેનું આ પ્રકારના કેસમાં પ્રથમ વાર અપાયેલ આવા ચુકાદા અને આવા વળતરથી સામાન્ય જનમાનસમાં ન્યાયપ્રતિ આશાનું એક કિરણ ફરી પ્રજવલિત થયું છે. અહીં સવાલ આટલી મોટી રકમ નો નહીં પરંતુ એક ભારતીય નાગરિકને બંધારણે બક્ષેલ પોતાની આબરૂ-ઈજ્જત અને પ્રતિષ્ઠાનો છે. જ્યારે એક સ્ત્રીને તેની નજર સામે જ તેની સાડા ત્રણ વર્ષની માસૂમ બાળકીનું પથ્થર પર પટકીને માથું વધેરી મોતને ઘાટ ઉતારવામાં આવી હોય, પોતાના જ ઘરના ૧૭ વ્યક્તિઓની નજર સામે જ કત્લેઆમ કરવામાં આવી હોય, પોતાની ગર્ભાવસ્થામાં જ ૧૦ જેટલા નરાધમ અને પિશાચો પોતાની પર તૂટી પડ્‌યા હોઈ પોતાનું સર્વસ્વ લૂંટાઈ અને બરબાદ થઈ ગયું હોય એવામાં ૧૭ વર્ષોના લાંબા ગાળે અથાક પ્રયત્નો અને વેદનાઓ સહિત ધમકીઓના માનસિક, શારીરિક અને આર્થિક તેમજ સામાજિક ત્રાસના અંતે મળેલ આ વળતર ચોક્કસ ન્યાય પ્રત્યેની આસ્થા ઉજાગર કરવામાં અને ક્ષુલ્લક સંતોષ માટે જ પૂરતું ગણી શકાય. આ ૧૭ વર્ષ દરમ્યાન તેણીએ દાહોદ તાલુકાના દેવગઢ બારિયાની રહીમાબાદ રિલીફ કોલોની સહિત દાહોદ, અમદાવાદ, વડોદરા અને આ પછી રાજ્ય બહાર પણ તે રાજ્ય-ગુજરાત કે જેના વિકાસનું મોડલ દેશભરમાં બતાવાઈ રહ્યું છે, તે ગુજરાત કે જ્યાં એકવાર મુલાકાત કરવા પ્રવાસીઓ, ઉદ્યોગકારો અને આમ જનતાને આમંત્રિત કરાય છે, એ ગુજરાત કે જેના તત્કાલીન પ્રશાસકને સદીઓનો નાથ બતાવાઈ રહ્યો છે, હા! આ એ જ ગુજરાત કે જેના જઘન્ય હત્યાકાંડ થકી જ સતત સીડીઓ ચઢી ભારતનો નાથ બનવા તરફ આગળ થવાયું, આ પછી તેણી પોતાના પતિ અને ચાર બાળકો સાથે મુંબઇ, દિલ્હી, લખનૌ સહિત પોતાના ૨૦-૨૦ સરનામા બદલતાં બદલતાં આખરે ૨૩ એપ્રિલે પ્રથમવાર લોકશાહીને મજબૂત કરવા બંધારણ પ્રતિ પોતાનું માન અને સન્માન સ્પષ્ટ કરવા સારું પોતાની જિંદગીમાં પ્રથમવાર દેવગઢ બારિયામાં ફાસીવાદ સામે પોતાના એક પીડિત વોટથી મતદાન કરી લગભગ ફાસીવાદ સામે બન્ડ પોકાર્યું છે, હવે આપણા સૌની રજ- રજનો જાણનાર અને સૌ માનવ મૃત્યુ પછી બદલાના દિવસે જેની સામે પોતાની જિંદગી સંદર્ભે જવાબદેહ છે તેવા આપણા સૌના સર્જનહાર અને પાલનહાર ઈશ્વર -અલ્લાહ દ્વારા આવા અતિ પીડિત વોટથી ફાસીવાદના મૂળિયા ઉખડી જાય અને બહેન બિલ્કિસબાનુને એક ઔર ન્યાય પ્રાપ્ત થાય એવુ પ્રાર્થીએ.

આટલું જ વળતર મળ્યા પછી પણ, આ રકમનો કેટલોક ભાગ પોતાના જેવા જ કોમવાદી અત્યાચારથી પીડિત અને ન્યાય માટે ઝઝૂમી રહેલાઓ માટે અને પોતાની દીકરી સાલેહાના કમકમાટી ભર્યા મોત માટે તેણીની યાદમાં પીડિતોના બાળકોના સારા ભવિષ્ય માટે તેમના શિક્ષણ પાછળ ખર્ચ કરવાનું ખુદ બિલ્કીસબાનુએ બુધવારે દિલ્હીમાં હકડેઠઠ ભરેલી પત્રકાર પરિષદમાં પોતાના પતિ અને આખાય ન્યાયસફરમાં સતત સાથ આપનારા યાકૂબખાન સાથે અશ્રુભીની આંખોએ જણાવ્યું હતું અને તેણીએ એમ પણ કહ્યું કે તે આખીય ન્યાયસફરના અંતે પોતાના અથાક સંઘર્ષ પછી પોતાની મોટી દીકરીને વકીલાત પણ કરાવશે જ.

બહેન બિલ્કિસબાનુને આટલા વળતર સિવાય આવા જઘન્ય કાંડના નરાધમોને વર્ષ ૨૦૦૮માં મુંબઈ ખાસ કોર્ટે બે પોલીસ અધિકારીઓ સહિત કુલ અગિયાર આરોપીઓને આજીવન કારાવાસની સજા ફટકારી હતી, જેને મે-૨૦૧૭માં મુંબઈ વડી અદાલતે યોગ્ય ઠરાવી છે. આ આખીય લાંબી લડાઈ અને સંઘર્ષમાં બિલ્કીસબાનુ એકલી જ ન હોતી પરંતુ અહીં તે આદિવાસી સ્ત્રી અને તેના પરિવારને પણ યાદ કરવા જોઈએ કે જેણે તેણીને કપરા સમયે મદદ કરી અને કપડા અને આશરો આપ્યો એટલું જ નહીં બલ્કે છેક સુધી તેની સાથે તેની સાક્ષીની રીતે ટકી રહી. ગુજરાત જેવા રાજ્યમાં આમ કોઈની સાક્ષી પર ટકી રહેવું સામાન્ય ખેલ નથી. આ ઉપરાંત તે આ ૧૭ વર્ષો દરમ્યાન જ્યાં જ્યાં પણ ગઈ અને રહી ત્યાં તેને સતત સાથ અને હૂંફ આપનારાઓનો પણ બહુ મોટો ફાળો ગણાય. અહીં, એ યાદ રાખવું જરૂરી છે કે, આમાંથી કોઈને તેણીની સાથે કોઈ રક્ત-બંધન ન હતું કે ના જ કોઈ જાતિ-જ્ઞાતિના સંબંધ, કે ના જ કોઈ ધાર્મિક સંબંધ હતા પરંતુ તે સૌ કોઈ બિલ્કીસબાનુને પોતાની ભારતીય નાગરિક સમજતા હતા અને તે સૌએ ન્યાયના આ સંઘર્ષમાં ન માત્ર બિલ્કીસબાનુને પોતાની નાગરિકતા પુરવાર કરવામાં મદદ કરી પરંતુ તે સૌએ આ કેસમાં પોતાની પણ નાગરિકતા પુરવાર કરી અને તેનો હક પણ નિભાવ્યો. નાગરિકતા આમ એકલા જ નહીં પરંતુ સૌ સાથે મળીને જ પ્રાપ્ત કરી શકાય છે અને રાષ્ટ્રીયતા પણ સૌ સાથે મળીને જ પુરવાર કરી શકાય છે. અને આ જ બંધુત્વની ભાવના આપણા અંદર પ્રગટ કર્યા વિના શક્ય જ નથી કે આપણે બાકીના ત્રણ આધાર- આઝાદી, સમાનતા અને ન્યાય પ્રાપ્ત કરી શકીએ.
બિલ્કીસબાનુના કેસથી કેટલીક બાબતો ભારતીય માનવ સમાજ માટે સ્પષ્ટ તરી આવી છે કે,

(૧) એક સામાન્યજનને પોતાની જાતને ભારતીયતા મેળવવી સામાન્ય બાબત નથી. અહીં ઉલ્લેખ ભારતમાં રહેવા માત્રનો નથી પરંતુ એક ભારતીય તરીકે બંધારણે બક્ષેલ મૂળભૂત અધિકારો સાથે ખરા અર્થમાં ભારતીયતા પ્રાપ્ત કરવાનો છે.

(૨) ચોક્કસ પાપ છાપરે ચઢી પોકારે જ છે અને દોષિતોને કાલે ક્યામતના દિવસે સૃષ્ટિના સર્જનહાર સમક્ષ તો યોગ્ય અને આકરી સજા મળશે જ, પરંતુ અહીં પણ નામોશી તો મળે જ છે

(૩) ન્યાય મોડાં મોડાં પણ સત્ય પુરવાર કરે જ છે અને ચોક્કસ પ્રાપ્ત થાય જ છે.

(૪) પોતાના આકાઓના ઇશારે કરાયેલા કુકર્મો અંતે તો પોતાને જ ભોગવવા પડે છે, આકા તો હાથ અધ્ધર કરી તમાશો જોયે રાખે છે અને અંતે ભોગવવાનું પોતાના કુટુંબને જ આવે છે.

(૫) ૨૦૦૨ના જઘન્ય હત્યા કાંડના અન્ય બધા જ કેસો નરોડા હત્યાકાંડ, સરદારપુર હત્યા કાંડ, વિસનગરના દીપડા દરવાજા હત્યા કાંડ, કીડિયાદ હત્યાકાંડ, પાંડરવાડા હત્યાકાંડ વગેરે અનેકમાં પણ હવે ન્યાયની આશા બંધાઈ છે અને ચોક્કસ બધા જ કેસોમાં સૌ પીડિતોને પણ ન્યાય પ્રાપ્ત થશે જ અને અંતે

(૬) આ બિલ્કીસબાનુ કેસ દરેક ભારતીયને સાંભળવો અને સમજવો જરૂરી છે અને આ ૨૩ એપ્રિલની મહત્તા નોંધવા જેવી છે કારણકે, આ જ દિવસે દેશની સર્વોચ્ચ અદાલતે બિલ્કીસબાનુ સાથે થયેલા અન્યાયનો યથાયોગ્ય હિસાબ કર્યો છે. આ બિલ્કીસબાનુનો આખો કેસ ન માત્ર આપણી આંખો આંસુથી ભરવા સારું કે તેણીની ઉપર આપણી દયા ઉપજાવવા સારું જ છે પરંતુ ધીરજ, ચીવટ, અથાગ મહેનત અને સતત સંઘર્ષને સમજવા માટે અત્યંત જરૂરી છે કે જેના વગર નાગરિકતાનો કોઈ અધિકાર જ રાખી શકાતો નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments