સ્ટૂડન્ટ્સ ઇસ્લામિક ઓર્ગેનાઈઝેશન ઓફ ઇન્ડિયા -ગુજરાત ઝોન દ્વારા “શિક્ષણ સંવાદ – નેશનલ એજ્યુકેશન પોલિસી 2020” વિષય પર તા. 16/08/2020ના રોજ એક ઓનલાઈન પેનલ ડીસ્કશનનું આયોજન કરવામાં આવ્યું. જેમાં પેનલિસ્ટ્સ તરીકે ડો. ઇફ્તેખાર મલિક (સેક્રેટરી, એજ્યુકેશન બોર્ડ, JIH ગુજરાત), સુખદેવ પટેલ સાહેબ (જાણીતા શિક્ષણવિદ્), ડો. તોસીફ મડિકેરી (સીઈઓ, શાહીન ગ્રૂપ ઓફ ઇન્સ્ટિટ્યૂશન) હાજરી આપી હતી.
ડો. ઇફ્તેખાર મલિકે પ્રોગ્રામ આરંભ કરતા NEP-2020ની પ્રાથમિક માહિતી ખૂબ સરળ ભાષામાં સમજાવી, વર્તમાન શિક્ષણની પરિસ્થિતિ અને સરકારની પોલિસી પર અમલવારીમાં જે વિરોધાભાસ છે તેના ઉપર વિચારો રજૂ કર્યા.
શ્રી સુખદેવ પટેલ સાહેબે કહ્યું કે, “નવી શિક્ષણ નીતિમાં નવું શું છે, તે ક્યાંય દેખાતું નથી.” વધુમાં કહ્યું કે, “આ નીતિમાં RTE Act ને સંપૂર્ણ રીતે અવગણવામાં આવ્યું છે.” તેમણે સૂચન આપ્યું કે તેની અમલવારીમાં શિક્ષણ સાથે જોડાયેલા લોકોની ભાગીદારી માટે ફરજિયાત જન આંદોલન ચલાવવું પડશે .
ડો. તોસીફ મડિકેરીએ પોતાના વિચારો રજૂ કરતાં જણાવ્યું કે, “નીતિ ઘડનારાઓએ રિસર્ચ અને સંશોધન ક્ષેત્ર અને સરેરાશ ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશાંકનો યોગ્ય રીતે અભ્યાસ કર્યો નથી. નવી નીતિમાં જે અધવચ્ચે છોડનારા માટે સર્ટિફિકેટ કોર્ષ કે ડિપ્લોમા કોર્ષ તરીકે સ્કીલ ડેવલપમેન્ટ ની જોગવાઈ સમાજમાં સસ્તા કારીગરો માત્ર પૂરા પાડશે જેથી સમાજમાં આર્થિક વર્ગો વચ્ચેનુ અંતર વધશે. વોકેશનલ ટ્રેનિંગ એ સર્ટિફિકેટ કોર્ષ તરીકે નહીં, પરંતુ અભ્યાસક્રમના ભાગ તરીકે હોવું જોઇએ. વધુમાં જણાવ્યું કે ઓછામાં ઓછા દરેક જિલ્લા કક્ષાએ ઉચ્ચ શિક્ષણના સંસ્થાનો શરૂ કરવા જોઇએ તેમજ RTEના નામે ઘણી સરકારી શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. તેમની માંગ છે કે સરકાર વાસ્તવિક રૂપમાં RTE ની અમલવારી પર ધ્યાન આપે.
આ સંવાદના અંતે દર્શકો દ્વારા પ્રશ્નનો પૂછવામાં આવ્યા જેના દરેક પેનલિસ્ટે સંતોષકારક રીતે ઉત્તર આપ્યા.
સંવાદના અંતમાં ડો. ઇફ્તેખાર મલિકે કહ્યું કે શિક્ષણનું કેન્દ્રિયકરણ અને વ્યાપારીકરણ રોકાવું જોઈએ અને દરેક ભારતીયને શિક્ષણનો મૂળભૂત અધિકાર ખરી રીતે મળી રહે એ રીતે પોલિસીની અમલવારી થવી જોઈએ.
આ સંપૂર્ણ પેનલ ડિસ્કશનનું ઉત્તમ સંચાલન મુનવ્વર હુસૈન (કેમ્પસ સેક્રેટરી, SIO ગુજરાત) એ કર્યું હતું.