Saturday, July 27, 2024
Homeઓપન સ્પેસસોશ્યલ મીડિયા અને ચિંતનનું મનોવિજ્ઞાન

સોશ્યલ મીડિયા અને ચિંતનનું મનોવિજ્ઞાન

લે. તબાના નૂરી

આપણા જીવન પર આપણા ચિંતનની ઊંડી અસર પડે છે. જાે ચિંતન સકારાત્મક હશે તો જીવન સકારાત્મક બનશે અને જાે નકારાત્મક હશે તો જીવન પણ નકારાત્મક જ બનશે. “જેવો વિચાર તેવું જીવન” વાળી કહેવત એટલા માટે જ સર્વ-વિદિત છે, કેમકે દરેક ચિંતન ચેતનાથી લઈને અચેતન મન સુદ્ધાંને હચમચાવી મૂકે છે. અચેતન મનમાં ઊતરેલા ભાવ તથા વિચાર જે સ્તરના હશે તેઓ એ જ સ્તરના વ્યવહાર તથા જીવનનું નિર્માણ કરશે.
ચિંતન એક માનસિક પ્રક્રિયા છે. આ શિક્ષણ, સ્મરણ, કલ્પના વિ. માનસિક ક્ષમતાઓથી જાેડાયેલ રહે છે. માણસ બુદ્ધિબળ તથા ચિંતનમાં અન્ય પ્રાણીઓ કરતાં વધુ વિકસિત પ્રાણી છે. મનુષ્યની પ્રગતિ મુખ્ય રીતે તેના ચિંતન પર આધારિત છે અને આના ઉપયોગથી તે પોતાની કેટલાય પ્રકારની સમસ્યાઓને ઉકેલે છે. વિચારોની આપ-લેમાં વ્યક્તિ ચિંતનનો ઉપયોગ કરે છે.
અન્ય માનસિક પ્રક્રિયાઓ કરતાં ચિંતન વધુ જટિલ પ્રક્રિયા છે અને આ મોટાભાગે ભૂતકાળના અનુભવ પર આધાર રાખે છે. અર્થાત્‌ ચિંતન વ્યક્તિના જ્ઞાનાત્મક વ્યવહારનો જટિલ સ્વરૂપ છે. ચિંતન શક્તિના કારણે જ વ્યક્તિ વિજ્ઞાન, ટેકનિકલ તથા અન્ય વિદ્યાઓનો વિકાસ કરે છે. આ એક એવી બૌદ્ધિક ક્ષમતા છે જેનું મહત્ત્વ વ્યક્તિના જીવનના દરેક ક્ષેત્રમાં છે.
ચિંતનને આપણે માનસિક વિચારની વ્યવસ્થા પણ કહી શકીએ છીએ. એટલે કે વ્યક્તિની એક વિચારશીલ અવસ્થાનું નામ ચિંતન છે. વિચારનો અર્થ છે કે વિભિન્ન દૃષ્ટિઓથી એક વાતને જાેવા અથવા સમજવાનો પ્રયત્ન કરવો. ચિંતન હેઠળ આપણે વિચારને ચકાસીએ છીએ, સમાલોચના કરીએ છીએ અને તેના પ્રત્યે જાગૃત થઈએ છીએ, તુલના કરીએ છીએ. પ્રશ્ન-પ્રતિપ્રશ્ન કરીએ છીએ. વિશ્લેષણ કરીએ છીએ, વારંવાર દોહરાવીએ છીએ અને ઇચ્છિત વાતોને સામે લાવવા માટેનો પ્રયાસ કરીએ છીએ. વિ. વિ..
ચિંતનની પ્રક્રિયા આપણા મસ્તિષ્કમાં ચાલતી રહે છે. ચિંતનમાં વિભિન્ન આંતરિક ક્ષમતાઓનો ઉપયોગ થતો રહે છે. જેમકે કલ્પના, એકાગ્રતા, જાગૃકતા, સ્મૃતિ, સમજ અને અવલોકન વિ. આ તમામ આંતરિક ક્ષમતાઓ ચિંતનની પ્રક્રિયામાં સહભાગી તથા સહયોગી બને છે.
મનોવિજ્ઞાનના નિષ્ણાંતોનું માનવું છે કે સકારાત્મક, કલ્યાણકારી અને સુખમય ભાવનાઓથી ઓતપ્રોત વિચાર, દૃશ્ય, ઘટનાઓના દર્શન-શ્રવણ તથા તેના પર સતત ચિંતન-મનનથી મન, બુદ્ધિ, ચિત્ત, હૃદય તથા અંતઃકરણ સહિત સંપૂર્ણ જીવનમાં સુખ-શાંતિ, સંતોષ અને પવિત્રતાથી ભરાવા લાગે છે.
મનો-વિશ્લેષકો કહે છે કે કલ્યાણકારી ભાવનાઓથી જાેડાયેલ ક્રિયા-કલાપોમાં સક્રિય રહેવાથી જીવનની ચિંતાઓ મટે છે, ચિત્તથી લઈને મન-મસ્તિષ્ક સકારાત્મક શક્તિઓથી ભરાય છે, તથા શારીરિક ક્ષમતામાં રચનાત્મક ઉર્જા જાગે છે. અંતઃકરણમાં ઉત્સાહ અને આત્મવિશ્વાસ વધે છે અને જીવન સુખદ, પ્રસન્નચિત્ત, સમૃદ્ધ તથા શાંતિમય બને છે. આ જ નહીં, આનાથી સમયની સાથે-સાથે પરિવાર તથા સમાજ પ્રત્યે હિતકારી ભાવનાઓ તથા સંવેદનાઓ ઉત્પન્ન થાય છે. એવું વાતાવરણ સર્જાય છે જે કલ્યાણકારી સમાજનું નિર્માણ કરે છે.
આજકાલ આપણે વિચારોના યુગમાં જીવી રહ્યા છીએ. મીડિયા તથા સોશ્યલ મીડિયાનો યુગ છે, જે આપણા ચિંતન, વિચાર તેમજ વ્યવહારને દરેક ક્ષણે પ્રભાવિત કરે છે, કેમકે આ પોતાના કાર્યક્રમોના માધ્યમથી સકારાત્મક તથા નકારાત્મક બન્ને પ્રકારની પ્રેરણાઓ જન-માનસમાં જગાવવામાં સફળ પુરવાર થતા જઈ રહ્યા છે. આથી મનોવૈજ્ઞાનિક મીડિયા – સોશ્યલ મીડિયાના નકારાત્મક પ્રભાવોથી ચિંતિત પણ છે. આવામાં વ્યક્તિએ ખૂબ જ સાવધાન-સચેત થઈને આના સંદેશને ગ્રહણ કરવાની આવશ્યકતા છે અને આના ઉપયોગમાં સાવધાની રાખવાની જરૂરત છે.
વર્તમાન સમયમાં આપણે જે સોશ્યલ મીડિયા અને મીડિયા પર દરેક ક્ષણે જે જાેતા રહીએ છીએ, એ આજે સકારાત્મકતા ઓછી અને નકારાત્મકતા વધુ પીરસી રહ્યું છે, જે જાેનારના અચેતન મનમાં જઈને બેસે છે, જેને જાેયા પછી મનમાં વિવિધ પ્રકારની આંશંકાઓ જન્મ લે છે. આ રીતે આપણે જેમ જેમ તેમના પ્રત્યે વિચારીએ છીએ,આના દુષ્પ્રભાવ આપણા અચેતન મન પર પડતા રહે છે.
ચિંતનનું વિજ્ઞાન કહે છે કે સકારાત્મક ભાવનાઓથી સકારાત્મક અને નકારાત્મક ભાવનાઓ સાથે વિચારવાથી નકારાત્મક ઉર્જાવાળા તરંગો વાતાવરણમાં ફેલાય છે. અર્થાત્‌ જેવી ભાવનાઓવાળા તરંગો આપણે પોતાના અંતઃકરણથી મોકલીએ છીએ, એવા જ પ્રકારના તરંગો કેટલાય ગણા વધીને આપણી સામે આવવા લાગે છે.
આથી આવશ્યક છે કે આપણે મીડિયા તથા સોશ્યલ મીડિયા દ્વારા પીરસવામાં આવતી એવી વસ્તુઓને જાેવાથી બચીએ, જેમને આપણે પોતાના જીવનમાં લાવવા નથી ઇચ્છતા, બલ્કે એવી વસ્તુઓ પર પોતાનું ધ્યાન કેન્દ્રીત કરો, જે આપણા જીવનમાં ખુશી, સુખ-શાંતિ અને સંતોષ લઈને આવે. આ ખરૂં છે કે આ યુગમાં સોશ્યલ મીડિયા તથા મીડિયાથી કે અવગણના નથી કરી શકતા, પરંતુ આના સકારાત્મક ઉપયોગના પ્રયત્નો તો આપણે કરી જ શકીએ છીએ. આથી આ માધ્યમનો ઉપયોગ એવી વસ્તુઓ માટે કરો, જેનાથી જીવનમાં સકારાત્મકતા આવે.
સોશ્યલ મીડિયા જ્યાં સકારાત્મક ભૂમિકા નિભાવે છે, ત્યાં જ કેટલાક લોકો આનો દુરુપયોગ પણ કરે છે. સોશ્યલ મીડિયાનો દુરુપયોગ કરી એવા લોકો દુર્ભાવનાઓ ફેલાવીને લોકોને વિભાજિત કરવાના પ્રયત્નો કરે છે. સોશ્યલ મીડિયાના માધ્યમથી ભ્રામક અને નકારાત્મક માહિતી પહોંચાડવામાં આવે છે કે જેનાથી જન-માનસ પર પ્રતિકૂળ પ્રભાવ પડે છે.
આ પુષ્કળ માહિતી આપે છે, જેમાંથી ઘણી બધી માહિતી ભ્રામક પણ હોય છે. આના દ્વારા માહિતીને કોઈ પણ રીતે વિકૃત કરીને રજૂ કરી શકાય છે. કોઈ પણ માહિતીનું સ્વરૂપ બદલીને તેને ઉશ્કેરણીજનક બનાવી શકાય છે, જેનો વાસ્તવિકતા સાથે કંઈ લેવા-દેવા નથી હોતા.
નકારાત્મક તથા સકારાત્મક વિચારના લોકો આ જ સમાજમાં રહે છે. આપણે સોશ્યલ મીડિયાનો ઉપયોગ કયા વિચાર સાથે તથા કેવી રીતે કરવાનો છે, એ આપણે જ નક્કી કરવાનું છે. આવામાં આપણે પોતે સાવધાની રાખીએ, સાથે અનુભૂતિ કરીએ કે વિચારોની આ નકારાત્મક ઉર્જા ક્યાંક આપણા જીવનને ખોટા માર્ગે લઈ જઈને તો ઊભું નથી કરી રહી ? •••
(લેખિકા ઓસ્ટ્રેલિયામાં રહેતી પ્રવાસી ભારતીય છે.)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments