પરિવાર માનવ સમાજનો મૂળભૂત અને મહત્ત્વપૂર્ણ ભાગ છે. કૌટુંબિક વ્યવસ્થાને સરળતાથી ચલાવવા માટે પરિવારના સભ્યો વચ્ચે સુખદ સંબંધો આવશ્યક છે. સમાજની મૂળભૂત રચના અને તેની શક્તિ એના પર ર્નિભર છે કે અલ્લાહ તઆલાએ જે મૂલ્યો ઉપર આ સંસ્થાની સ્થાપના કરી છે તેના ઉપર કેટલી હદે પાલન કરવામાં આવી રહ્યું છે. જેમ આપણા જીવિત રહેવા માટે અન્ન જરૂરી છે, તેમ માનવ-જાતિના ઉછેર તથા અસ્તિત્વ માટે પરિવારનું હોવું પણ આવશ્યક છે. તે માનવ શક્તિને લુપ્ત થવાથી બચાવે છે.
પતિ-પત્નીનો સંબંધ પરિવારના અસ્તિત્વનો સ્રોત છે. પુરુષો અને સ્ત્રીઓ લગ્નમાં જાેડાઈને સંસ્કૃતિના પ્રોત્સાહન અને વિકાસની પ્રક્રિયાને આગળ વધારે છે. પતિ અને પત્ની વચ્ચેનો સંબંધ પ્રેમ, કરૂણા, ભરોસો, આત્મવિશ્વાસ અને બલિદાનની લાગણીઓ પર આધારિત હશે, પરિવાર વધુ મજબૂત અને સ્થિર બનશે.
પરિવાર માનવ સંસાધન ઉપલબ્ધ કરાવવાની સંસ્થા પણ છે. પરિવારમાં જે પ્રકારની વ્યક્તિઓ ઉછરે છે તે જ પ્રકારે સમાજની રચના થાય છે. પરિવાર માનવ સંસાધનનો એકમાત્ર સ્રોત નથી બલ્કે અહીં મૂલ્યો ઉછરે છે અને આ સંસ્થા સભ્યતા અને સંસ્કૃતિના વિકાસમાં સહાયક હોય છે. તે હકીકતમાં એક નાનું રાજ્ય છે જ્યાં પરસ્પરના સંબંધો, અધિકારો અને જવાબદારીઓની ચુકવણી અને જીવનના ઉતાર-ચઢાવથી સંબંધિત વ્યક્તિની તર્બિયત-તાલીમની પ્રક્રિયા થાય છે. જે પ્રકારની વ્યક્તિઓ પરિવારમાં ઉછરે છે તેનું પ્રતિબિંબ સમાજ, ન્યાયતંત્ર અને કાયદા ઘડનાર સંસ્થા ઉપર પણ પડે છે. ઇસ્લામ લગ્નને એક મજબૂત અને નક્કર કરાર ઠેરવે છે. “અને તમે તે (ધન) કેવી રીતે લઈ લેશો જ્યારે કે તમે એકબીજાથી આનંદ પ્રાપ્ત કરી ચૂક્યા છો અને તેણીઓ તમારા પાસેથી પાકું વચન લઈ ચૂકી છે?” (કુઆર્ન, ૪ઃ૨૧). એવી જ રીતે ઘર શાંતિનું પારણું અને વૈવાહિક સંબંધો અલ્લાહના ચિહ્નોમાંથી એક ચિહ્ન બતાવે છે. “અને તેની નિશાનીઓમાંથી એ છે કે તેણે તમારા માટે તમારી જ સહજાતિથી પત્નીઓ બનાવી, જેથી તમે તેમના પાસે મનની શાંતિ મેળવી શકો, અને તમારા વચ્ચે પ્રેમ અને દયા પેદા કરી દીધાં. નિઃશંક આમાં ઘણી નિશાનીઓ છે તે લોકો માટે જેઓ વિચાર કરે છે.” (કુઆર્ન, ૩૦ઃ૨૧).
પરંતુ વર્તમાન સામાજિક સંદર્ભનું અવલોકન એ સ્પષ્ટ કરે છે કે સમાજની આ મહત્ત્વપૂર્ણ સંસ્થા વિવિધ જાેખમોનો સામનો કરી રહી છે. પરિવારના સભ્યોમાં આદરનો અભાવ, નૈતિક મૂલ્યોનું સંકટ અને વધતા જતા ભૌતિકવાદને કારણે આ સંસ્થાના પાયા હચમચી ગયા છે. કોવિડ -૧૯ લોકડાઉન દરમ્યાન આવા વલણનું સૌથી ભયાનક ચિત્ર ઊભરી આવ્યું. માર્ચથી સપ્ટેમ્બર ૨૦૨૦ વચ્ચે નેશનલ કમીશન ફોર વુમને ઘરેલુ હિંસાના ૧૩૦૦૦ કેસો નોંધ્યા હતા. “ઘરમાં રહો, સુરક્ષિત રહો”ના સૂત્રોથી હવે આ પ્રશ્ન ઊભો થયો છે કે ભારતીય ઘરો કેટલા સુરક્ષિત છે. સર્વેક્ષણના અહેવાલો જણાવે છે કે આ દરમ્યાન ઘરેલુ હિંસાના જેટલા કેસો નોંધાયા છે એ પાછલા દસ વર્ષોમાં ક્યારેય નથી નોંધાયા. જાે કે અસરગ્રસ્તોમાંથી ફકત ૭ ટકા લોકો જ ફરિયાદ નોંધાવે છે. એક બાજુ મહિલાઓ ભાષાકીય, શારીરિક, જાતીય, માનસિક અને આર્થિક શોષણનો ભોગ બની છે તો બીજી બાજુ પુરુષો પણ એવી સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે કે જેના સમાચારો શરમ અને અપમાનના ભયના કારણે જાહેર થતા નથી. બાળકો, યુવાઓ અને વૃદ્ધો સૌ વિવિધ પ્રકારની સમસ્યાઓના ભોગ બનેલા છે.
આ સંજાેગો સૂચવે છે કે આ મહત્ત્વપૂર્ણ સંસ્થામાં પહેલાંથી જ તિરાડ પડી રહી હતી અને લોકડાઉને તેને આત્યંતિક સ્તર સુધી પહોંચાડી દીધી છે. આજનો યુવાન લગ્ન અને કૌટુંબિક રચનાની જવાબદારીઓથી બચવા માંગે છે. તે માતૃત્વ કે પિતૃત્વની જવાબદારીનો ભાર ઉઠાવવા માટે તૈયાર નથી દેખાતો. લીવ ઇન રિલેશનશીપનું વધતું વલણ, સમલૈંગિકતા, ગર્ભપાત અને ધર્મ, પરિવાર અને સમાજથી બળવો, કહેવાતી સ્વતંત્રતાના કડવા ફળ છે કે જેનો ભોગ યુવાનો બની રહ્યા છે.
મુસ્લિમ સમાજે કુઆર્નના ઉપદેશો અને પયગંબર મુહમ્મદ સ.અ.વ.ના માર્ગને અનુલક્ષીને લગ્નની એક સરળ, સંતુલિત અને વ્યવસ્થિત પદ્ધતિ મુજબ અનુસરવાનું હતું, તેની સ્થિતિ પણ સારી નથી. મહિલાઓને તેમના યોગ્ય અધિકારો આપવામાં પણ બેદરકારી વર્તાઈ રહી છે. અન્ય સંસ્કૃતિઓનું ખોટું અનુકરણ અને બિનઇસ્લામી રિવાજાેએ વિધવા અને છૂટાછેડા મેળવેલ મહિલાઓનો નિકાહ લગભગ અશક્ય બનાવી દીધો છે. છૂટાછેડાના દરમાં વધારો, વૈધ શારીરિક સંબંધો અને મહિલાઓને વારસામાં અધિકારથી વંચિત કરી દેવી જેવા દૂષણો પણ મુસ્લિમ સમાજમાં પ્રવેશી ચૂક્યા છે.
વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ આપણું કર્તવ્ય છે કે આપણા ઘરોની કથળેલી સ્થિતિ અને તેના દ્વારા ઊભા થતા જાેખમો વિશે સમાજને જાગૃત કરવામાં આવે. પરિવારનું સ્થાન અને દરજ્જાને પુનઃસ્થાપિત કરવા અને તેને સાચી દિશા આપવી એ સમયનો તકાદો છે. ત્યારે જ માનવીય સમાજ મજબૂત, તંદુરસ્ત અને સ્થિર બની શકે છે અને તે જ રીતે સમૃદ્ધ અને ગતિશીલ સમાજની રચના થઈ શકે છે. આ જ હેતુને પ્રાપ્ત કરવા માટે જમાઅતે ઇસ્લામી હિંદના મહિલા વિભાગ દ્વારા “મજબૂત પરિવાર, મજબૂત સમાજ”ના વિષય અંતર્ગત ૧૯ થી ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૧ દરમ્યાન એક રાષ્ટ્રવ્યાપી અભિયાન ચલાવવાનો ર્નિણય લીધો છે.
આશા રાખીએ કે આ અત્યંત મહત્ત્વપૂર્ણ અભિયાનમાં લોકો જાેશ અને ઉત્સાહપૂર્વક સક્રિપણે ભાગ લેશે. આમ લોકો ઉપરાંત મિલ્લતનો બુદ્ધિજીવી વર્ગ અને સંસ્થા-સંગઠનો પણ “તઆવુન અલલ બિર્ર વત્તકવા”ના આધારે દરેક રીતે સાથ-સહકાર આપી આ અભિયાનને સફળ બનાવશે. “મજબૂત પરિવાર – મજબૂત સમાજ” નામથી જ આની જરૂરત અને આનું મહત્ત્વ સમજી શકાય છે. આના દ્વારા જ વ્યક્તિ દુનિયા અને આખિરતની સફળતા સરળતાથી પામી શકે છે, બૂરાઈઓથી બચી શકે છે અને નેકીઓ વધુમાં વધુ અને સારામાં સારી રીતે અમલમાં લાવી શકે છે.