Thursday, May 30, 2024
Homeમાર્ગદર્શનઇસ્લામમાં ઈશ્વરની કલ્પના

ઇસ્લામમાં ઈશ્વરની કલ્પના

રમઝાન સંદેશ – 1

ઇસ્લામમાં ‘અલ્લાહ’ સર્વવ્યાપી, સર્વશક્તિમાન , સમસ્ત સૃષ્ટિનો રચયિતા અને તેના પાલનહારનું વ્યક્તિગત નામ છે. આ શબ્દની વિશિષ્ટતા એ છે કે તેનું ન કોઈ બહુવચન છે, ન તો લિંગ અને ન તો તેનો ઉપયોગ કોઈ અન્ય માટે થાય છે. તેનાથી બંધબેસતો ભાવાર્થવાળો  શબ્દ ‘ખુદા’ અને નિકટવર્તી અર્થ ધરાવતો શબ્દ ‘ઈશ્વર’ છે.

એક મુસલમાન અલ્લાહની આ અદ્વિતીય કલ્પના દ્વારા તેનાથી પોતાનો સંબંધ જાડે છે. ઇસ્લામ અનુસાર અલ્લાહ સર્વશક્તિમાન, સમગ્ર સૃષ્ટિનો સૃષ્ટા અને પાલનહાર પણ છે. ન તેનો સમકક્ષ કોઈ છે અને ન તો તેની તુલના કોઈથી કરી શકાય છે. એક પ્રસંગે હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને તેમના સાથીઓએ ‘અલ્લાહ’ વિષે પૂછ્યું, ત્યારે તેનો પ્રત્યુત્તર અલ્લાહ તરફથી અવતરિત કુઆર્નની એક નાની સૂરઃના રૂપમાં આપવામાં આવ્યો. જેના વિષે કહેવામાં આવે છે કે તે ‘તૌહીદ’ (એકેશ્વરવાદ)નો સાર છે. આ સૂરઃની ક્રમસંખ્યા ૧૧૨ છે, જે આ પ્રકારે છે;

અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. “કહો, તે અલ્લાહ છે, અદ્વિતીય. અલ્લાહ સૌથી બેનિયાઝ અને સૌ તેના મોહતાજ છે. ન તેનું કોઈ સંતાન છે અને ન તે કોઈનું સંતાન અને કોઈ તેનો સમકક્ષ નથી.”

અર્થાંત્‌ અલ્લાહ એ છે જે કોઈના ઉપર અવલંબિત કે આધારિત નથી, ન કોઈ વ્યક્તિ  ઉપર કે ન કોઈ વસ્તુ ઉપર, કોઈ સજીવ-નિર્જીવ ઉપર પણ નહિ પરંતુ સૌ સજીવ-નિર્જીવ તેના ઉપર આધાર રાખે છે. તે શાશ્વત, સનાતન અને સંપૂર્ણ પ્રભુત્વશાળી  છે.

અલ્લાહ ઘણો મહેરબાન અને અત્યંત દયા કરવાવાળો  છે. કુઆર્નમાં એક સિવાય અન્ય તમામ સૂરઃ (કુલ ૧૧૪ સૂરઃ છે.) ‘બિસ્મલ્લાહિર્રહમાનિર્રહીમ’થી શરૂ થાય છે, જેનો અર્થ થાય છે ‘શરૂ કરૂં છું અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.’ પયગમ્બર હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના એક કથનમાં આપણને દર્શાવવામાં આવ્યું છે, ‘એક માં ની તુલનામાં પોતાના બંદાઓ ઉપર અલ્લાહ વધુ કૃપાશીલ અને દયા કરવાવાળો  છે.’

અલ્લાહ ન્યાયી છે, જેથી દુષ્કૃત્યો આચરનારને અને પાપીઓને પૂરી સજા મળી શકે તથા સદાચારીઓ ઈનામ મેળવી શકે. સત્ય તો એ છે કે આ ન્યાયના અંતર્ગત તેની મહેરબાની અને દયાની ભાવના કાર્યરત છે. તે લોકો જેઓ જીવનપર્યંત તેની પ્રસન્નતા માટે વિવિધ પ્રકારની કસોટીઓના શિકાર રહ્યા અને તે લોકો, જેઓ અન્ય મનુષ્યો ઉપર સમગ્ર જીવન દરમિયાન અત્યાચાર કરતા રહ્યાં અને તેઓનું શોષણ કરતાં રહ્યાં, આ બંને પ્રકારના લોકો સાથે સમાન વ્યવહાર કેવી રીતે હોઈ શકે ? કુઆર્નની નિમ્નલિખિત આયતો આ હકીકતને વધુ સ્પષ્ટ કરે છે,

 ‘વાસ્તવિકતા એ છે કે અલ્લાહથી ડરનારા લોકો માટે તેમના પાલનહાર પાસે બક્ષિસોથી ભરેલી જન્નતો છે. શું અમે આજ્ઞાંકિતોની હાલત ગુનેગારો જેવી કરી દઈએ? તમને શું થઈ ગયું છે, તમે કેવા ફેંસલા કરો છો ? (અલ-કલમઃ ૩૪ઃ૩૬)


રજૂઆતઃ ઈસ્લામ દર્શન કેન્દ્ર, જૂનાગઢ (કોન્ટેક્ટ નંબર- ૯૭ર૭ર૧૦૭૬૮)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments