આજે શિક્ષણ માત્ર વિકાસનું માપદંડ બની ગયું છે. યુવાનો માટે આજે સૌથી વધુ ચિંતાનો વિષય હોય તો એ છે શિક્ષણ અને રોજગાર. આજે હજારો પાઠ્યક્રમો કે કોર્સ ચાલી રહ્યા છે, માત્ર વર્ગખંડમાં જ નહીં પરંતુ ઓનલાઈન પણ. પરંતુ યુવાનોની સૌથી મોટી સમસ્યાએ છે કે કયો કોર્સ કરે. કયા ક્ષેત્રમાં જાય. યુવાનો પોતાના વિચારો, સામાજિક, આર્થિક અને ધાર્મિક પરિબળોને આધારે કોર્સ પસંદ કરે છે. એ યોગ્ય જ છે. વિદ્યાર્થી જે પણ ક્ષેત્રમાં જાય પોતાની રસ-રૂચિ અને ક્ષમતાને ધ્યાનમાં રાખે એ મહત્ત્વનું છે.
એની સાથે એણે એ પણ યાદ રાખવું જાેઈએ કે જે શિક્ષણ એ મેળવી રહ્યો છે એ માટે કોઈ ખાસ ઉદ્દેશ્ય હોય છે. કમભાગ્યે આ મહત્ત્વની બાબત પર ઘણા ઓછા લોકો ચર્ચા કરે છે. જગતમાં કોઈ પણ કાર્ય માટે કોઈ ઉદ્દેશ્ય કે કારણ હોય છે. આજનો વિદ્યાર્થી શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યો છે એનો ઉદ્દેશ્ય શું છે એ એના મનમાં સ્પષ્ટ હોવું જાેઈએ. જાે ઉદ્દેશ્ય સ્પષ્ટતાપૂર્વક ન સમજાય તો લાભ મળવા જાેઈએ એના બદલે નુકસાન વેઠવાનો સમય પણ આવી શકે છે. ઉદ્દેશ્ય વિના કરવામાં આવેલ કાર્ય વ્યર્થ પણ જઈ શકે છે. દુર્ભાગ્યે આજનો શિક્ષિત સમાજ આ ઉદ્દેશ્યને સમજવામાં થાપ ખાઈ ગયો હોય એવું લાગે છે, તેથી જ એ અપેક્ષાઓને પૂર્ણ નથી કરી રહ્યું જે કરવી જાેઈએ કદાચ એથી જ વિદ્યાર્થીઓના જીવનની સમસ્યાઓને ઉકેલવામાં આજની શિક્ષણપ્રથા અનુપયોગી થઈ પડી છે.
આજના વિદ્યાર્થીની સ્થિતિ અંધકારમાં ભટકતા કોઈ અજાણ્યા મુસાફિર જેવી થઈ ગઈ છે. જાે કોઈને ખબર ન હોય કે એને ક્યાં જવું છે અને શા માટે જવું છે તો પછી એને ચાલવામાં પણ કોઈ આનંદ નહીં આવે, ન જ એે મંઝિલે પહોંચવાની ધગશ હશે. એવી જ રીતે આજના વિદ્યાર્થીઓની રૂચિ પણ શિક્ષણથી ઓછી થઈ રહી છે. આજના વિદ્યાર્થી પાસે સ્ત્રોતો ઘણાં છે. પુસ્તકો, લાયબ્રેરીઓ, ઇન્ટરનેટ બધુ જ છે. એની પાસે અઢળક માહિતી છે પરંતુ ઊંડા જ્ઞાનનો અભાવ છે. એ માટે આપણે માત્ર વિદ્યાર્થીઓને દોષી ઠરાવી ન શકીએ. આજે વિશાળ ઇન્ફ્રાસ્ટ્રકચર ધરાવતી શાળા-કોલેજાે છે પરંતુ યોગ્ય રીતે દિલથી ભણાવનારા અનુભવી શિક્ષકો નથી. ફિક્સ પગાર ‘વિદ્યાસહાયકો’ પાસેથી આપણે વધારે શું અપેક્ષા રાખી શકીએ? યોગ્ય શિક્ષકોનો અભાવ, શિક્ષણનું વ્યાપારીકરણ, સરકારની નિરસ નીતિઓ અને દિશાહીન વિદ્યાર્થીઓ.. સમસ્યાઓ ઘણી છે પરંતુ એના ઉકેલ માટે કોઈની તૈયારી નથી.
જાે આજનો વિદ્યાર્થી શિક્ષણના સાચા હેતુને સમજી લે તો કદાચ પોતાની જાત, પોતાની કુટુંબ અને સમાજ તથા દેશ માટે વધુ ઉપયોગી સાબિત થઈ શકે છે.
શિક્ષણના હેતુને ન જાણવા ઉપરાંત બીજી સમસ્યા શિક્ષણના ઉદ્દેશ્યને ખોટી રીતે અર્થઘટન કરવું એ પણ છે. ઉદાહરણ તરીકે કેટલાક વિદ્યાર્થીઓ માત્ર આજીવિકા પ્રાપ્ત કરવાને જ શિક્ષણનો મૂળ હેતુ માને છે. આ સંપૂર્ણપણે ખોટું નથી પરંતુ આ વિચારસરણીએ શિક્ષણના હેતુને સીમિત કરી દીધો છે. કેમ કે જીવન માત્ર પૈસા કમાવવા ઉપરાંત પણ ઘણું બધું છે.
એવી જ રીતે કેટલાક વિદ્વાનોનું માનવું છે કે શિક્ષણનો ઉદ્દેશ્ય જ્ઞાન પ્રાપ્ત કરવું છે, પરંતુ અહીં પણ જ્ઞાન શા માટે અને કેવી રીતે એ વાત સાવ અધૂરી રહી જાય છે.
કેટલાક વિદ્વાનોનું કહેવું છે કે બીજી પેઢી સુધી સંસ્કૃતિના સ્થાનાંતરણનું માધ્યમ શિક્ષણ છે. કેટલાક લોકો શિક્ષણનો ઉદ્દેશ્ય પ્રતિભાનો વિકાસ કરવો એ બતાવે છે. જાે કે એમાંય પાછા કેટલાકનંું માનવું છે કે પ્રતિભા ખીલવી શકાતી નથી એ તો જન્મજાત હોય છે. માર્ટીન લ્યુથર કીંગ જુનિયર જેવાનું કહેવું છે કે શિક્ષણનો હેતુ બુદ્ધિમતા અને ચારિત્ર્યનો વિકાસ છે. માર્ગારેટ એમોન્સનું માનવું છે કે શિક્ષણનો હેતુ શિક્ષિત સમાજને શીખનાર સમાજ બનાવવાનો છે. મોટા ભાગના વિદ્વાનો આ બાબતે સર્વસંમત છે કે શિક્ષણનો ઉદ્દેશ્ય માણસને વિચાર કરતા કરવું, સારા નરસાનો ભેદ કરતા શીખવું અને જીવનની મુશ્કેલીઓને શાંત દિમાગે ઉકેલતા શીખવું એ છે.
વાસ્તવમાં શિક્ષણ ઘણા બધા ઉદ્દેશ્યોને પૂર્ણ કરવાનું માધ્યમ છે. એક તો માનવ પ્રતિભાનો વિકાસ કરવો છે. માણસ પોતાના જન્મથી જ વિકસિત થવાનું શરૂ થઈ જાય છે. એની પ્રતિભા સમાજમાં સ્વયં વિકસિત થતી જાય છે, પરંતુ શિક્ષણનું કાર્ય આ છે કે ઉદ્દીપકની જેમ આ વિકાસદરને વધારે.
શિક્ષણનું બીજું કાર્ય શીખવું અને કેવી રીતે શીખવું એ શીખવાડવાનું છે. આ જગતમાં માહિતીનો અખુટ ભંડાર છે. પરંતુ આ બધી જ માહિતી માનવ ઉપયોગી નથી હોતી. આમાંથી કેટલીક જ માહિતી ઉપયોગી હોય છે અને એનો કેવી રીતે ઉપયોગ કરી જ્ઞાનમાં વૃદ્ધિ કરી શકાય એ શીખવાડવાનું કાર્ય શિક્ષણ કરે છે. શિક્ષણનું એક કાર્ય વિદ્યાર્થીને સારો નાગરિક બનાવવાનું છે. પૂર્વની સંસ્કૃતિની જાણ કરવાનું છે. ક્યારે કોની સાથે કેવો વ્યવહાર કરવો, સમાજ અને સંબંધોની મર્યાદાઓનું સન્માન કરવું. એ બધું જ શિક્ષણથી શીખવા મળે છે. પરંતુ આજે આપણે જાેઈએ છીએ કે વિદ્યાર્થી સહિષ્ણુતાને બદલે બીજા લોકો સાથે અસહિષ્ણુતા દર્શાવે છે. એક ભણેલો ગણેલો માણસ પણ બીજા માણસ સાથે ઝઘડો કરે છે. ગાળો અને માથામારી પર ઉતરી આવે છે. એ માટે આવા લોકોની શિક્ષણના ઉદ્દેશ્યને ન જાણવું તથા એ માટે પ્રયાસ ન કરવો જવાબદાર ગણી શકાય. આવા લોકો શિક્ષણના હાર્દને સમજી જ નથી શક્યા. શિક્ષણનો ઉદ્દેશ્ય માત્ર નૈતિક રીતે માણસને મજબૂત બનાવવાનો ન જ હોઈ શકે પરંતુ જે શિક્ષણ બીજા સાથે સહિષ્ણુતા, સભ્યતાથી વાત કરવાનું તથા બીજાનું સન્માન કરવાનું ન શીખવાડે એ શિક્ષણ જ વ્યર્થ છે. જે શિક્ષણ માણસને સારા-નરસાના ભેદ સમજાવી ન શકે, લાંચ-રૂશ્વત લેતા ન રોકી શકે, એક સભ્ય અને સુસંસ્કૃત સમાજ ન બનાવી શકે તો જાણવું કે આપણી શિક્ષણ પ્રથામાં જ ક્યાંક કચાશ છે.
આનાથી એ વાત પણ સ્પષ્ટ થઈ ગઈ કે શિક્ષણનો એક હેતુ માણસને જીવનમાં સાચો માર્ગ દેખાડવાનો છે. માણસને સાચી દિશામાં દોરી જાય એ શિક્ષણનું માત્ર માર્ગ સાચો હોવો એ પૂરતું નથી. સાચા માર્ગ પર નૈતિકતા સાથે આગળ વધવું એ પણ મહત્ત્વનું છે. માણસને સાચો માણસ બનાવે એ શિક્ષણ.
આ લેખનો હેતુ બધા જ દાર્શનિક કે શૈક્ષણિક કે નૈતિક વિચારોની ચર્ચા કરવાનું નથી. એ તો ઘણી લાંબી પ્રક્રિયા છે. કેટલીક મહત્ત્વની બાબતો તરફ અંગુલીનિર્દેશ કરવાનું છે.
શિક્ષણ એવું હોવું જાેઈએ જેના થકી બુદ્ધિમાં વધારો થાય. સામાજિક જરૂરિયાતો પૂરી થાય. દેશના અર્થતંત્રમાં ફાળો આપી શકાય. અંધવિશ્વાસથી બચાવે. વિભિન્ન ધર્મો અને સમુદાયના લોકો માટે માનસન્માન ઉત્પન્ન કરે. બીજા ધર્મ અને આસ્થાઓના વિશ્લેષણનો માર્ગ ખોલી આપે.
શિક્ષણ એવું હોવું જાેઈએ જેને પ્રાપ્ત કરી વિદ્યાર્થી એક સારા સમાજનું નિર્માણ કરે. ફિલસુફ રસેલના શબ્દોમાં “આપણે ભૌતિકશાસ્ત્ર જીવનવિજ્ઞાન અને મનોવિજ્ઞાન વિના સમાજનું નિર્માણ નથી કરી શકતા.” આમ જ્ઞાન મેળવવા ઉપરાંત સારી રીતે જીવવા, જગતની વસ્તુઓને યોગ્ય પ્રમાણસર ઉપયોગ કરવાનો પણ શિક્ષણનો એક હેતુ છે.
આજના વિદ્યાર્થીઓ એવા શિક્ષણ માટે અગ્રેસર છે એ બાબત ગંભીતાથી વિચારવાની જરૂર છે.