વિદ્યાર્થીમિત્રો, શિક્ષણ શું છે અને કેવું હોવું જોઈએ? આ વિશે આપ લોકોએ ઘણી બધી વાતો સાંભળી અને જાણી હશે. આજે એક વિદ્યાર્થી તરીકે આપ લોકોમાં શું વિશેષતાઓ હોવી જોઈએ તેના વિશે થોડીક વાત કરીશું.
મારી દ્રષ્ટિએ સૌપ્રથમ એક સારો વિદ્યાર્થી એ છે કે જે જીવનમાં આવનારી દરેક નિષ્ફળતાઓ માટે હંમેશા તૈયાર હોય.
એક વાત યાદ રાખો, તમે લોકો તમારા પિતા માટે અલ્લાહ તરફથી મળેલી અમૂલ્ય ભેટ છો. જેથી કોઈપણ પ્રકારની નિષ્ફળતા મળે ત્યારે ગભરાવવું નહીં અને તેનો બહાદુરીપૂર્વક સામનો કરવો. નિષ્ફળતા એ તો જીવનનો એક ભાગ છે. તમારી સફળતા પરીક્ષાઓના પરિણામ પરથી નહીં પરંતુ તમારા વર્તન અને વિચારો પરથી નક્કી થાય છે. અને સૌથી મોટી પરીક્ષા એ જીવનની પરીક્ષા છે. મીઠાઈમાં જો ખાંડ જ ન હોય તો આવી મીઠાઈનો કોઈ મતલબ જ રહેતો નથી. આવી જ રીતે જો આપણા જીવનમાં સમસ્યાઓ જ નહીં હોય તો આવા જીવનનો પણ કોઈ મતલબ રહેતો નથી. સમસ્યાઓ આપણાં જીવનને રસપ્રદ બનાવે છે. આથી આપણી શૈક્ષણિક કારકિર્દી દરમ્યાન આવતી સમસ્યાઓનો પણ નિડરતાથી સામનો કરવો જોઈએ અને આગળ વધવું જોઈએ.
એક સારા વિદ્યાર્થી તરીકેની બીજી લાક્ષણિકતા કંઈક નવું શીખવા માટે હંમેશા તૈયાર રહેવું છે.
વિદ્યાર્થી તરીકે આપ સૌની પહેલી ફરજ ગ્રહણ કરવું છે. નવી વાતો, નવા વિચારો અને નવું જ્ઞાન આપ લોકોને સફળતાના પંથે આગળ વધવા માટે પ્રેરિત કરશે. પાયથાગોરસનો પ્રમેય જો ગોખવા કરતાં સમજવાનો પ્રયત્ન કરશો તો નોટબુકમાં દસ દસ વાર લખવાની નોબત નહીં આવે. આપણા દેશનાં ઇતિહાસ બાબતે જો થોડાક ઊંડા ઊતરવાનો પ્રયાસ કરીશું તો પરીક્ષાઓ દરમ્યાન તારીખો અને નામો યાદ રાખવામાં મૂંઝવણ ઊભી નહીં થાય. કહેવાનું તાત્પર્ય આ છે કે તમારા અભ્યાસ દરમ્યાન શિક્ષકો દ્વારા તમને પીરસવામાં આવતું જ્ઞાન એ અમૂલ્ય જ્ઞાન છે, એની કદર કરો.
એક સારા વિદ્યાર્થી તરીકેની ત્રીજી લાક્ષણિકતા એ છે કે એક સારો અને સાચો વિદ્યાર્થી ક્યારેય જૂઠું બોલતો નથી. અત્યારે આપણું દુર્ભાગ્ય એ છે કે આપણે બધાં ફેસબુક ઉપર આપણો બાયોડેટા મોબાઇલ નંબર અને ઘરના એડ્રેસ સાથે અપલોડ કરીએ છીએ, પરંતુ ખરાબ રીઝલ્ટ ઉપર પપ્પાની સહી જાતે કરીએ છીએ. તમને કંઈ પણ સમસ્યા હોય તો સીધાં જ તમારા વાલી અથવા શિક્ષકગણ ને વાત કરો. એક વાત બરાબર સમજી લો કે એક જુઠને છૂપાવવા માટે તમને બીજા દસ જૂઠ બોલવા જ પડશે. જેમ પાયા વગર કોઈ પણ ઈમારત બની શકતી નથી, એવી જ રીતે જૂઠનો સહારો લઈ, કરેલું કોઈ પણ કામ લાંબા સમય સુધી ટકતું નથી. મારી એક વાત અવશ્ય યાદ રાખજો કે એકવાર તમારી પાસે કોઈપણ જાતની ડિગ્રી નહીં હોય તો ચાલશે. પરંતુ જો તમારા કેરેક્ટર સર્ટિફિકેટમાં શૂન્ય માર્ક્સ હશે તો એના કરતાં વધારે મોટી કોઈ નિષ્ફળતા નહીં હોય.