Monday, June 24, 2024
Homeઓપન સ્પેસયૂસીસી : એક રાજકીય જાળ

યૂસીસી : એક રાજકીય જાળ

લે. એસ. અમીનુલ હસન

યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) પરની વર્તમાન ચર્ચા આપણા બધા માટે એક જાળ સમાન છે. આ એવું ર્નિજન રણ છે કે ન તો રસ્તો સાફ છે કે ન તો લક્ષ્ય નિશ્ચિત છે. આ એવું ગાઢ જંગલ છે, જેના ઊંડાણમાં માત્ર અંધકાર જ છે. આ પ્રસ્તુત કરનારાઓ આ સમયે અંધકારની ખૂબ નજીક છે અને પ્રકાશથી દૂર છે. તેઓ સમાજની જટિલ સમસ્યાઓનો ઉકેલ લાવવા માંગતા નથી, પરંતુ તેને બિનજરૂરી મુદ્દા સાથે ગૂંચવવા માંગે છે અને તેને ગૂંચવણમાં રાખવા માંગે છે. એટલા માટે તેઓએ યુનિફોર્મ સિવિલ કોડના રૂપમાં જાળ ફેલાવી છે. તેઓ આશા રાખે છે કે જાણ્યે-અજાણ્યે આપણે ચોક્કસપણે તેમાં ફસાઈ જઈશું. તેથી જ આપણે સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમથી આ ચર્ચામાં ભાગ લેવાનું શરૂ કરીએ છીએ, તો માની લો કે આપણે તેમની જાળમાં ફસાઈ રહ્યા છીએ.

ઉલ્લેખનીય છે કે ૨૦૨૩માં પણ કેટલીક ચૂંટણીઓ બાકી છે અને વર્ષ ૨૦૨૪ની ચૂંટણીઓ નજીકમાં છે. આપણા સમાજમાં ઘણી ગંભીર સમસ્યાઓ છે. સર્વત્ર અસમાનતા પ્રવર્તે છે. અહીં સમાનતા નામની કોઈ વસ્તુ નથી. જ્યારે યુનિફોર્મ સિવિલ કોડના સમર્થકો અને આ મુદ્દાને વેગ આપનારાઓ સામે તમામ મનુષ્યો સમાન નથી, તો પછી તેમના લગ્ન, છૂટાછેડા, વળતર, ઉત્તરાધિકાર અને મિલકત વગેરેને લગતા કાયદાઓ શા માટે સમાન બને? વાસ્તવમાં આ એક રાજકીય કાવતરૂં છે અને મુસ્લિમોને ફસાવવાની જાળ છે. કેટલાક લોકો ઇચ્છે છે કે ચર્ચાનો એજન્ડા મુસ્લિમો રહે અને વાસ્તવિક સમસ્યાઓ લોકોની નજરથી અદૃશ્ય થઈ જાય.

તેમની નિષ્ફળતાઓને ઢાંકવા માટે તેમને તમાશો જોઈએ છે અને તેમનો આ તમાશો એમની જરૂરત છે. તો આ સંબંધમાં મુસ્લિમોએ ચાર બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

પહેલી વાત તો એ છે કે જે લોકો આ મુદ્દો ઉઠાવી રહ્યા છે તેઓ દુનિયાને કહેવા માંગે છે કે મુસ્લિમો અલગથી આ દેશમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધી રહ્યા છે. તેઓ દેશના સામાન્ય લોકો સાથે મળીને ચાલવા નથી માગતા…

એટલા માટે મુસ્લિમોએ લાગણીઓમાં વહી જવું જોઈએ નહીં અને વિરોધમાં રસ્તા પર ન આવવું જોઈએ. આ માટે મુસ્લિમો પાસે પર્સનલ લો બોર્ડના રૂપમાં સંયુક્ત પ્લેટફોર્મ છે. તમે જે પણ કહેવા અથવા કરવા માંગો છો,તે આ પ્લેટફોર્મ દ્વારા જ કરવું વધુ સારૂં રહેશે. આ રસ્તાની સમસ્યા નથી, ઝુંબેશ કે અભિયાન ચલાવવાનો મામલો નથી, પરંતુ બૌદ્ધિક સ્તરે જાગૃતિ સાથે લડવાની લડાઈ છે.

બીજી એક મહત્ત્વની વાત જે આપણે ધ્યાનમાં રાખવી જોઈએ તે એ છે કે આ કોઈ લોકમતની બાબત નથી. એટલા માટે આપણે સોશિયલ મીડિયા પર કરવામાં આવતી આવી કોઈ પણ પ્રવૃત્તિથી દૂર રહેવું જોઈએ.

ત્રીજી વાત આપણે એ યાદ રાખવી જોઈએ કે વર્ષ ૨૦૨૧માં લો કમિશને પોતે કહ્યું હતું કે દેશને યુનિફોર્મ સિવિલ કોડની જરૂર નથી, પરંતુ બે વર્ષ પછી જો કાયદા પંચે વિવિધ જૂથો, સંગઠનો, બૌદ્ધિકો અને દેશના જે સામાન્ય લોકો પાસેથી અભિપ્રાય માંગવામાં આવી રહ્યા હોય, તો સમજી શકાય છે કે તે પોપટ છે અને તે ફક્ત તે જ બોલે છે જે તેને શીખવવામાં આવ્યું છે.

યુનિફોર્મ સિવિલ કોડ બનાવવો એ સરળ કાર્ય નથી. આ મુસ્લિમ અને બિન-મુસ્લિમ વચ્ચેનો મામલો નથી. આ માત્ર મુસ્લિમોનો મુદ્દો પણ નથી અને માત્ર મુસ્લિમો જ તેનાથી પ્રભાવિત થશે એવું પણ નથી. સમગ્ર દક્ષિણ ભારત તેના પ્રભાવ હેઠળ આવશે. દેશના ઉત્તર-પૂર્વનો સમગ્ર વિસ્તાર પ્રભાવિત થશે. તેના પ્રભાવના ક્ષેત્રને સમજો, તે સરળ કાર્ય નથી. આ દેશમાં સેંકડો ધર્મો, સેંકડો જાતિઓ, હજારો જનજાતિઓ અને બિરાદરીઓ જોવા મળે છે. તેમના સંસ્કારો અને રિવાજો તેમના માટે કાયદાનો દરજ્જો ધરાવે છે. કોઈ પણ વ્યક્તિ સરળતાથી તેમની ધામિર્ક વિધિઓ છોડશે નહીં. હા, એ વાત સાચી છે કે તેમાં કેટલાક ખોટા સંસ્કારો અને રિવાજો પણ પ્રવેશી ગયા છે, આપણે તેને વહેલી તકે સુધારવાની જરૂર છે.

ચોથી વાત આપણે સમજવી જોઈએ કે દેશની સામે એક મોટું જુઠ્ઠાણું અને પ્રચાર કરવામાં આવી રહ્યો છે કે “એક દેશમાં બે કાયદા કેવી રીતે હોઈ શકે?” ઘણા લોકો તેમની અજ્ઞાનતાના કારણે આ જુઠ્ઠાણા અને પ્રચારને સમજી શકતા નથી. આપણે બધાએ જાણવું જોઈએ કે ભારતમાં અસ્તિત્વમાં રહેલા કાયદા અને છેલ્લા ૭૫ વર્ષમાં બનેલા કાયદાઓ ખૂબ જ વ્યાપક છે. આખી દુનિયામાં કાયદાનો આટલો મોટો ભંડાર ક્યાંય નથી. આમાં ક્રિમિનલ, સિવિલ, બ્લેક મની, ટ્રાફિક, બિઝનેસ અને કોમશિર્યલ કાયદા સિવાય બીજા ઘણા કાયદા છે. આ કાયદાઓની યાદી ઘણી લાંબી છે. વિશ્વના સૌથી મોટા, સૌથી વિસ્તૃત અને સૌથી બહોળા કાનૂન ભારતમાં જોવા મળે છે. અહીં નિયમો અને અધિનિયમોના પહાડ છે.

કોણે કહ્યું કે દેશમાં બે કાયદા છે! શું દેશમાં બે પ્રકારના ફોજદારી કાયદા જોવા મળે છે? શું ટ્રાફિક નિયમો બે પ્રકારના હોય છે? શું દેશમાં વેપાર અને વાણિજ્યના કાયદા અલગ છે? લગ્ન અને છૂટાછેડા, ઉત્તરાધિકાર અને વારસાઈ, લઘુમતી અને વાલીપણા, અને દત્તક અને ભરણપોષણ – ચાર ક્ષેત્રો સિવાય સમાન નાગરિક સંહિતા હજુ પણ સમગ્ર ભારતમાં અસ્તિત્વમાં છે.

ભારતમાં કાયદાઓના આ આખા પહાડમાં જો તમે નાગરિક કાયદો જુઓ તો તે એક નાના પથ્થર જેવો છે. એક નાનો ભાગ છે. આ સિવિલ લોમાં પર્સનલ લો તેના કરતાં નાનો છે. આ પર્સનલ લોમાં મુસ્લિમ કાયદો રાઈના દાણા સમાન છે. હાલના શાસકો ઇચ્છે છે કે આ રાઈના દાણાને પહાડ બનાવી દેવામાં આવે અને અમે અમારી અજ્ઞાનતાને કારણે આમાં તેમને મદદ કરીએ છીએ. ઉપરોક્ત ચાર બાબતોનું ધ્યાન રાખીશું તો યુનિફોર્મ સિવિલ કોડની રાજકીય જાળમાં ફસાઈ જતા બચી શકીશું. •••

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments