આ તે મતભેદનો વિષય હોઈ શકે છે કે કયો ધર્મ સૌથી સત્ય ધર્મ છે, પરંતુ આ વાતથી મતભેદ કરી શકાય નહીં કે ધર્મ એ વિચારધારા છ જે મનુષ્યને નૈતિક સીમાઓમાં રહેવાનું શીખવે છે. ધર્મને જીવનમાંથી કાઢી નાખવામાં આવે તો નિરી-નૈતિકતાનો કોઈ અર્થ નથી રહી જતો.
નાસ્તિક લોકો પણ કોરી નૈતિકતાનો ઉપદેશ આપે તો અવશ્ય છે, પરંતુ તેમની પાસે આ વાતનો કોઈ ઉત્તર નથી હોતો કે જો ઈશ્વરનો કોઈ અસ્તિત્વ નથી અથવા પાપ અને પુણ્યના રૂપમાં કર્મોનો કોઈ સારો કે ખરાબ ફળ નથી ભોગવવો તો પછી આ નૈતિક સીમાઓ શા માટે ? જ્યારે મૃત્યુ પછી માટી જ થઈ જવાનું છે તો પછી શા માટે વધુમાં વધુ લૂંટ-ફાટ કે બેઈમાની કરવામાં ન આવે ? વૈધ-અવૈધની પરવા કર્યા વિના, રિશ્તાઓની મર્યાદાની પરવા કર્યા વિના બસ વધુમાં વધુ સુખ ભોગવવાના પ્રયાસો કેમ કરવામાં ન આવે ?
આ રીતે આપણે કહી શકીએ છીએ કે ધર્મ વિના નૈતિકતાનો કોઈ આધાર નથી, અને મનુષ્ય માટે નૈતિકતા ખૂબ જ આવશ્યક છે, નહિંતર મનુષ્ય અને પશુમાં કોઈ ભેદ બાકી નહીં રહી જાય. આથી નૈતિકતા માટે ધાર્મિક આધાર આવશ્યક છે. આ ધર્મ તો છે જે મનુષ્યને અંધકારમાં પણ પાપ કરવાથી રોકે છે.
આ ધર્મ જ છે કે પાપ થઈ ગયા પછી મનુષ્યમાં આત્મગ્લાનિ કે પસ્તાવાની ભાવના પેદા કરે છે અને અંતે તેને પ્રાયશ્ચિત કરવા માટે બાધ્ય કરી દે છે. માનવ-ઇતિહાસમાં અંતરાત્મા, વિવેક વિગેરે શબ્દો ધર્મની જ દેણ છે. હા, આ માનવના વિવેક અને શોધ પર નિર્ભર કરે છે કે એ કયા ધર્મને પોતાની પ્રવૃત્તિ અનુસાર વધુ અનુકૂળ જુએ છે ? આના માટે જરૂરી છે કે સાચા ધર્મની સાચી સમજ વિકસિત કરવામાં આવે.
અબ્દુલ્લાહ બિન અબ્બાસ રદિ.નું કથન છે કે ઈશ્વરના પયગમ્બર હઝરત મુહમ્મદ સ.અ.વ.એ ફરમાવ્યું, “જેની સાથે અલ્લાહ ભલાઈનો ઇરાદો કરે છે, તો તેને દીન (ધર્મ)ની સમજ એનાયત કરી દે છે.” (સુનન તિર્મિઝી-૨૬૪૫)
ઉપર વર્ણવવામાં આવેલ હદીસમાં જણાય છે કે દીનની સમજ સ્વયં પોતાનામાં ઈશ્વરની બહુ મોટી કૃપા છે. પરંતુ એક સામાન્ય માણસની સામે પ્રશ્ન આ પેદા થાય છે કે એ અંતે દીનની સમજ પેદા થાય છે કે એ અંતે દીનની સમજ કેવી રીતે હાસલ કરે. સામાન્ય રીતે તો આ જ કલ્પના ફેલાવી દેવામાં આવી છે કે દીન શીખવા માટે કોઈ ને કોઈ મદ્રસાથી શિક્ષણ હાસલ કરવું જરૂરી છે, જેમાં અરબી ભાષા, સર્ફ-વ-નહ્વ (અરબી ગ્રામર), ફિલોસોફી (દર્શનશાસ્ત્ર), મન્તિક (તર્કશાસ્ત્ર) અને શી ખબર શું શું ભણવાની જરૂરત હોય છે, જેમાં કેટલાય વર્ષો લાગી જાય છે. આ દરેક વ્યક્તિ માટે તો શક્ય નથી, અને જે લોકો આમાં જ લાગી જશે તેઓ બીજા જ્ઞાન, વિદ્યા અને કળા વિ. કેવી રીતે શીખશે ? અને કમાશે-ખાશે ક્યાંથી?
આના માટે કેટલાક મૌલવીઓએ આ ‘ઉકેલ’ સુઝાડયો કે દીનની સમજ હાસલ કરવી ન તો દરેકના વશની વાત છે, અને ન તો દરેક માટે જરૂરી (એટલે કે હદીસમાં જે દીનની સમજને ‘ખૈર’ કે ‘ભલાઈ’ બતાવાઈ છે એ ‘ખૈર’ કે ‘ભલાઈ’ ફક્ત કેટલાક ગણ્યા-ગાંઠયા લોકો માટે જ છે), બલ્કે સામાન્ય લોકો દીનના મામલામાં એ લોકો પર પૂરો ભરોસો કરે જે આ મદ્રસાઓથી ફારેગ હોય. બાકી લોકો દુન્યવી જ્ઞાન હાસલ કરવા અને કમાવા-ખાવા પર ધ્યાન આપે.
દીની અને દુન્યવી જ્ઞાનના આ અસ્વાભાવિક વિભાજન કે વ્હેંચણીએ મુસ્લિમ સમાજમાં પણ ‘પુરોહિતવાદ’ને જન્મ આપ્યો અને જ્યારે પણ કોઈએ આ ‘પુરોહિતવાદ’ને ખતમ કરવા માટે દીનને સરળ શૈલીમાં લોકો સુધી પહોંચાડવા માટેના પ્રયત્નો કર્યા, આ ‘પુરોહિત’ વર્ગે તેનો ખુલ્લેઆમ કે સ્પષ્ટપણે વિરોધ કર્યો. આ કાર્ય માટે આમ તો કેટલીય પ્રતીભાઓ મેદાનમાં આવી, પરંતુ મૌલાના સૈયદ અબુલ આ’લા મૌદૂદી (રહ.)એ જે રીતે સરળ ભાષા અને સરળ શૈલીમાં ઇસ્લામી શિક્ષણથી લોકોને વાકેફ કરાવ્યા એ પોતાનામાં એક આગવું ઉદાહરણ છે. તેમની તફસીર “તફહીમુલ કુર્આન”ને સામાન્ય કે પ્રચલિત ઉર્દૂ તથા હિંદી જાણનારા વર્ગને દીનની સમજ હાસલ કરવા માટે સૌથી શ્રેષ્ઠ તફસીર (વિવરણ) કહેવામાં આવે તો એ ખોટું નહીં હોય.
જે લોકોએ સંપ્રદાય, મસ્લક, ફિર્કાવારી પક્ષપાત (સાંપ્રદાયિક વિચાર)થી પાક-મુક્ત થઈને કુર્કાનના સંદેશને સમજવા માટે ‘તફહીમુલ કુર્આન’નું અધ્યયન કર્યું, એ લોકો બતાવી શકે છે કે આ તફસીર કેવી રીતે તેમને ઇસ્લામ અને કુર્આનથી વાકેફ કરાવે છે, અને આ કે શા માટે ફિર્કાપરસ્ત મૌલવી વર્ગ આના વિરોધ પર અડેલો રહે છે.
આથી જો તમે ઉપર વર્ણવવામાં આવેલ હદીસ મુજબ દીનની સમજ હાસલ કરીને એ ‘ખૈર’ (ભલાઈ)ના હક્કદાર બનાવા ચાહો છો તો સૌથી સરળ રીત આ છે કે તમે “તફહીમુલ કુર્આન”નું અધ્યયન કરો. ઈશ્વરની કૃપા રહી તો તમને દીન (ધર્મ) સહેલાઈથી સમજમાં આવી જશે. કોઈ પણ તપાસ કે સંશોધન વિના કોઈ વ્યક્તિ કે કોઈ લેખનને ગુમરાહ કરનાર કહેવું અને માની લેવું અજ્ઞાનીઓની રીત હોય છે, બુદ્ધિમાનોની નહીં. આથી પહેલાં પઢો અને પછી નિર્ણય લો.
કેટલાક મૌલવીઓ તરફથી આ જે પ્રોપેગન્ડા કરવામાં આવે છે કે “ખબરદાર ! ડાયરેકટ કુર્આનનો અનુવાદ અને તફસીર પઢશો નહીં, નહિંતર ગુમરાહ થઈ જશો” તો આ પણ એક ફરેબ છે. તે એટલા માટે કે કોઈ જન્મથી જ હિદાયત પામેલ નથી હોતો. અલ્લાહ તરફથી અવતરિત ‘વહ્ય’ (પ્રકાશના)ના ઇલ્મથી જ તેને ‘હિદાયત’ મળી શકે છે. આથી કુર્આનને સમજવું સૌના માટે જરૂરી છે, ચાહે અરબી ભાષાં શીખીને તે એ સમજ હાસલ કરવામાં આવે અથવા અનુવાદ અને તફસીર દ્વારા. આના વિના ‘હિદાયત’ની કલ્પના માત્ર એક વ્હેમ અને ધોખો છે. •••