માણસ સાચા હૃદયથી અને અંતરની ઝંખનાથી ‘સમજવાનો’ નિર્ધાર કરી લે તો તેના માટે એક ઇશારો માત્ર પૂરતો છે. ચેતના જીવંત હોય તો ઘણી બધી વાતો માત્ર ઇશારામાં સમજાઈ જાય છે. પણ હૃદયના દ્વારો બંધ હોય, વર્ષોના વર્ષો સુધી ન ઉઘડવાના કારણે મનની બારીઓ સજ્જડપણે ફિટ થઈ ગઈ હોય, તેના ઉપર અભાનતાની સાંકળો દેખાઈ ગઈ હોય તો જ્ઞાનના દરિયાના દરિયાઓ વહી જાય તો પણ તેમાં રત્તીભર ભિનાશ વર્તાશે નહીં. શુભેચ્છકોના શબ્દો કાન ઉપર અથડાઈને હવામાં વિલીન થઈ જશે. ગીત-સંગીતનો આનંદ લેવાની ઈચ્છા થશે.
ખેલ-તમાશાઓની મહેફિલોમાં માણસ ખોવાઈ જશે, ઓટલે કે ચોર-ચૌટે બેસીને ગપ-શપ માણવામાં આનંદ આવશે પરંતુ પાક-સાફ થઈને અને વુઝૂ કરીને અલ્લાહની કિતાબને લઈને બેસવાની ઇચ્છા નહીં થાય ! મોડી રાત સુધી ટીવી જોવા દરમ્યાન તો ઉંઘ નહીં આવે પરંતુ વહેલી પરોઢના જ્યારે અલ્લાહનો મુનાદી (મુઅઝિઝન) મસ્જિદના મીનારથી પોકારશે કે ‘આવો નમાઝના તરફ, આવો ભલાઈના તરફ, બેશક ! નમાઝ નિદ્રા કરતાં બહેતર છે’ ત્યારે માણસને મીઠી ઉંઘ આવી જશે ! પથારીમાંથી બેઠા થઈને અલ્લાહની સામે રજૂ થવાની ઇચ્છા જ નહીં જાગે ! આઠ-નવ વાગે જાગીને ચા-રોટી તથા નાશ્તાની તો રાહ જોશે, અને જો એ ન મળે તો ઘરવાળાઓ સાથે ઝઘડો કરવા સુદ્ધાં ઉપર ઉતરી આવશે પરંતુ ફજ્રના આહ્લાદક સમયની નૂરાની વર્ષાથી ભીંજાવાનું રહી ગયું એની તેને બહુ ચિંતા નહીં થાય. અલ્લાહની સામે મસ્તક ઝુકાવવાથી એ મેહરૃમ રહી ગયો તેનો એને જરાય અફસોસ નહીં થાય. કારણ એટલું જ કે હૃદયના દરવાજા બંધ છે. મનની બારીઓ ઊઘડવાનું નામ જ લેતી નથી ! ચેતના સાવ મૂર્છિત અવસ્થામાં પહોંચી ગઈ છે.
આજે (તા.૩-૧૧-૧૩) સવારની કુઆર્ન અભ્યાસ બેઠકમાં સૂરઃ ઝુખ્રૃફ (સૂરઃ નંબર ૪૩, પારા નંબર રપ)ની શરૃઆત થઈ. આ સૂરઃની પ્રસ્તાવનામાં મૌલાના મૌદૂદ્દી રહે.એ તફહીમુલ કુઆર્નમાં – ખૂબ સરસ વાતો લખી છે. મૌલાનાની તફસીર તફહીમુલ કુઆર્ન, કુઆર્નની બહેતરીન તફસીર છે. જગતની અનેક ભાષાઓમાં એના અનુવાદ થયા છે અને કરોડો લોકો એનાથી ફૈઝયાબ થયા છે. મૌલાનાએ આપ સ.અ.વ.ની સમગ્ર જીવનીને અને સહાબા રદિ.ના સતત સંઘર્ષમય રહેલા જીવનને નજર સમક્ષ રાખીને આ તફસીર લખી છે. સમય મળે તો જીવનમાં એક વાર આ તફસીર વાંચી જવાનો પ્રયાસ જરૃર કરજો. ઇન્શાઅલ્લાહ તમારા અંદર એક જબરજસ્ત હલચલ પૈદા થઈ જશે, પરિવર્તનના સ્ત્રોત ફૂટવા લાગશે. જીવનના મૂલ્યો બદલાવા લાગશે. ઇન્શાઅલ્લાહ, જીવનની ધારા બદલાઈ જશે. અલ્લાહથી નજદીક થવાની ભાવના એટલી બળવત્તર બની જશે કે અલ્લાહ-રસૂલની વાત સિવાય અન્ય કોઈ વાત તમને મીઠી નહીં લાગે. દુનિયાપરસ્તીનું કામણ ઓછું થવા લાગશે. સ્વાર્થવૃત્તિના તોફાન શમવા લાગશે. માનવજાત પ્રત્યે સ્નેહ અને માયા-મમતાના ઝરણાઓ ફૂટવા લાગશે, ગુનાહિત પ્રવૃત્તિઓ પ્રત્યે તમને નફરત પેદા થવા લાગશે, ભલાઈના ઉદ્યાનોને શોધવા તમારૃ મન અધીરૃં બની જશે. તમારા રંગરૃપ અને નકશોનિગાર બદલાઈ જશે, અને અલ્લાહની કિતાબ સાથે તમને એટલી બધી પ્રિત થઈ જશે કે એની જુદાઈ તમારાથી સહન નહીં થાય. હા, જરૂરત રહેશે માત્ર નિઃસ્વાર્થતાની, શુદ્ધ અને સાચા ભક્તિભાવની, અંતરની ઝંખનાથી અલ્લાહ-રસૂલના શરણે જવાની અને આખિરતના જીવનને સુંદરથી સુંદરતમ્ બનાવવા માટે સાચા સમર્પણની.
સૂરઃ ઝુખરૃફની પહેલી ત્રણ આયતોમાં જ આજના સવારના કુઆર્ન અભ્યાસનો લગભગ એક કલાક પસાર થઈ ગયો. કોઈએ સાચુ કહ્યું છે કે ‘આંખવાલા તેરે જોબનકા તમાશા દેખે.’ સૂરઃ ઝુખરૃફની પહેલી ત્રણ આયતોમાં અલ્લાહતઆલા કહે છે કે,
‘હામીમ, સોગંદ છે આ સ્પષ્ટતાઓથી હર્યભર્યા ગ્રંથના જેને અરબી ભાષાનો શબ્દદેહ આપવામાં આવ્યો છે કે જેથી તમો લોકો એના ઉતરાણના હેતુને સમજો.’ (૪૩/૧થી ૩)
આની વિવરણ નોંધ (૧) તફહીમ, ભાગ-૪, પેજ-પર૩)માં મૌલાના લખે છે કે અલ્લાહતઆલા પોતાની આ કિતાબના સોગંદ ખાઈને કહે છે કે હે ઇન્સાનો, અલ્લાહની આ સ્પષ્ટ કિતાબ તમારી સામે આજે પણ જેમની તેમ મોજૂદ છે. આંખ ખોલીને જરા એના તરફ જુઓ, એના સાફ-સૂથરા, સ્પષ્ટ અને તલસ્પર્શી વિષયવસ્તુને સમજવાનો પ્રયાસ કરો, એની ભષાાની મધૂરતા અને લાવણ્યને માણવાનો લ્હાવો લો, સત્ય અને અસત્ય વચ્ચે સ્પષ્ટ ભેદરેખા દોરી દેતા એના પ્રશિક્ષણ તરફ દૃષ્ટિપાત કરો, માનવજીવનને સાચી કર્મદિશાઓ તરફ દોરી જવા માટેની એની ભાવનાને સમજો. આ તમામ બાબતો એ વાતની પ્રત્યક્ષ સાક્ષી આપવા માટે પૂરતી છે કે અલ્લાહની આ કિતાબ તમારા સહુના સર્જનહાર અને પાલનહાર તરફથી માત્ર અને માત્ર તમારી સાર્વત્રિક ભલાઈ માટે જ ઉતરી છે. એનો એકેએક શબ્દ સ્પષ્ટ અને ભાવનાપ્રચૂર છે એની ભાષા અને એની અંદર વ્યક્ત થયેલી વાસ્તવિકતાઓ તમારા જીવનને ઉદાત્ત રંગરૃપ આપવા માટે ભરપૂર ખજાનો ધરાવે છે.
તફહીમુલ કુઆર્નના આ પેજની આ આયતો અને તેની વિવરણ નોંધ સામે હાશિયામાં મારી સમજ પ્રમાણે મેં જે નોંધ ત્યાં લખી છે તે પણ આપની સમક્ષ રજૂ કરવા હું આપને થોડીક તસ્દી આપીશ. આશા છે આપ એને ગ્રાહ્ય રાખશો. દોસ્તોના આગળ દિલની વાત નહીં કરીએ તો કોના સમક્ષ કરીશું ? અને તે પણ એવા દોસ્તો જે માત્ર અલ્લાહને ખાતર દોસ્તી નીભાવવા માટે ઉત્સુક હોય ! મેં આ હાશિયા નોંધમાં લખ્યું છેઃ
‘કુઆર્નના અર્થને અને તેના પાછળની ભાવનાને સમજવી તેને સ્વીકૃત રાખનારાઓ માટે અત્યંત જરૂરી છે. કુઆર્નની, તેના ઉતરાણકર્તા (અલ્લાહ)ની અને તે મહાન હસ્તી જેના ઉપર એ ઉતારવામાં આવ્યું તે પ્યારા નબી સ.અ.વ.ની અસલ મન્શા આ જ છે કે આ કિતાબને પઢનારા સદ્ભાગી લોકો તેના પાછળની સદ્ભાવના અને તેના આદેશોના સાતત્યને બરાબર સમજે. હૃદયની ધરતી ઉપર એની વર્ષાના અમીઝરણાઓને પ્રેમપૂર્વક ઝીલે, એમાં વ્યકત થયેલી લાગણીઓ, ભાવનાઓ અને આદેશોને અંતરના ઉંડાણમાં સમાવી લઈને એને ફલિત થવા માટે અંતરની ફળદ્રુપતાને કાર્યરત બનાવે. અંતરની રસાળતાને કાર્યરત બનાવીને એના અંદર વ્યકત થયેલા સદગુણો અને સદ્આચરણોના ફળ-ઝાડો તથા રંગબેરંગી પુષ્પવેલીઓને ફૂલવા ફાલવા માટે મોકળું મેદાન આપે.
દુર્ગુણો અને ગલત આચરણોના કાંટાળા ઝાડી-ઝાંખરાઓની માયાજાળને ફેંદીને જીવનને તમામ પ્રકારની ગંદકીઓથી પાક-સાફ કરવા કૃતનિશ્ચયી બનાવે. જો કુઆર્નને સમજવામાં નહીં આવે, તેની ભાવનાઓ જાગૃત કરવાની દક્ષતા કેળવવામાં નહીં આવે, અડચણોની વાડોને હટાવવામાં નહીં આવે તો મુસ્લિમ સમુદાયના જીવનમાં તે આંખે ઉડીને વળગે એવું પરિવર્તન ન આવી શકે જે અલ્લાહ અને તેના રસૂલ સ.અ.વ. ઇચ્છે છે. અલ્લાહની આ કિતાબ જેનું દિશા-સૂચન કરે છે તે દુનિયા તો કંઈક જુદી જ છે. જ્યાં સુધી આવી મહેનતો નહીં થાય ત્યાં સુધી કુઆર્નમાં દર્શાવ્યા પ્રમાણેની જીવનવ્યવસ્થા કાયમ થવી અશકય છે. માત્ર માનીને બેસી રહેવું, અને થોડો સમય મળે તો અલ્લાહની આ કિતાબોમાંથી થોડા શબ્દોનું પઠન કરી લેવું પૂરતું નથી. બેશક ! એને પઢવાનો સવાબ જરૃર છે પરંતુ દવા લીધા પછી એના તત્ત્વો જો લોહીમાં ભળે નહીં, બીમારીના જંતુઓનો નાશ કરવાની કાર્યક્ષમતા બતાવી શકે નહીં અને વિવિધ પ્રકારના અવરોધોથી ગ્રસ્ત થઈને એની (દવાની) અસરકારકતા નાબૂદ થઈ જવા લાગે તો બીમારીઓનું દૂર થવું શકય નથી.
વર્ષોના વર્ષ સુધી દવા લીધા કર્યા છતાં બીમારીઓ પીછો છોડશે નહીં. કુઆર્નના ઉતરાણનો હેતુ એ જ છે કે માનવજીવનને અનૈતિક વ્યવહારો અને ખરાબ આચરણોના વ્યાધીથી મુકત કરવામાં આવે. જીવનની ફળદ્રુપતા કાર્યરત બની જાય અને તેના વડે સદગુણોના ઉપવનો ખીલવા લાગે. સદાચારોની હરિયાળીઓ દૂર-દૂર સુધી વિકસિત થઈને આંખો અને મનને ઠંડકતા પ્રદાન કરવા લાગે. હૃદયની સખ્તાઈ દૂર થઈ જાય. હૃદય નરમ બની જાય. અલ્લાહની મખ્લૂક પ્રત્યે સદભાવના વર્તાવા તે અધીરૃં બની જાય. અને માનવજીવન સર્વપ્રકારની ભલાઈઓથી અભિભૂત બની જાય.
બેશક ! કુઆર્નને પઢવું જરૂરી છે. માત્ર કોઈકવાર નહીં, બલ્કે દરરોજ થોડું થોડું એનું પઠન કરી લેવું મોમિનના માટે અનિવાર્ય છે. ખુદ અલ્લાહતઆલાએ એના નિયમિત પઠનની આપણને સૂચના આપી છે. કુઆર્ન કહે છેઃ ‘ફકરઉ મા તયસ્સર મીન્હ’ (એમાંથી તમારા માટે જેટલું આસાન હોય તેટલું પઢવાનો આગ્રહ રાખો) અલ્લાહની કિતાબ સાથે સંબંધ જોડવાથી મનહૃદયને આનંદ પ્રાપ્ત થાય છે. એક અજીબ પ્રકારની સાંત્વનાની અનુભૂતિ થાય છે.
આપણી ચારે બાજુ અલ્લાહની રહેમત વ્યાપ્ત થઇ જતી હોય એવો અનુભવ થાય છે. મજરૃહ સુલતાનપુરીએ ખૂબ સરસ કહ્યું છે ઃ
વો તો કહીં હૈ ઔર, મગર દિલ કે આસપાસ,
ફિરતી હૈ કોઇ શૈ નિગાહે યાર કી તરહ,
મજરૃહ લિખ રહે હૈ વો અહલે વફા કા નામ,
હમ ભી ખડે હુએ હૈ, ગુનાહગાર કી તરહ.
પરંતુ જરા ધ્યાનપૂર્વક વિચાર કરીશું તો જણાશે કે અલ્લાહે આ આયતોમાં કુઆર્નની આયતોનો માત્ર શબ્દોચ્ચાર જ કરી લેવાનું નથી કહ્યું બલ્કે એમ કહ્યું છે. આ કુઆર્નને અમે અરબી ભાષામાં ઉતાર્યું છે કે જેથી તમો લોકો એને સમજો. ‘લઅલ્લકુમ તા’કેલૂન’ એ શબ્દો ઉપર ખાસ ચિંતન કરવાની જરૃર છે. દરેક લખાણ જે વાંચવામાં આવે કે વાંચી સંભળાવવામાં આવે તે એટલા માટે હોય છે કે વાંચનાર કે સાંભળનાર એને બરાબર સમજે, એના હેતુ અને લક્ષ્ય ઉપર ધ્યાન કેન્દ્રીત કરે, એમાં વ્યક્ત થયેલી ભાવનાઓ અને લાગણીઓના સ્પંદનોને ઝીલે, હૃદયની ધરતીને એની ભીનાશથી ભીંજવા દે અને હૃદયની ધરતીમાં ધરબાઇને પડેલા સદગુણો અને સદાચરણોને ફુલવા-ફાલવાની તક આપે. અલ્લાહના આદેશોને અમલમાં મૂકવાની ક્ષમતા કેળવે, પ્યારા નબી સ.અ.વ.એ કુઆર્નના પ્રકાશમાં જે માર્ગદર્શન આપ્યું છે તેના બીબામાં પોતાની જાતને ઢાળવા કૃતનિશ્ચયતા દાખવે. શયતાની ચાલોથી પોતાની જાતને સુરક્ષિત રાખવાનો પ્રબંધ કરે. અલ્લાહે જે કામો કરવાના આદેશો આપ્યા છે તેને અમલમાં મૂકે અને જે જે બુરાઇઓથી અલ્લાહે રોક્યા છે તેની માયાજાળને જીવનમાંથી કાઢીને ફેંકી દેવા પ્રતિબદ્ધતા દાખવે. તો જ સાચા અર્થમાં અલ્લાહ રસૂલે પસંદ કરેલા જીવન આચરણો આપણા જીવનમાં પાંગરી શકશે. અલ્લાહની પ્રસન્નતા તો જ સમીપ થશે. પ્યારા નબી સ.અ.વ.ની નજરોમાં તો જ આપણે પ્રશંસાને પાત્ર બની શકીશું.
વિશ્વભરમાં ફેલાયેલી ૧૫૦ કરોડ જેટલી મુસ્લિમ ઉમ્મતની જનસંખ્યાનો મોટો ભાગ કુઆર્નની જનસંખ્યાનો મોટો ભાગ કુઆર્નના ઉતરાણના આ હેતુથી આજે અજાણ છે. એ તરફ એમના લક્ષને જોઇએ એટલું કેન્દ્રીત કરવામાં આવ્યું નથી. માનવસર્જિત વિચારધારાઓ અને આંખોને આંજી નાખતી નિરંકુશ અને ખુદાબેઝાર વ્યવસ્થાઓની ઝાંકઝમાળથી આંખો અંજાઇ ગઇ છે. ભ્રમિત કરનારા વિચારો અને ક્ષણિક આનંદ-પ્રમોદની ઝાંકી કરાવતા ઉપભોક્તાવાદે ઉમ્મતના એક મોટા વર્ગનું ધ્યાન અલ્લાહથી હટાવી દીધું છે. રસૂલ સ.અ.વ. સાથે માત્ર નામનો સંબંધ બાકી રહ્યો છે. રસૂલ સ.અ.વ.ના મિશનને તેમણે આપેલા કાર્યક્રમ અને કાર્યપ્રણાલીઓને જોનારી અને સમજનારી આંખો બહુ ઓછી છે. લોકો હવે સરળતાઓ શોધી રહ્યા છે. અલ્લાહના દીનને તેના અસલ અને મૂળભૂત રૃપમાં કાયમ કરવાનો ભેખ લઇને ચાલનારા ફકીર કિસમના લોકોને આંખો શોધી રહી છે. ‘ઇન્નસ્સલાતી વનુસુકી વ મહ્યાયા વ મમાતી લિલ્લાહિ રબ્બિલ આલમીન’ (મારી નમાઝ, મારી ભાગદોડ અને કુર્બાનીઓ, મારૃં જીવન અને મારૃં મૃત્યુ બસ અલ્લાહના માટે જ છે) એ આયતની જીવંત તફસીરના દર્શન કરાવનારા લોકોની શોધ માટે હૈયુ બેતાબ છે. જ્યાં જ્યાં નજર પડે છે ત્યાં ત્યાં માત્ર અને માત્ર ઓપચારિકતા દેખાઇ રહી છે. થોડાક લોકો છે જરૃર પણ તે બહુ દૂર છે, જોજનો દૂર ! તેમના સાંનિધ્યમાં રહીને અલ્લાહ રસૂલ તથા દીને ઇસ્લામથી સાચી અને કામની મહોબ્બત શીખવાનું શક્ય રહ્યું નથી. તાલીમનો પ્રબંધ છે પણ તર્બિયતનો પ્રબંધ નથી અને તઝકિયાહ (રૃહાનિયત) કરનારા લોકો નાયાબ (અપ્રાય) બનતા જાય છે. લોકો કુઆર્નના શબ્દોને ઓળખે છે (અને એવા લોકોની સંખ્યા પણ હવે ઘટતી જાય છે) તેની રૃહને, તેના મિજાઝને, તેના વલવલાઓને અને તેની અસલ ડિમાન્ડને ઓળખી શકનારા લોકો મળવા ખૂબ મુશ્કેલ બની ગયા છે. અલ્લામા ઇકબાલ રહે. એ કહ્યું હતું કે,
મેરા તરીક અમીરી નહીં ફકીરી હૈ,
ખુદી ન બેચ ફકીરી મેં નામ પૈદા કર.
દોસ્તો, અલ્લાહની કિતાબથી સંબંધ જોડવાના પ્રયાસ કરો એને આબેહયાત (અમરત્ત્વ) સમજીને રોજ થોડું થોડું એના રસનું પાન કરો, એની રૃહને સમજો, એની મન્શાને ઓળખો, અમલનું મેદાન તમને પોકારી રહ્યું છે. જમાનો કરવટ લઇ રહ્યો છે. એક તરફ શત્રુઓ ચારેકોરથી હુમલાઓ લઇને ત્રાટકી રહ્યા છે તો બીજી તરફ પ્યાસી રૃહો અલ્લાહના શરણને શોધવા માટે તડપી રહી છે. ઉમ્મત ઉપર હજી પણ ખૂબ ખરાબ સમય આવવાનો છે. કુરૃને અવ્વલ (પ્રારંભિક જમાના)ના લોકોનું જીવન દાવ ઉપર મૂકાઇ હવે દાવ ઉપર મૂકાઇ જવાની ઘડીઓ ગણાઇ રહી છે.
અલ્લાહની કિતાબને મજબૂતીથી પકડવી અને પ્યારા નબી સ.અ.વ.ના તરીકાઓને જિંદગીઓમાં સ્થાન આપવું તથા અસલ દીનને લઇને ઊઠવું એ સિવાય મુક્તિનો કોઇ અન્ય માર્ગ નથી.