નફસના તઝકિયા (મનની શુદ્ધતા) વિશે ઇલ્મી અને બુનિયાદી ચર્ચા પછી નફસના તઝકિયા બાબતે અગાઉના (પૂર્વજ) આલિમોના વિચારો પર ચર્ચા કરવામાં આવશે. નફસના તઝકિયા બાબતે દીનના બુઝુર્ગોના લખાણોમાં જે વિચારો જાણવા મળે છે તેને ક્રમવાર રજુ કરવાનો હેતુ છે. એટલા માટે કે આ મૂળ વિષય (તઝકિયા) પર ચિંતન-મનન કરવાની રીતો જુદી છે. સૌથી પહેલાં હુજ્જતુલ ઇસ્લામ ઈમાન ગઝાલી રહ.ના તઝકિયા વિશેના વિચારો રજૂ કરવામાં આવશે.
ઈમામ ગઝાલી રહ.નો ટૂંક પરિચય
ઈમામ ગઝાલી રહ.નું મૂળ નામ મુહમ્મદ હતું. તેમનું ઉપનામ અબુ હામિદ હતું. આજથી લગભગ એક હજાર વર્ષ પહેલાં તેમનો જન્મ થયો. હિજરી સન ૪૫૦માં તહેરાન શહેરની નજીક ગિઝાલ કસ્બા, તૂસ જિલ્લા ફૂરાસાનમાં જન્મયા. તેમના પિતા મુહમ્મદ બિન અહમદ ઘણા નેક અને વિદ્યા પ્રેમી હતા. ઇમામ ગઝાલી રહ.એ પ્રથમ પોતાના વતનમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું. પછી જરજાનમાં થોડો સમય શિક્ષણ મેળવ્યું. પછી નિશાપૂરમાં ઇમામુલ-હરમૈનના શિષ્ય બન્યા. તે ઇલ્મના ઘુઘવાતા સમુદ્ર સમાન હતા. ઇલ્મ અને કમાલના માલિક હતા. ચર્ચાસભાઓ અને મુનાજરા (વાદ-વિવાદ)માં ઇમામ સાહેબ બધા ઉપર વિજયી રહેતા. તેમની ખ્યાતિ અને વિશેષતાઓથી પ્રભાવિત થઈને નિઝામુલ્મુલ્કે ‘મદ્રસાએ નિઝામિયા’ના રેકટર બનાવી દીધા. જે એ જમાનાની ઇસ્લામી દુનિયાની સર્વશ્રેષ્ઠ યુનિવર્સિટી હતી. ઇમામ સાહેબનો યુગ ફિલોસોફી અને બુદ્ધિમત્તાનો યુગ હતો. યુનાની ફિલસૂફીથી શિક્ષિત વર્ગ પ્રભાવિત થઈ રહ્યો હતો. દીન અને શરીઅત પર ફિલોસોફીના હુમલા થઈ રહ્યા હતા. રૃહાનિયતનો ફિત્નો પણ બુલંદી પર હતો. ઈમામ ગઝાલી રહ.એ ફિલોસોફી વિદ્યામાં જ્ઞાન પ્રાપ્ત કર્યું અને યુવાની ફિલોસોફીની માયાજાળને તોડી નાખી. ઘણી જ નિપૂણતા અને દલીલો સાથે અને ઇસ્લામી ફિલસુફી તેની જગ્યાએ પેશ કરી. ફિલોસોફી, દલીલો, ઇલ્મી ચર્ચાઓમાં તેઓ ખૂબ વ્યસ્ત રહેતા હતા. પરંતુ તેમનું દિલ આમાં લાગતું નહતું. દિલની અંદર એક પ્રકારની પ્રચંડ ખેંચતાણ પેદા થઈ ગઈ. દરેક સમયે વ્યાકુળતા અને બેચેનીની હાલત છવાયેલી રહેતી. તે પરેશાન, લાચાર અને નિરાશ થઈ ગયા. પછી અલ્લાહતઆલા આગળ દુઆ કરી. બગદાદ છોડી દેવાનો નિર્ણય કર્યો. બગદાદને અલ્વિદા કરી. એકઠી કરેલી મિલ્કત ત્યાં જ છોડી દીધી, માન-મોભો, પ્રતિષ્ઠા, દોલત અને કીર્તિ બધુ જ ત્યજી દીધું અને એકાંત અને કઠોર પરિશ્રમ જીવન અપનાવી દીધી. એક લાંબા સમય સુધી દમિશ્કની મસ્જીદમાં મો’તકિફ (રોકાયા) રહ્યા. મિનારા ઉપર ચડી જતા અને દરવાજો બંધ કરીને વિચારમગ્ન, તદબ્બુર અને વઝીફામાં વ્યસ્ત રહેતા હતા. હજ કર્યા પછી જુદા-જુદા પ્રદેશોનો પ્રવાસ ખેડતા-ખેડતા વતન પહોંચ્યા. વતનમાં આવીને લોકોના દિલોની સફાઈ, આત્મશુદ્ધિ, દર્સ અને તદ્રીસ અને લેખન તથા રચનાત્મક કાર્યમાં લાગી ગયા. તે પોતાના વિશે પોતે જ લખે છે;
“વાસ્તવમાં મેં મારા જાતે કોઈ પ્રયત્ન નથી કર્યો. અલ્લાહતઆલાએ જ મને સક્રિય બનાવ્યો. મેં જાતે કોઈ કામ શરૃ નથી કર્યું અલ્લાહે મને કામે લગાડ્યો. મારી દુઆ છે કે પ્રથમ અલ્લાહતઆલા મારી સુધારણા ફરમાવે, પછી મારા દ્વારા બીજાઓની, અન્યોની સુધારણા ફરમાવે. પહેલાં મને સન્માર્ગ પર લગાડે, પછી મારાથી બીજાઓને માર્ગદર્શન આપે. મારા ઉપર સત્ય સ્પષ્ટ થઈ જાય અને તેના ફઝલથી મને અનુસરણની તોફીક પ્રાપ્ત થાય. અસત્ય મારા ઉપર સ્પષ્ટ કરી દે અને તેનાથી મારૃ રક્ષણ ફરમાવે.” (તારીખે દા’વતો અઝીમત પા.૧૪૦)
ઇમામ સાહેબ હિજરી ૫૦૫માં ૫૫ વર્ષની વયે આ ફાની દુનિયાથી કૂચ કરી ગયા અને પોતાની પાછળ પોતાના હાથે લખેકી ઇલ્મી કિતાબોનો એક ખજાનો મૂકીને ગયા. મૌલાના અબુલહસન અલી નદવી રહ. લખે છે;
“તે જ્ઞાન અને આચરણની પરાકાષ્ઠા, સમૃદ્ધ અને શક્તિશાળી વ્યક્તિત્વનું જ આ પરિણામ હતું કે તેમણે ઇસ્લામી દુનિયા ઉપર એક ઘેરી અસર પેદા કરી. તેમના સમયની લોકચાહના પામેલી તેમની ગ્રંથરચનાઓ, ચર્ચાસભાઓએ ઇલ્મી વર્તુળોમાં બૌદ્ધિક ગરમી અને વૈચારિક સ્વતંત્રતા પેદા કરી દીધી અને તેમનામાં નવો ખોરાક અને શક્તિ પેદા કરી દીધી. ઇસ્લામની જે અમુક શખ્સિયતો સદીયો સુધી ઇસ્લામી દુનિયાના દિલ અને દિમાગ ઉપર અને તેના ઇલ્મી અને વૈચારિક વર્તુળો ઉપર છવાયેલી રહી, તે પૈકી એક ઇમામ ગઝાલી રહ.ની શખ્સિયત પણ છે. તેમની વાહવાહની અસર તેમની ઇલ્મી બુનિયાદ અને તેમની ગ્રંથ-રચનાઓની અગત્યતા અને પ્રભાવનો તેમના મિત્રો અને વિરોધીઓ સૌએ સ્વિકાર કર્યો છે. સેંકડો યુગો પસાર થઈ ગયા પછી પણ તેમનું નામ અને કામ આ જ સુધી જીવંત છે અને તેમના ગ્રંથો એક વિશાળ વર્તુળમાં આદરપાત્ર અને સ્વિકાર્ય છે અને વાંચનારાઓને આજે પણ પ્રભાવિત કરે છે.” (તારીખે દા’વતો અઝીમત પા.૧૯૬)
આત્મશુદ્ધિમાં એકાંતવાસની ભૂમિકા
ઇમામ ગઝાલી રહ.ની આત્મશુદ્ધિની કલ્પના પૈકી બે વસ્તુઓ વર્ણન કરવા લાયક છે; (૧) એકાંત (૨) દિલ.
એકાંત : દસ વર્ષની નિવૃત્તિ અને એકલતા અને એકાંતવાસનું જ આ પરિણામ હતું કે રચનાત્મક ગુણોમાં વૃદ્ધિ થવા પામી એકલતા અને એકાંતવાસ અમુક સમય માટે દરેક વ્યક્તિ માટે જરૂરી છે. એના કારણે આદમીને પોતાના અંતરમાં ઝાંખવાની અને શક્તિને ઓળખવાની, વિચારોને કેન્દ્રિત કરવાની, અલ્લાહતઆલાની બારગાહમાં રજૂ થવાની કેફિયતની મીઠાશના બંધાણી બનવાની, ચિંતન-મનન અને વિચારમનન બનવાનો સોનેરી અવસર પ્રાપ્ત થાય છે.
નબી સલ્લ.નો ગારે હિરાનો અનુભવ જણાવે છે કે માનવતાના દર્દને પોતાની અંદર પેદા કરવા માટે એકાંતવાસનો મહત્વનો રોલ હોય છે. એકાંતવાસ એ ટુંક સમય માટે દુનિયાના પરિ-ત્યાગનું નામ છે. હંમેશા માટે દુનિયાનો ત્યાગ ઇસ્લામમાં મના છે. હઝરત યુસુફ અલૈ.ને આ ‘એકાંત’ જેલમાં પ્રાપ્ત થઈ. હઝરત દાઉદ અલૈ. બાદશાહ હોવા છતા તહજ્જુદ વખતની એકાંતથી ખૂબ લાભ ઉઠાવતા. પહાડો અને ખીણોમાં ચાલ્યા જતા. અલ્લાહની તસ્બીહ અને ગુણગાન કરવામાં લાગી જતા. દરેક મનુષ્યને આ રીતની ક્ષણો પ્રાપ્ત થતી હોય છે. પરંતુ ફાયદો તે જ લોકો ઉઠાવે છે, જે એકાકીપણા અને એકાંતવાસના ફાયદા વિશે સમજ ધરાવતા હોય છે.
તહજ્જુદનો સમય અતિ મૂલ્યવાન હોય છે. દર જુમ્આએ અસરથી મગરિબનો સમય નબી સલ્લ. ઉપર દરૃદ મોકલવાનો છે. જેનાથી હુબ્બે રસુલ સલ્લ.ના જઝબામાં વૃદ્ધિ થાય છે. દર રમઝાનના આખરી અશરાનો એ’તેકાફ, માનસિક, વૈચારિક અને આત્માની ઉન્નતિ માટે અકસીર ઇલાજ છે. હજના ચાલીસ-પચાસ દિવસ, દુનિયા, કુટુંબ-કબીલો, ધંધો-વહેપાર વગેરે સાથેના સંબંધોથી મુક્ત થઈને અલ્લાહની બારગાહમાં રજૂ થવાથી, ઐતિહાસિક બોધ ગ્રહણ કરવાથી, ભાઈચારા વધારવાથી, ઉમ્મતનું દર્દ વહેંચવાથી, માનવતાની નવરચનાનો ઉદ્દેશ અને બાતિલ ખેંચતાણ કરવાનો દૃઢ નિશ્ચય પાછા ફરવાના દિવસે ઉત્પન્ન થાય છે.
નફસના તઝકિયા (આત્મશુદ્ધી)માં એકાંત અને નિવૃત્તિ એક મહત્વની મંઝિલ છે. જેનાથી ઇમામ ગઝાલી રહ. કાર્યાન્વિત થઈને પસાર થયા. તે પોતાની પર્સનાલિટી ટ્રાન્સફોરમ કરવાના તે સમયગાળાનું વર્ણન કરતાં ફરમાવે છે;
“હજ કર્યા પછી કુટુંબીજનોનો આકર્ષણે અને બાળકોની દુઆઓએ મને વતન પહોંચાડ્યો. જોકે હું વતનથી માઈલો દૂર રખડી રહ્યો હતો. અહીંયા પણ મેં એકાંતનો પ્રબંધ રાખ્યો હતો અને દિલની સફાઈથી ગાફેલ નહોતો રહ્યો. પરંતુ દુર્ઘટનાઓ અને બનાવો તથા કુટુંબીજનોની ચિન્તાઓ અને આર્થિક જરૂરતો તબિયતમાં બેચેની પેદા કરતી રહેતી હતી. અને એકાગ્રતા અને દિલનું સુકૂન એકધારૃ રહેતુ નહતું. તો પણ વારંવાર તેનાથી લાભાન્વિત થતો રહ્યો. દસ વર્ષ આ જ સ્થિતિમાં પસાર થઈ ગયા. આ એકાંતમાં મારા ઉપર જે ગૂઢ-રહસ્યો જાહેર થયા અને જે કંઇ મને પ્રાપ્ત થયું તેનું વિગતવાર વર્ણન અને તેના અંત સુધી પહોંચવું અશક્ય છે.”
બીજી જગ્યાએ ફરમાવે છે;
“મારી પહેલાની અને અત્યારની સ્થિતિમાં જમીન અને આસમાનનો તફાવત છે. પહેલાં હું એ ઇલ્મનો પ્રચાર કર્યા કરતો હતો, જે પ્રતિષ્ઠાની પ્રાપ્તિ માટેનું માધ્યમ છે. અને એ જ મારી વાણી અને વર્તનનો હેતુ હતો. અને હું તેની દા’વત આપ્યા કરતો હતો. હવે હું એ ઇલ્મની દા’વત આપું છું, જેનાથી કિર્તીનો ત્યાગ કરવો પડે છે. હું મારી અને બીજાઓની સુધારણા ચાહું છું.” (ઇમામ ગઝાલી રહ., અઝઃ ્આબાદશાહપૂરી)
દિલ : ઇમામ ગઝાલી રહના આત્મશુદ્ધિ વિશેના વિચારોમાં દિલને કેન્દ્રિય સ્થાન પ્રાપ્ત છે. આ વિષય પર તેમની સૌથી મહત્વપૂર્ણ કિતાબો ‘અહ્યાઉલુમુદ્દીન’, ‘કીમિયાએ-સઆદત’, અને ‘અલ્મુર્શિદુલ્અમીન’ અસલ કિતાબની તલ્ખીસ, ‘તલ્ખીસ-દર-તલખીશ’ છે. તદ્ઉપરાંત આ વિષય પર તેમની કિતાબ ‘મકાશિફતુલ-કુલૂબ’ પણ મહત્વપૂર્ણ છે. તઝકિયાએ નફસ પર ઘણી વિગતપૂર્ણ વાતો આ કિતાબોમાં મળશે. અહ્યાઉલ્-ઉલૂમ તેમની સર્વશ્રેષ્ઠ કિતાબ માનવામાં આવે છે. મનની સફાઈ અને સદાચરણ આ કિતાબનો કેન્દ્રિય વિષય છે. વિદ્ધતા અને ફિલસુફીની ચર્ચાઓને સામાન્ય માણસ પણ સમજી શકે તેવી સરળ રીતે પ્રસ્તુત કરવામાં આવી છે. આ કિતાબનું વાંચન કરનારના દિલોને પ્રભાવિત કરે છે. અલ્લામા શિબ્લી નો’માની રહ.એ અહ્યાઉલ્-ઉલૂમ કિતાબ વિશે લખ્યું છે;
“અહ્યાઉલ્-ઉલૂમની સામાન્ય ખાસિયત એ છે કે કે તેનું વાંચન કરવાથી દિલ પર અજબ પ્રભાવ પડે છે. દરેક ફકરો અસ્તરાની માફક દિલમાં ચૂંબી જાય છે. દરેક વાત જાદુઈ અસરથી આકર્ષિત કરે છે. દરેક શબ્દ ઉપર બેહોશીની કેફિયત છવાઈ જાય છે. તેનું મોટુ કારણ એ છે કે આ કિતાબ જે જમાનામાં લખવામાં આવી તેની તાસિરના નશામાં ખુદ ઇમામ સાહેબ ચૂર હતા. ” (અલ ગઝાલી રહ. અઝઃ અલ્લામા શિબ્લી નોઅમાની રહ.)
અહ્યાઉલ્-ઉલૂલના ચાર ભાગો છે. દરેક ભાગમાં ૧૦ સબક છે. આમ ચાર ભાગોમાં કુલ ૪૦ પાઠ છે. પહેલા બે ભાગોમાં વ્યક્તિના તઝકિયાના બાહ્ય પાસા પર ચર્ચા કરવામાં આવી છે. અંતિમ બે ભાગો તઝકિયાએ નફસના આંતરિક પાસાથી સંબંધિત છે. પહેલો ભાગ ઇબાદત સાથે સંબંધ ધરાવે છે. બીજા ભાગમાં ટેવો, વ્યવહાર અને શિષ્ટાચાર સંબંધે ચર્ચા છે. ત્રીજા ભાગમાં બરબાદ કરનારી વસ્તુઓથી ચેતવવામાં આવ્યા છે. ચોથા ભાગમાં મુક્તિ અપાવનાર વસ્તુઓની પ્રેરણા આપવામાં આવી છે. ચાર ભાગના વિષયો નીચે પ્રમાણે છે.
(૧) ઇબાદત : જ્ઞાન, આસ્થા, પવિત્રતા, નમાઝ, રોઝા, ઝકાત, હજ, તિલાવત, ઝિક્ર અને દુઆ અને રાત્રે જાગવા વિશે.
(૨) ટેવો :ખાવા-પીવા, શાદી, હલાલ કમાણી, હલાલ અને હરામ ચીજો, મુહબ્બત, એકાંતવાસ, યાત્રા, ભલાઈનો હુકમ કરવો અને બુરાઈથી રોકવા વિશે.
(૩) બરબાદ કરનારી વસ્તુઓ ઃ મનેચ્છાઓ, તપસ્યા, કામ વાસનાઓ, જુબાન, ક્રોધ, દુનિયા, માલ, પ્રતિષ્ઠા, અભિમાન વગેરે.
(૪) મુક્તિ અપાવનારી વસ્તુઓ ઃ પશ્ચાતાપ, ધીરજ, આભાર, ડર અને આશા, ચિન્તા, ભરોસો, મુહબ્બત, નિખાલસતા, આત્મનિરીક્ષણ, મોતની ચિન્તા, ધ્યાન ધરવું વગેરે.
તઝકિયાએ નફ્સના આ ચાર ક્ષેત્રોમાં કાર્યનું કેન્દ્ર ઇમામ ગઝાલી રહ.એ દિલને ઠરાવ્યું છે. દિલ-સુધરી જાય તો વ્યક્તિ સુધરી જશે. માનવ-જીવનમાં દિલનું કેન્દ્રિય સ્થાન છે. અલ્લાહની ઓળખ-અલ્લાહથી નિકટતા, અલ્લાહની ખૂશનૂદી માટે કામ કરવું અને તેની તરફ દોડવું, બધા દિલના જ કામો છે. શરીરના બીજા બધા જ અવયવો તેના ગુલામ છે. જે દિલની હકીકતને નહિ ઓળખે તે પોતાની જાતની હકીકતથી અજાણ હશે. આ દિલ વિશે અલ્લાહના રસૂલ સલ્લ.એ ફરમાવ્યું, માણસના શરીરમાં માંસનો એક ટુકડો છે તે ઠીક હશે તો આખુ શરીર ઠીક હશે. સાંભળો તે દિલ છે. દિલ રબની કોમળતા છે. તેની હકીકત અને કલ્પના માનવીની સમજમાં નથી આવતી. નિઃશંક તેના ગુણો અને સ્થિતિને સમજી શકાય છે.
દિલ માણસની વાસ્તવિક હકીકત છે. તે જ વસ્તુઓની સ્પષ્ટતા કરે છે તે જ ખુદાઈ તાલીમનું સંબોધિત છે. દુષ્ટકૃત્યો આચરવાથી ક્રોધનું નિશાન પણ તેને જ બનવું પડે છે. દિલ નિવાસી છે તો માંસનો ટુકડો નિવાસસ્થાન છે. જેવી રીતે ગુણનો સંબંધ જેની પ્રશંસા કરવામાં આવે તેનાથી હોય છે, તેવી જ રીતે દિલનો સંબંધ માણસથી છે. ગુણને જોઈ શકાતો નથી પરંતુ પ્રશસ્ય વ્યક્તિને દેખીને ગુણને ઉપસ્થિતિને હાલતનું અનુમાન થઈ જાય છે. ઉદાહરણ રૃપે ક્રોધની હકીકતને તો સમજી શકાતી નથી પરંતુ ખબર પડી જાય છે કે આ ગુસ્સો જાતી અને સ્વભાવિક છે કે પરિસ્થિતિઓની પેદાશ છે. ગુસ્સાની આ બધી જ કેફિયતનું જ્ઞાન ક્રોધી મારફતે થઈ જાય છે. તેવી જ રીતે દિલની સ્થિતિ અને કેફિયતની જાણ માણસને દેખીને અનુમાન કરી શકાય છે. જે માણસમાં વક્રતા, ઉદ્ધતાઈ, અશ્લીલતા અને કુસંસ્કારો જોવા મળતા હોય તેની સુધારણા માટેનો અમલ એ જ તઝકિયા કહેવાય છે. અદ્યોગતિમાંથી કાઢીને ઉન્નતિ તરફ પ્રયાણ થાય, માણસ ઉચ્ચ સંસ્કારોનો ધારક બની જાય, પ્રસંશિત સદ્ગુણો તેની ઓળખ બની જાય, નરમ સ્વભાવ, ઉચ્ચ વિચારો, સારી આદતો અને વ્યવહારમાં શિષ્ટાચાર અને ઇમાનદારી આવી જાય તો તે વ્યક્તિની ઉન્નતિ કહેવાશે અને એ પણ તઝકીયાનું જ બીજુ પાસુ છે. માનવ હૃદયમાં ચાર વિરોધાભાસી શક્તિઓ હંમેશા સંઘર્ષ કરતી રહે છે તે ચાર શક્તિઓ નીચે મુજબ છે. (વધુ આવતા અંકે)