(ગતાંકથી ચાલુ)
(૧) મનેચ્છાઓનું જોર : મનુષ્ય એક દેહ પણ ધરાવે છે. તેનો દેહ સ્વાદ, આનંદ માણવાનો તકાજો કરે છે. તેની જબાન અને પેટ સ્વાદ ઇચ્છે છે. કામેચ્છા દરેક પ્રકારે તૃષ્ટિ મેળવવા માટે જોર કરે છે. આ જાતિય ઇચ્છાઓની પૂર્તિ માટે માણસ તે રીત ન અપનાવે જે ડુક્કર અપનાવે છે. તે દરેક પળે ઇચ્છા અને જાતિય ઇચ્છાની પાછળ દોડતો રહે છે.
(૨) ક્રોધની શક્તિ : સ્વરક્ષણ માટે ક્રોધ એક જરૂરી ગુણ છે. પરંતુ માણસ દરેક સમયે ક્રોધિત ન રહે. લોકોથી લડાઈ-ઝઘડા કરવા, મારા-મારી કરવી, બૂમ-બરાડા પાડવા, વાદ-વિવાદ અને તકરારમાં બેકાબૂ બની જવું. એ બધા અદ્યોગતિના દુરાચરણ છે. જો માણસ આ પ્રકારના દુરાચરણ કરશે તો તેનામાં અને કુતરામાં થોડો જ તફાવત રહી જશે.
(૩) ઘમંડ અને અભિમાનની લાગણી : સર્વ માનવીઓ એક માતા-પિતાની સંતાન છે. સૌનો ખુદા એક છે. પિતા પણ એક અને પાલનહાર પણ એક. પરંતુ માણસ ક્યારેક પોતાના રંગ, નસલ, ભાષા અને પ્રદેશની બુનિયાદ પર અભિમાન કરે છે, તો ક્યારેક પોતાના જ્ઞાન અને પોતાની યોગ્યતાઓ પર ગર્વ કરે છે અને ક્યારેક પોતાના ધન-દોલત અને સત્તાનો નશો તેના મગજ ઉપર છવાયેલો હોય છે. આવા વર્તનમાં તે શેતાન સમાન બનતો હોય છે.
(૪) ફરિશ્તા સિફત સદ્ગુણો : મનુષ્ય પોતાની પ્રકૃતિના આધારે નેક છે તો નેકી અને ભલાઈ અપનાવે છે. તે અલ્લાહની ઇતાઅત અને ફરમાબરદારી કરે છે. તેનું જ ધ્યાન ધરે છે. તેનાથી જ લો લગાવે છે. ડર અને આશા અલ્લાહથી જ રાખે છે, ધૈર્ય અને ભરોસો રાખે છે. આભાર અને અહેસાન મંદીની લાગણીઓથી સુસજ્જ હોય છે. અલ્લાહની પવિત્રતા અને હમ્દ-સના બ્યાન કરે છે. આવા તમામ કામોમાં તે ફરિશ્તાઓથી નજીક હોય છે.
મનની સ્વચ્છતા એ છે કે આદમી મનેચ્છાઓ ઉપર કાબૂ મેળવી લે. ક્રોધ ઉપર સત્યની લગામ રાખે. પોતાની ખામીઓ તરફ નજર રાખે. કોઈ સદ્ગુણ દેખાય તો અલ્લાહનો શુક્ર અદા કરે. ઇતાઅત અને ફરમાબરદારીમાં ક્યારેય સંતોષી બનીને ન રહે. અલ્લાહ તરફ રજૂ થવાના દરેક પ્રયત્નો કરે.
- આધુનિક જમાનામાં ઘણી બધી બુરાઈઓ પ્રવર્તે છે. લાંચ-રૃશ્વત, હરામખોરી, વ્યાજ, ચોરી, લજ્જાહીનતા, બેશરમી, નાચ-ગાન, શરમજનક ફિલ્મો અને સિરિયલો, સેક્સી નોવેલો, ગંદી વેબ સાઈટ્સ, જે કામ વાસનાની વૃત્તિને ભડકાવનાર કાર્યવાહકો છે. મૂડીવાદ, ઉડાઉપણુ, આનંદ-પ્રમોદ, પૂર્વજોનું અનુકરણ, સજાતિય સંબંધો એ બધી વિચારધારાઓ વાસનાની આગને ભડકાવે છે, માટે આ વિચાર ધારાઓને ખરાબ સમજીને તેનાથી નફરત કરવી અને બચવું એ નફસની આત્મશુદ્ધી માટે જરૂરી છે.
- સાંપ્રદાયિક તોફાનો, પ્રાદેશીક ઝઘડા, પતિ-પત્નિના ઝઘડા, વારસા-વહેંચણીના ઝઘડા, પડોશીઓ વચ્ચે વેરઝેર, વેપાર-ધંધાની લેવડ-દેવડના ઝઘડા, નકસલવાદીઓના હુમલા, આતંકવાદ, યુદ્ધો, જીવન-નિર્વાહના માધ્યમોનો નાશ, આધુનિક યુગમાં માણસોની અદ્યોગતિના ઉદાહરણો છે. આવા કૃત્યો કુતરાંના દાંત અથવા તેની લાળ અથવા તેના ભસવા અને હુમલો કરવા બરાબર છે.
- હિન્દુસ્તાનમાં પ્રાદેશિક પ્રગતિની ભાવના, એક ભાષાનો બીજી ભાષાથી વિરોધ કરવો (આસામી વિરૂદ્ધ બંગાળી, તામિલ વિરૂદ્ધ હિન્દી વગેરે), બ્રહ્મણવાદ, છૂત-અછૂત, મિલ્કતોનો ઘમંડ, શિક્ષણનો અહંકાર, પોટા અને ટાડા જેવા કાયદા, સરકારી અધિકારીઓનું અત્યાચારી અને અન્યાયી વર્તન, મનની શુદ્ધતા ન હોવાના પ્રતિકો છે. ડાર્વિનવાદ, કોમવાદ અને પ્રદેશવાદ તેમના દૃષ્ટિકોણની ઉપજ છે.
- પ્રેમ, સાથ-સહકાર, મદદ, સહિષ્ણુતા, સ્વતંત્રતા, આજ્ઞાપાલન, કાનૂનની સર્વોપરિતા, બીજાના હક્કોનું રક્ષણ, માનવહક્કો, શાન્તિનો સંદેશ, ન્યાયનો અવાજ, સાંપ્રદાયિક એકતા, રાષ્ટ્રીય એકતા, પારદર્શિતા, જવાબદારીનું ભાન વ્યક્તિઓ અને કોમોના આત્મશુદ્ધિના પ્રકટસ્થાનો છે.
હૃદય (દિલ) તરફ અદ્રશ્ય સંકેત
માણસ જ્યારે પોતાના મનની શુદ્ધિ તરફ પ્રવૃત થાય છે, ત્યારે દિલની સ્વચ્છતા તરફ ધ્યાન કેન્દ્રિત કરે છે. જેમ-જેમ દિલની સફાઈ થાય છે. તેમ-તેમ માણસ પોતાના દિલની અંદર પ્રકાશનો અનુભવ કરે છે. તેની વિચારધારામાં ઉન્નતિ પેદા થાય છે. તે આત્મમાં વિકાસ અને મનમાં શાન્તિની અનુભૂતિ કરે છે. ઇમામ ગઝાલી રહ.ના કથન પ્રમાણે દિલને ઘણા કાર્યોમાં અલૌકિક સંકેત મળે છે. જેને મઅરિફત (ઓળખ) પણ કહેવામાં આવે છે. આ મઆરિફત, ગૂઢ સંકેતો, અંતરવાણી અને અદૃશ્ય માર્ગદર્શન આત્મશુદ્ધી પ્રાપ્ત થવાનાં સૂચકો છે. કુઆર્ન ફરમાવે છે;
“જે લોકો અમારા માટે સંઘર્ષ કરશે, એમને અમે અમારા રસ્તા દેખાડીશું …” (સૂરઃ અન્કબૂત – ૬૯)
જેનું દિલ અલ્લાહ તરફ રજૂ થાય છે, તેમને અલ્લાહતઆલા પરિસ્થિતિની દયા અને મહેરબાની ઉપર રહેવા નથી દેતો, પરંતુ ડગલેને પગલે તેની મદદ ફરમાવે છે. તેના માટે રસ્તા ખોલી નાખે છે. અંધકારપૂર્ણ માર્ગોમાં પ્રકાશ પહોંચાડે છે.
માનવ-મન ક્યારેક શંકાઓ અને સંદેહોનો શિકાર બની જાય છે. કોઈ માર્ગ સૂઝતો નથી. માણસ ઉપર ક્યારેક ડર, ગભરાટ, બેચેની અને ક્યારેક નિરાશા અને નાઉમ્મીદી છવાઈ જાય છે. અનુભવ, જ્ઞાન, બુદ્ધિ, કુશગ્રતા, હોવા છતાં પણ ક્યારેક કોઈ મામુલી જેવી વાત માટે સરળ રસ્તો દેખાતો નથી. જ્યારે કોઈ વ્યક્તિના દિલનો આત્મશુદ્ધી થઈ જાય છે અને હિકમતનું નૂર પ્રાપ્ત થઈ જાય છે, તો મોટા-મોટા નિષ્ણાંતો, ફિલોસોફરો, બુદ્ધિશાળીઓ જે સમસ્યાને ઉકેલી ન શકે તેને તે વ્યક્તિ એક ચપટીમાં ઉકેલી નાખે છે. આ સ્વચ્છ અને ચમકદાર દિલને અલ્લાહતઆલા તરફથી માર્ગદર્શન પ્રાપ્ત થાય છે.
“… જે કોઈ વ્યક્તિ અલ્લાહનો ડર રાખીને કામ કરશે, અલ્લાહ તેના માટે મુશ્કેલીમાંથી નીકળવાનો કોઈ માર્ગ પેદા કરી દેશે” (સૂરઃ તલાક – ૨)
ઇમામ ગઝાલી રહ.ની નજીક હૃદયની આત્મશુદ્ધી માટે એક બક્ષિસ ‘ફુરકાન’ (ખરાં-ખોટાની સમજ) પણ છે. માણસને જ્યારે ઘરેલુ જીવનમાં, ક્યારેક રોજી-રોજગારના મામલામાં ક્યારેક વ્યવસ્થા તંત્રના મામલામાં અને ક્યારેક સમાજ અને રાષ્ટ્રિય પરિસ્થિતિઓમાં જટીલ સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે આવા સમયે એક સામાન્ય માનવી સ્તબ્ધ બનીને ઊભો રહી જાય છે કે ક્યાં જાય, કોને કહે, કઈ રીત અપનાવે, ક્યો માર્ગ ભલાઈ, ખૈર અને ફાયદા સુધી પહોંચશે. આવા મુશ્કેલ કાર્યમાં નિર્ણય માટે ભલાઈ અને બુરાઈ, ખરૃ અને ખોટુ, નફો અને નુકશાનને સમજવા માટે વિવેકબુદ્ધિની જરૂરત હોય છે. આ વિવેકબુદ્ધિ અલ્લાહતઆલા તરફથી ઇનામ હોય છે, એ લોકો માટે જેણે હૃદયની આત્મશુદ્ધી કરી દીધી હોય. કુઆર્ન કહે છે,
“હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો ! જો તમે અલ્લાહનો ડર રાખશો તો અલ્લાહ તમારા માટે કસોટી પૂરી પાડશે …” (સૂરઃ અન્ફાલ – ૨૯)
નિર્ણય લેવા માટે નિર્ણય શક્તિ જોઈએ. નિર્ણય શક્તિ મામલાની સમજ ઉપર નિર્ભર છે. મામલામાં સાચો અભિપ્રાય તે જ વ્યક્તિ આપી શકે છે જે મામલાને સમજી શકતો હોય. આથી મામલાની સમજ એ અભિપ્રાયની મજબૂતાઈ માટે આવશ્યક છે. અભિપ્રાય જ્ઞાનના આધારે આપવામાં આવે છે. નહીં કે મનેચ્છા અને લાગણીઓના આધાર ઉપર. જેનું જ્ઞાન જેટલું સાચું ઊંડુ, વિશાળ અને નિર્મળ હશે, એટલો જ એ વ્યક્તિનો અભિપ્રાય પરિપકવ હશે. જ્ઞાન જો સંયમ વગર હોય તો તે ઉપદ્રવ છે. સંયમની લગામ જ્ઞાનના હાથમાં હોય તો આદમી આત્મ-વિશ્વાસ સાથે સાચો ફેંસલો કરે છે.
આ આત્મવિશ્વાસ એ પણ એક ઇલ્હામ (ઇશ્વરીય સંકેત) અને ગૈબી (અદ્રશ્ય) ઇશારો જે છે. એસ.આઇ.ઓ. અને જમાઅતે ઇસ્લામી હિંદના બંધારણમાં જિમ્મેદારોની પસંદગી માટે કેટલાક જરૂરી ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે. આ એટલા માટે કે જિમ્મેદારી માટે એવા વ્યક્તિની પસંદગી થાય જે અમારામાં સૌથી વધારે પરહેઝગાર (સંયમી) હોય. એવા વ્યક્તિથી જ આશા રાખી શકાય છે કે તે પોતાના સાથીઓની તાલીમ આપી શકશે. સ્વચ્છ, શાંત અને અને ચમકદાર દિલનો માલિક હોય તે જ કાફલાનો અમીર બનવા માટે સૌથી વધારે લાયક વ્યક્તિ છે. કુઆર્ન કહે છે;
“હવે શું તે વ્યક્તિ જેની છાતી અલ્લાહે ઇસ્લામ માટે ખોલી દીધી અને જે પોતાના રબ તરફથી એક પ્રકાશ પર ચાલી રહ્યો છે (તે માણસ જેવો હોઈ શકે છે જેણે આ વાતોમાંથી કોઈ બોધ ગ્રહણ ન કર્યો ?)”(સૂરઃ ઝુમર – ૨૨)
સત્ય અને અસત્યના સંઘર્ષમાં ફરક કરવા માટે અને શંકાઓના વમળમાંથી નીકળવા માટે પ્રકાશ જોઈએ. આ પ્રકાશ જેણે આત્મશુદ્ધી પ્રાપ્ત કરી હોય તેને જ પ્રાપ્ત થાય છે. નહીંતર દિલ ઉપર કાળા ડાધ હોય છે. મોમિનની દુઆ આ હોય છે;
“અય અલ્લાહ! મારા દિલમાં નૂર પેદા કરી દે અને મારા કાન અને મારી આંખોમાં નૂર નાખી દે, અને મારી જમણી બાજુએ નૂર અને ડાબી બાજુએ નૂર ફરમાવી દે. મારી આગળ અને મારી પાછળ પણ નૂર કરી દે. અને મારી ઉપર નૂર કરી દે અને મારી નીચે નૂર કરી દે અને ક્યામતના દિવસે મારા નૂરને ખૂબ વધારી દે.”
(મુસ્લિમ, બુખારી, નિસાઈ)
ઇમામ ગઝાલી રહ.એ ‘અહ્યાઉલ ઉલૂમ – ભાગ-૩, પા.૩૮’ ઉપર વિસ્તારપૂર્વક લખ્યું છે કે દિલની લાગણીઓ વાસ્તવમાં વિશાળ છે. અર્થાત્ જ્યારે દિલમાં નૂર નાખવામાં આવે છે, તો તેનો છાતી ખુલી જાય છે. મોમિનની છાતી જ્યારે ખુલી જાય છે, તો અલ્લાહની કિતાબની સમજણ પ્રાપ્ત થઈ જાય છે અને આ ચીજ તાલીમથી પ્રાપ્ત નથી થતી, પરંતુ અમુક આલિમોએ હિકમતની સમજૂતિ અલ્લાહની કિતાબ સાથે કરી છે. જેને કિતાબની સમજણ પ્રાપ્ત થઈ તેને હિકમત મળી ગઈ, જેને હિકમત મળી ગઈ તેને અલ્લાહના નૂર વડે પડદાના પાછળની વસ્તુઓ દૃષ્ટિગોચર થવા લાગે છે. સત્ય માર્ગ તેના ઉપર પ્રકટ થઈ જાય છે અને અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝત તેની જબાન પર સત્ય વાત અને યથાર્થ બોલ જારી ફરમાવે છે.
વ્યક્તિની પ્રગતિ માટે થોડા-થોડા સમયાંતરે થોડી વાર માટે સંપૂર્ણ એકાંત જરૂરી કાર્ય છે. આ રીતે વ્યક્તિત્વની સુધારણા માટે માનસિક કેળવણી તિક્ષ્ણ બુદ્ધિ, વિચારોની પરિપક્વતા, જ્ઞાનના વિસ્તાર પર આપણે જેટલું ધ્યાન આપીએ છીએ તેનાથી અનેકગણુ વધારે ધ્યાન હૃદયની પવિત્રતા અને સદાચરણ અને સંયમ અને આત્મશુદ્ધી પર ધ્યાન આપવાની ખાસ જરૂરત છે. –