૧૫મી ઓકટોબરના રોજ સી.બી.આઈ.એ જે.એન.યુ.ના ગુમ વિદ્યાર્થી નજીબનો કેસ બંધ કરી તેનો ક્લોઝર રીપોર્ટ પટિયાલા કોર્ટ સમક્ષ રજૂ કરી દીધો છે. આ રીપોર્ટને કોર્ટ દ્વારા ૨૯મી નવેમ્બરે ધ્યાને લેવામાં આવશે. સી.બી.આઈ.એ. ક્લોઝર રીપોર્ટ દાખલ કરતા દિલ્હી હાઈકોર્ટની એક સપ્તાહ અગાઉ પરવાનગી માંગી હતી, જે કોર્ટ દ્વારા માન્ય રાખવામાં આવી.
૧૪મી ઓકટોબર, ૨૦૧૬ની રાત્રે માહી માંડવી હોસ્ટલ જે.એન.યુ. ખાતે નજીબનો એ.બી.વી.પી.ના કેટલાક વિદ્યાર્થી સાથે ઝઘડો થયો હતો, જેમાં ઝપાઝપી અને મારપીટ પણ થેયલી. તેના બીજા જ દિવસે નજીબ અચાનક ગુમ થઇ ગયો હતો. તેના મિત્રો અને હોસ્ટલના કર્મચારીઓ વગેરે સ્તબ્ધ થઇ ગયા હતા. દિલ્હી પોલીસે કેસની સમગ્ર હકીકત જાઈ તપાસની શરૂઆત કરી હતી. દિલ્હી પોલીસનું વલણ ન્યાયી ન રહેતા નજીબની માતાએ ૨૫મી નવેમ્બર, ૨૦૧૬ના રોજ હાઇકોર્ટને આ કેસ સંદર્ભે દિશાનિર્દેશ જારી કરવા અપીલ કરી હતી. હાઈકોર્ટના દિશાનિર્દેશ હોવા છતાં લગભગ સાત મહિલા સુધી પણ પોલીસના અંધારામાં હવાતિયા ચાલુ જ હતા, અને નજીબના હોવા કે ન હોવા અંગે કોઈ સ્પષ્ટ પુરાવા મોજૂદ ન હતા. દિલ્હી પોલીસની તપાસ નિરસ, કંટાળાજનક અને દિશાહિન હોવાના કારણે સાત મહિનાના લાંબા ગાળા સુધી તપાસ ચાલુ રાખવા છતાં નજીબની કોઈ ભાળ મેળવી શકી નથી. આ પછી મે, ૨૦૧૭માં નજીબનો કેસ સી.બી.આઇ.ને સોંપવામાં આવ્યો હતો. સી.બી.આઈ.એ લગભગ દોઢ વર્ષ સુધી તપાસ કરી તેમ છતાં તે કોઈ સ્પષ્ટ નિષ્કર્શ પર પહોંચી શકી ન હતી. સી.બી.આઈ.નો દાવો છે કે તેણે નજીબના કેસના દરેક પાસાને તપાસી લીધો છે અને તેના ગુમ થવામાં કોઈ ગુનાહિત કાર્યને અંજામ આપવામાં આવ્યું હોય તેમ લાગતું નથી. ૪ સપ્ટેમ્બર, ૨૦૧૮ના રોજ સી.બી.આઇ.એ પોતાની નિષ્ફળતાની કબૂલાત કોર્ટ સમક્ષ કરી કેસ બંધ કરવાની પરવાનગી માંગી હતી. અને આખરે દેશની સર્વોચ્ચ કુશળ અને સૌથી ચાલાક તપાસ એજન્સીએ ફકત એક વિદ્યાર્થીના ગુમ થવાની ભાળ ન મેળવી શકતા કેસ બંધ કરી દીધો.!
નજીબના વકીલ કોલીન ગોલસાવીસે સી.બી.આઇ.ના ક્લોઝર રીપોર્ટ બાબતે કહ્યું છે કે સી.બી.આઈ.એ. ઈમાનદારીપૂર્વક તપાસ કરી નથી. જ્યારે નજીબની માતાએ ક્લોઝર રીપોર્ટ બાબતે પોતાની પ્રતિક્રિયા આપતાં કહ્યું છે કે, આ એક રાજકીય કેસ હતો અને સી.બી.આઇ.એ. તેના માલિકોના દબાણને વશ થઈ કેસ પડતો મુક્યો છે.
કેવી વિડંબના છે કે દેશની સર્વોચ્ચ તપાસ એજન્સી એક વ્યક્તિની શોધખોળ ન કરી શકી! સી.બી.આઇ.એ કેસને ગંભીરતાથી લીધો જ ન હતો તેવું સ્પષ્ટ પ્રતિત થાય છે. દિલ્હી પોલીસ અને સી.બી.આઇ. બંને નજીબને શોધવામાં નિષ્ફળ પુરવાર થયા તે તેમની કાબેલિયત કે આવડત પર પ્રશ્નાર્થ નથી પરંતુ સમગ્ર વ્યવસ્થાતંત્ર પર પ્રશ્નાર્થ ઉભો કરે છે. વ્યવસ્થાતંત્ર ભલે લોકશાહીનો સ્તંભ હોય પરંતુ તે સ્વતંત્ર નથી. તેના ઉપર સત્તાપક્ષ છવાયેલો હોય છે. લોકતંત્રના પ્રતિનિધિઓએ વ્યવસ્થાતંત્રને કમજાર અને નિસહાય બનાવી દીધું છે. બીજી તરફ ન્યાયતંત્ર પણ પોતાની સ્વતંત્રતા બચાવવા ઝઝૂમી રહ્યું છે. અલબત્ત ન્યાયપાલીકા પણ મહંદઅંશે લોકતંત્રના પ્રતિનિધિઓના અંકુશમાં આવી ચૂકી છે. હવે ન્યાયના માપદંડો લોકોની જાતિ, ધર્મ, સંપ્રદાય અને પ્રદેશ જાઈને નક્કી થાય છે અને થતા રહેશે.
નજીબના કેસને સી.બી.આઈ. સુધી પહોંચાડવા કર્મશીલો, સંગઠનો અને ન્યાયપ્રિય સમુહોનો મોટો હાથ છે. પરંતુ સી.બી.આઈ. ન્યાય ન કરી શકી તે દુઃખદ છે. અને ભારતીય ઇતિહાસમાં સર્વોચ્ચ તપાસ એજન્સીની આ નિષ્ફળતાને અન્યાયી,પક્ષપાતી અને પુર્વગ્રહ ગ્રસ્ત તરીકે લેખાશે.
દેશના ન્યાયપ્રિય લોકો અને કર્મશીલોએ આ કેસથી હતાશ કે નિરાશ થવાની જરૂર નથી. દરેકે પોતાની ક્ષમતા અને શક્તિ અનુસાર અન્યાયી લોકો પાસેથી ન્યાય મેળવવાના પ્રયત્નો કર્યા છે અને આગળ પણ કરતા રહેવું જાઈએ. પરિણામ જે કંઈ પણ હોય તે જુદી વસ્તુ છે પરંતુ આ દિશામાં પ્રયત્નો ચાલુ રહેવા જાઈએ. દુનિયામાં ભલે તેમને નિષ્ફળતા મળી છે પરંતુ તેમણે કરેલ પ્રયત્નોનો ફળ તેમને અખિરતના દિવસે જરૂર મળશે. નજીબની માતાનું આ ધૈર્ય એળે નહીં જાય. અલ્લાહ હાલની પરિસ્થિતિમાં અન્યાયી અને અત્યાચારી લોકોને જે ઢીલ આપી રહ્યો છે તો તે એટલા માટે છે કે તેઓ સુધરી જાય. આ અલ્લાહની સુન્નત છે. તે લોકોને સુધરવાના ઘણાં મોકાઓ પ્રદાન કરે છે. અને જે લોકો પોતાની અન્યાયી અને અત્યાચારી કાર્યશૈલીને છોડતા નથી તેઓને જરૂર યાતનાઓ ભોગવવાનો વારો આવશે. આ દુનિયામાં પણ અને આખિરતના દિવસે પણ. •