પયગંબર કે ઈશદૂતનું કાર્ય એ હોય છે કે તેઓ તેમની આસપાસ વસનારા લોકોને તેમના સર્જનહારથી પરિચિત કરાવે છે. તેમને જીવન કઈ રીતે જીવવું તે શીખવે છે. પયગંબર લોકો માટે આદર્શ અને અનુસરણને પાત્ર હોય છે. મુહમ્મદ સ.અ.વ. પહેલાં ઘણાં નબીઓ અને રસૂલો દુનિયામાં દરેક ઠેકાણે મોકલવામાં આવ્યા. છેલ્લા અને અંતિમ પયગંબર તરીકે મુહમ્મદ સ.અ.વ.ને મક્કામાં મોકલવામાં આવ્યા. કેમકે આપ સ.અ.વ. પછી કોઈ પયગંબર આવવાનો નથી. તેથી આપનું શિક્ષણ, આપનું આચરણ અને આપનું વ્યક્તિત્વ કયામત સુધીના લોકો માટે માર્ગદર્શક છે. દુનિયા અને આખિરતની ભલાઈ માટે આપનું અનુસરણ દરેક વ્યક્તિ માટે અનિવાર્ય છે. જે વ્યક્તિ આપને અનુસરશે તે જરૃર સફળ થશે.
આપનું અવતરણ જે પરિસ્થિતિમાં થયું અને તે પરિસ્થિતને ધરમૂળથી બદલી આપે જે વ્યક્તિ-સુધારણા, સમાજ-સુધારણા અને રાજકીય-સુધારણા કરીને જે દૃષ્ટાંત પૂરૃ પાડયું તે સર્વગ્રાહી અને સર્વવિદિત છે.
મક્કામાં જ્યારે આપનો જન્મ થયો ત્યારે લોકો મૂર્તિપૂજા, શરાબ, વ્યભિચાર અને લડાઈમાં રાચતા હતા. કદાચ એ સમયે દુનિયામાં સૌથી અજ્ઞાાની લોકો તે જ હતા. જ્યારે અલ્લાહે આપને નબી બનાવ્યા ત્યારે આપે લોકોને એક અલ્લાહની દા’વત આપી. આપના આચરણ અને શિક્ષણથી લોકો એટલા પ્રભાવિત થયા કે મૂર્તિપૂજાથી તોબા કરી લીધી. મૂર્તિઓને પોતાના હાથે તોડી પાડી, શરાબ જે પાણીની જેમ પીતા હતા તે વહેડાવી દીધું. વ્યભિચાર સદંતર બંધ કર્યું અને લડાઈ ઝઘડાઓને બદલે પરસ્પર પ્રેમ અને ભાઈચારાને અપનાવ્યા. આપના સહાબીઓ એવા પ્રશિક્ષિત થયાં કે જૂઠ, દગો, લાલચ, લોભ વગેરે વ્યક્તિગત બૂરાઈઓ તો દૂરની વાત છે એ લોકો વિષે કોઈ એવા વિચાર સુદ્ધાં ન કરી શકે. હઝરત જાફર રદિ.એ નજ્જાસીના દરબારમાં અલ્લાહના રસૂલ સ.અ.વ.ના આગળ જે બદલાવ લોકોના જીવનમાં આવ્યા તેનુંં વિસ્તૃત વર્ણન કરે છે.
જે સામાજિક સુધારણા આપ સ.અ.વ.એ આણી તે અસાધારણ છે. જ્યારે હિજરત કરી આપ સ.અ.વ. મદીના પહોંચ્યા તો આપે તમામ મુહાજિરોને અન્સારના ભાઈ બનાવી દીધા. નજીકના કુટુંબ (બ્લડ રિલેશન) સાથે સંબંધો કાપવાને હરામ ઠેરવી દીધું. પાડોશી સાથે સદ્વ્યવહારની તાકીદ કરવામાં આવી. જાતિ, રંગ, વર્ણ અને પ્રદેશના વાડાઓથી ઉપર ઊઠી તકવાને અલ્લાહની નજીક પહોંચવાનો સિદ્ધાંત બનાવવામાં આવ્યો. સ્ત્રીઓને પિતાના વારસામાં હક આપવામાં આવ્યું અને લગ્ન માટે તેમની પરવાનગી લેવાની ફરજિયાત કરવામાં આવી. આમ સમાજ એક મજબૂત દીવાલની જેમ ઊભર્યું જ્યાં એક કુટુંબ બીજા કુટુંબને એ રીતે સહારો આપે છે જેમ એક ઈંટ બીજી ઈંટને.
આપ સ.અ.વ.એ રાજકીય સુધારણા માટે એવા નિયમો ઘડયા જ્યાં લાંચ, રુશ્વત, ભ્રષ્ટાચાર, ખુશામત અને રાજાશાહીને કોઈ સ્થાન ન હતું. આપે ફરમાવ્યું કે “કોમનો અગ્રણી તેનો ખાદિમ હોય છે.” રાજકીય હોદ્દા ઉપર બિરાજવું એ શાન અને અભિમાન બતાડવાને પાત્ર નથી એ તો જવાબદારી અને ઉત્તરદાયિત્વ છે. હોદ્દાની રુએ જે કામ કરવાના છે તે જવાબદારી છે અને તેનો હિસાબ આપવો પડશે આ અહેસાસ આપ સ.અ.વ.એ લોકોમાં જાગૃત કર્યો અને આ જ કારણ છે કે ઇસ્લામનો ઝંડો ૩૦ વર્ષના ટૂંંકા ગાળામાં દુનિયાના મોટા ભાગ પર છવાઈ ગયો.
આપનું જીવનચરિત્ર વાંચ્યા પછી કોઈ પણ વ્યક્તિ આપને અનુસરવા માટે પ્રેરિત ન થાય એ શક્ય નથી. આ કારણ છે કે માઇકલ હાર્ટ નામનો સંશોધક જ્યારે દુનિયાના ૧૦૦ મહાન વ્યક્તિઓના નામનું લિસ્ટ બનાવવા બેસે છે તો પોતે ખ્રિસ્તી હોવા છતાં મુહમ્મદ સ.અ.વ.ને પ્રથમ સ્થાન આપે છે. તેમનું કહેવું છે કે આપના વ્યક્તિત્વ અને શિક્ષણનો પ્રભાવ આજે પણ જોવા મળે છે.
આજે દુનિયામાં મુસ્લિમો ખ્રિસ્તી પછી સૌથી વધુ વસ્તી ધરાવતા હોવા છતાં, સૌથી વધુ કુદરતી સાધન સંપત્તિ ધરાવતા હોવા છતાં કમજોર છે, ચોતરફથી ખતરાઓ અને મુશ્કેલીઓથી શા માટે ઘેરાયેલા છે? શા માટે કોઈ આપ સ.અ.વ.ના પવિત્ર વ્યક્તિત્વ વિરુદ્ધ પુસ્તક લખે છે? શા માટે કોઈ આપ સ.અ.વ.નું કાર્ટૂન અને ચિત્ર દોરી આપની હાંસી ઉડાવે છે? શા માટે કોઈ વિકૃત માનસિકતા ધરાવતો માણસ આપ સ.અ.વ.ની વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરે છે? આ પ્રશ્નોના બે જવાબ હોઈ શકે.
એક તો આ કે મુહમ્મદ સ.અ.વ.નું સમગ્ર જીવન અને આપનું સમગ્ર શિક્ષણ દયા, કરૃણા, ન્યાય, સમાનતા, બંધુતા વગેરે શીખવે છે, જે વ્યક્તિને ઇસ્લામ તરફ આકર્ષિત કરે છે, જે દુનિયાના બીજા ધર્મના ઝનૂની લોકોને ખૂંચે છે. આ એવા લોકો છે જેઓ દુનિયાની ધન-સંપત્તિ પર કબ્જો જમાવવાના ઇરાદા સાથે લોકોને મૂર્ખ બનાવે છે. આ એવા લોકો છે જેઓ લોકોને પોતાની જીભથી, કલમથી અને કળાથી મુહમ્મદ સ.અ.વ.ની છબીને વિકૃત કરીને પ્રસ્તુત કરે છે કે જેથી લોકો આપ સ.અ.વ.ના વ્યક્તિત્વથી પરિચિત ન થઈ શકે.
બીજો જવાબ છે મુસ્લિમોની દા’વતી કામથી દૂરી અને તેમનું પોતાનું આચરણ. આજે મુસ્લિમો ગુંડા, અશિક્ષિત અને અસમાજિક હોવાની છબી ધરાવે છે. શિક્ષણમાં આપણે ખૂબ પાછળ છીએ. આ એ કોમની હાલત છે જેને આપ સ.અ.વ. દ્વારા જ્ઞાાન હાસલ કરવાનું ફરજિયાત કહેવામાં આવ્યું છે! આપણા વિસ્તારો ગંદકીના પ્રતીક છે. આ એવી કોમની હાલત છે જેને આપ સ.અ.વ. દ્વારા કહેવામાં આવ્યું છે કે પાકી અને સફાઈ અડધો ઈમાન છે!
અલ્લાહના રસૂલ સ.અ.વ.ના આચરણની ઝલક આપણી કોમના બહુમતી લોકોના આચરણથી પ્રતીત થતી નથી. જે લોકો દીનદાર છે તેઓ લઘુમતીમાં છે. તેઓ બિન મુસ્લિમોમાં ઇસ્લામનું દાવતનું કામ કરે છે પરંતુ તેમની સંખ્યા ખૂબ નજીવી છે. જ્યાં સુધી બિનમુસ્લિમોને ઇસ્લામ અને મુહમ્મદ સ.અ.વ.નું જીવન સમજાવવામાં નહીં આવે ત્યાં સુધી રુશ્દીઓ, ચાર્લીઓ અને તીવારીઓ પેદા થતા રહેશે. આપણી જવાબદારી એ હતી અને છે જે અલ્લાહના રસૂલ સ.અ.વ.એ સોંપી છે. આપે પોતાના આખરી ખુત્બામાં ફરમાવ્યું, “મે તમને અલ્લાહનો સંદેશો પહોંચાડી દીધો?” લગભગ સવા લાખની જનમેદનીએ એક સ્વરે કહ્યું હતું કે, “હા, આપે પહોંચાડી દીધું.” તો આપે ફરમાવ્યું, “તો આ સંદેશ એ લોકોને પહોંચાડી દો જે અહિંયા મોજૂદ નથી.” શું આપણે એ સંદેશાને બિનમુસ્લિમોને પહોંચાડી દીધો? ના, નથી પહોંચાડયો. એટલે જ મુહમ્મદ સ.અ.વ. ઉપર સ્વર ઊઠે છે. આજે આપણે દુનિયાથી પ્રેમ કરવા અને મોતથી ડરવા લાગ્યા છીએ. એટલે જ આ કામ છોડી દીધું.
આજે તમામ મુસ્લિમોએ દુનિયાનો પ્રેમ અને મોતનો ડર છોડીને સંકલ્પ લેવાની જરૃર છે કે અમે મુહમ્મદ સ.અ.વ.ના શિક્ષણ અને આચરણને પોતાના જીવનમાં ઉતારીશું અને અમારા બિનમુસ્લિમ મિત્રો, ગ્રાહકો, સહઅધ્યાયીઓ, સહકર્મીઓ, શિક્ષકો વગેરેને આપ સ.અ.વ.ના પવિત્ર જીવનથી પરિચિત કરાવીશું. આ જ એ રસ્તો છે જેના થકી આપણે દુનિયા અને આખિરતની ભલાઈને પામી શકીશું.