યુવા ચિંતન
વ્યક્તિ દરેક વસ્તુનો ઇન્કાર કરી શકે પરંતુ મોતનો ઇન્કાર કરી શકે નહીં. મોત એક એવી હકીકત છે જે પોતે પોતાની નજરે જોતો રહે છે. પોતાના ઘરમાં, સંબંધિઓમાં, મિત્રો અનો ઓળખીતાઓમાં અવાર-નવાર મૃત્યુની ઘટનાઓથી પરિચિત થતો રહે છે. કોઈના મૃત્યુ વખતે મૃત્યુની બાબતે વ્યક્તિ થોડો ગંભીર જરૃર જોવા મળે છે પરંતુ આ ગંભીરતા વધારે સમય ટકતી નથી. થોડા કલાકો પછી જેમનો તેમ પોતાના કાર્યોમાં પરોવાઈ જાય છે અને મોતને ભુલાવી દે છે.
વ્યક્તિ પોતાના જીવનને સુંદર, વૈભવી અને સુખમય બનાવવા માટે કેટલા જતન કરે છે! અને પોતાની જાત માટે જ શું? પોતાની આવનારી પેઢીઓ માટે પણ એ સખત પરિશ્રમ કરે છે. સીધા રસ્તા ઉપરાંત આડા-અવળા રસ્તાઓ અપનાવે છે. ઝુઠ, દગો, ચોરી, છળકપટ, મારપીટ, લૂંટફાંટ વિગેરે કરવામાં પણ ખચકાટ અનુભવતો નથી. છેવટે કોઈનું ખૂન કરવું પણ તેના માટે કોઈ મુશ્કેલ કામ રહેતો નથી.
પરંતુ આ સુંદર, વૈભવી અને સુખમય જીવન કેટલા વર્ષ માટે? કોઈપણ વ્યક્તિ પોતાના જીવનમાં વધુમાં વધુ ૧૦૦ વર્ષ સુધી સુખ ભૌગવી શકે પછી તો તેના શારિરીક અંગો પણ સાથ આપવા સક્ષમ રહેતા નથી. પછી ભલે તેનું આયુષ્ય ૧૦૦ વર્ષ કરતા પણ વધારે હોય! તેને એકઠું કરેલું ધન, સંપત્તિ અને મોભો તેના મૃત્યુની સાથે જ બીજાનું થઈ જતું હોય છે. હાં, એ જ ‘ધન-સંપત્તિ અને મોભો’ જે તેણે ઝૂઠ, દગો, ચોરી, છળકપટ, મારપીટ અને લૂંટફાંટ થકી મેળવ્યું હોય છે. તેને બચાવવામાં કંઇ પણ કામ લાગતું નથી.
વ્યક્તિનું જીવન કેટલું છે તે કોઈ કહી શકે નહીં. મોતનો ફરિશ્તો ક્યારે લેવા આવી જશે એ નક્કી નથી. છતાં વ્યક્તિ જીવન એવી રીતે જીવે છે જાણે પોતે અહીં હંમેશા રહેશે. પરંતુ યાદ રાખવું જોઈએ કે તેને મોત જરૃર આવશે. “છેવટે દરેક વ્યક્તિને મરવાનું છે…” (સૂરઃઆલેઇમરાન-૧૮૫)
વ્યક્તિએ જીવન અને મૃત્યુના ઉદ્દેશ્યને સમજવું જોઈએ અને પોતે તે ઉદ્દેશ્યને હાંસલ કરવાનું પ્રયત્નો કરવા જોઈએ. કુઆર્નમાં અલ્લાહ ફરમાવે છે, “જેણે મૃત્યુ અને જીવનનો આવિષ્કાર કર્યો જેથી તમને લોકોને અજમાવીને જુએ કે તમારામાંથી કોણ સારાં કર્મ કરનાર છે, અને તે પ્રભુત્વશાળી પણ છે અને ક્ષમા કરવાવાળો પણ.” (સૂરઃ અલ-મુલ્ક – ૨)
જ્યારે જીવન અને મૃત્યુને પેદા કરવાનો ઉદ્દેશ્ય સદાચારને જોવાનો હોય તો આપણે શા માટે સદાચાર (સારા કર્મો) તરફ ન વળીએ? પોતાના આચરણને સદગુણોથી કેમ ન સજાવીએ? સ્વભાવિક છે કે આ રસ્તો આસાન તો નથી પરંતુ આ રસ્તે ચાલવું બિલ્કુલ અસંભવ હોય તેવું પણ નથી. સદાચાર અને સદ્ગુણો અપનાવવાથી વ્યક્તિ વૈભવિ અને મોઘાદાટ જીવન તો નહીં જીવી શકે પરંતુ જીવનમાં ચેન અને રાહતનો અનુભવો જરૃર કરશે. જે લોકો વૈભવ, મોભા અને સુખની લહાયમાં દુનિયાના સારામાં સારા સાધનો અને વસ્તુઓનો ઉપયોગ કરે છે તેમના મન અને મસ્તિષ્ક ચેન અને રાહતની તલાશમાં ભટક્યા જ કરે છે. તેમને સદ્ગુણો અને સદાચાર અપનાવતા ડર લાગે છે કે આ દુનિયા જે તેમણે હાંસલ કરી છે તે જતી રહેશે. તેની ધન અને સંપત્તિ તેના હાથમાંથી સરખી જશે. આ દુનિયાનો ધોખો છે જે તેની નજરોની સામે પડદો બની પડયો રહે છે અને સત્ય તેમને દેખાતો નથી. દુનિયાની હકીકત બતાવતા કુઆર્નમાં અલ્લાહ ફરમાવે છે, “બરાબર જાણી લો કે આ દુનિયાનું જીવન તેના સિવાય કંઈ નથી કે એક ખેલ અને દિલ્લગી અને બાહ્ય ભપકો અને એકબીજાના સામે શેખી કરવી અને ધન અને સંતાનમાં એકબીજાથી આગળ વધી જવાની કોશિશ કરવું છે…” (સૂરઃ હદીદ – ૨૦)
જીવન, મૃત્યુ અને દુનિયાની હકીકતને જે વ્યક્તિ સમજી શકે તે દુનિયામાં ઝૂઠ, દગો અને છળકપટથી ધન એકઠું કરે તેવું કદાપી બની શકે નહીં. ભુલશો નહીં મોતનો મતલબ છે પોતાના અલ્લાહથી મુલાકાત. એવું ન બને કે આપણે દુનિયાને હાંસલ કરવામાં એવા ગળાડૂબ હોઈએ કે અચાનક મોતનો ફરિશ્તો આપણી આત્મા કબ્જે કરે અને આપણે ગુનેગાર બની અલ્લાહની સમક્ષ હોઈએ? અને આપણને નર્ક તરફ હાંકી કાઢવામાં આવે!
દુનિયાની જીંદગી તો બહુ ટુંકી છે જેમ તેમ નીકળી જ જશે પરંતુ મર્યા પછીનું જીવન તો અનંત છે. તે જીવન વેદના અને કષ્ટદાયક સાબિત ન થાય તે આ દુનિયામાં જ વિચારવું પડશે. મર્યા પછીનું વિચારવું કોઈ કામ નહીં આવે. તેવી જ રીતે ભલે દુનિયાની જીંદગી થોડી તકલીફમાં વીતે પરંતુ મર્યા પછીની જીંદગીના જે આરામ અને લાભો છે તે પણ અનંત છે. શું તમે એવા વ્યક્તિ નથી બનવા ઇચ્છતા જેમના માટે ક્યામતના દિવસે પોકારવામાં આવે, “ચાલ પોતાના રબ (પ્રભુ) તરફ એ સ્થિતિમાં કે તું (પોતાના ઉત્તમ પરિણામથી) ખુશ અને (પોતાના રબના સમીપ) પ્રિય છે. સામેલ થઈ જા મારા (નેક, સદાચારી) બંદાઓમાં અને દાખલ થઈ જા મારી જન્નતમાં.” (સૂરઃ ફજ્ર – ૨૮-૩૦)
તેથી મોતને યાદ રાખો અને દુનિયાની જીંદગીને સદાચાર અને સદ્ગુણોમય બનાવો અને જુઓ આ જ દુનિયામાં કેવા ચેન અને રાહતનો અનુભવ થાય છે જે અવર્ણીય છે અને તેમાં જ અલ્લાહની પ્રસંશા છે.