પ્રોફેશનલ કોલેજોમાં પ્રવેશ અને સરકારી નોકરીઓની ભરતીમાં મોટાપાયે ધાંધલીઓના આરોપો પ્રથમ વખત લગભગ ૪ વર્ષ અગાઉ જાહેર થયા હતા અને ત્યારથી લઈ અત્યાર સુધી ૪૮થી વધુ લોકોના રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થઈ ચૂકયા છે. આરોપ આ પણ છે કે સ્પષ્ટ ગેરરીતિઓ પાછળ જે જે લોકોનો હાથ હતો તેઓ આ કેસને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આરોપીઓની યાદી લાંબી છે અને અત્યાર સુધી લગભગ રપ૦૦ લોકોની વિરુદ્ધ કેસો દાખલ કરાઈ ચૂકયા છે અને ર૦૦૦થી વધુ લોકોની ધરપકડ થઈ ચૂકી છે. તેમાં વિદ્યાર્થીઓ, તેમના માતા-પિતા, વાલીઓ અને લગભગ ૧૦૦ જેટલા રાજકારણીઓ પણ સામેલ છે. ‘વ્યાપમ’ (વ્યવસાયિક પરીક્ષા મંડળ)ની પરીક્ષાઓમાં થનારી સ્પષ્ટ ગેરરીતિઓમાં રાજ્યના ગવર્નરથી લઈને મુખ્યમંત્રી સુધી આરોપોના ઘેરામાં આવી ચૂકયા છે પરંતુ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ આ આરોપોનો ઇન્કાર કરે છે. આરોપ આ પણ છે કે આ સ્પષ્ટ કૌભાંડમાં ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન રાજકારણીઓ અને સરકારી અધીકારીઓનો હાથ હતો જેઓ હજી સુધી બચવામાં સફળ રહ્યા છે. આથી જ સિનિયર વકીલોના એક ગ્રુપે સુપ્રીમ કોર્ટનો સંપર્ક સાધ્યો હતો અને સુપ્રીમ કોર્ટે તેમની અરજી સુનાવણી માટે સ્વીકારી લીધી હતી પરંતુ આ સમગ્ર મામલો એક યુવાન પત્રકારના અચાનક મૃત્યુ બાદ વધુ પ્રકાશમાં આવ્યો છે, અને હવે અખબાર અને ટીવી ચેનલોમાં છવાયેલો છે. એ પત્રકારનો સંબંધે એક મોટી ટીવી ચેનલ સાથે હતો, અને તેઓ પોતાની રીતે એ કેસની તપાસ કરી રહ્યા હતા. કોંગ્રેસ પાર્ટીના પ્રવકતા આરપીએન સિંહે કહ્યું કે, એક તપાસ ‘વ્યાપમ કૌભાંડ’ની થવી જોઈએ અને બીજી તપાસ રહસ્યમય રીતે થયેલા મૃત્યુની, અને અદાલતે આ બંને તપાસની દેખરેખ (સુપરવીઝન) રાખવી જોઈએ. રાજકીય વિશ્લેષક અભય દૂબે કહે છે કે કેસ સાથે સંકળાયેલાઓમાં આટલા બધા લોકોના અચાનક મૃત્યો માત્ર સંયોગ નથી હોઈ શકતા. અને આ કે સુપ્રીમ કોર્ટ હવે આ તપાસ પોતાના હાથોમાં લઈ લેવી જોઈએ.
અહીં આ ધ્યાનમાં રહે કે આ કેસની તપાસ કરી રહેલી વિશેષ ટાસ્ક ફોર્સે સ્થાનિક અદાલતને જણાવ્યું હતું કે આ કૌભાંડ સાથે સંકળાયેલા ૩૩ લોકો મૃત્યુ પામી ચૂકયા છે. તેમ છતાં વિરોધ પક્ષનો દાવો છે કે મૃત્યુ પામનારાઓની સંખ્યા આના કરતાં ઘણી વઘારે છે. સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશ રાજ્યમાં પ્રોફેશનલ એકઝામિનેશન બોર્ડના સંચાલન હેઠળ યોજાનારી પરીક્ષાઓમાં વ્યવસ્થિત ગેરરીતિઓના કૌભાંડ અને તેની સાથે સંકળાયેલા ડઝનબંધ લોકોના મૃત્યુના બનાવોની તપાસ સીબીઆઈને સોંપી દીધી છે. વ્યાપમ કૌભાંડ સાથે સંકળાયેલા તમામ બનાવોની તપાસ કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈ દ્વારા કરાવડાવવામાં માટેની અરજી કોંગ્રેસના અગ્રણી દિગ્વિજયસિંહે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટે સીબીઆઈને કહ્યું કે તે એ આરોપોની તપાસ કરે કે મધ્યપ્રદેશમાં હજારો વિદ્યાર્થીઓએ સરકારી નોકરીઓ મેળવવા અને મેડિકલ તથા એન્જિનિયરીંગ કોેલેજોમાં પ્રવેશ માટેની પરીક્ષાઓમાં નકલ (કોપી) કરાવડાવવા માટે આપરાધિક વૃત્તિ ધરાવતા લોકોને રકમો ચૂકવી હતી. આ ઉપરાંત સીબીઆઈ આ કૌભાંડ સાથે સંકળાયેલ અથવા તો તેને ઉઘાડો કરનારા ૩૦થી વધુ લોકોના મૃત્યુની પણ તપાસ કરશે. તેમાં ટ્રક નીચે કચડીને મારી નંખાયેલ ૩ વિદ્યાર્થીઓ અને એક અસરગ્રસ્ત પરિવારનો ઇન્ટરવ્યૂ લીધા બાદ ગયા પખવાડિયે મૃત સ્થિતિમાં મળી આવેલ પત્રકારનું મૃત્યુ પણ સામેલ છે. તપાસના નિર્ણય બાદ દિગ્વિજયસિંહે કોર્ટનો આભાર વ્યકત કરતાં કહ્યું કે શિવરાજસિંહ ચૌહાણ જો બે વર્ષ પહેલાં આ નિર્ણય લેઈ લેતા તો તેમને આ દિવસો જોવા ન પડત. બીબીસી ઉર્દૂના જણાવ્યા મુજબ ‘મેડીકલ પરીક્ષા બોર્ડમાં યોજનાબદ્ધ કે વ્યવસ્થિત ગેરરીતિ કૌભાંડ હવે વાર્તાનું રૃપ ધારણ કરી રહ્યો છે. આ કૌભાંડ હવે એટલું વિસ્તૃત વિશાળ કે વ્યાપક થઈ ગયું છે કે ઈ.સ.ર૦૧રથી લઈ અત્યાર સુધી લગભગ રપ૩૦ લોકો ઉપર આમાં સંડોવાયેલા હોવાનો આરોપ લાગી ચૂકયો છે. હાલમાં મધ્યપ્રદેશની ર૦ જુદી જુદી કોર્ટોમાં આ અંગેના લગભગ પપ જેટલા વિવિધ કેસો ચાલી રહ્યા છે. જ્યારે કે પોલીસે અત્યાર સુધી લગભગ ૧૯૮૦ જેટલા લોકો ધરપકડ કરી છે અને પપ૦ જેટલા આરોપીઓ ફરાર છે. એક અંદાજ મુજબ ઈ.સ.ર૦૦૭થી મધ્યપ્રદેશ પ્રોફેશનલ એકઝામિનેશન બોર્ડના સંચાલન હેઠળ ૧ લાખ ૪૦ હજાર જેટલા લોકોએ પરીક્ષાઓ આપી અને સરકારનું કહેવું છે કે આના દ્વારા ૧૦૦૦ કરતાં વધુ લોકોની ગેરકાયદેસર રીતે નિમણૂકો થઈ છે. કોર્ટને સીબીઆઈ તપાસની ભલામણ કરવા બદલ સુપ્રીમ કોર્ટે મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણની કાર્યવાહીની પ્રશંસા કરી છે અને તેમના કટ્ટર હરિફ ઉમા ભારતી કે જેમણે અગાઉ ઇશારા ઇશારામાં સીબીઆઈ તપાસની માગણી કરી નાખી હતી, તેમણે પણ હાલમાં જ કેટલાક અગમ્ય કારણોસર પ્રશંસા કે સરાહના શરૃ કરી દીધી છે. જો કે વ્યાપમ કૌભાંડનું સત્ય સામે આવવામાં તો સમય લાગશે, પરંતુ હવે મધ્યપ્રદેશમાં ભાજપ સરકારની મુશ્કેલીઓ વધી ચૂકી છે.