જે દુનિયામાં આપણે શ્વાસ લઈ રહ્યા છે ત્યાં જુદી-જુદી માન્યતા અને આસ્થાઓ જોવા મળે છે. એમાં મોટાભાગે કલ્પના પર અધારિત છે. સત્ય સાથે તેમને કોઈ લેવા દેવા નથી. અમુક વિવાદાસ્પદ છે તેમનો વિવાદ પોતે શંકા ઉભી કરનારો છે. બહુદેવવાદ તેમાં એક છે. પરંતુ સાચી આસ્થા જ સાચી હોય છે તે માત્ર તાર્કિક નથી હોતી. તેનો માનવીય જીવન સાથે ગાઢ સંબંધ છે. આસ્થા અથવા શ્રદ્ધા (ઈમાન) જેટલી પ્રબળ હોય છે વ્યક્તિમાં સદ્ગુણોનો વિકાસ પણ એટલો જ મજબૂત હોય છે. એટલે વ્યક્તિત્વ વિકાસમાં ઈમાનનું મહત્વ ખૂબ જ વધારે છે. ઈમાન વાસ્તવમાં વ્યક્તિમાં એવી શક્તિઓનું સિંચન કરે છે જેના થકી તે મોટામાં મોટી સમસ્યાનો પણ સામનો કરી શકે છે. ઈમાન વ્યક્તિના સ્વભાવને એટલો સંતુલિત અને સહિષ્ણુ બનાવે છે કે જે બીજી રીતોથી શક્ય નથી. ઈમાન જ એ વસ્તુ છે જે માણસને મોટી આફતો અને વિરોધી સંજોગો સામે ટકી રહેવાની શક્તિ પૂરી પાડે છે અને બીજી બાજુ સારી પરિસ્થિતિમાં અને ભૌતિક સાધન સંપત્તિમાં પ્રાપ્ત સફળતાને નિયંત્રણમાં રાખે છે. આ ઐતિહાસિક વાસ્તવિકતા છે કે ઘોર આપત્તિ અને અસહ્ય પીડાની પરિસ્થિતિ હોય અથવા મનપસંદ વૈભવી જીવનની ખુશહાલી, વ્યક્તિ બંને પરિસ્થિતિમાં સંતુલન ચૂકી જાય છે. ખરાબ પરિસ્થિતિમાં કાં તો નાસીપાસ થાય છે અહીં સુધી કે આત્મહત્યા સુધ્ધાં જેવું કાયરતાપૂર્ણ પગલું પણ ભરી દે છે. અથવા સુખી જીવનમાં અહંકારની ભાવનાથી ગ્રસ્ત થઈ ગાંડા આખલાની જેમ વર્તે છે. અલ્લાહના રસૂલ સ.અ.વ.ના એક કથનનો ભાવાર્થ છે, મોમિન (ઈમાનવાળા)નો મામલો પણ વિચિત્ર હોય છે તે દરેક પરિસ્થિતિ તેના માટે પોતાના પાલવમાં ભલાઈ રાખે છે. અને આ માત્ર ઈમાનવાળાની વિશેષતા છે. જો તેઓ ખુશહાલ હોય તો આભાર વ્યક્ત કરે છે. જેે તેના માટે પૂર્ણતા ભલાઈ છે અને બદહાલ હોય અથવા તકલીફમાં હોય તો ધીરજ રાખે છે અને આ “ધૈર્ય” પણ તેના માટે ભલાઈ છે.
જીવનની વાસ્તવિકતાથી વ્યક્તિ સારી રીતે વાકેફ હોય તો આ બંને ગુણો વ્યક્તિમાં ગુલાબની જેમ ખિલે છે. વ્યક્તિને આશાવાદી બનાવવામાં આ ગુણો મહત્વના છે. માણસ જે સુખમય જીવનની કલ્પના કરે છે. જે શાંતિમય સમાજનું સ્વપ્ન સેવે છે, તે દિલની શાંતિ, સહનશીલતા, સહિષ્ણુતા અને પ્રેમ વગર શક્ય નથી. અને આ ગુણોના વિકાસમાં પણ ઉપરોક્ત બંને ગુણો ચાવીરૃપ છે. જીવન દરિયામાં વહેતી હોડી સમાન છે. જ્યાં વિવિધ પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે. ક્યારેક શાંત વાતાવરણ હોય છે, ઇચ્છીત દિશામાં પવન હોય છે, નયનરમ્ય દ્રશ્ય હોય છે તો ક્યારેય તોફાની મોજાઓ હોડીને હાલકડોલક કરી નાંખે છે. સબ્ર (ધીરજ) અને શુક્ર (આભાર) આ બે હલેસા છે જેના વડે તે દરિયા કાંઠે પહોચે છે.
મોમિન આ વાસ્તવિકતા જાણે છે!
જીવનમાં એવું થાય છે કે વ્યક્તિની આખા જીવનની જમા પુંજી જોતજોતામાં લંૂટાઈ જાય છે. કોઈના સગાસંબંધી વ્હાલાસોયાનો આધાર છિનવાઈ જાય છે. કોઈ મોટી બિમારીના સંકજામાં ફસાઈ જાય છે. કોઈનું વેપાર ખોરવાઈ જાય છે તો કોઈને કામોમાં નિષ્ફળતા મળે છે. વ્યક્તિની ઉમંગો અને ઇચ્છાઓ માટીમાં મળી જાય છે.
માણસ તૂ શેના માટે અધીરો બન્યો છે
તુ દુનિયાને પીડામય જોવા મથે છે
તારુ ભોળપણ તો જો તુ શું ઇચ્છે છે
તુ પાણીથી અગ્નિ જ્વાળા માગે છે
ભલા માણસ જીવન સ્થિર નથી તો પછી
તુ સ્થિરતા મેળવવા કેમ મથી રહ્યો છે
મોમિન વ્યક્તિ આ વાસ્તવિક્તાથી સુપરિચિત હોય છે કે આ જીવન પરીક્ષારૃપ છે અને અહીં દરેક સ્થિતિમાં કસોટી છે. આપણા પાલનહારે પરીક્ષાના સ્વરૃપ બદલ્યા છે. પરંતુ કોઈને પરીક્ષાથી ઉપરવટ નથી. કુદરતી આફતોનું નામ જ પરીક્ષા નથી. સત્યના પ્રચાર કાર્યમાં જે તકલીફો વેઠવી પડે છે તે પણ પરીક્ષારૃપ છે. ધરતી ઉપર સૌથી ઉત્તમ પુરુષો થયા હોય તો તેઓ અલ્લાહના પયગમ્બરો (ઈશદૂતો) છે. અને તેમને પણ આવી પરિસ્થિતિમાંથી પસાર થવું પડયું છે. પરીક્ષાખંડમાં બેસેલો વિદ્યાર્થી કઠોર અને સરળ બધા પ્રશ્નોનો સાચો ઉત્તર લખે છે તો જ તે સફળ થઈ શકે છે. તેવી રીતે જીવનરૃપી પરીક્ષામાં વ્યક્તિ યોગ્ય વર્તણુંક અને વલણ અપનાવે, સદ્ગુણોનો વિકાસ કરે તો જ જીવનમાં સફળ થઈ અલ્લાહની પ્રસન્નતા અને સ્વર્ગને પામી શકે છે. “અને અમે અવશ્ય તમને ભય અને ડર, ભૂખ, પ્રાણ અને ધન-સંપતિના નુકસાન અને આમદનીઓની ખોટમાં નાખીને તમારી પરીક્ષા કરીશું. તેમને ખુશખબર આપી દો, આ સંજોગોમાં જે લોકો ધીરજ રાખે અને જ્યારે કોઈ મુસીબત આવી પડે તો કહે કે, ”અમે અલ્લાહના જ છીએ અને અલ્લાહના જ તરફ અમારે પાછા ફરવાનું છે.” (સૂરઃબકરહ -૧૫૫ અને ૧૫૬)
આ વાસ્તવિકતા પણ આપણી નજર સમક્ષ રહેવી જોઈએ કે વ્યક્તિ જેટલી સત્યવાદી અને સત્યની પ્રચારક હશે તેના માટે આજમાયશ પણ વધારે હશે. પયગમ્બર મુહમ્મદ સ.અ.વ.થી પુછવામાં આવ્યું, મુસીબતના પર્વતો કેવા માણસ પર તૂટે છે? આપે ફરમાવ્યું પયગમ્બરો ઉપર પછી તેમના ઉપર જેઓ સત્ય અને સચ્ચાઈમાં તેમનાથી જેટલી નજીક હોય. પછી તેઓ જે તેમના જેવા હોય, યાદ રાખો વ્યક્તિ ઉપર આજમાઈશ તેના દીન મુજબ આવે છે જો તેઓ દીન પર અમલ કરવામાં સખત હોય તો તકલીફ પણ સખત હશે અને તેમનો દીન નિર્બળ હોય તો તેમના ઉપર આવનારી તકલીફો પણ સરળ હશે. “તમારા પહેલાં પણ ઘણાં રસૂલોને ખોટા ઠેરવવામાં આવી ચૂક્યા છે, પરંતુ આ જૂઠ ઉપર અને તે પીડાઓ પર જે તેમને પહોંચાડવામાં આવી, તેમણે ધીરજ રાખી, ત્યાં સુધી કે તેમના પાસે અમારી મદદ પહોંચી ગઈ. અલ્લાહની વાતોને બદલી કાઢવાની તાકાત કોઈનામાં નથી અને અગાઉના પયગંબરો સાથે જે થયું તેના સમાચારો તમને પહોંચી જ ગયા છે.” (સૂરઃ અન્આમ-૬ઃ૩૪)
પયગમ્બર મુહમ્મદ સ.અ.વ.નું જીવન જોઈ લો નબી થયાની ઘોષણા કરી ત્યાંથી લઈને અંત સુધી વિવિધ સ્વરૃપમાં તકલીફો તેમના ઉપર આવી. એકેશ્વરવાદના પ્રચાર બદલ આરબ વાસીઓની ગાળો ખાધી, માર ખાધાં, ધમકીઓ મેળવી, પત્થરો મારવામાં આવ્યા, કત્લ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, બાયકોટની તકલીફ સહન કરવામાં આવી, યુદ્ધ કરવામાં આવ્યું, આપ સ.અ.વ. ઘાયલ થયા… એક લાંબી કડી છે. પરંતુ આપ સ.અ.વ.એ દરેક પરિસ્થિતિમાં અડગ રહ્યા અને તેમના અનુયાયીઓને ધૈર્યની તાલીમ આપતા રહ્યા. કેમકે તેમના અનુયાયીઓ (સહાબા કિરામ રદી.) ઉપર પણ વિવિધ પ્રકારના અત્યાચાર થઈ રહ્યા હતા. એવી તકલીફો, એવી પીડા, આવા અત્યાચારો અને જુલમ કે વાંચતા આંખો અશ્રુભીની થઈ જાય છે અને શરીર ધ્રુજ્વા લાગે છે.
કુછ બાત હૈ કિ હસ્તી મિટતી નહીં હમારી
સદીઓ રહા હૈ દુશ્મન દૌરે જહાં હમારા
અસત્યવાદી આજમાઈશથી ગભરાય છેઃ
જે લોકો ઈમાન નથી ધરાવતા, જીવનની વાસ્તવિકતાથી વાકેફ નથી. તેઓ અઇચ્છનીય પરિસ્થિતિમાં ઘૂંટણો ટેકવી દે છે. કેમકે આ લોકો ન તો ભાગ્યને માને છે કે જેથી તે પરિસ્થિતિમાં પ્રસન્ન રહે અને ન જ ખુદાને માને છે કે જેથી તેની તત્વદર્શિતા અને નિર્ણયો પર સંતોષ અનુભવે. પયગમ્બરોને ન માનતા હોવાથી તેમના પાસે કોઈ નમૂનો પણ હોતો નથી કે જ્યાંથી પ્રેરણા મેળવે. ન જ એવા ગ્રંથ પર ઈમાન ધરાવે છે જ્યાંથી ધૈર્યનું શિક્ષણ મેળવે. આવા લોકોમાં આવા ગુણો હોય તો તે પણ કમજોર હોય છે. આવા લોકોનું જીવન એ હોડી સમાન છે જેનો કોઈ નાવિક ન હોય. સત્યવાદી વ્યક્તિ ખોટુ કાર્ય કરતો નથી ભલે ગમે તેવી આજમાઈશ હોય. “યૂસુફે કહ્યું, હે મારા રબ ! હું તે કામ કરું જે આ લોકો મારા પાસે કરાવવા માગે છે તેની સરખામણીમાં કેદ મને મંજૂર છે અને જો તેં તેમની ચાલોને મારાથી દૂર ન કરી તો હું તેમની જાળમાં ફસાઈ જઈશ અને અજ્ઞાાનીઓમાં સામેલ થઈ જઈશ.” (સૂરઃ યૂસુફ-૧૨ઃ૩૩)
પ્રાકૃતિક નિયમો પણ ધીરજ શીખવે છેઃ
અલ્લાહ તઆલાએ જે સુંદર સંસારની રચના કરી છે તેના કેટલા નિયમો બનાવ્યા છે. પ્રકૃતિ જેની પાબંદ છે, ખેડૂત જમીન ખેડે છે, વીજ વાવે છે, ત્યારબાદ લાંબા સમય સુધી ધીરજ રાખે છે ત્યારે કંુપળ ફુટે છે અને તબક્કાવાર વૃક્ષ બને છે. જો ધીરજ ન રાખવામાં આવે તો જમીનની લીલોતરીરૃપ ચાદર લુપ્ત થઈ જશે. માતાના ગર્ભમાં બાળકને તૈયાર થવામાં ૯ મહિના લાગે છે અને જન્મ પછી સમજૂ થવામાં વર્ષો લાગે છે. આ તબક્કાવાર વિકાસ આપણને ધીરજ રાખવાનો સંદેશ આપે છે.
ઇસ્લામી ઇતિહાસ ધીરજના દૃષ્ટાંતોથી માલામાલ છે. બલ્કે ધૈર્યપૂર્વક તકલીફોનો મુકાબલો કરવાની તેમની વિશેષતાથી પુસ્તકો ભરેલા છે. હું અહીં એક ઘટનાનું વર્ણન કરવા ઇચ્છું છું. હઝરત ઉરદર બિન ઝૂબેર રદી. તાબઈન (સહાબાના યુગના વ્યક્તિ)માં મોટી કક્ષાના ધર્મશાસ્ત્રી હતા. તેમને એક એવી બિમારી લાગી કે તબીબોએ પગ કાપવાની સલાહ આપી. આપ રહ. તેના પર રાજી થઈ ગયા કેમકે તેના સિવાય કોઈ બીજો ઉપાય જ ન હતો અને પગને કાપવા માટે આરાની નીચે મૂકી દીધો. કાપવાની પીડાનો અનુભવ ન થાય તેના માટે તબીબોએ તેમને દવા પીવા માટે કહ્યું. જ્યારે તેમને આ દવાની વિશેષતાનું જ્ઞાાન થયું તો તેમણે કહ્યું હું નથી સમજતો કે અલ્લાહ પર ઇમાન રાખનારી વ્યક્તિએ આવી દવા પીવી જોઈએ જેના પરિણામે તે ભાન ભૂલી જાય (અલ્લાહ યાદ ન રહી શકે). તેમણે કહ્યું તમે એમ જ મારો પગ કાપી નાખો. છેલ્લે દવા પીવડાવવા વગર પગ કાપવામાં આવ્યો પરંતુ તેમણે સામાન્ય પીડા પણ સ્પષ્ટ ન થવા દીધી અને શાંતિથી જોતા રહ્યા. જોગાનુજોગ ખુદાની ઇચ્છા કે એ જ રાત્રે તમેનો સૌથી વ્હાલો પુત્ર ધાબા પરથી પટકાઈને મૃત્યુ પામ્યો. લોકો તેમની તાજીયત (બેસણુ) માટે આવ્યા તો આપે કહ્યું, અલ્લાહ તારો આભાર છે. મારા સાત પુત્ર છે તેણે માત્ર એક જ લીધો છે. બાકીના છ મારી પાસે રહેવા દીધા, સ્વંય મને પણ તે બે હાથ, બે પગ આપ્યા હતા તેમાંથી એક જ કાપવામાં આવ્યો છે. ત્રણ મારી પાસે છે. તે જો મારી પ્રિય વસ્તુઓ લીધી છે તો તે તારી જ આપેલી હતી. આજમાઈશ તારા તરફથી આવી છે તો અત્યાર સુધી રાહતથી પણ તમે જ નવાજ્યો હતો.
આપણા દેશમાં અસહિષ્ણુતાના જે બનાવોે બની રહ્યા છે અને સહનશીલતા મૃતપ્રાય બની છે તેના મૂળમાં પણ સત્યની અછત છે. ઈમાન ધરાવનારી વ્યક્તિ ક્યારેક અસહિષ્ણુ હોઈ શકતી નથી. ધીરજ તેની મુખ્ય વિશેષતા હોય છે. ધૈર્ય વ્યક્તિને કાયર બનાવતો નથી. ધૈર્ય વ્યક્તિમાં કપરા સંજોગોથી લડવાની શક્તિ પૂરી પાડે છે. ધૈર્ય વગર ન કોઈ ઇબાદત શકય છે ન કોઈ કામ. ધૈર્ય વગર વ્યક્તિ દાનવીર બની શકે છે ન જ્ઞાાની. અલ્લાહ પણ એ લોકોની મદદ કરે જેઓ ધૈર્ય રાખે છે અને અડગ રહે છે. “હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો ! ધૈર્ય અને નમાઝથી મદદ લો. અલ્લાહ ધૈર્યવાન લોકોના સાથે છે.” (સૂરઃ બકરહ-૨ઃ૧૫૩)
ધૈર્યનો અર્થ આ નથી કે તમને તમારા ધર્મ મુજબ જીવવાની અને આઝાદી પૂર્વક વર્તવાની છુટ ન મળે તો તેને મજબૂરી જાણી બેસી રહો. ધૈર્ય એટલે જે વસ્તુને તમે સત્ય જાણો છો તેના ઉપર અમલ કરો અને તેમાં તમારી ઉપર તકલીફ આવે તો તમે અડગ રહો. જે પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે તે બધુ અલ્લાહની નજરમાં છે અને તે સુંદર નિર્ણય કરશે. “અને હે નબી ! તમે તે માર્ગદર્શનનું અનુસરણ કરતા રહો જે તમારા તરફ વહી મારફતે મોકલવામાં આવી રહ્યું છે અને ધૈર્ય રાખો ત્યાં સુધી કે અલ્લાહ ફેંસલો કરી દે, અને તે જ સૌથી શ્રેષ્ઠ ફેંસલો કરનાર છે.” (સૂરઃ યુનૂસ-૧૦ઃ૧૦૯), “હે નબી ! ધૈર્યથી કામ કર્યે જાઓ – અને તમારું આ ધૈર્ય અલ્લાહની જ મદદ અને તેણે અર્પેલ સદ્બુદ્ધિથી છે – આ લોકોની હરકતોથી દુઃખી ન થાઓ અને ન તો તેમની ચાલબાજીઓથી તમારું હૃદય દુભાય.” (સૂરઃ નહ્લ-૧૬ ઃ૧૨૭)
અને છેલ્લે સફળતા તો અલ્લાહ તઆલા એ લોકો ને જ આપશે જેઓ ધૈર્ય રાખનાર અને અડગ હતા. “આજે તેમના તે સબ્ર (ધૈર્ય)નું મેં આ ફળ આપ્યું છે કે તેઓ જ સફળ છે.” (સૂરઃ મુ’મિનૂન-૨૩ઃ૧૧૧). અને પરલોકમાં પણ આ લોકો સફળ થશે અને મુક્તિ પામશે. “આ છે તે લોકો જેઓ પોતાના સબ્ર (ધૈર્ય)નું ફળ ઉચ્ચ મંજિલના સ્વરૃપમાં મેળવશે, આદર અને અભિવાદન (સલામ) સાથે તેમનું સ્વાગત થશે.” (સૂરઃ ફુરકાન-૨૫ઃ૭૫) *
– sahmed.yuva@gmail.com