Thursday, May 30, 2024
Homeઓપન સ્પેસસ્ટેથોસ્કોપઅફસોસ સદ અફસોસ કે શાહીન ન બના તુ

અફસોસ સદ અફસોસ કે શાહીન ન બના તુ

આપણે એ વાત વારંવાર સાંભળતા કે લેખોમાં વાંચતા રહીએ છીએ કે આપણો યુવાવર્ગ દરેક ક્ષેત્રમાં દિશાહીન અને ધ્યેયરહિત છે. આના ઘણા બધા કારણો હોઇ શકે છે. ઘણીવાર કારણો આપણી સમક્ષ આવતા રહે છે. એક કારણ અલ્લામા ઇકબાલ રહ. કે જેમની ઘણીખરી રચનાઓ યુવાનો પ્રત્યેની ચિંતાને ઉજાગર કરે છે. તેથી જ આ રચનાઓમાં યુવાનો કેન્દ્રસ્થાને જોવા મળે છે. એક વખત જ્યારે અલ્લામા ઇકબાલ રહ. જમવા બેસ્યા તો એમના પ્લેટમાં ચીકન પીરસવામાં આવી. આપે તે ચીકનને સંબોધીને કહ્યું,

અફસોસ સદ અફસોસ કે શાહીન ન બના તુ
દેખેં ન તેરી આંખને ફિતરત કે ઇશારાત

અલ્લામા ઇકબાલ રહ.ની રચનાઓને જે લોકોએ નજીકથી વાંચી છે તેઓને ખબર છે કે ઇકબાલની રચનામાં ‘શાહીન’નું શું સ્થાન છે? ‘શાહીન’ને પક્ષીઆના વિશ્વનું બેતાજ બાદશાહ તરીકે ઓળખવામાં આવે છે. ‘શાહીન’ બેતાજ બાદશાહ કેમ છે એ પણ અલ્લામા ઇકબાલ રહ.ની બીજી ઘણીખરી રચનાઓથી જાણી શકાય છે. ‘શાહીન’ સામાન્ય પક્ષીઓથી અલગ હોય છે. તે બહું જ ઊંચી ઉડાન ઉડે છે અને આકાશની ઉંચાઇઓને સર કરે છે. શાહીન દુરંદેશ હોય છે અને શોધ અને સંઘર્ષમાં રત, માટે તે દૂર બેસીને નાનાથી નાના પક્ષીને જોઇ લે છે અને તેનો શિકાર કરે છે અને તે પણ પાછળથી નહીં આગળથી શિકાર કરે છે. ‘શાહીન’ ક્યારેય બીજાઓ ઉપર નિર્ભર નથી રહેતું કેમકે પોતાની દુનિયા પોતે બનાવે છે.

પરવાઝ હૈ દોનો હી ઇસી ફિઝામેં
કરગસ કા જહાં ઔર હે શાહીન કા જહા ઔર
ગુઝર અવકાત કર લેતા હૈ યે કોહ વ બયાબાં મેં
કે શાહીન કે લિયે ઝિલ્લત હે કારે આસીયાં બંદી
પરીન્દોં કી દુનિયા કા દુરવેશ હુ મેં
કે શાહીન બનાતા નહીં આશીયાના

આ વિશેષતાઓ છે જે ‘શાહીન’ને પક્ષીઓના વિશ્વનું બેતાજ બાદશાહ બનાવે છે. અલ્લામા ઇકબાલ રહ. એ જે પ્લેટની તળેલી ચીકનને સંબોધીને જે વાત કરી હતી તે ખરેખર એ મુરઘીથી ન હતી પણ તે યુવાઓને સંબોધીને કહી રહ્યા હતા કે તમે ‘શાહીન’ની વિશેષણો ધરાવો છો છતાં ‘શાહીન’ની જેમ ન બની શક્યા અને આ તળેલા મરઘાની જેમ કે જેવી રીતે આસાનીથી ખાઇ શકાય છે એવા બની ગયા છો. તમારા જીવન સંઘર્ષમય નથી, તમારામાં ઉચે જવાની ઉમંગ અને ઉત્સાહ નથી.

આપણો યુવાવર્ગ લાગણીહીન બની ગયો છે. તે દરેક ક્ષેત્રમાં હતાશાનો ભોગ બની રહ્યો છે. તેથી અલ્લામા ઇકબાલ રહ. આ રચના યુવાઓમાં જોશ અને ઉત્સાહ ભરવા માંગે છે અને જીવનધ્યેય મુજબ જીવન વ્યતિત કરવાની પ્રેરણા આપે છે. કેમકે કોઇપણ કોમને તેના યુવાઓથી ઘણી આશાઓ હોય છે

પરંતુ આધુનિક સંસ્કૃતિએ યુવાઓની આત્માને કચડી નાખ્યું છે. તેમની અંદર સંવેદનહીનતા, અશ્લીલતા,સ્વછંદતા, આત્મશ્લાઘા અને આળસ પેદા કરી દીધી છે. યુવાઓ તેમના મુળ લક્ષ્યથી વેગડા થવા માંડ્યા છે. તેમની પાસે જીવનનો ઉચ્ચ દૃષ્ટિકોણ નથી. સમાજના સામાન્ય વ્યક્તિથી એમને કોઇ નિસ્બત નથી. યુવાપેઢી ખાવો, પીવો અને એશ કરોની નીતિ અપનાવી જીવન ગુજારવામાં મદમસ્ત છે. જ્યારે સમાજ ઉપર નજર નાંખીશું તો સમસ્યાઓનો ઢગલો આપણને જોવા મળશે.

યુવાપેઢીને ‘શાહીન’ની વિશેષતાઓે અપનાવી સમાજની નવરચના માટે તૈયાર થવું પડશે તો જ એમની યુવાનીની જવાબદારીની ચુકવણી થશે. નહીંતર જ્યારે ઇશ્વર પરલોકના દિવસે પ્રશ્ન પુછશે કે યુવાનીનો અમુલ્ય કાળ કયા કાર્યોમાં વ્યતિત કર્યો તો આપણી પાસે જવાબ આપવા માટે કોઇ ઉત્તર નહિ હોય.

મિત્રો, જીવન એક જ વાર મળે છે. જીવનની હકીકત સમજાવતા મૌલાના અમીન અહસન ઇસ્લાહી રહ. પોતાના લેખમાં લખે છે કે, એક વ્યક્તિ જેમની પાસે એક જ રોટલીનો ટુકડો હોય અને તેના બાળકો ભુખ્યા હોય તો એ ક્યારેય મુર્ખામી નથી કરતો કે એ રોટલીને ઉપયોગમાં લાવ્યા વગર કચરાપેટીમાં ફેંકી દે, વ્યક્તિની પાસે એક બોટલ પાણી હોય અને તેને લાંબી મુસાફરી કરવાની હોય તે ક્યારેય એ મુર્ખામી નથી કરતો કે એક બોટલ પાણીનો ઉપયોગ પીવાના બદલે પગ ધોવામાં કરે. વ્યક્તિને લાંબી મુસાફરી કરવી હોય અને જંગલથી પસાર થવાનું હોય અને તેમની પાસે એક જ તીર હોય તો અને તેને જંગલી પ્રાણીઓનો ભય હોય તો એ ક્યારેય એ મુર્ખામી નહીં કરે કે આ એક તીરને શિયાળને મારવામાં ઉપયોગ કરે. આગળ મૌલાના લખે છે કે શું થઇ ગયું છે માનવજાતને કે એક રોટલીનું મહત્વ જાણે છે, એક બોટલ પાણીનું મુલ્ય સમજે છે, એક તીરની કીંમત સમજે છે પરંતુ આ જીવન જે ઇશ્વરે એક જ વાર આપ્યું છે, એની કદર-કીંમત નથી જાણતો?

યુવાઓને સ્વપ્નાવસ્થામાંથી જાગૃત થવું પડશે અને ઇશ્વરીય માર્ગદર્શન મુજબ સમાજની નવરચના માટે તૈયાર થવું પડશે તો જ વાસ્તવિક અર્થમાં યુવાનીનો હક અદા થશે. ઇશ્વરથી પ્રાર્થના છે કે અમોને ક્ષમા કર, અમારા ઉપર દયા કર અને બાકીનું જીવન ઇશ્વરીય માર્ગદર્શન મુજબ વ્યતિત કરવાની શક્તિ આપે. આમીન.

Email : rashid.sio@gmail.com
https://www.facebook.com/rashidhussainshaikh

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments