Sunday, October 6, 2024
Homeઓપન સ્પેસઅલ્લાહના અંતિમ રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ નું મુખ્ય અને પાયાગત કામ

અલ્લાહના અંતિમ રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ નું મુખ્ય અને પાયાગત કામ

માનવ પ્રકૃતિ આત્મસાત રીતે પહેલેથી જ ભૌતિક સુખો અને તેની અમર્યાદ પ્રાપ્તિની ઝંખનામાં હંમેશાં વ્યસ્ત રહેવા તરફ વધુ પડતો ઝોક લઈને ચાલવાનું વલણ ધરાવે છે. તેની આ ઝંખના આજે તીવ્રતાની ટોચ ઉપર પહોંચી ચૂકી છે. તેનું મૂળભૂત કારણ એ છે કે તેણે જિંદગીના તે વિભાગને જ જોયો અને જાણ્યો છે જે તેની નજરો સામે તાદૃશ છે અને તેની કદી ખતમ ન થનારી જરૂરતો માટે તેને ઝઝૂમવું પડે છે. જીવનનું ફલક તો ઘણું વિશાળ અને અસિમીત છે પણ માનવીય પ્રજ્ઞાા તેના જેટલા ભાગને જોઈ અને માણી શકે છે તેટલા ભાગને જ સજાવવા અને સંવારવા તરફ તેની શક્તિઓનું ધ્યાન કેન્દ્રીત કરતી હોય છે. મનુષ્ય તેમાં એટલો બધો વ્યસ્ત થઈ જાય છે કે તેણે ધારી લીધેલ હદની આગળ પણ જીવનની મંઝિલો છે કે કેમ ? અને છે તો કયાં સુધી છે ? તેનો કાર્યકાળ કેટલો છે ? અને તેની જરૂરતો અને ઉપલબ્ધિઓ શું છે તે વિશે કયાં તો પોતાના વિચાર-તંતુઓને લંબાવવાની એનામાં કોઈ જિજ્ઞાાસા જ નથી, અથવા તો પછી એ તેના પ્રત્યે આંખ આડા કાન કરી લે છે. ઘાંચીના બળદની જેમ નાના સરખા ગોળ દાયરાને (જેમાં એને સતત ફર્યા કરવું પડતું હોય છે) જ પૂરી દુનિયા સમજી બેસે છે તેમ જીવનના ક્ષેત્રની એક નિર્ધારિત હદની ધારણા બાંધી લેનાર માનવી જીવનના એટલા ભાગને જ ‘સંપૂર્ણ જીવન’ સમજીને તેટલા પૂરતો જ વ્યસ્ત બનેલો રહે છે.

તેની વૈચારિકતા આટલી મર્યાદિત એટલા માટે છે કે તે (માનવી પોતે) સર્જક નથી બલ્કે સૃષ્ટિના કરોડો સર્જનોમાંનું એક સર્જન માત્ર છે અને પ્રત્યેક સર્જનની એક ચોક્કસ અને નિર્ધારિત હદમર્યાદા હોય છે. પરંતુ તમામે તમામ સર્જનોમાં માનવીને સર્વશ્રેષ્ઠ અને સર્વોત્તમ સર્જનનું રૃપ આપીને તેને બુદ્ધિ, વિચાર અને ચિંતનક્ષમતાની શક્તિઓ અર્પણ કરવામાં આવી છે તથા થોડીક માત્રામાં વર્તનની આઝાદીથી તેને વિભૂષિત કરવામાં આવ્યો છે. પરંતુએ છતાં આખરે તો તે એક સર્જન માત્ર જ છે. એટલે એક ખાસ વિશેષ પ્રકારની શક્તિઓથી વિભૂષિત હોવા છતાં તેણે પોતાની હદમર્યાદાઓમાં રહીને ચાલવું એ તેના માટે હિતકર અને મહત્તમ લાભપ્રદ છે. કમાન કાબૂમાં રહીને નિર્ધારિત હદ-મર્યાદામાં ગતિ કરે તો એ દિવસના દિવસો સુધી ઘડિયાળને વ્યવસ્થિતપણે ચલાવવા સક્ષમ રહે છે, પરંતુ જો એ છટકી જાય, તેના સ્થાન અને હદ-મર્યાદાથી ભટકી જાય તો શું થાય ? બધું રમણ-ભમણ થઈ જાય ! બસ, આ માનવી અને તેની શક્તિમર્યાદાઓનું સ્થાન પણ કંઈક આવું જ છે. જે માણસ પોતાની આ હદ-મર્યાદાઓ અને ક્ષમતાને ઓળખીને તેનું સુંદર આયોજન કરી શકે તેમજ જીવનના અસલ ધ્યેય અને તેના હેતુને સુંદરતમ રીતે પાર પાડી શકે.

ત્યારે પોતાની શક્તિ મર્યાદાઓ અને ક્ષમતાના ક્ષેત્રને ધ્યાનમાં રાખીને માનવી જીવનરૃપી આ અસીમ કૃપાને સુંદરતમ શી રીતે બનાવી શકે ? તેના ઉચ્ચતમ સ્થાન સુધી શી રીતે પહોંચી શકે ? અને તેનું સારામાં સારું વળતર કઈ રીતે મેળવી શકે ? એમાં વ્યાપ્ત થઈ જનારા બગાડને એ શી રીતે અટકાવી શકે ? એની કાર્યક્ષમતા ખોટકાઈ જઈને અવળી દિશાએ ચઢી ન જાય તથા નિરર્થક અને નિરૃપયોગી ન બની જાય તેના માટે તેણે કેવી કેવી સાવચેતીઓ રાખવી જોઈએ ? આવા બધા પ્રશ્નોના જવાબ તેણે મેળવવા પડે અને તેના તારણો પણ તેણે કાઢવા પડે. ત્યારે આ બધી બાબતોની જાણકારીઓ તથા સચોટ માર્ગદર્શન તેણે કયાંથી મેળવવા ? અને કોને પૂછવું ? કોણ એવું હોઈ શકે જેની પાસેથી આ પ્રશ્નોના જવાબો મળી શકે? આ બાબત અત્યંત મહત્ત્વની છે. એના વિના સાચી દિશા મળી શકવી અસંભવ છે. જવાબો તો ઉપલબ્ધ છે જ પણ જિજ્ઞાાસા અને પ્રશ્નો સિવાય તેના તારતમ્યો મળી શકતા નથી.

જીવન, તેની ઉત્પત્તિ, તેનું કાર્યક્ષેત્ર તથા તેના લક્ષ્યો અને પરિણામો અંગે વિચારવાની જિજ્ઞાાસા તો માનવીએ કેળવી અને તેના પ્રમાણબિંદુઓ શોધવા માટે તેણે પ્રયાસો પણ ભરચક કર્યા, પરંતુ આ શોધ-સફરમાં પહેલા જ કદમ ઉપર તે જબરજસ્ત થાપ ખાઈ ગયો. તેની નજરો સામે ભૌતિકરૃપમાં દૃશ્યમાન જીવનનું અસ્તિત્વ માત્ર તાદૃશ હતું. એટલે જેમ ઉપર કહ્યું તેમ તેની જિજ્ઞાાસા પણ માત્ર ‘ભૌતિક અસ્તિત્વ’ સુધી જ સીમિત હતી. એટલે તેણે વિચારયાત્રાની શરૃઆત એ પ્રશ્નોથી કરી કે જીવન ઉત્પન્ન શી રીતે થયું ? ભૌતિક જગત અને તેના તમામ પદાર્થો તથા તેમાં વ્યાપ્ત વ્યવસ્થાઓ શું છે અને કેવી છે? તેના સંચાલનમાં કઈ ભૌતિક કાર્યશક્તિઓ ભાગ ભજવે છે ? તેને બળ અને શક્તિ આપનારા માધ્યમો કયાં છે ? વગેર વગેરે. આવા પ્રશ્નો ઉપર તેણે ઊંડાણપૂર્વક ચિંતન કર્યું અને તેના અનેક તારતમ્યોની જાણ સુધી પહોંચવામાં તે સફળ પણ થયો. એકવીસમી સદીનો માનવી તો હવે લગભગ આવા જ્ઞાાનની પરાકાષ્ટાએ પહોંચી ચૂકયો છે.

પરંતુ ચિંતન અને જ્ઞાાનસફરના પ્રથમ કદમ ઉપર જ તેનાથી જે એક મોટી ભૂલ થઈ ગઈ એ ભૂલ ‘અસલ સત્ય’ સુધી પહોંચવા માટે આજપર્યંત તેના માર્ગમાં અડચણરૃપ બની રહી છે. કદાચ આ જ ભૂલને ઉદ્દેશીને અબ્દુલ હમીદ અદમ કહે છે.

‘સિર્ફ એક કદમ ઉઠા થા
ગલત રાહે શૌકમેં
મંઝિલ તમામ ઉમ્ર
મુઝે ઢૂંઢતી રહી !

ત્યારે આ ભૂલ કઈ હતી જે જ્ઞાાનસફરની દિશામાં કરોડો વર્ષના સફર પછી પણ ‘અસલ સત્ય અને તેના લક્ષ્ય’થી માનવીને દૂર રાખી રહી છે ? આ ભૂલ એ છે કે શોધયાત્રાની શરૃઆત કરવાના પ્રથમ ચરણ સાથે પેલા બધા પ્રશ્નોની સાથે એ પણ વિચારવુું જોઈતું હતું કે આ તમામ સર્જનો, પદાર્થો અને તેની વ્યવસ્થાઓનો સર્જક પણ કોઈ છે? અને અગર છે તો તે કોણ છે ? આ તમામ સૃષ્ટિ અને તેના તમામે તમામ સર્જનો ઉપર તેનો સંપૂર્ણ કાબૂ છે કે કેમ? જો હોય તો આ તમામ સર્જનોને એ હસ્તીના અનુસાશન હેઠળ રહીને ચાલવાની જરૂરત છે કે કેમ ? જ્ઞાાનયાત્રાના પ્રથમ ચરણ ઉપર આ જ પ્રશ્નો અત્યંત મુદ્દાના હતા જે અસલ તથ્ય અને સત્ય સુધી પહોંચવા માટે તેના સહાયક બને એમ હતા તથા ભૂલના મહાભયાનક અને ઘાતક પરિણામો (જેને આજે માનવજાત ભોગવી રહી છે)થી તેને બચાવનાર હતા.

પ્રથમ માનવ (અને પ્રથમ નબી પણ) હઝરત આદમ અ.સ.થી લઈને છેલ્લામાં છેલ્લા (અંતિમ) નબી- જેમની પધરામણી આ જગત ઉપર ઈ.સ.પ૭૧ની સાલમાં થઈ તે હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સુધીના તમામે તમામ નબીઓ અને રસૂલોએ આ જ બાબતની સાચી દિશા માનવજાતને બતાવવાનું મીશન લઈને જગત ઉપર પધાર્યા. માનવજાતના વંશવેલાની શરૃઆત અને તેના જીવનપ્રવાસની શરૃઆતથી જ તેને આ દિશા-સૂચન આપવું એ કામ અત્યંત જરૂરી હતું, જેથી તે થાપ ખાઈને અસલ માર્ગથી ભટકી ન જાય. તેથી સહુ પ્રથમ માનવી (હઝરત આદમ અ.સ.) જે જગત ઉપર સ્થિત થયા તેઓ સનાતન સત્યના આ પ્રકાશને સાથે લઈને અવતર્યા હતા. વળી તેને તેમણે પોતાની નજરોએ જોયું પણ હતું. કારણ કે ધરતી ઉપર ઉતરાણ પહેલાં તેઓ એ જ સામ્રાજ્યની અસ્તિત્વભૂમિમાં રહ્યા પણ હતા અને પોતાની નજરોથી તેમણે તેને જોયા પણ હતા.

પછીથી ધરતી ઉપર વંશવૃદ્ધિ પામતો જતો માનવી આ જગત અને તેના જીવનની જરૃરિયાતોની માયાજાળમાં એટલો સખ્ત રીતે ફસાતો ગયો કે તેની પ્રજ્ઞાા એ ‘અસલ સત્ય’ના ઉજાગર રહેવાથી ઝાંખી પડતી ગઈ. એનું ચિત્ત આ તાદૃશ જગત અને તેની જરૂરતો તથા ઉપલબ્ધિઓમાં એટલું વ્યસ્ત થતું ગયું કે તેને એ વિચારવાનો અવકાશ જ ન રહ્યો કે આ બધાનો કોઈ રચયિતા અને સંચાલક પણ છે. સમગ્ર બ્રહ્માંડ અને તમામ જીવસૃષ્ટિની દોર તેના હાથમાં છે અને તેથી તેના અનુશાસન હેઠળ જીવન વ્યતીત કરવું એમાં જ માનવ જીવનની અસલ ફલશ્રુતી છે. ખીલેથી છૂટી ગયેલું ઢોર જેમ બેલગામ થઈને મન ફાવો ત્યાં ભટકતું થઈ જાય તેમ સર્જકના અસ્તિત્વ અને તેના આધિપત્યથી બેખબર થઈ ગયેલો માનવી ધીરેધીરે દિશાહીન બનતો ગયો અને દિશા છૂટી જાય એટલે દશા બગડી જાય એ સ્વાભાવિક છે. એટલે પછી એની દશાના કોઈ ઠેકાણા રહી શકયા નહીં. સમયે સમયે આવનાર ઈશદૂતો (નબી અને રસૂલો)એ આ વાસ્તવિકતાનું ભાન કરાવવા ખૂબ ખૂબ પ્રયાસો કર્યા કે જેથી એની છટકી ગયેલ કમાન ફરી ઠેકાણે આવી જાય પરંતુ ઘણે ભાગે એ ઈશદૂતોના દિશાસૂચનોથી અલિપ્ત રહીને જ ચાલવાનું વલણ માનવજાતે અપનાવ્યું અને આમ યુગોના યુગો પસાર થઈ ગયા.

નબી અને રસૂલોની શ્રૃંખલાની અંતિમ કડીના રૃપમાં આખરે આરબની ભૂમિ ઉપર અલ્લાહના અંતિમ નબી અને રસૂલ હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ-માનવીય જીવનની તમામે તમામ ગતિવિધિઓનું સંપૂર્ણ માર્ગદર્શન લઈને ઇસ્લામી વર્ષના રબીઉલ અવ્વલ મહિનાની ૧રમી તારીખના દિવસે આરબની ધરતી ઉપર અવતર્યા. (વધુ પડતી રિવાયતો ૧ર રબીઉલ અવ્વલને સમર્થન આપે છે. અલ્લામા શિબ્લી નો’માની અને સૈયદ સુલૈમાન નદવી ર.અ.ના ખ્યાતનામ પુસ્તક ‘સીરતુન્નબી’માં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની પૈદાઈશની તારીખ ૯ રબીઉલ અવ્વલ અને મંગળવાર બતાવી છે. અર્થાત્ ર૦ એપ્રિલ પ૭૧ ઈ.સ.) આપનાથી અગાઉ આવી ગયેલા છેલ્લા નબી હઝરત ઈસા અ.સ.ને જગત ઉપરથી વિદાય થવાને પ૭૧ વર્ષ વીતી ચૂકયા હતા. હઝરત ઈસા અ.સ.ના જીવનનો કાર્યકાળ ખૂબ ટૂંકો હતો. આપ અ.સ.ને કામ કરવાનો ખૂબ ઓછો મોકો મળ્યો હતો. (લગભગ ચાર-પાંચ વર્ષ જેટલો) એ પછી યહૂદીઓના ભયંકર અત્યાચારોના અંતે આપ અ.સ.ને ક્રોસ ઉપર જડી દેવા માટે લઈ જવામાં આવ્યા ત્યારે અલ્લાહે પોતાની ગુપ્ત શક્તિઓને કામે લગાડીને તેમને જીવંત હાલતમાં જ આસમાન ઉપર ઉઠાવી લીધા. એ પછી પ૭૦ વર્ષ સુધી માનવજાત અલ્લાહ (સર્જક અને પાલક)ના માર્ગદર્શનથી વંચિત રહી.

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ઉમર જ્યારે ૪૦ વર્ષની થઈ ત્યારે અલ્લાહતઆલાએ પોતાના નબી ઉપર તેના દીનની દા’વતના કામની જવાબદારી મૂકીને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને રિસાલતના માનવંતા હોદ્દા ઉપર આરૃઢ કર્યા. ગારે હિરામાં એકાંતવાસ દરમિયાન એક દિવસ પહેલી વહીનું ઉતરાણ થયું અને તે દિવસથી આપના દા’વતી કામનો આરંભ થયો. કેન્દ્રીય કંટ્રોલ સિસ્ટમથી કપાઈ જઈને બ્રહ્માંડમાં ભટકી ગયેલા ઉપગ્રહની જેમ માનવજાત પોતાના સર્જક અને પાલકથી સાવ વિમૂખતા અખ્તિયાર કરી ચૂકી હતી તેને ફરીથી સમગ્ર બ્રહ્માંડના કેન્દ્રીય કંટ્રોલના એકમાત્ર અધિકારી એવા અલ્લાહ તરફ વાળવાના આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પ્રયાસો કરી દીધા.

માનવજાત ઉપર અલ્લાહતઆલાની આ એક અસીમ કૃપા હતી જે માનવજીવનની દિશાહિનતાને નવેસરથી સીધી દિશા ચીંધીને તેની દશાને બદલી નાખનાર હતી. ર૪ વર્ષ સુધી એક લાંબી ચળવળ ચાલતી રહી. અનેક દુઃખો વેઠવા પડયા. ભયંકર સંઘર્ષોનો સામનો કરવો પડયો. આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને આપના માનવંતા સાથીઓ (સહાબા રદિ.) ઉપર મુસીબતોના પહાડ તોડવામાં આવ્યા. બેલગામ, મનસ્વી અને સ્વચ્છંદી તથા સ્વેચ્છાચારી જીવન જીવવાના રસિયાઓને અલ્લાહના રસૂલની આ દા’વતમાં પોતાની સરદારીઓ, પોતાની સત્તાઓ અને પોતાના લાભાલાભ ભયમાં મુકાયેલા દેખાવા લાગ્યા. માતેલા સાંઢ ભૂરાંટા થઈને જેમ ફાવે તેમ હડબંગ મચાવતા હોય ત્યારે તેમને નાથવા કોઈ પ્રયાસ કરે તે તેઓ સાંખી લે ખરા ? તોફાનો અને ઉત્પાતોની કોઈ હદ બાકી રહી નહીં. છતાં અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જરાય હિમ્મત હાર્યા નહીં. આપના સાથીઓ પણ અડગ બનીને માનવ સુધારણાના આ કામ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે ખભેખભા મિલાવીને કુરબાનીઓ આપતા રહ્યા. અંતે ર૩ વર્ષના સંઘર્ષ પછી અલ્લાહનો દીન એક શાનદાર જ્યોતિના રૃપમાં કાયમ થઈ ગયો.

માનવજાતને સંપૂર્ણ ભલાઈના માર્ગ તરફ આમંત્રણ (દા’વત) આપવાની શરૃઆત કરતાં સહુપ્રથમ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જે પાયાગત મુદ્દાને જબરજસ્ત આહ્વાના રૃપમાં ઉઠાવ્યો તે એ હતો કે હે માનવીઓ, તમારા સર્જનહાર અને પાલનહાર એવા અલ્લાહને અને તેના આધિપત્યને તથા તેની શક્તિઓને ઓળખો. તેનાથી દૂર ન ભાગો, તેનું શરણ સ્વીકારો. તેનાથી સંબંધ વિચ્છેદ કરી લઈને તમારા અસ્તિત્વ સુદ્ધાંને ભયમાં મૂકી દેતી મનેચ્છા આધારિત જાતજાતની બેલગામ વ્યવસ્થાઓ ઘડી લેવાથી અટકો, જીવનને અનુશાસિત બનાવતા શીખો. માનવીય જીવનની વાસ્તવિકતા અને તેના મૂલ્યોને સમજો. તમો સહુ પોતે પણ આખરે એક સર્જન માત્ર જ છો. અને પ્રત્યેક સર્જન માટે એ જરૂરી છે કે તે પોતાના સર્જકની તાબેદારી સ્વીકારે અને તેણે અર્પિત કરેલા ધારાધોરણો પ્રમાણે જીવન વ્યતીત કરે. સર્જન પોતાના સર્જનહારથી સંબંધ-વિચ્છેદ કરીને કયારેય સુરક્ષિત નહીં રહી શકે. એ હકીકત નિર્વિવાદ છે. લગામ તોડાવીને માલિકના હાથમાંથી ભાગી છૂટેલો ઘોડો જેમ બહાવરો બનીને ખતરનાક રૃપ ધારણ કરી આડધેડ દોડતો જઈ આખરે પોતાની જાતને ખાડામાં નાખી દે છે તેમ તમારી જાતને ખાડામાં પડવાથી બચાવો. સર્જનહારથી દૂર ભાગીને, તેના અસ્તિત્વનો ઇન્કાર કરવાની વિદ્રોહિતા અપનાવીને તમને મુસીબતો, ઉપાધિઓ અને અસહ્ય દુઃખો સિવાય કંઈ જ પ્રાપ્ત થવાનું નથી. વળી તમે ધારો છો તેમ આ જીવન એટલું મર્યાદિત નથી. બલ્કે અનંત જીવનનો એ તો એક અલ્પમાત્ર ભાગ છે. આ જીવનની સમાપ્તિ પછી એક નિશ્ચિત અને નિર્ધારિત સમયે તે ફેંસલાનો દિવસ કાયમ થવાનો છે જેમાં તમારા જીવન વ્યવહારોની તમામે તમામ ગતિવિધિઓનો હિસાબ લેવામાં આવશે. તમારી વફાદારીઓ અને બેવફાઈના લેખાં-જોખાં કરવામાં આવશે અને તેના આધાર ઉપર એ પછીના અનંત જીવન માટે તમારૃં સ્થાન નક્કી કરવામાં આવશે. અલ્લાહથી વિમુખતા અને વિદ્રોહ એ તમારા આ અલ્પ જીવનને પણ કડવું ઝેર જેવું બનાવી દેશે અને એ પછી આવનારા અનંત જીવન- જેને તમારી આંખો આજે જોઈ શકતી નથી-ની યાતનાઓ તો એથી પણ વધુ ભયાનક હશે. માટે ભલા થઈને, તમારા હિત-અહિતનો વિચાર કરીને, શાણપણ દાખવીને તમારી જાતને તે કેન્દ્રીય શક્તિ (અલ્લાહ)ને આધીન બનાવો. તમારી જાતને તેના અનુશાસનમાં જોતરો અને તમારા તમામે તમામ જીવન વ્યવહારોમાં તેના આદેશોને લાગુ કરો. આ જ એક ઉચિત માર્ગ છે જેને ગ્રહણ કરવાથી તમો દુન્યવી જીવનમાં પણ સુખચેન પામશો અને આખિરતના અનંત જીવનમાં પણ તેના મીઠા ફળો તમને આરોગવા મળશે. ઘમંડ અને અભિમાનમાં તમારી હદ-મર્યાદાથી વધી જઈને એ વાસ્તવિકતાનો ઇન્કાર ન કરો. તે સર્જનહાર અને પાલનહાર તરફ પાછા ફરો જે તમને અતિપ્રિય રાખે છે અને તમારા ઉપર પોતાની અસંખ્ય કૃપાઓ વિસરાવવા તૈયાર છે.

બસ આ જ તે મુખ્ય સંદેશ છે જે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની દા’વતનો પાયાગત મુદ્દો છે અને એના ઉપર જ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના મિશન અને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પ્રબોધેલ ઇસ્લામી વ્યવસ્થાના તમામે તમામ પાસાઓની આધાર-શિલાઓ રચાઈ છે. અલ્લાહથી ભાગી છૂટીને માનવજાતે હાથે કરી ખૂબ યાતનાઓ વેઠી છે અને આજે એકવીસમી સદીમાં એ દુઃખો અને મુસીબતોનો વ્યાપ એની ચરમસીમાએ પહોંચી ગયો છે. એના અત્યંત વરવા અને હૃદયદ્રાવક દૃશ્યો આપણે આપણી નજરોએ જોઈ રહ્યા છીએ. આપણી જાતને આપણા સર્જકને હવાલે અને આધીન કાર્ય સિવાય આપણા માટે મુક્તિનો અન્ય કોઈ માર્ગ નથી.

જગત ઉપર રેહમત બનીને પધારેલા અલ્લાહના અંતિમ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો જન્મ દિવસ આ વર્ષ ઈ.સ.ર૦૧૧ના ફેબ્રુઆરીની ૧૬ તારીખે આવે છે ત્યારે આપણે તેમના સંદેશને ઝીલીએ, ભૂલ્યા હોઈએ તો તેને ફરીથી રિન્યુ કરીએ અને આપણા સર્જનહાર તરફ પાછા ફરીએ. એમાં જ આપણું શ્રેય અને આપણા જીવનની ફલશ્રુતી છે.*

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments