Sunday, September 8, 2024
Homeઓપન સ્પેસઅલ્લાહના રાહમાં તમામ ચીજ કુર્બાન છે

અલ્લાહના રાહમાં તમામ ચીજ કુર્બાન છે

વિખ્યાત સીરત લેખક ઇબ્ને ઇસ્હાકે ઉમ્મુલ મુઅમિનીન હઝરત ઉમ્મે સલમા રદિ.થી વર્ણન કર્યું છે કે જ્યારે અબૂ સલમા રદિ. મક્કાથી નીકળી જવાની તૈયારી કરી લીધી અને પોતાનું ઊંટ તૈયાર કર્યું તો મને તેના ઉપર બેસાડી દીધી અને મારા હાથમાં અમારા દીકરા સલમાને મારા ખોળામાં ગોઠવી દીધો. પછી ઊંટની દોરી પકડીને ચાલી નીકળ્યા. રસ્તામાં ઉમ્મે સલમાના પિયરવાળા બની મુગીરા કબીલાના લોકોએ તેમને જોયા તો રસ્તો રોકીને ઊભા રહ્યા અને કહ્યુંઃ “તમારા ઉપર તો તમારી મનેચ્છાએ ખરેખર કબજો જમાવી દીધો છે પણ તમે તમારી પત્ની વિષે શું વિચાર્યું છે? કયા આધારે અમે તેને તમારા સાથે અહીં તહીં ભટકવા માટે છોડી દઈએ? તમારા ખાવાના-રહેવાના કંઈ ઠેકાણા સુદ્ધાં છે?” પછી આ લોકોએ ઊંટની દોરી હઝરત અબૂ સલમા રદિ.ના હાથમાંથી છીનવી લીધી અને મને ઊંટની નીચે ઉતારી લીધી. હવે આ વાત ઉપર અબૂ સલમાના પરિવાર બનૂ અસદને ખૂબ ગુસ્સો આવ્યો. અને તેમણે કહ્યું ઃ “અમે અમારા પૌત્રને આ સ્ત્રી પાસે છોડી શકતા નથી.” હઝરત ઉમ્મે સલમા ફરમાવે છે કે તેઓએ મારાથી મારો દીકરો લઈ લીધો અને આ ખેંચતાણમાં તેનો હાથ પણ ઊતરી ગયો. બાળકને બનૂ અસદવાળા લઈ ગયા અને મારા કબીલા બનૂમુગીરાએ મને કેદ કરી દીધી અને મારા પતિ અબૂ સલમા અત્યંત નિરાશા સાથે નાસીપાસ થઈને એકલા મદીના તરફ ચાલી નીકળ્યા. આ રીતે ઇસ્લામના આ વિરોધીઓને બીજું કંઈ ન સૂઝયું તો જરાપણ દયા દાખવ્યા વગર અમો ત્રણ પતિ-પત્ની અને દીકરાને એક બીજાથી વિખૂટા પાડી દીધા.

લગભગ એક વર્ષ સુધી હું દરરોજ સવારે તે જગ્યાએ જઈને બેસી જતી જ્યાં અમને ત્રણને વિખૂટા પાડી દેવામાં આવ્યા હતા. અને સાંજ સુધી ત્યાં જ બેસીને રોતી રહેતી. એક દિવસે મારા ખાનદાનના એક ભાઈ ત્યાંથી નીકળ્યા. મને રોતી જોઈ તો તેમને દયા આવી ગઈ. તેમણે જઈને અમારા કબીલા બની મુગીરાથી કહ્યું ઃ તમે આ બિચારીને જવા કેમ દેતા નથી, તમે લોકોએ તેનાથી તેનો પતિ અને દીકરો તો જુદો કરી નાંખ્યા હવે તો રહેમ કરો… તે પછી મારા ખાનદાન વાળાઓએ મને કહ્યું, જો તૂં તારા પતિ પાસે જવા માંગે જ છે તો જતી રહે… બનૂ અસદવાળાઓએ પણ મારો દીકરો મને પાછો આપી દીધો. હું ઊંટ પર સવાર થઈ અને મારા દીકરાને મારા ખોળામાં બેસાડીને પોતાના પતિ પાસે મદીના જવા રવાના થઈ ગઈ. હઝરત ઉમ્મે સલમા રદિ. ફરમાવે છે કે, “આ અત્યંત કઠીન સફરમાં મારી સાથે મારો અલાહ અને મારા દીકરા સિવાય કોઈ જ ન હતું.”    (યે ઝાદા જિસે દેખ કે જી કરતા હૈ – ક્યા મુસાફિર થે જો ઇસ રહગુઝર સે ગુઝરે) – (મક્કાથી મદીના ૩૫૦ કિ.મિ.થી અને ઊંટ પર એકલા પ્રવાસ અને એ પણ સ્ત્રી!)

આ પણ એક ચિત્ર છે જે અત્યંત સન્માનપાત્ર સહાબિયા અને પાછળથી ઉમ્મતની માનું બિરુદ્ધ પામનાર હઝરત ઉમ્મે સલમા રદિ.એ રજૂ કર્યું છે. તેમના પતિ અબ્દુલ્લાહ બિન અબ્દુલઅસદ બિન મુગીરા અલ્લાહના રસૂલ સ.અ.વ.ના ફૂઈના દીકરા હતા. આ એ લોકોમાંથી છે જેમણે પ્રારંભમાં જ ઇસ્લામ સ્વીકારી લીધો હતો. જ્યારે પતિએ સ્વીકાર્યો તો પત્નીએ પણ સ્વીકારી લીધો. આ મુસ્લિમ પરિવાર પણ મક્કાના બીજા પરિવારોની જેમ સખત યાતનામાંથી પસાર થયો. ઇસ્લામ સ્વીકારવાના કારણે જાતજાતની મુસીબતો વેઠવી પડી અને મક્કાના કુરૈશે દરેક પ્રકારના પ્રયત્નો કરી જોયા કે તેમને તેમના દીનથી ફેરવીને પાછા લઈ જાય. જ્યારે અલ્લાહના રસૂલ સ.અ.વ.એ હબ્શા (ઇથોપિયા) તરફ હિજરત કરવાનો આદેશ આપ્યો તો ઉમ્મે સલમા અને તેમના પતિ પણ હિજરત કરી ગયા. ત્યાં હબ્શામાં જ તેમના દીકરા સલમાનનો જન્મ થયો.

હબ્શામાં ગયેલી મુહાજિરો – નિરાશ્રિતો પાસે થોડા સમય પછી સમાચાર પહોંચ્યા કે મક્કાના લોકોએ ઇસ્લામ સ્વીકારી લીધો છે અને કુરૈશના મોટાભાગના લોકો ઇસ્લામમાં દાખલ થઈ ગયા છે તો અબૂ સલમાનો પરિવાર પણ બીવીઓના સાથે મક્કા પાછો આવી ગયો. અહીં આવીને ખબર પડી કે તે સમાચાર તો તદ્દન ખોટા હતા અને કુરૈશના જુલ્મો તો અગાઉ કરતાં પણ વધી ગયા છે. કા’બાની દીવાલ ઉપર એ ઘોષણા લખીને લટકાવી દેવામાં આવી છે કે બની હાશિમ (અલ્લાહના રસૂલ સ.અ.વ.નું પરિવાર)માંથી જે લોકો મુહમ્મદ સ.અ.વ. સાથે થઈ ગયા છે તેમના સાથે કોઈ પણ પ્રકારનો વહેવાર કરવામાં નહીં આવે એટલે કે સામાજિક બહિષ્કાર… આમ આ પરિવાર અને તેના સાથે ઈમાન લાવનારા તમામના ઉપર આર્થિક પ્રતિબંધ લાદવામાં આવ્યો અને તેમને ૩ વર્ષો સુધી અબૂ તાલિબની ખીણમાં ઘેરાઈ રહેવા વિવશ કરવામાં આવ્યા. હબ્શાની હિજરતથી પાછા આવીને હઝરત અબૂ સલમા પોતાના મામા અબૂ તાલિબના શરણમાં પોતાની પત્ની-દીકરા સાથે રહેવા લાગ્યા. આ દરમ્યાન ખૂબ જ સંકટો અને યાતનાઓ વેઠવી પડી. આ સિલસિલો અલ્લાહના રસૂલ સ.અ.વ.નો મદીનાવાસીઓ સાથે ઉકબાની સંધિ સુધી ચાલતો રહ્યો. તે પછી તેમને મદીના હિજરત કરી જવાની પરવાનગી મળી. અબૂ સલમા અને ઉમ્મે સલમા સૌથી પ્રથમ હિજરત માટે તૈયાર થઈ નીકળ્યા પણ મકકાના મુશ્રિકો તેમની તાકમાં જ બેસ્યા હતા. અને તેમના પરિવારોને કહી દેવામાં આવ્યું કે તેમને જતા રોકી દે. પરિણામે બાપ-દીકરો-મા ત્રણેને એકબીજાથી વિખૂટા પાડી દેવામાં આવ્યા અને આ મજબૂર સ્ત્રીને પોતાના જ પરિવારે કેદ કરી દીધી અને નાના બાળકને માથી દૂર કરી દીધી. માણસ જ્યારે પોતાની હઠધર્મી પર આવી જાય છે તો કઈ કક્ષાના અત્યાચારો કરવા પર ઊતરી આવે છે તે આ કિસ્સામાં તાદૃશ્ય થાય છે.

પરંતુ આ તમામ મુસીબતો છતાં હઝરત ઉમ્મે સલમા ઉચ્ચતાના પર્વતની જેમ અડીખમ રહ્યા. જરાપણ ડગ્યા નહીં અને આ તમામ યાતનાઓ તથા સંકટો અલ્લાહના રાહમાં સહન કરી.

આ બનાવમાં ઇસ્લામની મહાન દાઈ-ઉદ્ઘોષક હઝરત ઉલ્મે સલમા રદિ.એ મુસલમાન બહેનો માટે એક મોટો સબક રજૂ કર્યો છે જેનો ખુલાસો આ છે ઃ

જમીન-દેશ-સંતાન, પતિ, સગાં-વ્હાલા અને પરિવારજનોથી ગમે તેટલો ગાઢ સંબંધ હોય, જ્યારે એક મો’મિન આમંત્રકને ઈમાન અને અકીદાની કસોટીમાં પારખવામાં આવે છે તો તે સર્વસ્વ છોડી દઈને, ફગાવી દઈને અલ્લાહના રાહમાં તમામ ચીજ કુર્બાન કરી દે છે. ***

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments