‘મુસ્લિમ થઈને ચાણક્યપુરી વિસ્તારમાં ધંધો કરે છે’ કહીને રિક્ષા ડ્રાઈવરને અસામાજિક તત્ત્વએ લોખંડની પાઈપ મારતા સદ્નસીબે ડ્રાઈવરનો બચાવ થયો હતો. પરંતુ રિક્ષાના મીટર ઉપર પાઈપ વાગતા મીટર તૂટી ગયું હતું. સમગ્ર ઘટનાને પગલે રિક્ષા ડ્રાઈવરે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે. શહેરના કારંજ વિસ્તારમાં આવેલી બિસ્કીટ ગલીમાં રહેતા મહંમદ આરીફ કાલુભાઈ કુરેશી રિક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે. ત્યારે મંગળવારે સવારે આરીફ કુરેશી ઘીકાંટાથી એક પેસેન્જરને રિક્ષામાં બેસાડીને ચાંદલોડિયા રેલવે સ્ટેશને ગયા હતા. ત્યાં પેસેન્જરને ઉતારીને ઘાટલોડિયા તરફથી ચાણક્યપુરી બ્રિજના છેડેથી જતા હતા. ત્યારે એક પેસેન્જરે તેમને દિલ્હી દરવાજા જવાનું કહેતા તેમણે રિક્ષા ઉભી રાખી હતી. ત્યારે પેસેન્જર રિક્ષામાં બેસી ગયું એટલે એક અજાણ્યો શખ્સ ત્યાં આવીને કહેવા લાગ્યો કે એ મિયાં તું અહીથી પેસેન્જર કેમ લે છે જેથી આરીફે તેને જણાવેલું કે પેસેન્જર હાથ બતાવે તો રિક્ષા રોકુ નહીં. તેમ હેતા તે શખ્સે એકદમ તેની ઉપર ઉશ્કેરાઈ જઈ બિભત્સ ગાળો બોલી એકદમ દોડી કયાંકથી લોખંડની પાઈપ લઈ આવી મારવા ગયો હતો ત્યારે રિક્ષા ચાલુ હોવાથી ભાગવા જતા પાઈપ રિક્ષાના મીટર ઉપર વાગતા તે તૂટી જતા નુકસાન થયું હતું. અજાણ્યા શખ્સે ત્યારબાદ રિક્ષા પાછળ દોડી રિક્ષાના હુડ ઉપર પાઈપ મારી દીધી હતી ત્યારબાદ આરીફે રિક્ષા લઈ તે પેસેન્જરને શાહપુર લાવીને ઉતારી દીધા હતા.
ત્યારબાદ આરીફે અલ્પસંખ્યક અધિકાર મંચના શમશાદખાન પઠાણ, ઇમ્તિયાઝખાન પઠાણ, એઝાઝ અન્સારી, મોઈન બુખારી, આશિફ શેખ, આસિમ શેખ, અહમદ મનસુરી, એપીસીઆરના ઈકરામ મિર્ઝા સાથે મળીને સમગ્ર મામલે પોલીસ કમિશનરની કચેરી ખાતે જઈને કંટ્રોલરૂમના પોલીસ અધિકારીને રજૂઆત કરી હતી. ત્યાર બાદ તેમણે સમગ્ર ઘટનાની ગંભીરતાને જાતા બનાવ બન્યો હતો તે સોલા હાઈકોર્ટ પોલીસને જાણ કરીને પોલીસ ફરિયાદ નોંધવા કહ્યું હતું. ત્યારબાદ આરીફ કુરેશીએ સમગ્ર મામલે હુમલો કરનારા અજાણ્યા શખ્સ વિરૂદ્ધ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે ફરિયાદના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રિક્ષા ડ્રાઈવરને ફરિયાદ કરવા મામલે મુસ્લિમ અગ્રણીઓએ દોડધામ કરતાં અંતે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
સાભારઃ ગુજરાત ટુડે દૈનિક